ગઢડા મઘ્ય ૨૮ : જીવનદોરીનું દયાળુ-પ્રકૃતિનું
સંવત્ ૧૮૭૯ ના ફાગણ શુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી,અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ભાગવત જેવો કોઇ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવત તો સારૂં જ છે, પણ સ્કંદ પુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે, તે જેવો કોઇ ગ્રંથ જ નથી. કાંજે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તથા અહિંસાપણું એમનું અતિશે પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકી રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશે હિંસાનું પ્રતિપાદન કર્યું છે, અને રધુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રધુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરૂં. પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે-; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો તો અતિ વહાલાં હતાં પણ તત્કાળ ત્યાગ કરી દીધો” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદસ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશે દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરૂષ માત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઇ પુરૂષ નથી અને સીતાજી ને દ્રૌપદી એવી કોઇ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે, અને હરિભક્તનું ધસાતું જો કોઇ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ધણો ઇચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવાચાકરી કરે તે ઉપર તો અમારે અતિશે રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉ અને થોડીક વાતમાં રાજી પણ ન થઉ.’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉ છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે. પણ કોઇના કહ્યા સાંભળ્યા થકી કોઇની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઇ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘ જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય, તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભકિત કરૂં છું,’ એજ મારે વિષે મોટો ગુણ છે, અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઇ જાતની મોટપ શોભે નહી.
“અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશે મોટા હતા તોપણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એજ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઇ મનમાં શોક ન થાય, અને ભગવાનની પાસે રહેતા હોઇએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારૂં નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એજ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમજ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડયો જાણવો. અને જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઇને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી. ને ભગવાનના ભક્ત ઉપર ઇર્ષા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારૂં જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્વય છે તેમ જ તમારે પણ નિશ્વય કરવો.” પછી મુકતાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એજ નિશ્વય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનંતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,”આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે, તો વેદ, શાસ્ત્ર,પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દ માત્ર છે, તે સર્વનું શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે, ને સારનું પણ સારછે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે, ને હવે જે જે પામશે, ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે. તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૨૮|| ૧૬૧ ||