ગઢડા મઘ્ય ૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:26am

ગઢડા મઘ્ય ૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું

સંવત્ ૧૮૮૦ ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઇને માણસાઇએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે; અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુ:ખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુકતાનંદસ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં, દુધ, ગળ્‍યું, ચીકણું કાંઇ ખાવા દેતો નથી, તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, આ રોગે સારૂં સારૂં ખાવાપીવાનું સર્વે ખંડન કરી નાખ્‍યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઇક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે. શા માટે જે શિશ્ર્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસકિત છે, એ જ અસત્‍પુરૂષપણું છે, તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્‍પુરૂષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્‍યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુ:ખાઇ જવું નહિ. અને જે ખાધાપીધાની લાલચે કે લુગડાંની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઇ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો, ને કુતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતાં વિમુખ થાય.

અને વળી સંતને કોઇ સારૂં પદાર્થ આપે તેમાં જે ઇર્ષ્યા કરે, તથા જે પંચ વિષયનો લાલચી હોય, એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્‍યો ન જોઇએ, કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે,  તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્‍યારે બીજું ટાળ્‍યાનું ઠેકાણું કયાં મળશે ? અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્‍યા છે તો પણ હજી લગણ એ વિષયની તૃપ્‍તિ થઇ નથી. તો હવે ભગવાનના ભક્ત થઇને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ, જેમ પાતાળ સુધી પૃથ્‍વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે કયારેય ભરાય નહી. ‘તેમ ઇન્‍દ્રિયો છે તેને કયારેય વિષય થકી તૃપ્‍તિ થઇ નથી ને થશે પણ નહિ.’ માટે હવે તો વિષયની આસકિતનો ત્‍યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહિ. તે મુકતાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, ‘શુળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે.’ માટે આવો અવસર પામીને તો અશુભવાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સહિત મરવું નહિ. અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઇને ભગવાનની ભકિત કરવી છે.’ એવી વાસના રાખવી અને એમ કરતાં થકાં જો બ્રહ્મલોકમાં કે ઇન્‍દ્રલોકમાં નિવાસ થઇ જશે તો પણ કાંઇ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહીધોઇને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું, તેમ શુભ વાસના રાખતાં રાખતાં બ્રહ્મલોકમાં કે ઇન્‍દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, માથાભર નરકના ખાડામાં પડયા છીએ. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્‍દ્રલોકના ભોગનો ત્‍યાગ કરીને ભગવાનના ધામમાં પુગવું, પણ વચમાં કયાંઇ ન રહેવું એમ નિશ્વય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્‍થ કરે છે અથવા ત્‍યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્‍મ્‍ય જાણ્‍યું જોઇએ; જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્‍મ્‍ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્‍મ્‍ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્‍થ અન્નવસ્‍ત્રે કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું માહાત્‍મ્‍ય સમજીને એમની વાતચિતે કરીને ચાકરી કરવી, એમ અરસપરસ માહાત્‍મ્‍ય સમજીને હરિભક્તની સોબત રાખવી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૭|| ૧૮૦ ||