ગઢડા મઘ્ય ૪૬ : મરણદોરીનું – એકાંતિક ધર્મમાંથી પડયાનું
સંવત્ ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને ઝાંઝ મૃદંગ લઇને સંત કીર્તન ગાવતા હતા.
પછી કીર્તન ગાઇ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે જે સત્પુરૂષ હોય, તેને તો કોઇક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહિ, અને જ્યારે કોઇકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે, કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારૂંજ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૃદયમાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડયો જાણવો. અને તે જો ક્રોધે કરીને પડયો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડયો હોય તો યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે, ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય. તો પણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય. પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો, તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી પંચ મહાપાપે યુક્ત હોય અને જો ભગવાન ને ભગવાનના સંતને વિષે અવગુણ ન આવ્યો હોય, તો એનાં પાપ નાશ થઇ જાય, ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૪૬|| ૧૭૯ ||