ગઢડા મઘ્ય ૪૮ : “વંદુ”ના કીર્તનનું – સંતના મઘ્યમાં જન્મ ધરવાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:40am

ગઢડા મઘ્ય ૪૮ : “વંદુ”ના કીર્તનનું – સંતના મઘ્યમાં જન્મ ધરવાનું

સંવત્ ૧૮૮૦ના મહા વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને સાધુ પ્રેમાનંદસ્વામી ભગવાનના ઘ્‍યાનના અંગની ગરબીઓ જે, “વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ” એ ગાવતા હતા. પછી જ્યારે ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય, ને એવી વાસનાએ યુક્ત જો દેહ મુકે, તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડેજ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તોપણ એ પરમપદને પામ્‍યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવો જ એ પણ નિરન્નમુક્ત થઇ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્‍ય હોય એટલી સહેજે જ થાય છે, અને જેને ભગવાનના સ્‍વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને કાંઇ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડશે, તેને કોટિ કલ્‍પે દુ:ખનો અંત આવતો નથી; માટે આવો અવસર આવ્‍યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મુકીને એક ભગવાનના સ્‍વરૂપનું જ ચિંતવન કરવું.

અને જો ભગવાનના સ્‍વરૂપનું ચિંતવન થઇ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મઘ્‍યે પડી રહેવું અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, આ દેહને મુકીશું પછી કોઇ રીતનો જન્‍મ થવાનું નિમિત્ત તો નથી, તોપણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, ‘જન્‍મ ધર્યાનું કોઇક કારણ ઉત્‍પન્ન કરીને પણ સંતના મઘ્‍યમાં જન્‍મ ધરવો.’ એમજ ઇચ્‍છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરૂષે જન્‍મ ધર્યો તેનાં માબાપ પણ કૃતાર્થ થયાં જાણવાં અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે, તે તો અતિશય ભૂલ્‍યો જાણવો. અને સ્‍ત્રી પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રીવાસુદેવ ભગવાનનું સાક્ષાત્‍કાર દર્શન ને ચિંતવન તે તો અતિશે દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંત:કરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી, અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે. અને એ ભક્તને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય હોય તોપણ ભગવાન સંબંધી જ હોય, અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઇચ્‍છે, અને ત્‍વચા તે ભગવાનનો સ્‍પર્શ કરવા ઇચ્‍છે, અને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરવા ઇચ્‍છે, અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઇચ્‍છે, અને નાસિકા તે ભગવાનને ચઢયાં જે પુષ્પ તુલસી તેના સુગંધને ઇચ્‍છે, પણ પરમેશ્વર વિના અન્‍ય વસ્‍તુને સુખદાયી જાણે જ નહિ.  એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૮|| ૧૮૧ ||