છપૈયાપુરનો ગરબો - છપૈયા પુરનો મહિમા કહું તે સાંભળો (૧)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 11:45am
દોહા
મંગલમય ઘનશ્યામકો, ધામ છપૈયા ગામ;
જેહિ જાવે તહાં પ્રિતસે, હોવહી પૂરણ કામ. ૧
અડસઠ તીરથ સબ મિલિ, રહે તહાં કરી વાસ;
છપૈયાકી સીમ દેખીકે, જમ ગણ પામે ત્રાસ. ૨
ભવ બ્રહ્મા તેહિ સીમકી, ધુળિ ચડાવે માથે;
ધન્ય ધન્ય છપૈયા ધામકું, કહે યું બદ્રિનાથ ૩
 
પદ
રાગ ગરબો
છપૈયા પુરનો મહિમા કહું તે સાંભળો,
આપે આવ્યા અક્ષરવાસી ત્યાંય જો;
દેવ વજાવે દાડી જયાં દૂંદૂભિ,
ભવ બ્રહ્મા નારદ નાચી ગુણ ગાય જો. છપૈયા. ૧
ધર્મ ધુરંધર ધર્મ થકી ભક્તિ વિષે,
પ્રગટ્યા કલિમાં કરવા જનનાં કાજ જો;
મુક્તિનો મારગ બતાવ્યો વાલ્યમે,
ધારી દિલમાં દયા શ્રી મહારાજ જો. છપૈયા. ૨
મોટા બંધુ જેના રામપ્રતાપ છે,
છોટા બંધુ કહીએ ઈચ્છારામ જો;
વચોટવાસીરે અક્ષર ધામના,
જાણો તેનું નામ શ્રી ઘનશ્યામ જો. છપૈયા. ૩
ગોલોક ગામી રે ગોપીનાથજી,
બદ્રિકાશ્રમ શ્વેતદ્વિપના શ્યામ જો;
વૈકુંઠવાસી રે જેને કહાવીએ,
તે સૌ જાણો આપે શ્રી ઘનશ્યામ જો. છપૈયા. ૪
દ્વારિકા કાશીને ગોકુળ ગામ જે,
મથુરા વૃંદાવન જગન્નાથ જો;
અયોધ્યાપુરી ને પ્રાગરાજ જે,
તે સૌ નાવે છપૈયાની સાથ જો. છપૈયા. ૫
મંદિર મણિમય અદભૂત ઓપતું,
શિખર જેનાં અડ્યાં છે ગગન જો;
જરીની ધજાયું શિખરે ફરફરે,
નરનારી જોઈ થાય મન મગન જો. છપૈયા. ૬
સોપાન સમિપે સુંદર શોભતાં,
હાથણિયું ને હૈયા સરખી સાર જો;
બેઊ તે બાજુ પર રૂડા દેવ છે,
પ્રભુ માંહી પૂરણ તેને પ્યાર જો. છપૈયા. ૭
હનુમાનજી રહે છે હજુરમાં,
ગુરુ ગદા લઈને લાંબે હાથ જો;
ભોળાને ભવાની ભાનુ ગણપતિ,
રહ્યા રાજી કરવા દિનોનાથ જો. છપૈયા. ૮
મંડપ મણિમય સારો શોભતો,
બાંધી માંહી હાંડીઓની બહુ હાર જો;
ઝમરૂખ ઝળકે છે સોના સાંકળે,
દિપે દિવા મણિના અપાર જો. છપૈયા. ૯
શોભા તે મંદિરની મુખે શું કહું,
કેતાં પામે મન વાણી વિરામ જો;
એવા રૂડા દેવળમાં જે દેવ છે,
કહું તેના સુણો સરવે નામ જો. છપૈયા. ૧૦
ઊત્તરના મંદિરમાં રાધાકૃષ્ણ છે,
વળી વાસુદેવ વસે પાસ જો;
પ્રેમેશું પૂજે જઈ તેની પાદુકા,
પુરે તેના મનની સરવે આશ જો. છપૈયા. ૧૧
મધ્યનું મંદિર મનોહર માવનું,
શોભા તોની કહેતાં ન આવે પાર જો;
છડી લઈ કનકની કાજુ કરમાં,
બે બાજુપર ઉભા છે ચોપદાર જો. છપૈયા. ૧૨
સોનાનું સિંહાસન સુંદર શ્યામનું,
હિરા માણેક મોતીમાંહી જડેલ જો;
તરણિથી અધિકમાંહી તેજ છે,
તેના ઊપર રાજે છે અલબેલ જો. છપૈયા. ૧૩
માધુરી મનોહર મૂરતિ માવની,
હેતેથી હસે છે મુખે મંદ જો;
શોભા સારી જોઈ બેઊ શણગારની,
નરનારી સૌ પામે છે આનંદ જો. છપૈયા. ૧૪
જરકસી જામો ને માથે મોળિયું,
શુંથણલિ સોનેરી બુટાદાર જો;
ખભે સારું શેલું શોભે શ્યામને,
આભૂષણ પહેર્યાં છે અપાર જો. છપૈયા. ૧૫
કંઠમાં કંઠીને ઊર પર ઉતરી,
મોતિમાળા હૈયે ચંદન હાર જો;
કટિયે કંદોરો કુંડલ કાનમાં,
પાયે તોડા ઝાંઝરનો ઝમકાર જો. છપૈયા. ૧૬
પોંચી કડાં બાંયે બાજુ બાંધિયા,
લટકાળે લીધી છે છડી લાલ જો;
ગુલાબના ગજરા તોરા પાઘમાં,
કાજુ કરે રેશમી રુમાલ જો. છપૈયા. ૧૭
શ્યામની શોભાને હું શું વર્ણવું,
મુખડું જોઈને લાજે કોટિક કામ જો;
ભ્રકુટી ભાળીને ભૂલે ભામની,
એવા રૂડા રાજે શ્રીઘનશ્યામ જો. છપૈયા. ૧૮
ભક્તિ ને ધરમ દ્રઢ ભાવથી,
રહે સદા શ્યામને સંગાથ જો;
પ્રદ્યુમન મેલીને સરવે માનને,
ઊભા આગે જોડીને બે હાથ જો. છપૈયા. ૧૯
દક્ષિણના મંદિરમાં બલરામ ને રેવતી,
હેતે હરિકૃષ્ણ રહ્યા ત્યાંય જો;
એ આદિક મનોહર મૂરતિ દશને,
સંભારીને રાખો રૂદિયામાંય જો. છપૈયા. ૨૦
મંદિરને સમીપે સુંદર સર છે,
જાણો તેનું નારાયણસર નામ જો;
અડસઠ તીરથ આવીને તેમાં રહ્યાં,
જેના નિરમાં નાહ્યા શ્રી ઘનશ્યામ જો. છપૈયા. ૨૧
ગંગા બદુસર ગોદાવરી ગોમતી,
પ્રભાસ પુષ્કરજી રેવા ન્હાય જો;
છપૈયે ન્હાય નારાયણસરમાં,
તેને સર્વે તિરથનું ફળ થાય જો. છપૈયા. ૨૨
ઉંધે શીર રહીને તાપે તાપને,
ધામ ધરા ધન આપે દાન અપાર જો;
નારાયણસરમાં મારે એક ડૂબકી,
સાધન સરવે ન આવે તેની હાર જો. છપૈયા. ૨૩
ગયા જઈ સરાવે શત શ્રાદ્ધને,
વિધિ સહિત આપે પડદાન જો;
નારાયણસર શ્રાદ્ધ સરાવે એકને,
તેના તુલ્યે નાવે તે નિદાન જો. છપૈયા. ૨૪
અવતારના અવતારી સહજાનંદજી,
નાતા નિત્યે જેમાં વારંવાર જો;
સખાને સંગાથે જેમાં ખેલતા,
તેનો મહિમા શેષ ન પામે પાર જો. છપૈયા. ૨૫
છપૈયે જઈ જોયા જેણે શ્યામને,
જુગત્યેથી જમાડ્યા હરિજન જો;
ભાવેથી છપાવી છાપું ભુજમાં,
કર્યા તેણે કુળ એકોતેર પાવન જો. છપૈયા. ૨૬
ભૂત પ્રેત ભૈરવ ને રાહુ રાક્ષસ,
મૂઠ ચોટ જાદુને જમનો ત્રાસ જો;
છપૈયા જોવાથી સરવે જાય છે,
પંચ દિન ત્યાં રે’જો કરી વાસ જો. છપૈયા. ૨૭
છપૈયાનો મહિમા તે હું શું કહું,
ભવ બ્રહ્મા શુક શારદ નારદ ગાય જો;
પ્રેમ કરી જે જાય છપૈયાપુરમાં,
કરજોડી હું લાગું તેને પાય જો. છપૈયા. ૨૮
પ્રિત કરીને જે જન શિખે સાંભળે,
ગાશે ગરબો કરીને બહુ પ્યાર જો;
દાસ બદ્રિનાથ કહે તે જનને,
સે’જે આવે ભવસાગરનો પાર જો. છપૈયા. ૨૯
Facebook Comments