હરિકૃષ્ણ કૃપા કરી ઉરમાં રે , થયા પ્રગટ છપૈયા પુરમાં રે (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:44pm
 રાગ ગરબી 
પદ - ૧
હરિકૃષ્ણ કૃપા કરી ઉરમાં રે ,
થયા પ્રગટ છપૈયા પુરમાં રે. હરિકૃષ્ણ. ટેક.
વાલે જન્મ ધર્યો ધર્મ ધામમાં રે,
થયો આનંદ છપૈયા ગામમાં રે. હરિકૃષ્ણ. ૧
ભવ બ્રહ્માદિ દર્શને આવીયા રે ,
કરી પુષ્પની વૃષ્ટિએ વધાવીયા રે. હરિકૃષ્ણ. ૨
દેવ દુંદુભી નગારાં ગડગડે રે ,
વેદ વંદના કરી પાવમાં પડે રે. હરિકૃષ્ણ. ૩
વળી વાજાં વાગે બહુ બારણે રે,
દાસ બદ્રિનાથ જાય વારણે રે. હરિકૃષ્ણ. ૪
 
પદ - ૨
બાલ લીલા કરે છે બહુ ભાતની રે,
જોઈ રાજી થાય ઘણું માતની રે. બાલ.
કાલું બોલી માગે છે દહીં દૂધને રે,
કરે સખા સંગાથે મલ્લ યુદ્ધને રે. બાલ. ૧
વળી જાંબુડે ગયા જાંબુ જમવા રે,
મોટો દૈત્ય હતો તેને દમવા રે. બાલ. ૨
મહા મલ્લ જાંબુડેથી પાડીયો રે,
તેનો ખભો ખેંચીને ઊખાડીયો રે. બાલ. ૩
કલા કરી કાલીદત્ત મારીયો રે,
દાસ બદ્રિનાથને ઊદ્ધારીયો રે. બાલ. ૪
 
પદ - ૩
વારી જાઉં રે નારાયણ સરને રે,
બહુ તાર્યા પાપી નારીનરને રે. વારી.
શેષ શારદ નારદ જેને ગાય છે રે,
તેહ પ્રગટ પ્રભુ જેમાં નાય છે રે. વારી. ૧
સર્વે તીરથ વસ્યાં તેના તીરમાં રે,
ઘનશ્યામ નાહ્યા જેના નિરમાં રે. વારી. ૨
વારે વારે વાલો તેમાં નાય છે રે,
દેવ દુંદુભી વજાવી ગુણ ગાય છે રે. વારી. ૩
બાલ લીલામાં રહે સહુ મોહીને રે,
દાસ બદ્રિનાથ જીવે જોઈને રે. વારી. ૪
 
પદ - ૪
વાલો ગૌ ઘાટે જાય ગાયું ચારવા રે,
કૈક પાપી પતિતને ઊદ્ધારવા રે. વાલો.
સખા સર્વે મળીને જાય સંગમાં રે,
ધેનું ચારે અતિ ઊમંગમાં રે. વાલો. ૧
વાલો ગાયું ચારે ને ગાય ગીતને રે,
સુણે બ્રહ્માદિ દેવ દઈ ચિત્તને રે. વાલો. ૨
નીર નદીનું નિરમલ જોઈને રે,
તેમાં નાતા નિઃશંક અતિ હોઈને રે. વાલો. ૩
વળી સખા સંગાથે નિત્ય નાય છે રે,
દાસ બદ્રિનાથ વારી જાય છે રે. વાલો. ૪
Facebook Comments