૩૭. રામાનંદસ્વામીને આત્માનંદસ્વામી પાસેથી યોગ સમાધિ પ્રાપ્ત થઇ. પરંતુ નિરાકારવાદી હોવાથી છોડી

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:15pm

પૂર્વછાયો-

સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત ।

મોટા યોગીને માન્યા જેવા, મુનિ આત્માનંદ વિખ્યાત ।।૧।।

આઠ પહોર નવ ઉતરે, જેને સમાધિ સુખરૂપ ।

બ્રહ્મ સંગાથે એકતા, કર્યો નિજ આત્મા અનૂપ ।।૨।।

બહુ કાળ તન રાખવું, વળી તરત તજવું દેહ ।

નિજગુરૂ પરતાપથી, આપે થયા સ્વતંત્ર જેહ ।।૩।।

પોતાની કૃપાયે કરી, યોગસિદ્ધિને પામ્યા શિષ્ય ।

તેને સમૂહે વિંટ્યા સ્વામી, આત્માનંદ મુનીશ ।।૪।।

ચોપાઇ-

તેને પાસે આવી નિરધાર રે, કર્યો ઉદ્ધવે નમસ્કાર રે ।

અતિ પ્રતાપી પ્રસિદ્ધ જેહ રે, આત્માનંદ મુનિ છે તેહ રે ।।૫।।

તેને નમી ઉદ્ધવ નિરધાર રે, રહ્યા માસ અદ્રિ મોઝાર રે ।

જોઇ આત્માનંદની રીત રે, ર્વિણયે વિચારિયું ચિત્ત રે ।।૬।।

આને સમાધિમાંહિ શ્રીકૃષ્ણ રે, દેતા હશે તે નિશ્ચે દર્શન રે ।

એમ કરી ઉદ્ધવ વિચાર રે, કર્યો કર જોડી નમસ્કાર રે ।।૭।।

કરી પ્રાર્થના બોલ્યા આપ રે, સુણો સ્વામી હરણ સંતાપ રે ।

જેહ સાક્ષાત્કાર શ્રીકૃષ્ણ રે, તેનાં ઇચ્છું છું કરવા દર્શન રે ।।૮।।

તેની સિદ્ધિ સારૂં જે સાધન રે, કહો કૃપા કરી મુનિજન રે ।

ત્યારે બોલ્યા શ્રી આત્માનંદ રે, યોગ સાધતાં થાશે આનંદ રે ।।૯।।

હશે ગમતું તમારૂં જેહ રે, થાશે સવેર્સિદ્ધ જાણો તેહ રે ।

એવું સુણી ઉદ્ધવ વચન રે, અતિહર્ષ પામિયા મન રે ।।૧૦।।

વળી જાણીને મોટા યોગીશ રે, યોગ સાધ્યા સારૂં થયા શિષ્ય રે ।

કરી વિનંતિ લાગ્યા છે પાય રે, ત્યારે એમ બોલ્યા ગુરૂરાય રે ।।૧૧।।

સુણો વાત તમે ર્વિણઇન્દ રે, નામ તમારૂં શ્રીરામાનંદ રે ।

પછી યોગ જે અંગે સહિત રે, તે શિખવ્યો કરી બહુ પ્રીત રે ।।૧૨।।

સુણી વર્ણી ઉદ્ધવ દયાળ રે, થયા સિદ્ધ પોતે થોડે કાળ રે ।

નિજગુરુસમ બ્રહ્મમાંય રે, પામ્યા એકપણું આત્મામાંય રે ।।૧૩।।

પછી રામાનંદ સ્વામી જેહ રે, દિઠું અખંડ બ્રહ્મતેજ તેહ રે।

દિશોદિશમાંહિ એકરસ રે, દેખે સમાધીમાં અહોનિશ રે ।।૧૪।।

પણ તે તેજમાં શ્રીકૃષ્ણ રે, તેનું પામ્યા નહિ દરશન રે ।

ત્યારે ન પામ્યા સંતોષપણું રે, થયા ઉદ્ધવ વ્યાકુળ ઘણું રે ।।૧૫।।

પછી ગુરુ આગે જોડી હાથ રે, કહે કરી કૃપા તમે નાથ રે ।

પામ્યો સમાધિનું સિદ્ધપણું રે, દેખું કૈવલ્ય બ્રહ્મતેજ ઘણું રે ।।૧૬।।

તેતો નિરાકાર નિરાધાર રે, મારે અભીષ્ટ કૃષ્ણ સાકાર રે ।

તેને નથી દેખતો હું નાથ રે, તેણે માનુછું મને અનાથ રે ।।૧૭।।

રાધિકાના પતિ જે શ્રીકૃષ્ણ રે, તેતો અદિઠે ઉદ્વેગ મન રે ।

કહે ગુરૂ સુણો બ્રહ્મચાર રે, કૃષ્ણ તેજોમય નિરાકાર રે ।।૧૮।।

જેજે આકાર તે માયિક રે, નિરાકાર અખંડ છે એક રે ।

એવી સાંભળી ગુરુની વાણ રે, પામ્યા મૂરછા વર્ણી સુજાણ રે।।૧૯।।

પડ્યા ભૂમિએ થઇ નિરાશ રે, ઘડી બે પછી આવિયો શ્વાસ રે ।

પછી રૂદન કર્યું અપાર રે, સુણી શ્રીકૃષ્ણને નિરાકાર રે ।।૨૦।।

કહ્યો શ્રીકૃષ્ણનો આકાર ખોટો રે, આવ્યો તેણે અવગુણ મોટો રે ।

પછી ગુરૂને ત્યાગી તે વાર રે, ત્યાંથી ચાલ્યા કરી નિરધાર રે ।।૨૧।।

ગુરૂએ વાર્યા પણ ન રહ્યા રે, રામાનુજની ગાદીએ ગયા રે ।

નિરખ્યા શ્રીરંગજીને હુલાશે રે, રહ્યા વિષ્ણુકાંચીમાંહિ વાસે રે ।।૨૨।।

કરે સ્મરણ શ્રીકૃષ્ણતણું રે, વહાલું લાગ્યું ત્યાં વસવું ઘણું રે ।

નાય નિર્મળ જળમાં નિત્યે રે, કરે નિત્યવિધિ પોતે પ્રીત્યે રે ।।૨૩।।

નિરખે શ્રીરંગને ભાવ ભરી રે, કરે પ્રક્રમા મંદિર ફરી રે ।

પોર પાછલો રહે જયારે દન રે, સુણે ગીતાભાષ્ય દઇ મન રે ।।૨૪।।

વાંચે શ્રીવૈષ્ણવ નિત્યે વળી રે, થાય મગન ગ્રંથ સાંભળી રે ।

પ્રપન્નામૃત ગ્રંથને પ્રીત્યે રે, સુણે એક ચિત્ત દઇ નિત્યે રે ।।૨૫।।

જેમાં રામાનુજનાં ચરિત્ર રે, અતિ પરમ પાવન પવિત્ર રે ।

સુણ્યું સર્વે તે શ્રવણ દઇ રે, અથઇતિ પર્યંત તે લઇ રે ।।૨૬।।

તેમાં આવી એવી વાત ઘણી રે, મોટપ્ય શ્રી રામાનુજતણિ રે ।

પછી મનમાં કર્યો વિચાર રે, રામાનુજ તો મોટા અપાર રે ।।૨૭।।

વળી છોટા મોટા ગ્રંથ એના રે, સુણ્યા ઉદ્ધવે આદરે તેના રે ।

એમ સદ્ગ્રંથ સાંભળતાં રે, માસ બેઉ ત્યાં વર્ણીને વિત્યા રે ।।૨૮।।

કર્યું મનન સુણી એ ગ્રંથ રે, જાણ્યા રામાનુજ તે સમર્થ રે ।

નિશ્ચે ભક્ત મોટા એ નિદાન રે, એકાંતિક ઇંદિરા સમાન રે ।।૨૯।।

દિવ્ય દેહે રહેતા હશે આંઇ રે, મને જણાય છે મન માંઇ રે ।

એના અનન્ય ભક્ત હશે જેહ રે, તેને દેખતા હશે તેહ રે ।।૩૦।।

વળી શ્રીકૃષ્ણ જે ભગવાન રે, હશે એને વશ એ નિદાન રે ।

એમ નિશ્ચય કરી વર્ણીરાય રે, કર્યો એના દર્શનનો ઉત્સાય રે ।।૩૧।।

એનાં જન્મ ને કર્મ સાંભળી રે, કર્યું ઉદ્ધવે ધ્યાન એનું વળી રે ।

એમ કરતાં સ્વામી ચિંતવન રે, આવ્યો ચૈત્રપંચમીનો દન રે ।।૩૨।।

તેજ દિને સુંદર સવારે રે, થયું સ્વપ્ન અલૌકિક ત્યારે રે ।

તેમાં દીઠા રામાનુજાચાર રે, શોભે સૂરજસમ ઉદાર રે ।।૩૩।।

દીઠા સુણ્યાતા શ્રવણે જેવા રે, મળ્યા એંધાણે એવા ને એવા રે ।

પડી પિછાન લાગ્યા છે પાય રે, આવ્યાં હર્ષનાં આંસુ આંખ્યમાંય રે ।।૩૪।।

કૃષ્ણ દ્રષ્ણની ઇચ્છા છે એને રે, એવું જાણી પછી મળ્યા તેને રે ।

વળતા બેઉ બેઠા એક ઠામ રે, બોલ્યા વર્ણી કરી પ્રણામ રે ।।૩૫।।

બહુ દિને પામ્યો દરશન રે, થયો આજ હું તે ધન્ય ધન્ય રે ।

સુણ્યા જે દિના તમારા ગ્રંથ રે, જાણ્યા તમને મેં સમરથ રે ।।૩૬।।

વળી શ્રીકૃષ્ણ ભક્ત અનન્ય રે, તમે છો મેં જાણ્યું એમ મન રે ।

હશે વશ શ્રીકૃષ્ણ તમારે રે, એમાં નથી સંશય કાંઇ મારે રે ।।૩૭।।

માટે કૃષ્ણ દ્રષ્ણ તર્ત થાય રે, એવું બતાવો સાધન કાંય રે ।

કર્યું સ્તવન વળી વિશેષ રે, સ્વપ્નમાંહી સ્વામી નામી શિશ રે ।।૩૮।।

થયા રાજી રામાનુજાચાર રે, સુણી ર્વિણ વેણ વાધ્યો પ્યાર રે ।

જાણ્યું વર્ણી આ પોતાનો સ્થાપું રે, એને શ્રીવૈષ્ણવી દિક્ષા આપું રે ।।૩૯।।

એમ શ્રીરામાનુજ વિચારી રે, કહ્યા મંત્ર તે બે સુખકારી રે ।

કહ્યું કરજયો તમે આનો જાપ રે, મળશે કૃષ્ણ પ્રસન્ન થઇ આપ રે ।।૪૦।।

જપો મંત્ર તમે બડભાગ્ય રે, વળી ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય રે ।

તે સહિત શ્રીકૃષ્ણની ભક્તિ રે, કરો ર્નિિવઘ્ન મહામતિ રે ।।૪૧।।

નિત્ય નૈમિત્તિક કૃષ્ણ સેવ રે, તેનો સવેર્સમઝાવ્યો ભેવ રે ।

કહી વ્રત ઉત્સવની રીત રે, સુણિ ર્વિણએ દઇ ચિત્ત રે ।।૪૨।।

કર્યા પંચ સંસ્કારે યુક્ત ર્વિણ રે, કહ્યા મંત્ર તે બે મહામણિ રે ।

કરજયો શિષ્ય કહેજયો મંત્ર તેને રે, ભવપાર ઉતરવા એને રે ।।૪૩।।

રહી શકો તો રહેજયો આંહિ રે, નહિ તો વિચરજયો ભૂમિમાંહિ રે ।

એમ ઉદ્ધવને વરદાન રે, આપી થયા છે અંતરધાન રે ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ  સ્વામીને રામાનુજ આચાર્ય મળ્યા એ નામે સાડત્રિશમું પ્રકરણમ્ ।।૩૭।।