૪૫. સ્વામીએ વર્ણીને સંવત ૧૮૫૭ કારતક સુદ એકાદશીએ દીક્ષા આપી સહજાનંદસ્વામી અને નારાયણમુનિ બે નામ

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:50pm

પૂર્વછાયો-

પછી લોકમાં એમ જાણિયું, સ્વામી પાસે આવ્યા છે સંત ।

નાની વયમાં ન થાય એવાં, કર્યાં છે તપ અનંત ।।૧।।

તે સુણી દેશોદેશથી, આવે છે નર ને નાર ।

યોગી ત્યાગી દર્શને, આવે લોક હજારો હજાર ।।૨।।

તે મનુષ્યને સ્વામી પોતે, ઓળખાવે છે બ્રહ્મચાર ।

કૃશ તને તપસી અતિ, જોઇ વિસ્મય પામે નરનાર ।।૩।।

પછી પુછે છે સ્વામીને, ક્યાંથી આવ્યા આ વર્ણીરાજ ।

નાની વયમાં મોટા અતિ, તપ કરે છે મહારાજ ।।૪।।

ચોપાઇ-

જોને પહેરી છે યજ્ઞોપવિત, જટા શિશે શાંતિ અતિચિત્ત ।

નાડિયો જે શરીર મોઝાર, સર્વે નિસરિ રહી છે બાર ।।૫।।

ઉર્ધ્વપુંડ્ર ને તુલસીની માળા, ઉદાર છે પાસે મૃગછાલા ।

ધ્યાને કરી સ્થંભ્યાં છે લોચન, અતિ વિસારિ મુક્યું છે તન ।।૬।।

બહુ નિસ્પૃહી ને નિરમાન, એવા આ કોણ છે ભગવાન ।

ત્યારે સ્વામી કહે સુણો તેહ, આવ્યા કોશળ દેશથી તેહ ।।૭।।

એનાં માતા પિતા હતાં જેહ, અતિ ધર્મવાળાં બેઉ તેહ ।

કરતાં ભગવાનની ભક્તિ, તે સુણતાં પોતે હેતે અતિ ।।૮।।

ભક્તિ જ્ઞાન વૈરાગ્ય માહાત્મ્ય, જેમ સાંભળ્યું છે રહે છે તેમ ।

એણે સર્વે સંબંધીને ત્યાગી, ગયાતા વનમાં બડભાગી ।।૯।।

તિયાં ઘોર તપ અતિ કરી, કર્યા ભક્તિએ પ્રસન્ન શ્રીહરિ ।

ત્યાંથી આવ્યા છે હરિઇચ્છાયે, કર્યાં તપ તે ધ્રુવે ન થાયે ।।૧૦।।

એવાં સ્વામીનાં વચન સાંભળી, અતિવિસ્મય પામ્યાં જન વળી ।

પછી નિરખી હરખી જન, ગયાં પોતપોતાને ભવન ।।૧૧।।

પછી જાણી ડાહ્યા ને ચતુર, રાખ્યા સ્વામીએ પોતા હજુર ।

કૃષ્ણ પૂજામાં પ્રવિણ જાણી, રાખ્યા આપવા સામગ્રી આણી ।।૧૨।।

પછી પોતે પોતાની જે સેવ, કરે વહેલા ઉઠી તતખેવ ।

પછી સ્વામીને પૂજવા સમે, કરે પરિચર્યા જેમ ગમે ।।૧૩।।

તુલસી ચંદન પુષ્પ ને ધૂપ, લાવે નૈવેદ્ય આણી અનૂપ ।

જેમ મનતણી જાણે કોયે, લાવી આપે પોતે જેજે જોયે ।।૧૪।।

પછી રાજી થયા તેહ માથે, થયા વશ પોતે ર્વિણ સાથે ।

એમ રહી કરી પૂજા ઘણી, રામાનંદજીએ કૃષ્ણ તણી ।।૧૫।।

આપી પૂજા સામગરી જેહ, લીધી સાક્ષાત સરવે તેહ ।

તે ઉદ્ધવ વિના બીજા કોઇ, નથી દેખતાં તે જન સોઇ ।।૧૬।।

પછી સ્વામી ઇછ્યા મનમાંય, મારી પેઠે ર્વિણને દેખાય ।

ત્યારે શ્રીકૃષ્ણને સ્વામી કહે છે, વર્ણી દર્શન તમારાં ઇચ્છે છે ।।૧૭।।

પછી હસી બોલ્યા ભગવાન, દેશું વર્ણીને દર્શનદાન ।

એમ કહી દીધું દરશન, નિરખી વર્ણી થયા પરસન ।।૧૮।।

પછી ગુરૂની સેવામાં રહ્યા, એવા હરિ સ્વામીને ભાવિયા ।

આપે અન્નપ્રસાદિ તે જમે, કરે તે તે જે સ્વામીને ગમે ।।૧૯।।

પછી જયારે જયારે પૂજે સ્વામી, ત્યારે નિત્ય દેખે બહુનામી ।

પછી ર્વિણએ જાણ્યું એ રીત્યે, પૂજું હું દિયે દર્શન પ્રીત્યે ।।૨૦।।

લિયે છે પૂજા જે સ્વામી દીયે, તેમ મારી પણ પ્રભુ લીયે ।

એમ લેશે પ્રભુ પૂજા જયારે, હું કૃતારથ માનિશ ત્યારે ।।૨૧।।

તે શ્રીસ્વામીની સેવાએ કરી, કરશે મનોરથ પુરો હરિ ।

પછી સ્વામીની સેવા શ્રધ્ધાયે, કરતાં વીત્યું છે ચોમાસું ત્યાંયે ।।૨૨।।

સંવત્ અઢાર વર્ષે સતાવન, ર્કાિતકશુદિ દન પાવન ।

એકાદશી પ્રબોધની નામ, અતિસુંદર સુખનું ધામ ।।૨૩।।

તેદિ મહાદીક્ષા દેવાને કાજ, ઇછ્યા રામાનંદજી મહારાજ ।

પછી મહાદીક્ષા લેવાને માટે, કર્યો ઉપવાસ ર્વિણરાટે ।।૨૪।।

પછી શ્રીકૃષ્ણમંત્રનો જાપ, કર્યો મહાદીક્ષા લેવાને આપ ।

તિયાં તેડ્યો બ્રાહ્મણ અમલ, પોતાના સંપ્રદાયમાં કુશલ ।।૨૫।।

તે પાસે વેદશાસ્ત્રની વિધિ, કરાવી તે તે સરવે કીધી ।

પછી શ્રીકૃષ્ણનો મંત્ર જેહ, અષ્ટાક્ષર કહેવાય છે તેહ ।।૨૬।।

કહ્યો જમણા કાનમાં તે વાર, અર્થે સહિત કરી ઉચાર ।

પ્રબોધની એકાદશી દન, આપ્યું મહાદીક્ષારૂપી ધન ।।૨૭।।

બહુવિધે વાજાં વજડાવી, કર્યો ઉત્સવ સંત તેડાવી ।

આવ્યા બ્રહ્મચારી વળી સંત, વધ્યો આનંદ સહુને અત્યંત ।।૨૮।।

કહ્યો એજે શ્રીકૃષ્ણનો મંત્ર, તેનો અર્થ કહ્યો ધાર્યો અંત્ર ।

અંતઃકરણની વૃત્તિયો જેહ, કરવા નિરોધ મંત્ર છે એહ ।।૨૯।।

થાય હૃદયમાંહિ પ્રકાશ, પામે કૃષ્ણદર્શન ફળ દાસ ।

એહ મંત્ર ફળ સુખકારી, કહે સ્વામી સુણો બ્રહ્મચારી ।।૩૦।।

દેહસ્મૃતિ જયાં લગણ હોય, ધર્મ તજવો નહિ કહું સોય ।

તે ધર્મ કહ્યા તાતે તમારે, તમે પાળો છો તે અનુસારે ।।૩૧।।

વળી પાળજયો વિશેષ તમે, એ શિખામણ દઉં છું અમે ।

કૃષ્ણપૂજા મને બારે કરજયો, પંચાધ્યાય પાઠ ઓચરજયો ।।૩૨।।

આપ શક્તિ પ્રમાણે પરમ, પાઠ કરવો વાસુદેવ માહાત્મ્ય ।

ફળ દળ પ્રસાદીનું લેવું, જળ પણ પ્રસાદીનું પિવું ।।૩૩।।

કૃષ્ણનિવેદનું અન્ન જેહ, જમવું અધિક કરી સ્નેહ ।

પહોર રાત્ય જાતાં નિત્ય સુવું, પહોર પાછલી રાત્યે ઉઠવું ।।૩૪।।

પૃથ્વીપર કરવું આસન, કરવું કૃષ્ણનામ કીરતન ।

કૃષ્ણભક્તિ વિના કોઇ કાળ, વૃથા ન જાવા દેવો દયાળ ।।૩૫।।

જે ગ્રંથ કૃષ્ણમાહાત્મ્યે સહિત, તે સુણજયો કહેજયો કરી હેત ।

એમ ધર્મ ઉપદેશ આપ્યા, શિષ્યમાં મુખ્ય મોટેરા સ્થાપ્યા ।।૩૬।।

પછી અર્થે સહિત પાડ્યું નામ, લેતાં જન પામે સુખધામ ।

સહજે સંતને સુખ ભંડાર, એહ અરથને અનુસાર ।।૩૭।।

સહજાનંદ જગવંદ જેહ, કહ્યું નામ તમારૂં છે તેહ ।

તપ સ્વભાવે આકારે કરી, નારાયણ સમ તમે હરિ ।।૩૮।।

માટે નારાયણમુનિ નામ, કહેશે સવેર્પુરૂષ ને વામ ।

એમ નામ સ્વામી રામાનંદે, કહ્યાં તે સાંભળ્યાં સુખકંદે ।।૩૯।।

પછી ર્વિણ સ્વામીની તે વારે, કરી પૂજા ષોડશ ઉપચારે ।

કરી પ્રદક્ષિણા દંડવત, પછી પૂજયા છે સંત સમસ્ત ।।૪૦।।

પૂજયા ર્વિણ વિપ્ર ભલિવિધિ, વેદશાસ્ત્રવિધિ પુરી કીધિ ।

પછી હાથ જોડી ઉભા આગે, કરે સ્તુતિ અતિ અનુરાગે ।।૪૧।।

ત્યારે સ્વામી કહે મુજ પાસ, માગો વર જેવી હોય આશ ।

ત્યારે ર્વિણ કહે માગવું એ છે, જેમ તમારી પૂજા કૃષ્ણ લે છે ।।૪૨।।

વળી પ્રગટ દીએછે દર્શન, તેમ મારે થાય ભગવન ।

એહ માગું છું હું મહારાજ, બીજી ઇચ્છા નથી મારે આજ ।।૪૩।।

ત્યારે સ્વામી કહે સત્યવચન, લેશે પૂજા ને દેશે દર્શન ।

એમ કહેતાં સાંભળતાં વાત, ગયો દિન ને પડિ છે રાત ।।૪૪।।

કર્યું જાગરણ સહુ મળી જન, ગાયાં શ્રીકૃષ્ણનાં કીરતન ।

એમ કરતાં થયું સવાર, કરાવી રૂડી રસોયું ત્યાર ।।૪૫।।

જમ્યા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, સાધુ સત્સંગી નરનારી ।

સહુ જમાડ્યા સ્વામી રામાનંદે, કર્યો મોટો ઉત્સવ આનંદે ।।૪૬।।

આપ્યાં વસ્ત્ર ને દક્ષિણા બહુ, રાજી થઇ ગયા દ્વિજ સહુ ।

પછી સ્વામીની પેઠ્યે પૂજન, લિયે નિત્યે તે પ્રીત્યે શ્રીકૃષ્ણ ।।૪૭।।

તેણે રાજી થયા હરિ ઘણું, માન્યું પોતે કૃતારથપણું ।

વળી આપે એમજ દર્શન, તેણે પોતે રહેછે પ્રસન્ન ।।૪૮।।

દ્વિભુજ રૂપ રાધિકાસંગે, સુંદર વેણું વજાડે ઉમંગે ।

મનોહર મૂર્તિ નટવર, દેખે છેલછબિલો સુંદર ।।૪૯।।

ક્યારેક રમા સંગે રંગરાજ, ક્યારેક રૂકિમણી સંગે મહારાજ ।

ક્યારેક સખા સંગે અરજુન, ક્યારેક એકાએક થાય દર્શન ।।૫૦।।

ક્યારેક દ્વિભુજ ચતુર્ભુજ દેખે, દેખે અતિમોદ મન લેખે ।

એમ આપે ધર્યું નરનાટ્ય, કરે ચરિત્ર પોતે તે માટ ।।૫૧।।

વેશ તપસ્વીનો છે તે કાજ, કરે મનુષ્યચરિત્ર મહારાજ ।

એમ કૃષ્ણની બુધ્ધિએ કરી, સેવે છે ગુરૂને પોતે હરિ ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નીલકંઠર્વિણને મહાદીક્ષા આપી એ નામે પિસતાલીસમું પ્રકરણમ્ ।।૪૫।।