૧૦૮. સ્વાદનાં દોષો અને તેને જીતવાનાં સાધનો.( નિઃસ્વાદી વર્તમાન )

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:48pm

ચોપાઇ-

હવે કહું નિરસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત ।

સર્વે સ્વાદ જાણી હરિમાંય, મનવૃત્તિ લોભે નહિ ક્યાંય ।।૧।।

મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન ।

સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષયરસ સમજયા અસાર ।।૨।।

મહારસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને ।

એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે ।।૩।।

એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નીકે ।

એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પિવે ।।૪।।

એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે ।

એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે ।।૫।।

એ રસ પીધો જન જયદેવે, એ રસ પીધો છે ઉધ્ધવ જેવે ।

એહ આદિ જે ઋષિરાજન, પીધો મહારસ થયા મગન ।।૬।।

જેજે જને હરિરસ પિધો, તેણે સંસારરસ કુચો કીધો ।

ચૌદ લોકમાં જે રસ રહ્યો, તેતો ઉલટા અન્ન જેવો થયો ।।૭।।

તેનું બીજે તે મન ન માને, જે કોઇ પૂરણ મહારસ પાને ।

એ રસ આજે આપણને મળ્યો, જે કોઇ સર્વે રસથી છે ગળ્યો ।।૮।।

નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન ।

એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખરૂપ માની લેજયો ।।૯।।

બીજા રસમાં જેહ લોભાણા, તે તો ઝષ જેમ જાળે બંધાણા ।

ખોયું તન ને ખોટ જ ખાધી, જેની સ્વાદ સાથે પ્રીત બાંધી ।।૧૦।।

ત્યાગી થઇ જે રસને ચાય, તે ત્યાગીનું ત્યાગીપણું જાય ।

ખાંડ ખારવો તુપ તેજાનો, એહ આદિ દઇ સ્વાદ માનો ।।૧૧।।

ખારૂં ખાટું તીખું તમતમું, ગળ્યું ચિકણું જે મનગમ્યું ।

મનવાંછિત મગાવી ખાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૨।।

શિરો પુરી ને શેવ સુંવાળી, રૂડા મોદક ને રોટી કાળી ।

વિધવિધનાં વ્યંજન ચાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૩।।

ગર્મ નર્મ તે મનને ગમે, સારૂં સ્વાદુ તે જુગતે જમે ।

એનો ખાતાં અભાવ ન થાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૪।।

સારૂં લાગે તે રાખે સંતાડી, થઇ ખાવાની વૃત્તિ હરાડી ।

રાત્ય દિવસ રસને ધાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૫।।

કરે સ્વાદની વાત વખાણી, સુણી આવી જાય મુખે પાણી ।

તેને અર્થે કરે છે ઉપાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૬।।

જીહ્વા માગે છે જુજવા રસ, જન થયા છે જીહ્વાને વશ ।

તેણે સ્વાદ કેદિ ન તજાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૭।।

પંચ ઇંદ્રિનું પોષણ સ્વાદ, પંડ્ય પોષતાં વાધે પ્રમાદ ।

પછી પુરૂષોત્તમ ન ભજાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૮।।

જેને પંડ્ય પોષવા છે પ્રીત, તે શું સમઝે મહારસ રીત ।

દેખી પુષ્ટ તનને ફુલાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૯।।

તેતો કાવે નહિ હરિદાસ, જેને અહોનિશ રસની આશ ।

એતો જળજંતુ જેવો ગણાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૨૦।।

જે કોઇ કહેવાય છે હરિજન, તેનું લોભે નહિ કિયાં મન ।

જેણે કર્યું મહારસ પાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૧।।

જેના અંતરમાં નિરવેદ, તેને કોણ પમાડશે ખેદ ।

નિત્યે હૈયામાં હરિનું ધ્યાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૨।।

જાણી સરવે સાર અસાર, તુચ્છ વસ્તુ કરી તિરસ્કાર ।

રાખ્યા ભિતરમાં ભગવાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૩।।

બ્રહ્માઆદિ જે કીટ પર્યંત, સવેર્સુખ દુઃખે અંતવંત ।

જેને પુરૂષોત્તમ સાથે તાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૪।।

એવા સંત મળે શુભમતિ, કહે જોજયો આ જીવની ગતિ ।

રાખ્યા જોઇએ જેહ મુખે રામ, તેમાં રાખે છે વસ્તુ હરામ ।।૨૫।।

જેહ મુખે ભજીયે શ્રીહરિ, તેને બગાડે છે કેફ કરી ।

ગાંજો ભાંગ્ય ને પિવે છે માદ, ખાયે આમિષ જીવ્હાને સ્વાદ ।।૨૬।।

જે મુખે ભજીયે પરબ્રહ્મ, તે મુખમાંય ખાય છે માજમ ।

ખાય કવસ્તુ કેફને કાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૭।।

જે મુખ હરિભજવા લાગ્ય, તેહ મુખમાં ભરે છે ભાંગ્ય ।

આપે જરદો તો ન પાડે નાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૮।।

જે મુખે જોઇએ નામ પ્રકાશું, તે મુખ હિંગ લસણે વાસ્યું ।

વળી પાપીને પ્યારી પિયાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૯।।

જે મુખે હરિગુણ ગવાય, તે મુખે નર અમલ ખાય ।

કાઢે કસુંબા કરે અકાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૦।।

જે મુખે હરિ ભજીયે દાડી, તે મુખે પાપી પિવે છે તાડી ।

સવેર્સજે છે નરકનો સાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૧।।

કેફે કરીને અકલ જાય, નાસે ડહાપણ ને ડુલ થાય ।

તોય નિર્લજજને નહિ લાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૨।।

એહ સર્વે જે વ્યસન કહ્યાં, એક સ્વાદની વૃત્તિમાં રહ્યાં ।

તેનો જે નર ન કરે તાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૩।।

સ્વાદમાંહિ રહ્યાં બહુ શૂળ, સ્વાદ છે સર્વે પાપનું મૂળ ।

સ્વાદે થાય નરક સમાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૪।।

એવા અનેક અવગુણ જોઇ, સંત સ્વાદ કરે નહિ કોઇ ।

જેહ સમે જેવું મળે અન્ન, જમે નિરદોષ જોઇ જન ।।૩૫।।

અજગર મધુકર વૃત્તિ, ગ્રહે સંતજન અનાસક્તિ ।

કાંતો અણઇચ્છ્યું અન્ન આવે, નહિ તો બહુ ઘરથી માગી લાવે ।।૩૬।।

કાચું પાકું જે સુકું સમિષ્ટ, ફળ મૂળ ફુલ પત્ર પિષ્ટ ।

હોય હરિપ્રસાદિનું અન્ન, જમે જન તે થાય મગન ।।૩૭।।

પણ સ્વાદ સારૂં જે ઉપાય, ન કરે તે નિઃસ્વાદી કહેવાય ।

આવે સહેજે તે જમે સુજાણ, જેમ તેમ કરી પોષે પ્રાણ ।।૩૮।।

સ્વાદ અસ્વાદની મુકી આશ, ભજે ભગવાન ગ્રાસો ગ્રાસ ।

જેના અંતરમાંહિ વૈરાગ્ય, તેણે કર્યો છે સ્વાદનો ત્યાગ ।।૩૯।।

કાથો ચુનો ને પાન સોપારી, તજ તમાલ એલચી સારી ।

જાય જાવંત્રી લવીંગ જે છે, એહઆદિ મુખવાસ ન ઇચ્છે ।।૪૦।।

ચુવા ચંદન તેલ ફુલેલ, પુષ્પહાર ને સુગંધી તેલ ।

તેને ત્યાગી ન ઇચ્છે તનમાં, જેને વૈરાગ્ય વર્તે છે મનમાં ।।૪૧।।

જે જે ખોળી કહ્યાં ખાન પાન, તજયાં તે સંતે થઇ સાવધાન ।

અતિ કર્યો છે ઉંડો અભાવ, કેદિ ભૂલે થાય નહિ ભાવ ।।૪૨।।

કામ લોભ જીત્યા જેમ જને, તેમ જીત્યો છે સંતે સ્વાદને ।

થાય ઉંડો અંતરેથી નાશ, ત્યારે તજાય બારથી આશ ।।૪૩।।

જે જે ત્યાગે છે બારથી બળે, તેને માંહિ સ્વાદ રહે છે છળે ।

લાગ આવે તો કરે છે ઘાત, નહિ તો બેઠો સાંભળે છે વાત ।।૪૪।।

તે તો અંતર ત્યાગથી જાય, બીજે ન ટળે કોટિ ઉપાય ।

ત્યાગ વૈરાગ્ય વિવેક વિચાર, એહ હોય જયાં હોય મુરાર ।।૪૫।।

તેહ વિના વૈરાગ્યનો વેષ, તેણે ન ટળે કામાદિ લેશ ।

જયારે પ્રભુ સાથે પ્રીત લાગે, ત્યારે કામ લોભ સ્વાદ ભાગે ।।૪૬।।

એમ જીત્યો છે જે જને સ્વાદ, તેના ટળીયા સવેર્પ્રમાદ ।

જીતી સ્વાદ થયા શુધ્ધ આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે ।।૪૭।।

પૂર્વછાયો-

સહજ સ્વભાવે સંતને, અંતરમાં રહે છે એમ ।

મળ્યે પણ મન ન ચળે, અણ મળ્યું ઇચ્છે કેમ ।।૪૮।।

એમ સંત શિરોમણી, જીત્યા સ્વાદને જેહ ।

પિંડ બ્રહ્માંડ પાર પ્રીતિ, કહું એવા નિરસનેહ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરસ્વાદિ વ્રતમાન કહ્યાં એ નામે એકસોને આઠમું પ્રકરણમ્ ।।૧૦૮।।