૧૪૩. શ્રીહરિએ સદાશિવભાઇની પુત્રી ઉમૈયાબાઇને દીધેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:32pm

પૂર્વછાયો- વળી વડોદરા શહેરમાં, પૂર્યા જે પરચા મહારાજ ।

તે લેખે ન આવે લખતાં, એમ કર્યાં જનનાં કાજ ।।૧।।

જણ જણ પ્રત્યે જાુજવા, વળી પરચાનો નહિ પાર ।

કહ્યા ન જાય કોઇથી, એવા થાય ચમત્કાર ।।૨।।

હેત જોઇ હરિજનનાં, પ્રભુજી થયા પ્રસન્ન ।

નિત્ય પ્રત્યે નરનારીને, આપે દયાનિધિ દર્શન ।।૩।।

જેજે રીત્યે જનના, મહારાજે પુર્યા મનોરથ ।

તેતે કહું સહુ સાંભળો, સ્વામી સહજાનંદની સામર્થ્ય ।।૪।।

ચોપાઇ- કહું સામર્થી નાથની હવે, ચડે ખુમારી જેને સાંભળવે ।

એક ભક્ત બ્રાહ્મણ અકામ, તેનું સદાશિવ એવું નામ ।।૫।।

તેની સુતા તે નામ ઉમૈયા, તે ઉપર મહારાજની દયા ।

થાય ધારણા દેખે છે ધામ, લિયે આવીને તેહનાં નામ ।।૬।।

સુરપુર ને કૈલાસ જેહ, વૈકુંઠ વળી ગોલોક તેહ ।

શ્વેતદ્વિપ ને અક્ષરધામ, એહ આદિ લિયે કઇ નામ ।।૭।।

દેખે ધામ ને ધામના પતિ, સહજાનંદ સુખ મૂરતિ ।

કરે દર્શન તેહનાં નિત્યે, પ્રભુ બોલાવે બાઇને પ્રીત્યે ।।૮।।

એક દન કહે એમ નાથ, આજ જમશું અમે તારે હાથ ।

કરજયો સુંદર રસોઇ સારી, કેળાં રોટલી કાજાુ તૈયારી ।।૯।।

પછી ધારણા માંહિથી જાગી, ઉઠી રસોઇ કરવા લાગી ।

થઇ રુડી રસોઇ તૈયાર, જમ્યા પ્રકટ પ્રાણ આધાર ।।૧૦।।

દિઠા ઘરને મનુષ્યે મળી, આવી મૂરતિ એમ ન કળી ।

જાણ્યું પ્રકટ પ્રમાણ પધાર્યા, આજ જન્મ અમારા સધાર્યા ।।૧૧।।

બેઠા દીઠા સૌવે ચ્યાર ઘડી, પછી પધાર્યા ગમ ન પડી ।

જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।।૧૨।।

આતો પરચો દિધો દયાળ, દીનબંધુ દીનપ્રતિપાળ ।

વળી એક દિવસની વાત, કહું સાંભળજયો તે વિખ્યાત ।।૧૩।।

કરી સમાધિ ઉમૈયા બાઇ, આવી હરિ વિરાજતા ત્યાંઇ ।

કરી દર્શન બેઠી છે પાસ, નિરખ્યા નાથને હૈયે હુલાસ ।।૧૪।।

કહે ઉમૈયા મને મહારાજ, આપો કાંઇક પ્રસાદી આજ ।

ત્યારે જમતા હતા જીવન, સુંદર ભાત્ય ભાત્યનાં ભોજન ।।૧૫।।

જમી ચળુ કરી રહ્યા નાથ, લઇ રૂમાલને લુયા હાથ ।

આપ્યો ઉમૈયાને મહારાજે, પ્રસાદીનો તે પૂજવા કાજે ।।૧૬।।

તે આપ્યો રૂમાલ ધારણામાંઇ, લઇ આવી તે ઉમૈયા બાઇ ।

જાગી જોયું ત્યાં પોતાને પાસ, જોઇ રૂમાલ પૂછે છે દાસ ।।૧૭।।

આતો રૂમાલ રાખતા નાથ, ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ ।

કહે ઉમૈયા સમાધિમાંહિ, આપ્યો ગઢડે લાવી હું આંહિ ।।૧૮।।

ત્યારે સહુ કહે ધન્યધન્ય, થયો પર્ચો કહે એમ જન ।

વળી એકદિ ધારણા કરી, આવી મહારાજ પાસળ્ય ફરી ।।૧૯।।

કર્યું દર્શન દયાળતણું, થઇ મનમાં મગન ઘણું ।

તેદિ હતો સંક્રાંતિનો દન, વાલે તેડાવ્યાતા વિપ્ર જન ।।૨૦।।

આપ્યાં અન્ન ધન દાન વળી, લીધાં ગામને બ્રાહ્મણે મળી ।

તિયાં બેઠીતી ઉમૈયા બાઇ, આપ્યા તલ લાડુ ધન ત્યાંઇ ।।૨૧।।

દિધું સમાધિમાંહિ મહારાજે, એના તાત સદાશિવ કાજે ।

પછી જાગી છે ઉમૈયા જયારે, રહ્યું પ્રત્યક્ષ પ્રમાણ ત્યારે ।।૨૨।।

તે આપ્યું સદાશિવને લઇ, વળી ત્યાંની લીલા સવેર્ કઇ ।

પછી જાણી અલૌકિ પ્રસાદી, દીધી લીધી બાઇ ભાઇ આદિ ।।૨૩।।

સર્વે જને કર્યો જેજેકાર, ધન્યધન્ય હરિ અવતાર ।

વળી એક દિવસને માંઇ, કરી ધારણા ઉમૈયા બાઇ ।।૨૪।।

ગઇ શ્રીમહારાજને પાસ, સામું જોઇ બોલ્યા અવિનાશ ।

કહે કેમ આવે નિત્યનિત્ય, એવી શી છે અમમાંહિ પ્રીત્ય ।।૨૫।।

કહે બાઇ તમે તો શ્રીકૃષ્ણ, હશે અભાગી નહિ કરે દ્રષ્ણ ।

માટે આવી છું દર્શન કાજ, નથી કામ બીજાું મહારાજ ।।૨૬।।

ત્યારે હસી ભરી મૂઠી હાથે, આપી સાકર સુંદર નાથે ।

તર્ત તુલસીનાં મંજર ત્રોડી, આપી પ્રસાદી ઉત્તમ રૂડી ।।૨૭।।

હતો જન્માષ્ટમીનો તે દન, આપી પંચાજીરી તે પાવન ।

કેવડો જે સુવાસે ભરેલ, આપ્યો નાથે તે માથે ધરેલ ।।૨૮।।

આપી પ્રસાદી કરીને મહેર, કહે નાથ તું જા હવે ઘેર ।

આવી ઉમૈયા તે દેહમાંઇ, લાવી પ્રસાદી પ્રકટ ત્યાંઇ ।।૨૯।।

અલૌકિ એહ છે પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ ।

સહ્યો શિવે જે સારૂ સંતાપ, થયો કદી મત્સ્ય જે સારૂ આપ ।।૩૦।।

એવી પ્રસાદી દુર્લભ જેહ, પામે સમાધિમાં જન તેહ ।

એતો વાત છે આશ્ચર્ય ઘણી, કહીએ મોટ્યપ શું હરિતણી ।।૩૧।।

વળી એક દિવસની વાત, અતિ તાણી ગયો વરષાત ।

સહુ લોક થયાં છે ઉદાસ, મેલી મેઘ આવવાની આશ ।।૩૨।।

કરે ચિંતા સહુ બુઢાં બાળ, કેમ ઉતરશું આવો કાળ ।

સદાશિવે પણ કર્યો શોચ, આપણા ઘરમાં નહિ પહોંચ ।।૩૩।।

માટે પુછાવું મહારાજ પાસ, પૂછ્યા વિના ન આવે વિશ્વાસ ।

પછી પુછાવ્યું ઉમૈયા સાથ, પૂછ્ય મેઘનું શું કહે છે નાથ ।।૩૪।।

પછી ઉમૈયા ધારણા કરી, ગઇ જયાં હતા પોત્યે શ્રીહરિ ।

કરી દર્શન બેઠી છે પાસ, ત્યારે હશી બોલ્યા અવિનાશ ।।૩૫।।

શું પુછવું છે ઉમૈયા તારે, પૂછ્ય સંશય રાખ્ય માં લગારે ।

બોલી ઉમૈયા કહે મારો તાત, પૂછે કૈયે થાશે વરષાત ।।૩૬।।

સુણિ બોલિયા સુંદરશ્યામ, તારે વર્ષાતનું શું છે કામ ।

બેઠી કર નચિંત ભજન, તને મળશે વસ્ત્ર ને અન્ન ।।૩૭।।

કહે ઉમૈયા હું નથી કહેતી, મેંતો પૂછ્યું છે લોકની વતી ।

ત્યારે નાથ કહે જા તું ત્યાંઇ, થાશે મેઘ ઘડી ચ્યારમાંહિ ।।૩૮।।

કહેજયે ત્યાં જઇને તું વાત, નથી વાર આવ્યો વરષાત ।

આવી એમનું એમજ કહ્યું, ઘડી ચ્યારમાંહિ સાચંુ થયું ।।૩૯।।

નોતું વર્ષવું મેઘને મને, વર્ષ્યો ઘન વાલાને વચને ।

વુઠ્યો મેઘ ને આવ્યો આનંદ, સહુ જય બોલે જનવૃંદ ।।૪૦।।

ધન્ય બાઇ ધન્ય તારી ભકિત, આતો પર્ચો થયો મોટો અતિ ।

વળી એક દિવસની વાત, સહુ સાંભળજયો તે સાક્ષાત્ ।।૪૧।।

બેઠી ઉમૈયા ધારણા માંઇ, ગઇ પ્રભુ પાસળે એ બાઇ ।

કર્યાં દ્રગે ભરીને દર્શન, જોઇ મહારાજ થઇ મગન ।।૪૨।।

કહે નાથ આ હળી છે છોડી, નિત્ય આવેછે યાં ધ્રોડી ધ્રોડી ।

એમ કહી હતો પાસે હાર, નાખ્યો એહના ગળા મોઝાર ।।૪૩।।

આપ્યા ગજરા તોરા પેરેલ, અતિજાડા સુગંધી ભરેલ ।

આવી સમાધિ માંહિથી જયારે, રહ્યા પોતા પાસળે એ ત્યારે ।।૪૪।।

વળી એક દિવસની વાત, આપ્યાં જામફળ વાલે સાત ।

આપે સમાધિમાંહિ જે ચીજ, રહે પ્રકટ પ્રમાણ તેજ ।।૪૫।।

વળી એકદિ આંબાનું ફળ, આપ્યું અતિ મીઠું જે અમળ ।

વળી એકદિ પડીયો લઇ, ગયા લાડુ મોતીયા બે દઇ ।।૪૬।।

તેતો તાજા તરત કરેલ, પોતા આગે થાળમાં ધરેલ ।

તે આપ્યા છે અલબેલે લઇ, વાત મોટી જાય નહિ કઇ ।।૪૭।।

એમ અલૌકિક ચીજ લાવી, વેંચે આલોકમાંહી તે આવી ।

સમાધિમાં મળે જેહ જેહ, થાય પ્રકટ પ્રમાણ તેહ ।।૪૮।।

નથી વાત જેવડી એ વાત, અલૌકિક વસ્તુ સાક્ષાત્ ।

એવી રીત્ય ન દીઠી સાંભળી, સહુ જન વિચારજયો વળી ।।૪૯।।

આજ સામર્થી વાવરે બહુ, એક જીભે હું કેટલી કહું ।

જનનાં લાડ પાળે છે જેહ, નથી આવતાં કહ્યા માં તેહ ।।૫૦।।

લખ્યા પરચા મેં જે જન તણા, નથી એટલા છે બીજા ઘણા ।

આજ અતિ આપે છે આનંદ, ધન્યધન્ય કહે નિષ્કુળાનંદ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ઉમૈયાબાઇને પરચા પૂર્યા એ નામે એકસોને તેંતાલિસમું પ્રકરણમ્ ।।૧૪૩।।