રાગ - ભૈરવ
પદ ૧
૨.
અધમ ઉધ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગીરધર, અવિચળ ટેક તમારી રે અ૦
ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો, અવગુણિયાં વિસારી રે. અ૦ ૧
જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;
પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુવોને વિચારીરે. અ૦ ૨
અનલ અહી જો ગ્રહે અજાણે, તો છોડાવે રોવારી રે;
બાળકને જનની સમ બીજું, નહિ જગમાં હિતકારીરે. અ૦ ૩
બ્રહ્માનંદની એજ વિનંતિ, મન ધારીએ મોરારી રે;
પ્રીત સહિત દર્શપ્રસાદી, જોયે સાંજ સવારી રે. અ૦ ૪
પદ - ૨
૧.
૨.હેમંત ચૌહાણ
મનમોહન સુંદરવર મારા, અવગુણિયાં વિસરાવા રે;
અધમોદ્ધારક પતિતજનપાવન, બિરુદતમારું ચહાવા રે મ૦
સહુ દેખતાં શામળિયા તમે, માડી થયા છો માવા રે.
છોરુની ચિંતા રાખીને, માં દેશો મુંઝાવા રે. મ૦ ૧
બાળક હોય તે જેમ તેમ બોલે, લિયે કુટાણે ખાવા રે,
જનની દોષ ન લેખે જાણે, અણસમજુ હોય આવા રે. મ૦ ૨
શેરડીએ રમતાં અથડાતાં, છોરા રાખે દાવા રે,
સબળ થઈ કોઈ લિયે ચૂંટીઓ, તો માતા જાય મેલાવારે. મ૦ ૩
મનગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવા રે,
બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે. મ૦ ૪
કવિ સમ્રાટ બ્રહ્માનંદસ્વામીએ "અધમ ઉદ્ધારણ અવિનાશી " એ કિર્તન જ્યાં બેસીને બનાવ્યુ તે પ્રસાદીનો થાંભલો - ગામ - સીંજીવાડા