સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 8:55pm

 

રાગ - ભૈરવ

સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે

નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણીરે-ટેક૦

મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે,

ર્તપ  તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે. સ્વા૦ ૧

કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મતણી જેમ કહાણી રે,

શ્રોતાને વકતા બેઊ સમજયા વિનાના, પેટને અર્થે પુરાણી રે. સ્વા૦ ૨

કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે,

ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. સ્વા૦ ૩

પીધા વિના પ્યાસ ન ભાગે, મર પંડ ઊપર ઢોળે પાણી રે,

મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજ અમૂલખ માણી રે. સ્વા૦ ૪

Facebook Comments