પ્રાતઃ થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને, (૪)?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:06pm

રાગ : ભૈરવી

પદ – ૧
 પ્રાત: થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;
વારંવાર કરૂં છું વિનતિ, જગજીવન કર જોડીને … પ્રાત:
ઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડીને;
આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવા છોડીને … પ્રાત:
બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને;
મુખડું જોવા આતુર મનમાં, જોરે રાખ્યા ઓડીને … પ્રાત:
ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;
બ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠયા આળસ મોડીને … પ્રાત:

 

પદ – ૨
રસિયોજી રાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને;
મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથરવાને …રસિયોજી
આછું જળ જમુનાનું આણ્યું, કંચન ઝારી ભરવાને;
સોના કેરું પ્યાલું લાવ્યા, સુંદર આગે ધરવાને …રસિયોજી
દાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઉતરવાને;
દાતણ કરતા હરિને નિરખ્યા, તે નાવે ભવ ફરવાને …રસિયોજી
મુખમંજન કીધું મનમોહન, હરિજનનાં મન હરવાને,
બ્રહ્માનંદનો વહાલો ઉઠયા, સ્નાનવિધિ અનુસરવાને…રસિયોજી

 

પદ – ૩
બાજોઠ કનક તણે અવી બેઠા, નીર ગરમ હરિ નાહવાને;
શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને …બાજોઠ
અત્તર તેલ ફુલેલ અનુપમ, મર્દન કરવા માવાને;
અંગ ચોળે ઢોળે જળ ઉપર, રસિયોજી રીઝાવાને …બાજોઠ
સ્નાન કરી ઉઠયા શામળિયો, પ્રેમીજન લલચાવાને;
લલિત નવીન તૈયાર કરી લાવ્યા, પીતાંબર પહેરવાને…બાજોઠ
રત્નજડિત શુભ પાટ મનોહર, ગાદી નવલ બિછવાને;
બ્રહ્માનંદના નાથને આવ્યા, ભોજન કાજ બોલાવાને …બાજોઠ

 

પદ – ૪
જમો જમોને મારા જીવન જુગતે,ભોજનીયાં રસ ભરિયાં રે,
પાક શાક તમ સારું પ્રીતમ, કોડે કોડે કરિયાં રે …જમો
ગળીયાં તળીયાં તાજાં તાતાં, કનકથાળમાં ધરિયાં રે;
આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝા ઘેબરિયાં રે …જમો
કઢી વડી કારેલા કાજુ, રાઈ તણાં દહીંથરિયાં રે;
જોઈએ તો ઉપરથી લેજો, મીઠું જીરું મરિયાં રે …જમો
બ્રહ્માનંદના નાથ શિરાવ્યા, દૂધ ભાત સાકરિયાં રે;
ચળુ કર્યું હરી તૃપ્ત થઈને, નિરખી લોચન ઠરિયાં રે …જમો

 

Facebook Comments