અધ્યાય ૭
શ્રીકૃષ્ણે ગાડું ઊંધું પાડ્યું તથા તૃણાવર્તનો નાશ કર્યો.
પરીક્ષિત રાજા કહે છે હે મહારાજ ! જો કે ભગવાન જે જે અવતારથી જે જે ચરિત્ર કરે છે તે સઘળાં અમારા કાનને અને મનને ગમે છે, તો પણ ચરિત્રોને સાંભળવાથી પુરુષને મનની ગ્લાનિ તથા અનેક પ્રકારની તૃષ્ણા મટી જાય અને થોડા કાળમાં અંતઃકરણ શુદ્ધ થાય, ભગવાનમાં પ્રીતિ થાય અને વૈષ્ણવજન સાથે મૈત્રી થાય. આવું મનોહર ચરિત્રને કહેવું, જો તમે ઇષ્ટ માનતા હો તો કહો. ૧-૨ અને મનુષ્ય દેહ ધરીને મનુષ્ય જાતિને અનુસરનારા શ્રીકૃષ્ણ ભગવાનનું બીજું પણ અદભૂત બાળ ચરિત્ર કહો.૩
શુકદેવજી કહે છે એક દિવસે ભગવાન પડખું ફેરવવા શીખ્યા તેના ઉત્સવનો અભિષેક કરવાનો હતો, અને તે જ દિવસે ભગવાનના જન્મ નક્ષત્રનો પણ યોગ હતો, તેથી એ મોટા સમારંભમાં મળેલી સ્ત્રીઓની વચમાં યશોદાએ વાજાં, ગીત અને બ્રાહ્મણોના મંત્ર સહિત સ્વસ્તિવાચનથી પોતાના પુત્રનો અભિષેક કર્યો. ૪ ભગવાનને નવરાવ્યા અને અન્ન, વસ્ત્ર, માળાઓ, પ્રિય વસ્તુ તથા ગાયો આપીને પૂજેલા બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું. પછી ભગવાનની આંખોમાં નિદ્રા આવતી જાણીને તેમને યશોદાએ ધીરેથી એક ગાડાની નીચે ઝોળીમાં પોઢાડ્યા. ૫ ઉત્સવ સંબંધી ઉત્સાહમાં જ યશોદાનું મન લાગી રહ્યું હતું, અને તે આ ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓનું સન્માન કરતાં હતાં તેથી યશોદાજીએ પુત્રનું રુદન સાંભળ્યું નહીં અને ભગવાને ધાવવાની ઇચ્છાથી રોતાં રોતાં પોતાના પગ ઊંચા કર્યા. ૬ નીચે સૂતેલા બાળકના નાના અને કૂંપળિયાં સરખા કૂણા પગ વાગવાથી ગાડું ઊંધું વળી ગયું. અનેક પ્રકારના રસોથી ભરેલાં કાંસા આદિ ધાતુઓનાં પાત્રો, કે જેઓ ગાડા ઉપર હતાં તે ભાંગી પડ્યાં અને પૈડાં ધરી તથા ધોંસરું પણ વીખાઇ ગયાં અને ઊંધાં પડ્યાં. ૭ પડખું ફેરવવાના ઉત્સવમાં મળેલી યશોદા આદિ સ્ત્રીઓ અને નંદાદિક ગોવાળો અદભૂત બનાવ જોઇને વ્યાકુળ થઇ ગયા અને કહેવા લાગ્યા કે ‘ગાડું પોતાની મેળે કેમ ઊંધું વળ્યું ? એમ કહેતા અને વિવાદથી મોહ પામેલા સઘળા ગાડાંને ચોમેર ટોળું વળીને ઊભા. ૮ જેઓને નિશ્ચય થયો નહીં એવા ગોવળિયા અને ગોપીઓને છોકરાઓએ કહ્યું કે આ બાળકે રોતાં રોતાં પોતાના પગથી ગાડું ઊંધું નાખ્યું છે, એમાં કશો સંશય નથી. ૯ પરંતુ ગોવાળિયા ઓએ છોકરાંવાદમાં ગણીને તેઓની વાત સાચી માની નહીં; કેમકે એ બાળકના અપાર બળનું તેઓને જ્ઞાન ન હતું. ૧૦ યશોદાએ દુષ્ટ ગ્રહોની શંકાથી એ રુદન કરતા પુત્રને તેડી લઇને બ્રાહ્મણો પાસે વેદમંત્રથી સ્વસ્તિવાચન કરાવ્યું અને પછી સ્તનપાન કરાવ્યું. ૧૧ બળવાન ગોવાળોએ સરસામાન સહિત એ ગાડાને પાછું સવળું કર્યું. અને બ્રાહ્મણોએ ગ્રહાદિકના હોમ કરીને દહીં તથા જળથી પૂજન કર્યું. ૧૨ જેઓ અસૂયા, (ગુણમાં દોષ પ્રકટ કરવા) ખોટું ભાષણ, દંભ, ઇર્ષ્યા, હિંસા અને અભિમાનથી રહિત તથા સત્ય સ્વભાવવાળા હોય છે, તેઓએ આપેલા આશીર્વાદ વ્યર્થ થાય જ નહીં. ૧૩ એમ ધારી સાવધાન મનવાળા નંદરાયે ઉત્તમ બ્રાહ્મણોની પાસે સામવેદ, ઋગ્વેદ તથા યજુર્વેદના મંત્રોથી સંસ્કાર પમાડેલા અને પવિત્ર ઔષધિવાળા જળથી પુત્રનો અભિષેક તથા સ્વસ્તિવાચન કરાવ્યાં. ૧૪ પછી અગ્નિમાં હોમ કરાવીને નંદરાયે ઉત્તમ ગુણવાળું અન્ન બ્રાહ્મણોને જમાડ્યું. ૧૫ સઘળા ગુણવાળી અને વસ્ત્ર, પુષ્પની માળા તથા સોનાની માળાવાળી ગાયો પુત્રના કલ્યાણને અર્થે બા્રહ્મણોને આપી. અને બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા. ૧૬ મંત્ર જાણનારા યોગ્ય બ્રાહ્મણોએ જે આશીર્વાદ આપ્યા હોય તે તે પ્રમાણે જ થાય, કદી પણ વ્યર્થ થાય જ નહીં. ૧૭ એક દિવસ ખોળામાં લઇને પુત્રને રમાડતાં યશોદા, પુત્રનો પર્વતના શિખર સરખો ભાર લાગ્યો તેને સહન કરી શક્યાં નહીં. ૧૮ શ્રીકૃષ્ણમાં રહેલા બ્રહ્માંડના ભારથી પીડાએલાં અને વિસ્મય પામેલાં યશોદા પુત્રને પૃથ્વી ઉપર મૂકી દઇને, પરમેશ્વરનું ધ્યાન કરતાં વ્યવહારના કામમાં લાગી ગયાં. ૧૯ કંસનો ચાકર અને કંસે મોકલેલો તૃણાવર્તનામનો દૈત્ય વંટોળિયા વાયુના સ્વરૂપથી આવીને પૃથ્વી ઉપર બેઠેલા બાળક ભગવાનને હરી ગયો. ૨૦ એ વંટોળિયાથી સઘળું ગોકુળ ઘેરાઇ ગયું, ધૂળથી સર્વનાં નેત્રો આંધળાં જેવાં થઇ ગયાં, ભયંકર શબ્દથી દિશા અને ખૂણાઓ ગાજવા લાગ્યા. ૨૧ બે ઘડીવાર સુધી સઘળું ગોકુળ ધૂળથી અને અંધારાથી ઘેરાયેલું રહ્યું. યશોદા આવીને જુએ છે તો જયાં પુત્રને મૂક્યા હતા ત્યાં દીઠા નહીં. ૨૨ તૃણાવર્તે ઉડાડેલી ધૂળથી ઉપદ્રવ અને મોહ થવાને લીધે કોઇ માણસ પોતાના શરીરને કે બીજાને જોઇ પણ શક્તો ન હતો. ૨૩ આ પ્રમાણે કઠોર વંટોળિયાથી ધૂળનો વરસાદ થતાં પુત્રનો પત્તો નહીં મળવાથી પૃથ્વી પર પડી ગયેલાં અને પુત્રને સંભારતાં અબળા યશોદામાતા જેનો વાછડો મરી ગયો હોય, એવી ગાયની પેઠે દયામણી રીતે શોક કરવા લાગ્યાં. ૨૪ પવનથી થયેલી ધૂળની વૃષ્ટિનો વેગ બંધ પડ્યા પછી, યશોદાનું રોવું સાંભળીને બહુ જ સંતાપ પામેલી અને આંસુથી જેઓનાં મોઢાં ભરાઇ રહ્યાં છે, એવી ગોપીઓ તે જગ્યાએ ભગવાનને નહીં દેખીને રોવા લાગી. ૨૫ આ બાજુ વંટોળિયાનું રૂપ ધરનાર તૃણાવર્ત દૈત્ય ભગવાનને હરીને આકાશમાં જતાં ઘણો ભાર લાગવાથી તેનો વેગ શાંત થઇ ગયો અને પોતે ઊંચો જઇ શક્યો નહીં.૨૬ પોતાને ભાર લાગવાથી તૃણાવર્તે એમ માન્યું કે હું આ કોઇ પથ્થરાને ઉપાડી આવ્યો છું, તેથી તે અદભૂત બાળકને તે મૂકી દેવા લાગ્યો, પણ ભગવાન તેને ગળે બાઝી રહ્યા, તેથી મૂકી શક્યો નહીં. ૨૭ ગળું પકડાયાથી ચેષ્ટા રહિત થયેલો અને પૂરી ચીસ પણ નહીં નાખી શકતો તે દૈત્ય, આંખો નીકળી પડતાં મરણ પામીને વ્રજમાં પડ્યો. ૨૮ અંતરિક્ષમાંથી શિલા ઉપર પડેલો તે વિકરાળ દૈત્ય, કે જેના સઘળા અવયવો રુદ્રના બાણથી વીંધાએલા ત્રણ પુરની પેઠે વીંખાઇ ગયા હતા, આવા દૈત્યને, રોતી અને ભેળી થયેલી સ્ત્રીઓએ દીઠો. ૨૯ રાક્ષસ આકાશ માર્ગમાં લઇ ગયો તોપણ મૃત્યુના મુખથી છૂટેલા, કુશળ અને તે રાક્ષસની છાતી ઉપર લટકતા, શ્રીકૃષ્ણને તેડી લઇ યશોદાને આપી સઘળી ગોપીઓ વિસ્મય પામી ગઇ. ૩૦ જેઓના મનોરથ પૂર્ણ થયા એવા નંદાદિક ગોવાળો અને ગોપીઓ બહુ જ આનંદ પામ્યાં અને પરસ્પર બોલવા લાગ્યા કે રાક્ષસે મારી નાખેલો આ બાળક પાછો આવ્યો, એ ભારે અદભૂત થયું. હિંસા કરનારો ખળપુરુષ પોતાના પાપથી માર્યો જાય છે, અને સાધુપુરુષો પોતાની સમતાને લીધે ભયમાંથી છૂટે છે. ૩૧ આપણે તપ, ઇશ્વરનું પૂજન, જળાશયાદિકનું નિર્માણ, યજ્ઞ, દાન કે પ્રાણીઓ ઉપર શું પ્રેમ કરેલ હશે ?કે જેના પ્રભાવથી આ બાળક જે મરી ગયો હતો તે, પોતાના બંધુઓને રાજી કરતો પાછો આવ્યો; આ બહુ જ સારું થયું. ૩૨ ગોકુળમાં આવી રીતનાં ઘણાં ઘણાં આશ્ચર્યો જોઇને વિસ્મય પામેલા નંદરાયને વસુદેવનાં વચન ઉપર બહુ જ વિશ્વાસ બેઠો. ૩૩ એક દિવસે સ્નેહથી વ્યાપ્ત થયેલાં યશોદા બાળકને લઇ, ખોળામાં બેસાડી, તેને પોતાનું દૂધપાન કરાવતાં હતાં. ૩૪ ધાવી રહ્યા પછી તે બાળકના સુંદર મંદહાસ્યવાળા મુખને યશોદા લાડ લડાવતાં હતાં, ત્યાં તે બાળકને બગાસું આવતાં તેના મુખમાં અંતરિક્ષ, સ્વર્ગ, પૃથ્વી, તારામંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્રો, દ્વીપ, પર્વતો, નદીઓ, વન અને સઘળાં સ્થાવર જંગમ પ્રાણીઓને દીઠાં. ૩૫-૩૬ હે પરીક્ષિત રાજા ! સઘળા બ્રહ્માંડને જોઇને તુરત જેને કંપ ઉત્પન્ન થયો, અને વિસ્મય પ્રાપ્ત થયો એવાં મૃગનેત્રી યશોદા પોતાનાં નેત્ર મીંચી ગયાં. ૩૭
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સાતમો અધ્યાય સંપૂર્ણ.