જેનો જન્મ જ થાય નહિ એને અજન્મા કહેવાય, શતાનંદ સ્વામી કહે છે- પ્રભુ તમે અજન્મા છો. ભગવાને સ્પષ્ટિકરણ કરી બતાવ્યું કે- હું ભક્તિ ધર્મનો પુત્ર છું, પ્રગટ થયો છું, એ મારા માતા પિતા છે. ને હવે એમ કહે છે કે- પ્રભુ અજન્મા છે એ કેવી ગૂંચવણીમાં ગૂંચવાઈ જવાય એવી કથા છે, એક બાજુ પ્રગટ થાય છે, બીજી બાજુ અજન્મા છે. એમ શતાનંદ સ્વામી કહે છે તો કઈ રીતે સમજવું ?
સાચી હકીકતમાં સમજીએ તો પ્રભુ જન્મ લેતા જ નથી, અજન્મા છે જેનો જન્મ જ હોય નહિ તેને અજન્મા કહેવાય. જન્મે એ મરે, પણ જે પ્રગટ થાય તે અદૃશ્ય થાય. પ્રભુ પ્રગટ થાય છે સદા અવિનાશી છે. એનો કયારેય નાશ થતો નથી. એ અખંડ તત્ત્વ છે, સદા છે... છે... ને છે.
કદાચ ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરે, તો એ અંતર્ધાન થાય, પણ એનું મરણ થયું ન કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કેજન્મ
કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ । ત્યકત્વા દેહં પુનર્જન્મ, નૈતિ મામેતિ સોઽર્જુન ।।
कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यकत्वा देहं पुनर्जन्म, नैति मामेति सोऽर्जुन ।।
હે અર્જુન ! મારા જન્મ કર્મ દિવ્ય છે, દિવ્ય સ્વરૂપે હું પ્રગટ થાઉં છું, ભગવાન માયિક નથી અમાયિક છે. જીવ પ્રાણી માત્રને જનમવું હોય તો માતાના ઊદરમાં નવ મહિના સુધી કેદ ભોગવવી પડે. તેમાં ખૂબ કષ્ટ અને દુઃખ હોય. ઊદરમાં જીવ જંતુ કરડે. નાની કોટડીમાં પૂરાવું પડે. મા ખારું, ખાટું, તીખું, તમતમતું જે ખાય તે કોમળ બાળકથી ખમાય નહિ, ગર્ભવાસમાં કઠીન દુઃખ ભોગવવાં પડે. મળ-મૂત્રમાં રહેવું પડે. પછી જન્મ સમયે પાછું ખૂબ દુઃખ પડે. ચીચુડામાં શેરડી પીલાય એમ પિલાતાં પિલાતાં સંકટમય યોનિથી જન્મ મળે છે.
એવી રીતે પ્રભુને આલોકમાં પધારવું હોય ત્યારે ગર્ભવાસનું દુઃખ હોતું નથી. ઊદરમાં રહેવું પડે એ બધું જીવને હોય. પણ ભગવાનને કાંઈ ન હોય. ગર્ભમાં આવતા નથી, રહેતા નથી, જન્મતા નથી પણ એની ઈચ્છાથી પ્રગટ થાય છે. બાકી એતો દિવ્ય મૂર્તિ છે, જન્મ રહિત છે. પ્રભુ કહે છે :-
હું છું અજન્મા અવિનાશી આપ, તો કયાંથી માતા વળી બાપ ?
સદૈવ વ્યાપી સર્વત્ર રહું છું, આત્માતણા અંતરમાં રહું છુ !
ભગવાન અનંતરૂપે થઈ શકે, જીવ અનંતરૂપે ન થઈ શકે. પણ ભગવાનની કૃપાથી ભગવાનના મુકતો ભગવાનના સંબંધથી અનેક રૂપે થઈ શકે છે. તેની સરસ કથા છે.
-: હવે દાસ ભાવે સેવા કરો :-
શ્રીજીમહારાજે એક સમયે રાતના મુકતાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું "તમને મારી વાત મનાશે ? સ્વામી કહે ‘હા જરૂર મનાશે,’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું" ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સંત છે. અને મૂળ અક્ષર રૂપ છે.
એક સ્વરૂપે અક્ષરધામના મુકતોને ધરી રહ્યા છે. બીજે સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં છે.
ત્રીજે સ્વરૂપે અક્ષરધામના મુકતોને ઊપદેશ આપે છે. ચોથે સ્વરૂપે આપણી સાથે રહ્યા છે.
આ વાત તમને મનાશે ? મુકતાનંદ સ્વામી કહે, "હા મહારાજ તમે જે કહો છો તે જાણીને જ કહેતા હશો. મને આજે ખબર પડી કે સ્વામી ચાર સ્વરૂપે રહ્યા છે." ગોપાળાનંદસ્વામીનો દરરોજનો નિયમ હતો કે સવારના પૂજાપાઠ કરીને દરરોજ મુકતાનંદ સ્વામીને પગે લાગવા જાય, બીજે દિવસે પગે લાગવા ગોપાળાનંદસ્વામી આવ્યા ત્યારે મુકતાનંદસ્વામીએ આસન પર બેસાડીને કહ્યું "મને શ્રીજીમહારાજે કહ્યું છે કે ગોપાળાનંદસ્વામી કહે તેમ કરજો." મુકતાનંદસ્વામીને ગોપાળાનંદસ્વામીનો ખરેખરો મહિમા સમજાયો કે, આ ગોપાળાનંદસ્વામી ચાર, ચાર રૂપ ધારીને રહ્યા છે. મહામુકત છે અને મૂળ અક્ષર છે.
પછી એક દિવસે ગોપાળાનંદસ્વામીએ કહ્યું, "મુકતાનંદજી તમને સાચી વાત કહું છું કે, તમો શ્રીજીમહારાજની સેવા સખાભાવે કરો છો, તો આજથી દાસભાવે કરજો." મુકતાનંદસ્વામીએ કહ્યું, ભલે. આપ જેમ કહેશો તેમ કરીશ. મૂળ વાત કહેવાની હતી કે, ભગવાન અજન્મા છે, પ્રગટ થાય છે, અને અનંતરૂપો લઈ શકે છે. તેમ ભગવાનની ઈચ્છાથી મુકતો પણ અનેક રૂપો લઈને ભગવદ્ ભકતનાં કાર્યમાં મદદરૂપ થાય છે.
શતાનંદજી કહે છે :- "હે પ્રભુ ! તમે અજન્મા છો, પણ ભક્તિના મનોરથ પૂરા કરવા પુત્રરૂપે પ્રગટ થયા છો, એવા સ્વામિનારાયણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું."