દુઃખને હરનાર તે "હરિ" ને હું નમસ્કાર કરું છું. હરિ, હરિ, હરિ એમ બોલ્યા કરીએ તો આપણાં દુઃખ હરાઈ જાય છે, કેવાં દુઃખને પ્રભુ હરે છે ? દેહનાં દુઃખ, મનનાં દુઃખ, જન્મમરણ ગર્ભવાસનાં દુઃખોને હરે છે. માર્કંડેયઋષિએ કહ્યું કે, "મૈયા ! આ તમારા પુત્રનું નામ હરિ રાખજો, એ નામ પાપને હરશે અને આપદાને પણ હરશે."
અજાણતાં અગ્નિનો સ્પર્શ થાય, તો પણ એ દઝાડે છે, ને જાણીને સ્પર્શો તોપણ દઝાડે છે. તેમ અજાણે ભગવાનનું નામ લેવાઈ જશે તોપણ તેનાં પાતક બળી જાશે. રોગી રોગથી અને દુઃખી દુઃખથી મુકત થાશે. તો પછી સજાગ થઇ હરિસ્મરણ કરવાથી દુઃખ પાસે આવે જ કેમ !
માનવીનાં મનમાં જયાં સુધી કામ હશે, ક્રોધ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા હશે અને હરિનો રસ નહિ હોય, હરિનું સ્મરણ નહિ હોય, ત્યાં સુધી એના દુઃખનું મૂળ ચાલુ રહેશે. ગમે તેટલી જીવનમાં સગવડ હશે પણ જો હરિના જપ નહિ હોય, પૂજા પાઠ વિગેરે નહિ કરે તો માનવીના હૃદયની પરમપદની યાત્રા થશે નહિ. સુખના સાગર શ્રીહરિ સુધી પહોંચાશે નહિ.
-: મારી પાસે સરસ ટીપું છે :-
દુઃખને હરે તેથી હરિ. તો કોઈનાં દુઃખ હર્યાં ખરાં ? હા અનેકનાં દુઃખ હર્યાં છે. કળીયુગમાં પ્રત્યક્ષ બનેલી ઘટના છે, જામનગરનાં ઝવેરબાઈની આંખમાં દુઃખાવો ઊપડ્યો, ખમાય નહિ. ઝવેરબાઈનું નિયમ છે છેડાવ્રતનું. કોઈ પરાયા પુરુષને અડે નહિ, સાંખ્યયોગનું ચૂસ્ત રીતે પાલન કરે, સગાં સંબંધી બધાં ભેગાં થઈ ઝવેરબાઈને દવાખાને લઈ ગયાં.
વૈદ્ય ડોકટરને આંખડી બતાવી, સૌએ ઓપરેશન કરવા સમજાવી;
છેડાવ્રત આજ છૂટે લાજ રાખો પ્રભુજી ! સ્વામિનારાયણ સત્ય છે.
ડોકટરે કહ્યું, "ઓપરેશન કરવું પડશે, ઝામરવા છે." હવે શું કરવું ? બીજો દિવસ નક્કી થયો કે કાલે ઓપરેશન થશે, ત્યારે વહેલી સવારે ઝવેરબાઈ પાડોશી બહેનોની સાથે દર્શન કરવા મંદિરે આવ્યાં, ધીમે ધીમે પ્રદક્ષિણા ફરે છે, મનથી શ્રીહરિનો જાપ કરે છે.
એકદમ પીડા ઊપડી, તેથી બેસી ગયાં. ત્યાં ભગવાન સ્ત્રીના રૂપમાં ટીપું લઈને આવ્યા અને કહ્યું, "બા કેમ બેસી ગયાં છો ?" ઝવેરબાઈએ કહ્યું, "પીડા બહુજ થાય છે, તેથી બેસી ગઈ છું." સ્ત્રીના રૂપમાં ભગવાને કહ્યું, "લ્યો બા સૂઈ જાવ. મારી પાસે સરસ ટીપું છે તે નાખી દઉં, હમણાં સારું થઈ જશે."
હરિએ નાખ્યું ટીપું નિજ હાથે, મહાઅમૃતમય હાથ મૂકી માથે;
દુઃખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે પ્રભુજી ! સ્વામિનારાયણ સત્ય છે.
પ્રભુએ ટીપું નાખી ફૂંક મારી, ને માથા ઊપર હાથ ફેરવીને કહ્યું, બા થોડીવાર પછી આંખ ખોલજો." આટલું બોલી પ્રભુ અદૃશ્ય થઈ ગયા. જયાં આંખ ખોલી ત્યાં દીવા જેવું ચોખ્ખું દેખાવા માંડ્યું અને પીડા સાવ ટળી ગઈ. પછી તો જીવ્યાં ત્યાં સુધી મોતી પરોવી લે તેવી નજર રહી.
આવો છે પ્રભુના નામનો જાપ કરવાનો પ્રભાવ. હરિને વંદના કરી શતાનંદસ્વામી દશમા મંત્રનો ઊચ્ચાર કરે છે.