કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:19pm

 

રાગ : બિભાસ

પદ - ૧

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;

નેણું કેરે બાણે મારી, કાન ધુતારેરે. ટેક૦

સાન કરીને શ્યામળે, મુજ સામું જોયું રે;

ચોટ લગાડી ચિત્તમાં, રસબાણ પ્રોયુરે. નેણું૦ ૧

ઘાયલ થઇને ઘર સુધી, પહોતી પરાંણેરે;

જેવી છે વિહરની વેદના, મારૂં મન જાણેરે. નેણું૦ ૨

અંગમાં વાધિ આપદા, ભોજન ન ભાવે રે;

રજની વીતે ઝુરતાં, નિદ્રા ન આવેરે. નેણું૦ ૩

મન માન્યું નંદલાલશું, બીજી ભ્રમણા ભાગીરે;

મુક્તાનંદ કહે માવશું મને લગની લાગીરે. નેણું૦ ૪

 

પદ - ૨

શ્યામ સંગાથેરે, બેની મારે શ્યામ સંગાથેરે,

તે દહાડાનું તાન મારે, શ્યામ સંગાથેરે.

મહેર કરીને માવજી, મુજ સામું જોયુંરે;

મનડું મારૂં માવશું, અતિશેજ મોહ્યુંરે. તે૦ ૧

નેહ જણાવ્યો નેણમાં, ભૃકુટીની સાનેરે;

વ્યાકુળ કીધી વાલમે, મોરલીની તાનેરે. તે૦ ૨

અલૌકિક આપિયું, મને શ્યામ સુહાગીરે,

મોહનજીની મહેરથી, ભવ ભાવડ્ય ભાગીરે. તે૦ ૩

અખંડ સુહાગણ કરી, કોડિલે કાનેરે;

મુક્તાનંદ કહે મોહી રહી, એને ભીને વાનેરે. તે૦ ૪

 

પદ - ૩

મનડું માન્યુંરે, બેની મારૂં મનડું માન્યુંરે;

મોહનજીને સંગે મારૂં મનડું માન્યુંરે.

એ મારૂં ગમતું કરે, નિત્ય અંતરજામીરે;

સુંદર વરના સંગમાં, હું આનંદ પામીરે. મો. ૧

જોબનિયુ મેં જાળવ્યું, મોહનજી માટેરે;

શ્યામ સંગાથે સહિ કર્યું, મેં તો શિરને સાટેરે. મો. ૨

આડ્ય ન માનું કોઇની, મોહી ભીને વાનેરે;

ગોવિંદ કીધી ઘેલડી, નેણુંની સાનેરે. મો. ૩

આનંદ વાધ્યો અંગમાં, ભૂધરને ભાળીરે;

મુક્તાનંદ કહે માવશું, દૃઢ લાગી તાળીરે. મો. ૪

 

પદ - ૪

પ્રીતડી બાંધીરે, બેની મારી પ્રીતડી બાંધીરે;

લટકાળા નંદલાલ સાથે, પ્રીતડી બાંધીરે.

સુંદર નેણ સોહામણાં, મુખ સુંદર વાણીરે;

સુંદરવરની ચાલમાં, બેની હું લોભાણી રે. લ. ૧

કામણીયાં મુજને કર્યાં, કાનુડે કાળેરે;

દીલડું મારૂં ડોલવ્યું, મીઠી મોરલી વાળેરે. લ. ૨

નેણાં વેણાં મોરલી સૌ, કામણગારૂંરે;

વશ કરી મને વાલમેં, હર્યું ધીરજ મારૂંરે. લ. ૩

કુળ કુટુંબી લોકની, મરજાદા મેલીરે;

મુક્તાનંદ કહે માવશું, દૃઢ બાંધી બેલીરે. લ. ૪

 

Facebook Comments