નિત્યાનંદ સ્વામી ઉત્તર રાજ્યના (યુ.પી.) દતિયા ગામના વતની હતા, સ્વામીનો જન્મ સં. ૧૮૪૯ ના ચૈત્ર સુદ-૯ ગુરૂવાર તા. ૨૧-૩ ૧૭૯૩ માં થયો હતો. તેમની જ્ઞાતિ યજુર્વેદી ગોડ વિપ્રજ્ઞાતિ હતી. પિતાનું નામ વિષ્ણુશર્મા અને માતાનું નામ વિરજા હતું, પોતાનું નામ દિનમણી હતું. તીર્થયાત્રામાં નીકળેલા દિનમણી શર્માને પ્રભુતાનંદ સ્વામીનો સમાગમ થયો, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો. પ્રભુતાનંદ સ્વામી સાથે ઉંઝા આવ્યા. ત્યાં શ્રીહરિનાં દર્શન થયા, શ્રીહરિ સાથે રહ્યા. ફરતા ફરતા મેઘપુર આવ્યા. ત્યાં ભાગવતી દીક્ષા લીધી નિત્યાનંદ નામ ધારણ કર્યું.
નિત્યાનંદ સ્વામી વિચક્ષણ હતા, વિદ્યાભ્યાસમાં એકાગ્રતાવાળા હોવાથી શ્રીહરિએ તેમને વિશેષ અભ્યાસ કરાવ્યો, અનેકવાર વિવિધ ગ્રંથોની કથા કરીને શ્રીહરિ અને સત્સંગીઓને પ્રસન્ન કર્યા, શ્રીહરિ તેમની કથા સાંભળીને, પ્રસન્ન થઈને સ્વામીનું અનેકવાર સન્માન કરાવતા. આ સંતપુરુષે અનેક ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. તેમણે કરેલ “શ્રી હરિદિગ્વિજય” ગ્રંથ જોઈને તેની કથા સાંભળીને પ્રસન્ન થયેલા શ્રીહરિએ સ્વામીને સન્માનિત કરેલા છે. ગ્રંથ લેખનથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ તેઓને હાર પહેરાવી પૂજવા માટે ચરણપાદુકા આપી હતી.
સત્સંગની મહાન સેવા કરીને સં. ૧૯૦૮ના માગસર સુદ ૧૧ ગુરૂવાર તા. ૪-૨-૧૮૫૧ ના દિવસે વડતાલમાં અક્ષરવાસી થયા. ધામાનંદ સ્વામીએ ચંદનકાષ્ટ, પીપળો વગેરે એકઠા કરી તેમને અગ્નિસંસ્કાર કર્યો હતો.