અમદાવાદ ૬ : આ જ પ્રત્યક્ષ ભગવાન સર્વાવતારી છે તે સમજવાની રીત.
સંવત્ ૧૮૮૨ના ફાગણ વદી ૬ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મધ્યે શ્રીનરનારાયણના મંદિરની સન્મુખ વેદિકા ઉપર ગાદીતકિયે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કોટને વિષે ગુલાબના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે બેઉકોરે ચમેલીના પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા, ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સંધ્યા આરતી થઈ રહી તે કેડે કુબેરસિંહે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પુછ્યો જે, “હે મહારાજ ! જે પુરૂષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તે નિશ્ચય ક્યારેય ન ડગે તે ઉપાય કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે, તે માટે સર્વે સાવધાન થઈને સાંભળો જે, પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે માહાત્મ્ય જાણે તો નિશ્ચય ડગે નહિ. તે માહાત્મ્ય કહીએ છીએ જે, આ સત્સંગને વિષે જે ભગવાન વિરાજે છે તેજ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે, ને પોતે તો અવતારી છે ને એ જ સર્વેના અંતર્યામી છે. એ જ અક્ષરધામને વિષે તેજોમય છે, ને ર્સંઈા સાકારરૂપ છે, ને અનંત ઐશ્વર્ય યુક્ત છે, ને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અક્ષરબ્રહ્મના પણ કારણ છે, તે ભગવાન જ્યારે પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને ગ્રહણ કરે ત્યારે જાણીયે જે ઋષભદેવ છે, ને જ્યારે રામાવતારનું ચરિત્ર કરે ત્યારે જાણીએ જે રામચંદ્રજી છે, ને જ્યારે શ્રીકૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ જે શ્રીકૃષ્ણ છે એજ પ્રકારે જે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું જે મહોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે, ને એજ ભગવાન સર્વે અવતારના કારણ છે એમ સમજે તો તેનો નિશ્ચય ડગે નહિ ને એમ ન સમજે તો કાંઈક ડગમગાટ થાય ખરો. એનો એ ઉત્તર છે. ને તેજ શ્રીકૃષ્ણભગવાન પોતે શ્રીનરનારાયણ રૂપે કરીને ધર્મ થકી ભકિતને વિષે પ્રગટ થયા છે. તે માટે આ શ્રીનરનારાયણને અમે અમારૂં રૂપ જાણીને અતિ આગ્રહ કરીને સર્વેથી પ્રથમ આ શ્રીનગરને વિષે પધરાવ્યા છે. માટે આ શ્રીનરનારાયણને વિષે ને અમારે વિષે લગારે પણ ભેદ સમજવો નહિ. ને બ્રહ્મધામના નિવાસી પણ એજ છે.” એવી રીતનાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને વળી કુબેરસિંહે પુછ્યું જે, “હે મહારાજ ! તે બ્રહ્મપુર કેવું છે તેનું રૂપ કહો ને તેને વિષે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અક્ષર રૂપ જે બ્રહ્મ છે તે જ શ્રીપુરૂષોત્તમનારાયણને રહેવા સારૂં ધામરૂપ થયું છે ને સર્વ અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે ને તે બ્રહ્મધામને વિષે બહુ પ્રકારના મહોલ છે. તે મહોલને વિષે બહુપ્રકારના ગોખ છે ને બહુ પ્રકારના ઝરૂખા છે, ને બહુ પ્રકારની તેને અગાસીયું છે, તેને વિષે બહુ ચિત્ર વિચિત્રપણું છે, ને બહુ પ્રકારના ફુંવારા છે. ને બહુ પ્રકારના બાગબગીચા છે, ને તેમાં ફુલ પણ અનંત જાતનાં છે, ને તેજોમય છે. ને અનંત છે, ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે. અને ગોલોક પણ એને કહીએ ને અનંત અન્યધામની વિભૂતિયું તે થકી અસંખ્ય કોટિજાતની શોભાનું અધિકપણું છે ને અપાર છે. ત્યાં દૃષ્ટાંત છે જેમ આકાશ છે તેની ચારે કોરે જોઇએ તે કોઈ દિશામાં અંત આવતો નથી. તેમ એ ભગવાનના ધામનો હેઠે ઉપર ને ચારેકોર અંત નથી કેમજે એ અપાર છે. તેનો જો પાર લેવા માંડે તો પાર આવે નહિ એવું મોટું બ્રહ્મપુર છે. તે બ્રહ્મપુરને વિષે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે, ને તે ધામને વિષે અસંખ્ય પાષર્દ રહ્યા છે. તે કેવા છે તો દિવ્ય આકાર સહિત ને તેજોમય છે, ને સર્વભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે. તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે. ને તેજ ધામના જે પતિ અને અક્ષરાદિક મુક્તના સ્વામી ને પરબ્રહ્મ પુરૂષોત્તમ જે છે તેજ આ સત્સંગને વિષે વિરાજમાન છે. આવો જેનો નિશ્ચય છે, તે જ બ્રહ્મધામને પામે છે.”
ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું ।।૬।। ૨૨૬ ।।