૩૪ અજગરનો મોક્ષ તથા શંખચુડનો વધ કરતા શ્રીકૃષ્ણ ભગવાન.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:38am

અધ્યાય ૩૪

અજગરનો મોક્ષ તથા શંખચુડનો વધ કરતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે- હે રાજા ! એક દિવસે ગોવાળો પોતાના દેવની યાત્રા કરવાનો ઉત્સાહ થવાથી બળદગાડાં જોડી અંબિકા વનમાં ગયા હતા. (અંબિકાવન એ મથુરાથી પશ્ચિમમાં આવેલું એક તીર્થ છે.)૧  હે રાજા ! ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરી, પશુપતિ સદાશિવની અને દેવી અંબિકાની પૂજનના પદાર્થોથી પૂજા કરી.૨  ‘‘અમારા ઉપર દેવ પ્રસન્ન થજો’’ એમ બોલી સર્વે ગોવાળોએ આદરભાવથી બ્રાહ્મણોને ગાયો, સુવર્ણ, વસ્ત્ર, મધ અને અન્નનાં દાન આપ્યાં.૩  વ્રત કરનારા નંદ અને સુનંદ આદિ ભાગ્યશાળી ગોવાળો કેવળ પાણી પીને ઉપવાસ કરેલો હતો, તે રાત્રી સરસ્વતીને કાંઠે રહ્યા હતા.૪  તે વનમાં બહુ જ ભૂખ્યો થયેલો કોઇ મોટો અજગર અણધાર્યો આવીને સૂતેલા નંદરાયને ગળવા લાગ્યો.૫  અજગર ગળવા માંડેલા તે નંદરાય ઊંચે સાદે કહેવા લાગ્યા કે હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! આ મોટો સર્પ મને ગળી જાય છે. માટે હે બાપ ! શરણાગત એવો હું તે મને છોડાવો.૬  નંદરાયની ચીસો સાંભળી તરત ઊઠેલા ગોવાળો નંદરાયને ગળેલા જોઇ સળગતાં લાકડાંથી અજગરને મારવા લાગ્યા.૭  લાકડાં વાગવા છતાં પણ તેણે નંદરાયને છોડ્યા નહીં, ત્યારે યાદવોના પતિ ભગવાને આવીને અજગરને પોતાનો પગ અડાડ્યો.૮ ભવાનના ચરણોના સ્પર્શથી જેનું પાપ ટળી ગયું છે એવા અજગરનું શરીર છૂટી જતાં વિદ્યાધરોએ પૂજેલું સ્વરૂપ પામ્યો.૯  સોનાની માળાવાળા દીપતા શરીરવાળા અને માથુ નમાવીને ઊભેલા એ પુરુષને ભગવાને પૂછ્યું કે તું કોણ છે ? અને કેવી રીતે પરવશ થઇને અજગરની નીચ યોનિને પામ્યો હતો.૧૦-૧૧

અજગર કહે છે- હું લક્ષ્મી અને રૂપની સંપત્તિથી પ્રખ્યાત સુદર્શન નામનો કોઇ વિદ્યાધર હતો, તે વિમાનમાં બેસી દિશાઓમાં ફરતો હતો.૧૨  એક સમયે રૂપના અભિમાનને લીધે મેં અંગિરાકુળના ઋષિઓ કે જે કુરૂપા હતા તેની હાંસી કરી, તેથી તેઓએ મારા પાપને યોગ્ય જ મને આ નીચ અવતાર આપ્યો હતો.૧૩ હું ધારું છું કે એ દયાળુ બ્રાહ્મણોએ મારા ઉપર અનુગ્રહ કરવા સારુ જ શાપ આપ્યો હતો, કેમકે આપ પરમેશ્વરના ચરણનો મને સ્પર્શ મળતાં મારાં પાપો નાશ પામી ગયાં છે.૧૪  હે દુઃખનો નાશ કરનાર ! હું સાપયોનિથી છૂટેલો છું. હવે હું પોતાના લોકમાં જવાને માટે, સંસારથી ભય પામેલા શરણાગતોના ભયને મટાડનારા આપની આજ્ઞા માગું છું.૧૫  હે મોટા યોગી ! હે મહાપુરુષ ! હું આપને શરણ છું. તો હે સર્વલોકના ઇશ્વરોના ઇશ્વર ! મને આજ્ઞા આપો.૧૬  હે અચ્યુત ! તમારાં દર્શન મળતાં હું તરત બ્રાહ્મણોના શાપથી છૂટ્યો છું. જે તમારું નામ લેનાર સર્વે પુરુષો સાંભળનારાઓને અને પોતાને પણ તરત પવિત્ર કરે છે, તે આપના ચરણનો સ્પર્શ મળવાથી હું પવિત્ર થાઉં તેમાં શું કહેવું ?.૧૭

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાનની આજ્ઞા લઇ પ્રદક્ષિણા કરી પ્રણામ કરી સુદર્શન સ્વર્ગમાં ગયો અને નંદરાય કષ્ટમાંથી છૂટ્યા.૧૮  આ ભગવાનના વૈભવને જોઇ વિસ્મય પામેલા ગોવાળો, એ સ્થળમાં પોતાનો નિયમ પૂરો કરી પ્રીતિથી તે વિષયની વાતો કરતા પાછા વ્રજમાં ગયા.૧૯  કોઇ સમયે અદભૂત પરાક્રમવાળા શ્રીકૃષ્ણ અને બલરામ એ બન્નેભાઇઓ રાત્રીએ વ્રજાંગનાઓના મધ્યમાં વિહાર કરતા હતા.૨૦  સ્નેહથી બંધાએલી સ્ત્રીઓ સુંદર રીતે તેમનું ગાયન કરતી હતી. શરીરમાં શણગાર અને લેપન કર્યાં હતાં, માળાઓ પહેરી હતી તથા નિર્મળ વસ્ત્રો ધર્યાં હતાં.૨૧  પ્રદોષ કાળે ચંદ્રમા અને તારાઓ ઊગ્યા હતા, મલ્લિકાની સુગંધથી ભ્રમરો મદોન્મત્ત થયા હતા અને ચંદ્રવિકાસી કમળોના સુગન્ધથી યુક્ત વાયુ વાઇ રહ્યો હતો, તેને માન દેવા સારુ એક સામટી સ્વરમંડળીઓના ચડ ઊતર આલોપો કરતા એ બન્ને સર્વ પ્રાણીઓના મનને અને કાનને પ્રિય લાગે એવું ગાયન કરતા હતા.૨૨-૨૩ હે રાજા ! તેઓનું ગાયન સાંભળી આસક્ત થયેલી ગોપીઓને પોતાનાં વસ્ત્ર ખસી જવાનું અને કેશમાંથી માળા પડી જવાનું જ્ઞાન પણ રહ્યું ન હતું.૨૪ આ પ્રમાણે બન્નેભાઇઓ મન ગમતી ક્રીડા કરતા હતા અને પ્રમત્તની પેઠે ગાતા હતા, ત્યાં શંખચૂડ નામનો કુબેરનો અનુચર એક યક્ષ આવ્યો.૨૫  હે રાજા ! બન્ને ભાઇઓ જેમના નાથ છે તથા ચીસો પાડતી એવી સ્ત્રીઓને એ બન્ને ભાઇઓના દેખતાં જ તે યક્ષ નિર્ભય રીતે ઉત્તર દિશામાં હરી જવા લાગ્યો.૨૬  પોતાની ગોપીઓને હે કૃષ્ણ ! હે રામ ! એમ વાઘે પકડેલી ગાયોની પેઠે ચીસો પાડતી જોઇ એટલે બન્ને ભાઇઓ પાછળ દોડ્યા.૨૭  બીશો નહીં, બીશો નહીં. એમ અભય વચન બોલતા, વેગવાળા અને સાગનાં ઝાડ જેઓએ હાથમાં પકડ્યાં હતાં એવા બન્ને ભાઇઓ તરત તે યક્ષની પાસે જઇ પહોંચ્યા.૨૮  કાળ અને મૃત્યુ સરખા એ બે આવ્યા, તેને જોઇ ઉદ્વેગ પામેલો તે યક્ષ સ્ત્રીઓને છોડી દઇને જીવવાની ઇચ્છાથી ભાગ્યો.૨૯ તે યક્ષ દોડીને જયાં જયાં ગયો ત્યાં ત્યાં ભગવાન તેના માથાનો મણિ લઇ લેવા સારુ પછવાડે દોડ્યા, અને બળદેવ સ્ત્રીઓની રક્ષા કરવા સારુ ઊભા રહ્યા.૩૦  તે યક્ષ દૂર ગયો હતો છતાં ભગવાન તરત ત્યાં પહોંચીને પોતાની મૂઠીનો પહાર કરી તે દુષ્ટના માથા સાથે ચુડામણિ લઇ લીધો.૩૧  આ પ્રમાણે સ્ત્રીઓના દેખતાં શંખચૂડને મારી નાખી તેનો કાંતિવાળો મણિ લાવીને શ્રીકૃષ્ણ ભગવાને પ્રીતિથી મોટા ભાઇને આપ્યો.૩૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોત્રીશમો અધ્યાય સંપૂર્ણ.