અધ્યાય ૩૮
ગોકુળમાં જ ઇને શ્રીકૃષ્ણ તથા બળદેવજી દ્વારા સત્કારને પામતા અક્રૂરજી.
શુકદેવજી કહે છે- મોટી બુદ્ધિવાળા અક્રૂરજી પણ કંસે આજ્ઞા કર્યા પછી, તે રાત્રિ મથુરામાં રહીને બીજા દિવસે રથમાં બેસી ગોકુળમાં જવા નીકળ્યા.૧ માર્ગમાં ચાલતાં શ્રીકૃષ્ણ ભગવાનમાં જેને પરમ ભક્તિ ઉત્પન્ન થઇ છે. એવા અક્રૂરજી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.૨ અક્રૂરજી વિચાર કરે છે મેં કયું પુણ્ય કર્યું હશે ? કયું મોટું તપ કર્યું હશે ? અને પાત્રને કયું દાન આપ્યું હશે ? કે જેના પ્રભાવથી આજ મને ભગવાનનું દર્શન થશે.૩ જેમ શૂદ્રજાતિના માણસને વેદનું ઉચ્ચારણ દુર્લભ છે, તેમ વિષયોથી ઘેરાયેલા મને ભગવાનનું દર્શન પણ દુર્લભ છે, એમ માનું છું.૪ હું અધમ છતાં પણ મને ભગવાનનું દર્શન મળશે જ, જેમ નદીમાં તણાતા જતા ઘાસ આદિ પદાર્થોમાં કોઇ પદાર્થ કોઇ સમયે કાંઠે આવે છે, અને અટકી જાય છે. તેમ કર્મને લીધે કાળરૂપ નદીમાં તણાતા જતા જીવોમાં પણ કોઇ જીવ તરીને પાર પામે એ વાત સંભવે છે.૫ મારી આ પ્રવૃત્તિથી જ અત્યારે મારું સર્વ પાપ નાશ પામ્યું અને જન્મ સફળ થયો જણાય છે, કે જેથી યોગીઓને ધ્યાન કરવા યોગ્ય ગવચ્ચરણારવિંદને હું પ્રણામ કરીશ.૬ અહો ! કંસે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે; કેમકે તેણે મોકલેલો હું પૃથ્વીમાં અવતરેલા પરમેશ્વરના ચરણારવિંદનું દર્શન કરીશ, કે જે ચરણના નખમંડળની કાંતિથી પૂર્વના મહાત્મા લોકો આ અપાર સંસારરૂપી અંધારાને તરી ગયા છે.૭ બ્રહ્મા અને શંકર આદિ દેવતાઓ, લક્ષ્મીદેવી અને ભક્તજન સહિત સનકાદિક મુનિઓએ પૂજેલું, ગોપીઓના સ્તન ઉપર રહેલા કુંકુમથી ચિહ્નિત થયેલું, એવું એ ચરણારવિંદ કૃપાળુપણાથી અનુચરોની સાથે ગાયોને ચારવા માટે વનમાં ફરે છે અને વળી એ માત્ર પ્રેમથી જ સુલભ છે. આવાં ચરણારવિંદને હું જોઇશ.૮ હસીને જોનાર રાતાં કમળ સરખાં નેત્રવાળું, વાંકા કેશોથી વીંટાએલું અને જેમાં કપોલ તથા નાસિકા સુંદર છે, એવું ભગવાનનું મુખારવિંદ હું અવશ્ય દેખીશ, કેમકે આ હરણો મારી જમણી બાજુ ઊતરે છે.૯ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે પોતાની ઇચ્છાથી મનુષ્યરૂપે અવતરેલા વિષ્ણુના સુશોભિત સ્વરૂપનું મને આજ દર્શન થશે ? અને જો તે દર્શન થાય તો અનાયાસે મારાં નેત્રનું સાફલ્ય થશે.૧૦ ચેતન તથા અચેતન વર્ગના સાક્ષાત્ દૃષ્ટા છતાં પણ દૃષ્ટાપણાના અભિમાનથી રહિત, અને પોતાના સામર્થ્ય વડે પોતાના આશ્રિત જીવોના અજ્ઞાનને નાશ કરનારા, તથા દેવ, મનુષ્યાદિક પ્રાકૃત ભેદને નાશ કરનારા, અને દુઃખરૂપ શબ્દાદિક વિષયોને વિષે સુખપણાની બુદ્ધિરૂપ જે ભ્રમ તેને નાશ કરનારા, એવા જે નારાયણ છે, તેની દૃષ્ટિ જેમને વિષે રહેલી છે. એવી પોતાની શક્તિરૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિ દ્વારા જીવસમૂહને વિષે રચાયેલાં પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ વડે કરીને ગોપો તથા ગોપીઓજ નારાયણને પોતાના ઘરોમાં, વૃન્દાવનમાં, લતાગૃહોમાં પ્રત્યક્ષપણે પ્રાપ્ત કરે છે .૧૧ જે ઇશ્વરની સર્વ લોકોના પાપોને નાશ કરનારી, અને મહામંગળરૂપ, ગુણ, જન્મ અને કર્મોના વર્ણનવાળી વાણી જગતને જીવાડે છે, શોભાવે છે અને પવિત્ર કરે છે, અને તેના વર્ણન વિનાની વાણી સારી રીતના અલંકાર વાળી હોય છતાં પણ વસ્ત્રાદિકથી શણગારેલા શબ જેવી માનેલી છે; આવા તે ઇશ્વર પોતે કરેલી વર્ણાશ્રમની મર્યાદાઓને પાળનારા લોકપાળોને સુખ આપવા સારુ યાદવોના વંશમાં અવતરેલા છે, અને દેવતાઓ જે યશનું ગાયન કરે છે એવા સર્વ મંગળરૂપ યશને વિસ્તારતા વ્રજમાં રહે છે.૧૨-૧૩ મહાત્માઓના ગુરુ અને ગતિરૂપ તે ઇશ્વર ત્રૈલોક્યમાં સર્વોત્તમ, લક્ષ્મીજીના પ્રિય સ્થાનકરૂપ અને નેત્રવાળાઓને મોટા આનંદરૂપ શરીરને ધરી રહ્યા છે, તેમને હું આજ દેખીશ; કેમકે પ્રાતઃકાળમાં મને થયેલાં સારાં શકુનો એ શુભ દર્શનનાં સૂચક હતાં.૧૪ દર્શન થતાં તરત જ રથમાંથી ઊતરીને કૃષ્ણ અને બલરામનાં ચરણ કે જેઓનું યોગીઓ પણ સ્વરૂપની પ્રાપ્તિને માટે કેવળ બુદ્ધિથી જ ધ્યાન કરે છે, તે ચરણમાં હું સાક્ષાત્ પ્રણામ કરીશ, અને તેમની સાથે ગોવાળોને પણ પ્રણામ કરીશ.૧૫ હું એના ચરણમાં પડીશ તે સમયે શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હસ્તકમળને મારા મસ્તક ઉપર ધરશે ? એ હસ્ત કાળરૂપી સર્પે બિવડાવેલા અને શરણને ઇચ્છનારા મનુષ્યોને અભય દેનાર છે.૧૬ ઇંદ્ર અને બલિરાજા જે હસ્તકમળમાં પૂજનરૂપ દાન આપીને ત્રણ લોકના સ્વામીપણાને પામેલા છે, આ પ્રમાણે મુમુક્ષુ પુરુષોને મોક્ષ આપનારા, તથા સકામ પુરુષોને અભ્યુદયને આપનારા અને સુગંધિમાન કમળ જેવી સુગંધવાળા જે હસ્તકમળે રાસક્રીડાના સમયમાં પોતાના સ્પર્શથી ગોપીઓનો થાક ટાળ્યો હતો.૧૭ હું જોકે કંસનો મોકલેલો દૂત છું, તોપણ ભગવાન મને આ શત્રુનો દૂતછે એમ ગણશે જ નહીં; કેમકે એ પોતે સર્વજ્ઞ અને અંતર્યામી હોવાને લીધે પોતાના નિત્યજ્ઞાનથી મારા મનની અને બહારની ચેષ્ટાને જાણે છે.૧૮ હું બહારથી કંસને અનુસરું છું અને અંદરથી ભગવાનને અનુસરું છું, એ સર્વે ભગવાન જાણે છે. હું એમના ચરણની પાસે સાવધાનપણાથી હાથ જોડી ઊભો રહીશ ત્યારે હસીને કોમળ દૃષ્ટિથી ભગવાન મારી સામું જોશે તો તે સમયે તરત જ સર્વ પાપથી અને શંકાથી મુક્ત થઇને હું ભારે આનંદ પામીશ.૧૯ મારો શ્રીકૃષ્ણ વિના બીજો કોઇ ઇષ્ટદેવ નથી અને વળી એ શ્રીકૃષ્ણનો બહુ જ સ્નેહી પિત્રાઇ છું, આવો જે હું તે મને ભગવાન પોતાના મોટા હાથથી જયારે આલિંગન કરશે ત્યારે જ મારો દેહ અત્યંત પવિત્ર થશે.૨૦ હું પ્રણામ કરી હાથ જોડી ઊભો રહીશ ત્યારે મને આલિંગન આપીને મોટી ર્કીતિવાળા ભગવાન જયારે હે અક્રૂર ! હે કાકા ! એમ કહી બોલાવશે, ત્યારે જ મારો જન્મ સફળ થશે. ભગવાન જેનો અનાદર કરે તેમના જન્મને ધિક્કાર છે.૨૧ જો કે તે શ્રીકૃષ્ણને પ્રિય, અપ્રિય, હિતકારી, દ્વેષનુંપાત્ર કે ઉપેક્ષાનું પાત્ર કોઇ પણ નથી તોપણ આશ્રય કરનારાઓને પુરુષાર્થ આપનાર ભગવાન કલ્પવૃક્ષની પેઠે ભજનારાઓને ભજે છે.૨૨ હું જયારે પ્રણામ કરી હાથ જોડીશ ત્યારે મારા હાથ પકડી લેતાં હાસ્યપૂર્વક આલિંગન કરી, ઘરમાં તેડી જઇ સર્વ સત્કાર આપીને મોટા ભાઇ બળદેવજી પોતાના બંધુઓ વિષે કંસે ચલાવેલી વર્તણૂક વિષે મને પૂછશે ?૨૩
શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે માર્ગમાં ભગવાનનું ચિંતવન કરતા જતા અક્રૂરજી ગોકુળમાં આવ્યા ત્યાં તો સૂર્ય અસ્તાચળને પામ્યો.૨૪ જે ભગવાનની ચરણ રજને સર્વે લોકપાળો પોતાના મુગટ ઉપર ધરે છે, તેમનાં કમળ, યવ, અંકુશ આદિ રેખાઓ ઉપરથી ઓળખાઇ આવતાં પગલાં પૃથ્વી ઉપર જાણે શણગાર જ હોય એવી રીતે ઊઠી રહ્યાં હતાં, તેને અક્રૂરજીએ દીઠાં.૨૫ એ પગલાંનાં દર્શનના આનંદથી અક્રૂરજીનો ભારે આનંદ વૃદ્ધિ પામ્યો, પ્રેમથી રુવાડાં ઊભાં થઇ ગયાં અને આંખો આંસુથી વ્યાકુળ થઇ. અહો ! આ પ્રભુના ચરણની રજ દુર્લભ છે, એમ ધારીને રથમાંથી હેઠા ઊતરી અક્રૂરજી પથ્વીપર આળોટવા લાગ્યા.૨૬ દેહધારી પુરુષોને માટે એ જ પરમ પુરુષાર્થ છે કે દંભ, ભય અને શોકનો ત્યાગ કરીને કંસના સંદેશાથી લઇને અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જે અવસ્થા બતાવી, એ અવસ્થા ભગવાનનાં દર્શન શ્રવણાદિકે કરીને પ્રાપ્ત કરવી. અર્થાત્ ભક્તિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરવી. એજ પરમ પુરુષાર્થ છે.૨૭ શ્રીકૃષ્ણ અને બલરામ ગાયો દોહવાના સ્થાનકમાં ગયા હતા ત્યાં તેને અક્રૂરજીએ દીઠા. શ્રીકૃષ્ણ પીળાંવસ્ત્ર પહેર્યાં હતાં અને બલરામે શ્યામવસ્ત્ર પહેર્યાં હતાં, બન્નેની આંખો શરદઋતુના કમળ સરખી હતી.૨૮ એકનો વર્ણ શ્યામ હતો અને બીજાનો શ્વેત હતો, અવસ્થા કિશોર હતી, હાથ મોટા હતા. બન્ને શોભાના આશ્રયરૂપ હતા, મુખ સુંદર હતાં, ચાલ નાના હાથીના જેવી હતી, કાન્તિ સર્વોત્તમ હતી.૨૯ એ બન્ને મહાત્મા ધ્વજ, વજ્ર, અંકુશ અને કમળની રેખાના ચિહ્નવાળાં ચરણથી વ્રજને શોભા આપતા હતા, દયાપૂર્વક હસીને જોતા હતા.૩૦ ઉદાર અને મનોહર ક્રીડા કરતા હતા, રત્નની માળા તથા વનમાળા પણ પહેરી હતી. ઉત્તમ ચંદનનું શરીરમાં લેપન કર્યું હતું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરેલાં હતાં.૩૧ પોતાની કાંતિથી દિશાઓનો અંધકાર દૂર કરતા હતા. જેમ સુવર્ણથી વ્યાપ્ત થયેલા મરકત મણિના અને રૂપાના પર્વત શોભે તેમ સુવર્ણના અલંકારોથી બન્ને શોભતા હતા. ઉત્તમ પુરુષો સર્વના આદિ, જગતના કારણરૂપ, જગતના પતિ અને પૃથ્વીનો ભાર ઉતારવા સારુ જ ભિન્ન ભિન્ન શરીરથી અવતરેલા એ બલરામ અને શ્રીકૃષ્ણને જોઇ સ્નેહથી વિહ્વળ થયેલા અક્રૂરજી તરત રથમાંથી ઉતરી પડી, તેના ચરણની પાસે દંડની પેઠે પડ્યા.૩૨-૩૪ હે રાજા ! ભગવાનનાં દર્શન થવાનો આનંદ થવાથી, આંસુથી નેત્ર વ્યાકુળ થઇ જતાં અને ઉત્કંઠાથી રુવાડાં ઊભાં થઇ જતાં, અક્રૂરજી પોતાનું નામ લઇને હું પ્રણામ કરું છું, એમ કહી શક્યા નહીં.૩૫ પ્રસન્ન થયેલા અને ભક્તો પર પ્રીતિ રાખનારા ભગવાને તેમના મનની સર્વે વાત જાણી લઇ, ચક્રનાં ચિહ્નવાળા પોતાના હાથથી તેમને સમીપે લઇને આલિંગન કર્યું.૩૬ શ્રીકૃષ્ણ સહિત મોટા મનવાળા બલરામ પણ પોતાને નમેલા અક્રૂરજીનું આલિંગન કરી પોતાના હાથથી તેમના બન્ને હાથ પકડીને ઘેર તેડી ગયા.૩૭ પછી ભલે આવ્યા. એમ કહી કુશળ સમાચાર પૂછી તેમને સુંદર આસન આપ્યું અને વિધિ પ્રમાણે તેમના પગ ધોઇ મધ સહિત દહીંથી પૂજન કર્યું તથા ગાયનું નિવેદન કરી પગ ચાંપ્યા. પ્રીતિવાળા બળભદ્રે અક્રૂરજીનો થાક ઊતરી ગયા પછી તેમને ઘણા ગુણવાળું પવિત્ર અન્ન શ્રદ્ધાથી જમવા આપ્યું.૩૮-૩૯ પરમ ધર્મ જાણનારા બળદેવજી અક્રૂરજી જમી રહ્યા પછી પ્રીતિથી મુખવાસ ચંદન અને પુષ્પ આપીને તેમને બહુ જ રાજી કર્યા.૪૦ સારી રીતે સત્કાર કર્યા પછી નંદરાયે અક્રૂરજીને પૂછ્યું કે હે અક્રૂરજી ! નિર્દય કંસ જીવે છે ત્યાં સુધી, કસાઇના હાથ નીચે બંધાએલા ઘેટાંઓના જેવી સ્થિતિવાળા તમે કેવી રીતે જીવો છો ?૪૧ ખળ અને પોતાની ઇંદ્રિયોને તૃપ્ત કરનાર જે કંસે પોતાની બહેને ચીસો નાંખવા છતાં તેનાં બાળકોને મારી નાખ્યાં, આવા દુષ્ટ કંસની પ્રજા થઇને રહેલા તમોને જીવન પણ દુર્લભ છે, ત્યાં કુશળતાનો તો શો વિચાર કરીએ ?.૪૨ આ પ્રમાણે નંદરાયે મધુર વચનથી સારી રીતે સત્કાર કરેલા અક્રૂરજીનો માર્ગનો પરિશ્રમ તો નંદરાયના પૂછવાથી જ હળવો થઇ ગયો.૪૩
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો આડત્રીશમો અધ્યાય સંપૂર્ણ.