૧૭ સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:48pm

અધ્યાય - ૧૭


श्रीपरमात्मने नमः
अथ सप्तदशोऽध्यायः

अर्जुन उवाच
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१७- १॥

અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવા પ્રકારની છે ? સાત્ત્વિકી છે ? કે રાજસી છે ? કિંવા તામસી છે ? ।।૧૭- ૧।।

श्रीभगवानुवाच
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥१७- २॥

શ્રીભગવાન કહે છે-
દેહધારીઓને સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા સ્વાભાવિકીજ હોય છે. તે ત્રણ પ્રકારની શ્રદ્ધાને તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૨।।

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥१७- ३॥

હે ભારત ! સર્વ મનુષ્યોને પોત-પોતાના અન્તઃકરણને અનુરૂપજ શ્રદ્ધા હોય છે. અને આ પુરૂષ-જીવાત્મા શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન છે. માટે જે પુરૂષ જેમાં-જેવી શ્રદ્ધાવાળો હોય છે. તો તે પોતે પણ તે રૂપજ છે. ।।૧૭- ૩।।

यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥१७- ४॥

સાત્ત્વિક મનુષ્યો ઇન્દ્રાદિક દેવોને પૂજે છે. રાજસ મનુષ્યો યક્ષ અને રાક્ષસોને પૂજે છે. અને બીજા તામસી જનો તો પ્રેત અને ભૂતગણોને પૂજે છે. ।।૧૭- ૪।।

अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥१७- ५॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥१७- ६॥

જે મનુષ્ય શાસ્ત્રવિધિએ રહિત એવું મનઃકલ્પિત ઘોર તપ તપે છે. અને દંભ તથા અહંકારે યુક્ત તેમજ કામનાઓ, રાગ-આસક્તિ અને શારીર બળના પણ અભિમાનવાળા હોઇને. શરીરમાં-શરીરરૂપે રહેલા ભૂમિ આદિક ભૂતસમુદાયને કૃશ કરતા દમન કરતા. અને મારા શરીરભૂત જીવાત્મામાં અન્તર્યામીરૂપે રહેલા એવા મને પણ દુભવતા થકા વર્તે છે. તેવા અજ્ઞાનીઓને તું આસુર નિશ્ચયવાળા જાણ ! ।।૧૭- ૫-૬।।

आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥१७- ७॥

આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણ પ્રકારનો પ્રિય હોયછે. તેમજ યજ્ઞ, તપ અને દાન, તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૭।।

आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥१७- ८॥

આયુષ્ય, બુદ્ધિ, બળ,આરોગ્ય, સુખ અને પ્રીતિ, એ સર્વને વધારનારા, રસવાળા, ઘી વગેરે ચીકાશવાળા, બગડે નહિ એવા અને ખાંતાં પણ પ્રિય લાગે એવા આહાર-ભોજનના પદાર્થો સાત્ત્વિક પુરૂષોને પ્રિય છે. ।।૧૭- ૮।।

कट्‌वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥१७- ९॥

કડવા, ખાટા, ખરા, બહુજ ગરમા-ગરમ, તીખા, લૂખા, દાહ કરનારા તેમજ દુ:ખ, શોક અને રોગને ઉત્પન્ન કરનારા આવા આહાર- ખાવાના પદાર્થો રાજસ માણસોને પ્રિય હોય છે. ।।૧૭- ૯।।

यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥१७- १०॥

રાંધ્યા પછી જેના ઉપર ઘણો વખત વીતી ગયો હોય. રસ વિનાનું, દુર્ગન્ધવાળું, વાસી અને ઉચ્છિષ્ટ તથા અપવિત્ર એવું જે ભોજન તે તામસ જનોને પ્રિય હોય છે. ।।૧૭- ૧૦।।

अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥१७- ११॥

શાસ્ત્રવિધિ પ્રમાણે કરવામાં આવતો અને કરવો જ જોઇએ એ આપણી ફરજ કર્તવ્ય છે, એમ મનમાં સમાધાન-નિશ્ચય કરીને ફળાનુસન્ધાન નહિ રાખનારા નિષ્કામ માણસોએ કરેલા યજ્ઞ તે સાત્ત્વિક યજ્ઞ છે. ।।૧૭- ૧૧।।

अभिसंधाय तु फलं दम्भार्थमपि चैव यत् ।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥१७- १२॥

હે ભરતશ્રેષ્ઠ ! ફળનું અનુસન્ધાન રાખીને તો, તેમજ દંભને ખાલી મોટાઇને પોષવાને માટેજ જે યજ્ઞ કરવામાં આવે છે. તેને તું રાજસ યજ્ઞ જાણ ! ।।૧૭- ૧૨।।

विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥१७- १३॥

શાસ્ત્રવિધિ સિવાયનો, અન્નનું પણ દાન જેમાં ન હોય, મન્ત્રનું ઉચ્ચારણ કર્યા સિવાયનો, દક્ષિણાઓ પણ જેમાં ન અપાય અને જેમાં શ્રદ્ધા પણ ન હોય એવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૩।।

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१७- १४॥

દેવતા, બ્રાહ્મણ, ગુરૂ અને પ્રાજ્ઞ-સાધુજનો વિગેરેનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આ શરીરસંબંધી-શરીરસાધ્ય તપ કહેવાય છે. ।।૧૭- ૧૪।।

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१७- १५॥

કોઇને પણ ઉદ્વેગ નહિ કરનારૂં, સાંભળતાં પ્રિય લાગે અને હિત કરે, એવું જે સત્ય-યથાર્થ ભાષણ, સચ્છાસ્ત્રનું પઠન-પાઠન, તેમજ ભગવન્નામ-મંત્રાદિકના જપનો અભ્યાસ કરવો, એ વાંગ્મય-વાણીથી સિદ્ધ થતું તપ કહેવાય છે. ।।૧૭- ૧૫।।

मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१७- १६॥

મનની પ્રસન્નતા, સૌમ્યતા-શાન્તસ્વભાવતા, મૌન-ભગવત્સ્વરૂપમાં એકાગ્રતા, મનનો સર્વથા નિગ્રહ અને અન્તઃકરણની સમ્યક્શુદ્ધિ, આ સઘળું માનસ-મનઃસાધ્ય તપ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૬।।

श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥१७- १७॥

ફળની આકાંક્ષા નહિ રાખનારા અને ભગવત્સ્વરૂપમાં જોડાયેલા મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી કરવામાં આવતું ઉપર બતાવેલું એ ત્રણેય પ્રકારનું તપ સાત્ત્વિક તપ કહેવાય છે. ।।૧૭ -૧૭।।

सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१७- १८॥

સત્કાર માટે, મન-મરતબા માટે અને લોકમાં પૂજા થાય તે માટે અને તે પણ દંભથી જ કરવામાં આવતું આવું જે તપ આ લોકમાં કરવામાં આવે છે તે રાજસ તપ કહેવાય છે. અને તે ચળ-ક્ષણિક અને અસ્થિર બહુ લાંબો સમય ન નભે એવું હોય છે. ।।૧૭- ૧૮।।

मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥१७- १९॥

મૂઢપણે દુરાગ્રહથી અને શરીરને તેમજ મનને પણ કલેશ પડે તેવું જે તપ કરાય છે તથા પરનો વિનાશ-ભુંડું કરવા માટે કરવામાં આવતું તપ તે તામસ તપ કહેવાય છે. ।।૧૭- ૧૯।।

दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥१७- २०॥

દાન આપવું જ જોઇએ એમ ધારીને જે દાન દેશ, કાળ અને પાત્ર-સુપાત્ર જોઇને તેમાં જેના તરફથી ઉપકારૂપ બદલાની આશા પણ ન હોય એવાને આપવામાં આવતું જે દાન તે સાત્ત્વિક દાન કહેવાય છે. ।।૧૭- ૨૦।।

यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥१७- २१॥

જે દાન તો પ્રત્યુપકાર થવાને માટે અથવા ફળનો ઉદેશ કલ્પીને કલેશપૂર્વક આપવામાં આવે છે. તે રાજસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૧।।

अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥१७- २२॥

સારા-નરસા દેશ કાળનો વિચાર કર્યા વિનાજ, અપાત્રોને, સત્કાર સિવાય, અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે. તે તામસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૨।।

ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥१७- २३॥

ॐ, तत् અને त् એમ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે. અને તેનાથીજ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૧૭- ૨૩।।

तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥१७- २४॥

માટે જ બ્રહ્મવાદી સત્પુરૂષોની વેદના વિધાનથી કહેલી યજ્ઞ, દાન અને તપ વિગેરે ક્રિયાઓ ‘‘ॐ’’ એવા ઉચ્ચારણ પૂર્વક જ પ્રવર્તે છે. ।।૧૭- ૨૪।।

तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥१७- २५॥

‘‘तत्’’ તે પરમેશ્વરજ આ સઘળું છે. એમ ધારીને ફળનું અનુસન્ધાન નહિ રાખતાં મોક્ષાર્થી જનોએ યજ્ઞ અને તપ વિગેરે ક્રિયાઓ તથા વિવિધ પ્રકારની દાન-ક્રિયાઓ કરવામાં આવે છે. ।।૧૭- ૨૫।।

सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥१७- २६॥

‘‘सत्’’ એ શબ્દનો સારા સત્યભાવમાં તેમજ સાધુ-શ્રેષ્ઠભાવમાં પ્રયોગ કરાય છે. તેમજ હે પાર્થ ! પ્રશસ્ત-શ્રેષ્ઠ કર્મમાં પણ ‘‘सत्’’ શબ્દનો પ્રયોગ કરાય છે. ।।૧૭- ૨૬।।

यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥१७- २७॥

તથા યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે સ્થિતિ-સ્થિરતાપૂર્વક વર્તવું તે ‘‘सत्’’ એવા શબ્દથી કહેવાય છે. તેમજ તે યજ્ઞાદિક માટે કરવામાં આવતું કર્મ તે પણ ‘‘सत्’’ એવા શબ્દથીજ કહેવાય છે. ।।૧૭- ૨૭।।

अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥१७- २८॥

હે પાર્થ !શ્રદ્ધા વિનાનું હોમેલું, દાન આપેલું, તપ તપેલું અને બાકીનું પણ જે કાંઇ કરેલું કર્મ તે અસત્‌ એમ કહેવાય છે. અને તે કર્મનું ફળ મર્યા પછી તેમજ મર્યા પહેલાં આ લોકમાં પણ નથીજ મળતું. ।।૧૭- ૨૮।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ॥१७॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે શ્રદ્ધાત્રય-વિભાગયોગો નામ સપ્તદશોઽધ્યાયઃ ।।૧૭।।