૬૦ શ્રીકૃષ્ણ ભગવાને રુક્મિણીનું કરેલું હાસ્ય તથા સાન્ત્વન.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:25pm

અધ્યાય ૬૦

શ્રીકૃષ્ણ ભગવાને રુક્મિણીનું કરેલું હાસ્ય તથા સાન્ત્વન.

શુકદેવજી કહે છે એક દિવસે પોતાની સખીઓની સાથે રુક્મિણી પોતાના પલંગ ઉપર સુખેથી બેઠેલા જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણ ભગવાનની ચમર ઢોળીને સેવા કરતાં હતાં.૧ જે ઇશ્વર પોતાની લીલાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, અને પોષણ કરે છે તેજ અજન્મા ઇશ્વર પોતાની કરેલી મર્યાદાઓના રક્ષણ માટે યાદવકુળમાં જન્મ્યા છે.૨ એ રુક્મિણીનું શયનગૃહ મોતીની માળાઓનાં લટકણિયાંથી શોભતુ હતું અને મણિના દીવા પ્રકાશી રહ્યા હતા.૩ મલ્લિકાની માળાઓ અને પુષ્પોની સુગંધી લેવા આવેલા અનેક ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા, ચંદ્રમાના નિર્મળ કિરણો બારીઓના છિદ્રમાંથી પેસી રહ્યા હતા.૪ બગીચામાં શોભનાર પારિજાતકના વનનો સુગંધી વાયુ ફેલાઇ રહેલો હતો. હે રાજા ! અગરુના ધૂપના ધુમાડા જાળિઆનાં છિદ્રમાંથી નીકળતા હતા.૫ એ ઘરમાં રુક્મિણી પલંગ પર બીછાવેલી દૂધના ફીણ સમાન અતિ કોમળ તથા શ્વેત વર્ણવાળી ઉત્તમ રજાઇ ઉપર સુખેથી બેઠેલા પોતાના પતિ જગન્નાથ ભગવાનની સેવા કરતાં હતાં.૬ રત્નની દાંડીવાળા ચમર હાથમાં લઇને પવન ઢોળતાં રુક્મિણી પ્રભુની પાસે બેઠાં હતાં.૭ ભગવાનની પાસે મણિનાં ઝાંઝરના ઝમકારા કરતાં અને વીંટીઓ, કંકણ તથા ચમર જેના હસ્તમાં શોભી રહેલું હતું, એવાં રુક્મિણી વસ્ત્રના છેડાથી ઢાંકેલાં સ્તન ઉપર કેસરથી રંગાએલા હારથી અને નિતંબ ઉપર ધરેલી અમૂલ્ય કટિમેખળાથી શોભતાં હતાં.૮ ભગવાને લીલાથી ધરેલા અવતારને યોગ્ય રૂપવાળાં અને પોતા વિના બીજો કોઇ જેનો આશ્રય નથી, એવાં એ સાક્ષાત લક્ષ્મીરૂપ રુક્મિણી કે જેના કેશ, બે કુંડળ અને સોનાની કંઠીથી ચારે દિશામાં શોભી રહેલા મુખમાં મંદહાસ્યરૂપી અમૃત દીપી રહ્યું હતું, તેમને જોઇને પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ ભગવાન હસતાં હસતાં આ પ્રમાણે કહેવા લાગ્યા.૯

ભગવાન કહે છે હે રાજપુત્રી ! લોકપાળ સરખા ઐશ્વર્યવાળા, મોટા પ્રભાવવાળા, ધનવાન, રૂપ, ઉદારતા અને બળથી વૃદ્ધિ પામેલા રાજાઓ પ્રથમ તમને ઇચ્છતા હતા અને પછી તમારા ભાઇએ તથા પિતાએ તેઓના સંબંધમાં તમારું સગપણ કર્યું હતું તે છતાં, એ કામાતુર શિશુપાળ આદિ રાજાઓ કે જેઓ તમને પરણવા સારુ આવ્યા હતા, તેઓને છોડી દઇને અમો કે જેઓ તમારા સમાન નથી, તેને તમો શા માટે વર્યાં ?૧૦-૧૧ હે સુંદરી ! અમો તો ઘણું કરીને રાજાઓથી ભય પામીને સમુદ્રને શરણે આવેલા, બળવાનોની સાથે દ્વેષ કરનારા અને રાજ્યાસનનો ત્યાગ કરનારા છીએ, આવા અમોને શા માટે વર્યાં ?૧૨ હે સુંદરી ! અજાણી રીતભાતવાળા અને લોકથી ન્યારા માર્ગવાળા પુરુષોના પનારામાં પડેલી સ્ત્રીઓ ઘણું કરીને પીડાય છે.૧૩ અમો તો નિરંતર નિષ્કિંચન છીએ, અને નિષ્કિંચન લોકોને પ્યારા તથા તેઓ ઉપર પ્રીતિ રાખનારા છીએ, એટલા માટે ઘણું કરીને સમૃદ્ધિવાળા લોકો મને ભજતા નથી.૧૪ જેઓનાં ધન, જન્મ, ઐશ્વર્ય અને આવતા સમયની સ્થિતિ પરસ્પર સમાન હોય તેઓ વચ્ચે જ વિવાહ અને મૈત્રી થવી યોગ્ય છે. પણ ઉત્તમ અને અધમની વચ્ચે કદી યોગ્ય નથી.૧૫ હે રુક્મિણિ ! તમે ટૂંકી દૃષ્ટિથી આ સર્વે વાત નહીં જાણતાં, ગુણ રહિત, એવા અમો ભિખારીઓને વખાણવા લાયક છીએ તેઓને તમો વૃથા વર્યાં છો.૧૬ માટે હજી પણ તમે પોતાને યોગ્ય હોય, એવા કોઇ ઉત્તમ ક્ષત્રિયને વરો કે જેથી આલોકમાં અને પરલોકમાં તમે સાચાં સુખને પામો.૧૭ શિશુપાળ, શાલ્વ, જરાસંધ અને દંતવક્ત્ર આદિ રાજાઓ તથા તમારો મોટોભાઇ રુક્મી પણ મારો દ્વેષ કરતા હતા.૧૮ પરાક્રમના મદથી આંધળા એ અભિમાની લોકોનો ગર્વ ઉતારવા સારુ હે રુક્મિણિ ! દુષ્ટ લોકોના તેજનો નાશ કરનાર હું તમને હરી લાવ્યો છું.૧૯ અમો સ્વસ્વરૂપના અખંડ પ્રકાશના કારણે પ્રાકૃત ચેષ્ટાથી રહિત છીએ. અમોને સ્ત્રી, સંતાન કે ધનની લાલચ નથી. કારણ કે અમો સ્વસ્વરૂપના લાભથી જ પૂર્ણ છીએ. એટલા જ માટે દેહ તથા ઘરને વિષે અમો અત્યંત ઉદાસીન વર્તીએ છીએ.૨૦ શુકદેવજી કહે છે પોતાથી ભગવાન અળગા નહીં પડવાને લીધે જે રુક્મિણી પોતાને બહુજ પ્યારી માણતાં હતાં, તે રુક્મિણીનો ગર્વ ઉતારવા સારુ આટલાં વચન બોલીને બંધ રહ્યા.૨૧ ત્રિલોકના સ્વામીઓના પણ સ્વામી અને પોતાના પ્યારા ભગવાનનું આ પ્રમાણે કદી નહીં સાંભળેલું અપ્રિય વચન સાંભળી હૃદયમાં ભયથી રોતાં એવાં રુક્મિણી અપાર ચિંતામાં પડ્યાં.૨૨ નખને લીધે રાતી કાંતિવાળા કોમળ ચરણથી ધરતીને ખોતરતાં, કેસરના લેપનવાળાં પોતાનાં સ્તનને આંજણને લીધે કાળાં થયેલાં આંસુવડે નવરાવતાં અને ઘણા દુઃખને લીધે જેની વાણી રોકાઇ ગઇ હતી. એવાં રુક્મિણી નીચું મોઢું કરી બેસી રહ્યાં.૨૩ અપ્રિય સાંભળવાથી અત્યંત દુઃખી અને ભગવાન મારો ત્યાગ કરી દેશે એવી શંકાથી ભય, તથા પશ્ચાતાપથી જેની બુદ્ધિ વ્યાકુળ થઇ ગઇ, એવાં તે રુક્મિણીના હાથમાંથી ચામર પડી ગયો અને કંકણ પણ પડવા લાગ્યાં, તેમજ મૂર્છા પામતા વાયુએ પાડી નાખેલી કેળની પેઠે છુટાં થયેલાં કેશવાળાં રુક્મિણી ધરતી પર પડી ગયાં.૨૪ હાસ્યની ગંભીરતાને નહીં જાણનારાં પ્યારીનું એ પ્રેમબંધન જોઇને તે દયાળુ શ્રીકૃષ્ણ ભગવાનને દયા આવી.૨૫ ઉઠાડવું, આલિંગન કરવું અને મોઢું લુછવું ઇત્યાદિક કાર્યોને માટે જેણે ચારભુજા પ્રગટ કરી છે, એવા ભગવાને પલંગ પરથી નીચા ઉતરી તે રુક્મિણીને ઉઠાડી તેમના કેશ સરખાં કરી કમળ સરખા હાથથી તેમનું મોઢું લુછ્યું.૨૬ હે રાજા ! આંસુથી શોભતાં તેમનાં નેત્ર અને આંસુથી ખરડાયેલા તમના સ્તનને લુહીને ભગવાને જેની પોતા સિવાય બીજી કોઇ ગતિ નથી, એવાં એ સતી રુક્મિણીનું હાથથી આલિંગન કર્યું.૨૭ પછી સાંત્વના કરવામાં ચતુર અને સજ્જનોના શરણરૂપ ભગવાને હાસ્યની ગંભીરતાથી જેનું ચિત્ત ભમતુ હતું એવાં અને તેવી હાંસી કરવાને યોગ્ય નહીં, એવાં રુક્મિણીની આ પ્રમાણે સાંત્વના કરી.૨૮

ભગવાન કહે છે હે રુક્મિણી ! મારા ઉપર તમારે દોષ દૃષ્ટિ કરવી નહીં. હું જાણું છું કે તમે મને જ આશ્રયરૂપ ગણો છો. હે સુંદરી ! તમારો પ્રત્યુત્તર સાંભળવાની ઇચ્છાથી મેં હસતાં હસતાં કહ્યું છે, કાંઇ વાસ્તવિક રીતે કહ્યું નથી.૨૯ તમારા મુખને પ્રેમના કોપથી ફરકતા હોઠવાળું, રાતી થયેલી નેત્રની અણીઓવાળું અને તેથી જ વાંકી થયેલી ભ્રમરોવાળું જોવા સારુ મેં આ તમારી હાંસી કરી છે.૩૦ હે ભામિની ! પ્યારીની સાથે હાસ્યનાં વચનોથી સમય કાઢવામાં આવે એજ ગૃહસ્થાશ્રમાં મોટો લાભ છે.૩૧

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ભગવાને સાંત્વના આપતાં રુક્મિણીએ એ વચનોને હાસ્યરૂપ જાણી, ભગવાન મારો ત્યાગ કરશે એવી બીકને છોડી દીધી.૩૨ પછી લાજ સહિત હાસ્યથી સુંદર અને સ્નેહ ભરેલાં નેત્રોથી ભગવાનના મુખને જોતાં રુક્મિણીએ ભગવાનને આ પ્રમાણે કહ્યું.૩૩ રુક્મિણી કહે છે હે કમળ સરખાં નેત્રવાળા ! આપે કહ્યું કે અમો તારા સમાન નથી એ વાત સાચી જ કહી છે; કેમકે પોતાના સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા અને બ્રહ્માદિકના સ્વામી આપ ક્યાં ? અને પામર તથા અજ્ઞાની લોકો જેના ચરણનું સેવન કરે છે એવી લક્ષ્મી હું ક્યાં ?૩૪ હે મોટા પરાક્રમવાળા ! આપે કહ્યું કે ‘‘અમો રાજાઓથી ભય પામીને સમુદ્રના શરણે આવેલા છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે, કારણ કે શબ્દ સ્પર્શાદિક વિષયોરૂપી રાજાઓની બીકથી જાણે ભય પામેલા હોયને શું ? તેની પેઠે આપ સમુદ્રની પેઠે અગાધ અર્થાત વિષયોથી ક્ષોભ નહીં પામેલા હૃદયમાં ચૈતન્યઘન આત્માના અંતરાત્મારૂપે નિશ્ચળપણાથી રહેલા છો. આપે કહ્યું કે ‘‘બળવાનોની સાથે દ્વેષ કરનારા છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે; કેમકે વિષયોમાં લાગનારી ઇંદ્રિયો કે જેઓ બળવાન છે, તેઓની સાથે આપ નિરંતર દ્વેષ જ રાખો છો. અર્થાત તેવી ઇંદ્રિયોથી આપ ઓળખાતા નથી. આપે કહ્યું કે ‘‘અમો રાજ્યાસનનો ત્યાગ કરનારા છીએ’’ તે પણ સાચું જ કહેલું છે. કેમકે રાજ્યાસન ઘાટા અજ્ઞાનરૂપ જ છે, તેને આપના સેવકોએ પણ છોડી દીધેલું છે, ત્યારે આપ પોતે છોડી દો તેમાં તો શું કહેવું ? આપે કહ્યું કે ‘‘અમો અજાણી રીતભાતવાળા છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે. કેમકે હે પ્રભુ ! આપના ચરણકમળના રસને સેવનારા મુનિઓની રીતભાત પણ પશુ જેવા માણસોના જાણવામાં આવતી નથી, ત્યારે આપની પોતાની રીતભાત તો અજાણી જ હોય તેમાં શું કહેવું ? આપે કહ્યું કે ‘‘અમો લોકથી ન્યારા માર્ગવાળા છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે. આપને સેવનારા મુનિઓનો માર્ગ પણ લોકોથી ન્યારો હોય છે. ત્યારે આપ કે જે ઇશ્વર જ છો, તેમનો પોતાનો માર્ગ લોકથી ન્યારો હોય તેમાં તો શું જ કહેવું ? આપે કહ્યું કે ‘‘અમો નિષ્કિંચન છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે. કેમકે આપની પાસે કાંઇ નથી, માટે આપ નિષ્કિંચન છો, એવું નથી, પણ આપને કાંઇ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, આપ પૂર્ણકામ છો, માટે આપ નિષ્કિંચન છો. બીજાઓની પાસેથી પૂજા લેનારા બ્રહ્માદિક પણ આપને પૂજા અર્પણ કરે છે. આપે કહ્યું કે ‘‘અમો નિષ્કિંચન લોકોને પ્યારા અને તેઓની ઉપર પ્રીતિ રાખનારા છીએ’’ તે પણ સાચું જ કહ્યું છે, કેમકે નિષ્કિંચન એટલે જેઓને કાંઇ પણ દેહાભિમાન નથી, એવા નારદાદિક બ્રહ્મવેત્તાઓને આપ પ્યારા છો અને તેઓ આપને પ્યારા છે. આપે કહ્યું કે ‘‘સમૃદ્ધિવાળા લોકો મને ભજતા નથી’’ તે પણ સાચું જ કહ્યું છે. કેમકે ધનવાનપણાના અભિમાનથી આંધળા થયેલા લોકો કાળસ્વરૂપ એવા આપને જાણતા નથી, તેથી તેઓ ઇંદ્રિયોને જ તૃપ્ત કરે છે પણ આપને ભજતા નથી. આપે કહ્યું કે ‘‘ઉત્તમ અને અધમની વચ્ચે વિવાહ કે મૈત્રી યોગ્ય નથી’’ એ પણ સાચું જ કહ્યું છે, કેમકે આપ સર્વે પુરુષાર્થમય અને પરમાનંદ છો, એમ જાણી પરમાનંદની પ્રાપ્તિની ઇચ્છાથી જે બુદ્ધિમાન લોકો બીજા સર્વેને છોડી દે છે, તેઓને જ આપનો સંબંધ યોગ્ય છે, પણ સુખદુઃખથી વ્યાકુળ અને પરસ્પર પ્રીતિની ગાંઠ બાંધી રહેલાં પામર સ્ત્રી પુરુષોને આપનો સંબન્ધ યોગ્ય નથી.૩૫-૩૮ આપે કહ્યું કે ‘‘અમોને ભીખારીઓએ વખાણ્યા છે’’ તે પણ સાચું જ કહ્યું છે. કેમકે ભિખારીઓ એટલે સર્વને અભયદાન દઇને ભિક્ષુક થયેલા મુનિલોકો આપના વખાણ કરે છે. અને વળી આપે કહ્યું કે ‘‘ટૂંકા વિચારની તું આ બધું જાણ્યા વિના અમને વૃથા વરી છો’’ આ તમારું કહેવું ઠીક નથી. કેમ કે તમો જગતના અંતર્યામી છો. અને તમોને વરનારા પુરુષોને આપ પોતાની મૂર્તિ પર્યંતનું ફળ આપનારા છો, આ બધું જાણીને હું આપને વરી છું. અને વળી તમારી ભૃકુટીથી પ્રેરાયેલા કાળના વેગે કરીને નાશ પામેલા છે લોકો અને ભોગો જેમના, એવા બ્રહ્માદિકોનો ત્યાગ કરીને હું તમોને વરી છું. તો બીજા શિશુપાલાદિકની વાત જ શું કરું ? (અર્થાત દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરીને જ હું તમોને વરી છું, પણ વિચાર કર્યા વિના હું તમોને વરી નથી.)૩૯ હે શ્રીકૃષ્ણ ! હે પ્રભુ ! સિંહ જેમ પશુઓને ભગાડીને પોતાનું ભક્ષ્ય લઇ જાય, તેમ તમે શારંગ ધનુષના નાદથી જરાસંધાદિક રાજાઓને ભગાડીને પોતાના ભાગરૂપ મને હરી લાવ્યા છો, માટે તેઓના ભયથી સમુદ્રનું શરણ લેવાનું આપ જે કહો છો, તે આપનું વચન સાંભળનારા જનોને મોહ ઉત્પન્ન કરનારું છે.૪૦ આપે કહ્યું કે ‘‘અમારે પનારે જેઓ પડેલા હોય તેઓ પીડાય છે, પણ તે વાત ખોટી છે; કેમકે બીજા રાજાઓના શિરોમણિ સરખા અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગય આદિ રાજાઓ પણ આપનું ભજન કરવાની ઇચ્છાથી પોતાના ચક્રવર્તી રાજ્યને છોડી દઇ વનમાં ગયા હતા. માટે હે કમળની સમાન નેત્રવાળા ! આપને પનારે પડેલા હોય તેઓ પીડાતા નથી પણ તમારા સ્વરૂપને પામે છે.૪૧ કલ્યાણકારી ગુણોના આશ્રયરૂપ અને લોકોને મોક્ષરૂપ તથા સત્પુરુષોએ વર્ણવેલ તમારા ચરણ કમળના સુગંધને સૂંઘીને પછી તેનો અનાદર કરીને કઇ સ્ત્રી ઘણા ભયથી દબાયેલા અને મરણશીલ બીજા પતિને વરે ? જેને માથે મોત હોય અને જે પોતાના સાચા સ્વાર્થમાં યથાર્થ સમજતી હોય, એવી કોઇ પણ સ્ત્રી આપને છોડીને બીજા પતિને ન વરે.૪૨ એટલા માટે સર્વપ્રકારે યોગ્ય, જગતના સ્વામી, આલોક તથા પરલોકના સર્વ મનોરથોને પૂરનાર અને પોતાના આત્મારૂપ આપને જ હું વરી છું. (આમ કહીને પ્રાર્થના કરે છે.) અનેક અવતારોમાં ભટકતી હું માગું છું કે આપનું આ ખોટા સંસારનો નાશ કરનાર ચરણારવિંદ કે જે ભજનારા માણસને પોતાનો કરી લે છે, તે જ ચરણારવિંદ સર્વે અવતારોમાં મારું શરણ થજો.૪૩ હે અચ્યુત ! હે શત્રુઓનો નાશ કરનાર ! તમોએ કહેલા જે બીજા રાજાઓ, સ્ત્રી જેમાં પ્રધાન છે એવા ઘરોમાં ગધેડાની પેઠે કેવળ ભાર ઉપાડ્યા કરે છે, બળદની પેઠે સર્વદા રડ્યા કરે છે, કુતરાની પેઠે હમેશાં અપમાન પામ્યા કરે છે, મીંદડાંની પેઠે ગરીબડા થઇને હિંસાઓ કર્યા કરે છે, અને નોકરોની પેઠે તાબે દારી ઉઠાવ્યા કરે છે. આવા એ રાજાઓ, જેમના કાનમાં ક્યારેય પણ તમારી કથા આવેલી નથી, એવી દુર્ભાગણી સ્ત્રીઓના પતિ થાઓ, પણ મારા નહીં.૪૪ તમારા ચરણકમળના મકરંદને નહીં સૂંઘનારી જે સ્ત્રી મૂઢ હોય, તે સ્ત્રી જીવતે મરેલા માણસને આ પતિ છે એમ માનીને ભજે છે કે જે માણસ બહાર ચાંમડી, દાઢી, મૂછ, રુવાંડાં, નખ અને વાળથી મઢાએલો અને અંદર માંસ, હાડકાં, લોહી, કીડા, વિષ્ટા, કફ, પિત્ત અને વાયુથી જ ભરેલો હોય છે.૪૫ આપના કહ્યા પ્રમાણે જો કે આપ કોઇની અપેક્ષા વગરના અને મને પણ ઉત્કૃષ્ટ નહીં સમજનારા છો, તોપણ મને આપના ચરણારવિંદમાં જ પ્રેમ રહેજો. કેમકે એ પ્રેમ જ મારા માટે મોટો લાભ છે. આ જગતની વૃદ્ધિ કરવા સારુ રજોગુણની ભારે માત્રા લઇને કોઇ સમયે, હું કે જે માયારૂપ છું તેની સામું જુઓછો, એજ મારા ઉપર મોટો અનુગ્રહ છે !૪૬ હે મધુદૈત્યને મારનારા ! આપે હવે મને બીજા ઉપર પ્રેમ કરવાનું કહ્યું તે વાતને હું ખોટી માનતી નથી; કેમકે કાશીરાજાની અંબા, અંબાલિકા તથા અંબિકા એ ત્રણમાંથી અંબા નામની કુંવરીને કન્યાવસ્થામાં જ જેમ શાલ્વરાજા ઉપર પ્રીતિ થઇ હતી. તેમ મને પણ કન્યાવસ્થામાં જ આપના ઉપર પ્રીતિ થઇ હતી, જેથી હું મારા યોગ્ય પતિ એવા આપને વરી છું. અને કોઇ સમયે પરણ્યા પછી પણ છિનાળવી સ્ત્રીનું મન નવા નવા પુરુષમાં લાગી જાય છે એવાં ઘણાં ઉદાહરણ છે, પરંતુ મારી તો તમારામાં જ પ્રીતિ છે. (અર્થાત મારું મન તમારા સિવાય ક્યાંય લાગ્યું નથી.) વિદ્વાન પુરુષે વ્યભિચારિરી સ્ત્રીને ઘરમાં રાખવી ન જ જોઇએ; કેમકે એવી સ્ત્રીને રાખનાર પુરુષ આલોક તથા પરલોકમાંથી પણ ભ્રષ્ટ થાય છે.૪૭-૪૮

ભગવાન કહે છે હે પતિવ્રતા ! હે રાજપુત્રી ! તમારા મુખથી આવાં વચન સાંભળવાની ઇચ્છાથી મેં તમારી હાંસી કરી હતી, મારાં વચનોના તમે જે પ્રત્યુત્તર કહ્યા તે સર્વે સાચા જ છે.૪૯ હે ભામિનિ ! જે જે મનોરથોને તમે ઇચ્છો છો તે સર્વે મનોરથો તમને મારામાં સાચી ભક્તિ હોવાથી સર્વદા પ્રાપ્ત જ છે, એટલું જ નહીં પણ હે કલ્યાણિ ! તે કામો પરિણામે કામનિવૃત્તિને માટે જ હોય છે. (અર્થાત કામનિવૃત્તિપૂર્વક મોક્ષને જ આપનારા હોય છે.)૫૦ હે નિર્દોષ પત્નિ ! તમારો પતિ ઉપર પ્રેમ અને પતિવ્રતાપણું પણ સારી રીતે જાણવામાં આવ્યું; કેમકે વચનો બોલીને તમને ચલાયમાન કરવા માંડ્યાં, તોપણ મારામાં લાગેલી તમારી બુદ્ધિ બીજા વિષયમાં ગઇ જ નહીં.૫૧ મોક્ષના સ્વામી એવા મને જે વિષયી લોકો તપ અને વ્રતો પાળીને દંપતી સંબંધી સુખભોગને માટે જ ભજે છે, તેઓને મારી માયાથી મોહ પામેલા સમજવા.૫૨ હે માનિની ! મોક્ષની સાથે સંપત્તિનો સ્વામી એવો જે હું, તે મને પ્રસન્ન કરી જે લોકો સંપત્તિરૂપ કેવળ વિષય સુખને જ ઇચ્છે છે, પણ હું કે જે સંપત્તિઓનો સ્વામી છું તેને ઇચ્છતા નથી, તે લોકોને મંદભાગ્યવાળા જ જાણવા; કેમકે વિષયનાં સુખ તો માણસોને અતિ અધમયોનિમાં પણ મળે છે અને વિષય સુખમાં ચિત્ત રહેવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે.૫૩ હે ઘરધણીઆણી ! સંસારમાંથી છોડાવે એવી મારી નિષ્કામ સેવા જે ખળ લોકોથી થઇ શકે નહીં, તે તમે ઘણીવાર કરી તેણે કરીને મને મહાન આનંદ થયો છે. દુષ્ટ સ્વભાવવાળી, ઇંદ્રિયોને જ તૃપ્ત કરનારી અને ઠગાઇ કરનારી સ્ત્રીથી આવી સેવા કદી પણ બની શકે નહીં.૫૪ હે માનિનિ ! નિષ્કામ રહીને પ્રેમથી જ મારી સેવા કરનારી મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, તોપણ તમારા જેવી પ્રેમવાળી હું કોઇને દેખતો નથી; તમે પોતાના વિવાહ સમયમાં આવેલા રાજાઓને તુચ્છ ગણીને કેવળ મારી કીર્તિ સાંભળવા ઉપરથી જ થયેલા પ્રેમને લીધે, બ્રાહ્મણને ગુપ્ત સમાચાર આપીને મારી પાસે મોકલ્યો હતો.૫૫ તમારા ભાઇને યુદ્ધમાં જીતી લઇને અમે વિરૂપ કર્યો તથા અનિરુદ્ધના વિવાહના ઉત્સવમાં જુગારની સભામાં એ ભાઇને મારી નાખ્યો, તે વાતને સમયે સમયે મનમાં યાદ આવતાં, ઉત્પન્ન થયેલ દુઃખને તમે અમારી સાથે વિયોગ થવાની બીકથી સહન કરી રહ્યાં છો અને કાંઇ પણ બોલ્યાં નથી. તેથી તમોએ અમોને વશ કરી લીધા છે.૫૬ મારી પ્રાપ્તિ માટે તમે ગુપ્ત વિચારો આપીને દૂત મોકલ્યો હતો, તથા મારા આવી પહોંચવાનો વિલંબ થતાં આ જગતને શૂન્ય માની, બીજાને યોગ્ય નહીં એવું આ શરીર છોડી દેવાની ઇચ્છા કરી હતી, તેનો બદલો અમારાથી વાળી શકાય તેમ નથી. અમો તો કેવળ વખાણ કરી તમને અભિનંદન આપીએ છીએ.૫૭

શુકદેવજી કહે છે જગતના ઇશ્વર ભગવાન પોતે આત્મારામ છતાં પણ મનુષ્ય લોકની લીલા કરવા સારુ, આવી રીતની શૃંગારરસ સંબંધી હાંસીની વાતોથી લક્ષ્મીજીના અવતારરૂપ રુક્મિણીની સાથે રમતા હતા.૫૮ લોકોના ગુરુ શ્રીકૃષ્ણ ભગવાન બીજી સ્ત્રીઓના ઘરમાં પણ એવી જ રીતે ગૃહસ્થાશ્રમ સંબંધી ધર્મોને અનુસરતા હતા.૫૯

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સાઠમો અધ્યાય સંપૂર્ણ.