અધ્યાય ૭૨
રાજસૂય યજ્ઞ પ્રસંગે ભગવાને ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરાવ્યો.
શુકદેવજી કહે છે હે રાજા ! એક દિવસે મુનિ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભાઇઓ, આચાર્યો, કુળના વૃદ્ધ પુરુષો, જ્ઞાતિ, સંબંધી અને બાંધવોથી વીંટાઇને સભાની અંદર સિંહાસન પર બેઠેલા યુધિષ્ઠિર રાજાએ એ સર્વે લોકોના સાંભળતાં ભગવાનને સંબોધન આપીને આ પ્રમાણે કહ્યું.૧-૨
યુધિષ્ઠિર રાજા કહે છે હે ગોવિંદ ! હે પ્રભુ ! સર્વયજ્ઞોના રાજા રાજસૂય નામના યજ્ઞથી હું આપના અંશરૂપ દેવતાઓનું પૂજન કરવા ધારું છું, તો તે અમારું કામ આપ સિદ્ધ કરી આપો.૩ હે પદ્મનાભ ! હે ઇશ્વર ! જે પવિત્ર લોકો અમંગળનો નાશ કરનારી આપની પાદુકાનું દેહથી નિરંતર સેવન કરે છે, મનથી ધ્યાન કરે છે અને વાણીથી વર્ણન કરે છે, તેઓ મોક્ષ પામે છે, અને જો ઇચ્છા હોય તો સંસાર સંબંધી સુખોને પણ તેઓ જ પામે છે; પરંતુ ભક્તિ વગરના ચક્રવર્તીઓ પણ પામતા નથી.૪ એટલા માટે હે દેવના દેવ ! આ લોકો આપના ચરણારવિંદની સેવાના પ્રભાવને દેખે, એમ આ વિષયમાં થવું જોઇએ. હે પ્રભુ ! આ કુરુ અને સૃંજય રાજાના વંશના કેટલાક દુર્યોધનાદિક પુરુષો કે જેઓ કર્માદિકને પ્રધાન ગણીને આપની ભક્તિને ઉત્તમ માનતા નથી, અને અમારા જેવા કેટલાક તમોને ભજે છે, એ બન્નેની સ્થિતિ દેખાડો. (અર્થાત તમોને ભજે છે તેને શું ફળ પ્રાપ્ત થાય છે ? અને નથી ભજતા તેને શું ફળ પ્રાપ્ત થાય છે ? એ બન્નેની સ્થિતિ દેખાડો)૫ આપ કે જે ઉપાધિ રહિત સર્વના આત્મા, સમદૃષ્ટિવાળા અને સ્વરૂપ સુખના અનુભવરૂપ છો, તે આપને જો કે પોતાના પારકાની ભેદબુદ્ધિ ન જ હોય, તોપણ કલ્પવૃક્ષની પેઠે આપને સેવનારાઓને જ આપનો પ્રસાદ મળે છે, પણ બીજાઓને મળતો નથી. અને તેમાં પણ જે ફળ મળે છે તે સેવાના પ્રમાણમાં મળે છે, એમાં ફેરફાર થતો નથી.૬
શ્રીભગવાન કહે છે હે રાજા ! હે શત્રુઓનો નાશ કરનાર ! તમે બહુ જ સારો નિશ્ચય કર્યો છે, કે જેથી તમારી પવિત્ર કીર્તિ લોકોમાં ફેલાઇ જશે, ઋષિઓ, પિતૃ, દેવ, અમો સંબંધીઓ અને સર્વે પ્રાણીઓને પણ એ મોટો યજ્ઞ પ્યારો છે.૭-૮ સર્વે રાજાઓને જીતી, સર્વે પૃથ્વીને વશ કરી, સર્વ સામાન ભેળો કરીને મોટો યજ્ઞ કરો.૯ હે રાજા ! આ તમારા ભાઇઓ લોકપાળના અંશોથી ઉત્પન્ન થયા છે, અને જે હું અજિતેન્દ્રિય પુરુષોને વશ થતો નથી, તે મને પણ તમે પોતાના જિતેન્દ્રિયપણાથી વશ કર્યો છે.૧૦ જે પુરુષ મારો ભક્ત હોય તેને દેવતા પણ તેજથી, યશથી, લક્ષ્મીથી અથવા સૈન્યાદિક સામગ્રીઓથી પરાભવ ન કરી શકે, ત્યારે રાજાની તો શી જ વાત કરવી ?૧૧
શુકદેવજી કહે છે ભગવાનનું વચન સાંભળી આનંદથી પ્રફુલ્લિત મુખવાળા યુધિષ્ઠિર રાજાએ, વિષ્ણુના તેજથી વૃદ્ધિ પામેલા ભાઇઓને દિગ્વિજય કરવાની આજ્ઞા કરી.૧૨ સહદેવને સૃંજયકુળના ક્ષત્રિયોની સાથે દક્ષિણ દિશામાં મોકલ્યા, નકુળને કૈક્ય દેશના ક્ષત્રિયોની સાથે પશ્ચિમ દેશમાં મોકલ્યા, અર્જુનને મદ્રદેશના ક્ષત્રિયોની સાથે ઉત્તર દિશામાં મોકલ્યા અને ભીમસેનને મત્સ્ય દેશના ક્ષત્રિયોની સાથે પૂર્વ દિશામાં મોકલ્યા.૧૩ હે રાજા ! એ વીરપુરુષોએ પરાક્રમથી રાજાઓને જીતી લઇ યજ્ઞ કરવાને ઇચ્છતા યુધિષ્ઠિર રાજાને દિશાઓમાંથી ઘણું ધન લાવી આપ્યું.૧૪ એ દિગ્વિજયમાં જરાસંધને નહીં જીતાએલો સાંભળી, યુધિષ્ઠિર રાજા ચિંતામાં પડતાં, ભગવાને તે જ ઉપાય કહ્યો, કે જે ઉદ્ધવજીએ કહ્યો હતો.૧૫ પછી ભીમસેન, અર્જુન અને શ્રીકૃષ્ણ એ ત્રણ જણા બ્રાહ્મણોનો વેશ ધરીને ગિરિવ્રજમાં ગયા, કે જ્યાં જરાસંધ રહતો હતો.૧૬ બ્રાહ્મણનો વેશ ધરનારા એ ક્ષત્રિયોએ બ્રાહ્મણને માનનારા અને ગૃહસ્થનો ધર્મ પાળનારા જરાસંધને ઘેર અતિથિના પૂજનના સમયમાં જઇને માગ્યું કે હે રાજા ! અમોને માગવાની ઇચ્છાને લીધે દૂરથી આવેલા અતિથિ જાણો, અને એટલા માટે અમો જે ઇચ્છીએ છીએ તે આપો.૧૭-૧૮ જેમ નીચ પુરુષોને કાંઇ પણ અકાર્ય હોતુ નથી, તેમ સહનશીલ પુરુષોને કાંઇ પણ અસહ્ય હોતુ નથી. અત્યંત ઉદાર પુરુષોને કાંઇ પણ નહિ દેવાનું હોતુ નથી અને સમદૃષ્ટિવાળા પુરુષોને કોઇ પણ પરાયો હોતો નથી.૧૯ જે પુરુષ પોતે સમર્થ છતાં આ અનિત્ય શરીરથી, સત્પુરુષોએ ગાવા જેવા અવિચળ યશને મેળવતો નથી, તે નિંદાનું અને ખેદ કરવાનું પાત્ર થાય છે.૨૦ હરિશ્ચંદ્ર, રંતિદેવ, ઉંછવૃત્તિ, શિબિ, બળિ, પારધિ, હોલો અને બીજા પણ ઘણા લોકો આ અનિત્ય શરીરથી અવિચળ પદ પામી ગયા છે.૨૧
શુકદેવજી કહે છે સ્વર આકૃતિ અને જેઓમાં ધનુષની દોરીઓ વાગવાના ડાઘ હતા, એવાં કાંડાં ઉપરથી તેઓને ક્ષત્રિય જાણીને અને વળી કોઇ સમયે જોયેલા જાણીને જરાસંધે વિચાર કર્યો કે ‘‘આ લોકો જાતના ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણનો વેષ પહેરી આવ્યા છે, માટે આ લોકોને મારે અત્યંત પ્રિય આત્મા આપવો પડશે તોપણ આપીશ.૨૨-૨૩ જે બળિરાજાને બ્રાહ્મણનો વેષ ધરી આવેલા વિષ્ણુએ ઐશ્વર્યથી ભ્રષ્ટ કર્યો હતો, તે બળિરાજાની સર્વત્ર ફેલાએલી પવિત્ર કીર્તિ સાંભળવામાં આવે છે.૨૪ બળિરાજાને શુક્રાચાર્યે વારવા માંડ્યો અને વળી પોતે જાણતો હતો, તોપણ જે વિષ્ણુ ઇંદ્રને રાજ્ય અપાવવાની ઇચ્છાથી બ્રાહ્મણનું રૂપ ધરી આવ્યા હતા, તે વિષ્ણુને બળીરાજાએ પૃથ્વીનું દાન દીધું હતું.૨૫ ક્ષત્રિય જાતનો દેહ જીવતાં છતાં પણ બ્રાહ્મણનો અર્થ સંપાદન કરીને મોટી કીર્તિ ન મેળવે, તો તે દેહનું પ્રયોજન પણ શું છે ?૨૬’’ આવો વિચાર કરી ઉદાર બુદ્ધિવાળા જરાસંધે શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું કે હે બ્રાહ્મણો ! જે જોઇએ તે માગી લો. મારું માથું માગશો તો તે પણ હું આપીશ.૨૭
ભગવાન કહે છે હે મોટા રાજા ! જો તમારે દેવાની ઇચ્છા હોયતો અમને દ્વંદ્વયુદ્ધ આપો. અમે ક્ષત્રિય છીએ અને યુદ્ધની ઇચ્છાથી આવ્યા છીએ, અન્નની ઇચ્છાથી આવ્યા નથી.૨૮ આ કુંતીનો પુત્ર ભીમસેન છે. આ તેનો ભાઇ અર્જુન છે અને હું આ બેના મામાનો દીકરો અને તમારો શત્રુ કૃષ્ણ છું એમ જાણો.૨૯
શુકદેવજી કહે છે આ પ્રમાણે શ્રીકૃષ્ણે વાત કહેતાં જરાસંધ ઊંચા સ્વરથી હસ્યો અને ક્રોધથી બોલ્યો કે હે મૂઢલોકો ! એમ હોય તો અત્યારે હું તમોને યુદ્ધ આપું છું.૩૦ બીકણ અને યુદ્ધમાં વિકળ ચિત્તવાળો જે તું, પોતાની નગરી મથુરાને છોડીને સમુદ્રને શરણે ગયો છે, માટે તારી સાથે હું યુદ્ધ નહીં કરું.૩૧ આ અર્જુન અવસ્થાથી પણ મારા સરખો નથી, બહુ બળવાન નથી અને શરીરથી પણ મારા સરખો નથી, માટે તે મારી સાથે યુદ્ધ કરી શકે નહિ, જે ભીમમાં મારાં સરખું જ બળ છે, તે ભીમે મારી સાથે યુદ્ધ કરવું’’૩૨ આ પ્રમાણે બોલી ભીમસેનને મોટી ગદા આપી, એક મોટી ગદા પોતે લઇને જરાસંધ ગામ બહાર નીકળ્યો.૩૩ પછી યુદ્ધ ભૂમિમાં ભેળા થયેલા અને યુદ્ધમાં મદોન્મત્ત એ બે વીરપુરુષો વજ્ર જેવી ગદાઓથી એકબીજાને પ્રહાર કરવા લાગ્યા.૩૪ અખાડામાં પટા ખેલતા નટોની પેઠે ડાબાં જમણાં વિચિત્ર મંડળોમાં ફરતા એ બે જણનું યુદ્ધ શોભવા લાગ્યું.૩૫ હે રાજા ! પછી પ્રહાર કરવામાં આવતી બે ગદાઓનો વજ્ર પડવા સરખો કડાકાનો શબ્દ, યુદ્ધ કરતા બે હાથીઓના દાંતના શબ્દ જેવો જણાવા લાગ્યો.૩૬ યુદ્ધ કરતા અને પ્રદીપ્ત ક્રોધવાળા બે હાથીઓથી આકડાની શાખાઓ જેમ અંગમાં પછડાઇને ભાંગી પડે, તેમ હાથના વેગથી ફેંકવામાં આવતી એ બે ગદાઓ એક બીજાના ખભા, કેડ, પગ, હાથ, સાથળ અને હાંસડીઓમાં પછડાઇને ચૂર્ણ થઇ ગઇ.૩૭ આ પ્રમાણે ગદાઓ ભાંગી પડતાં ક્રોધ પામેલા એ બે વીર પુરુષો લોઢા સરખા સ્પર્શવાળી પોતાની મુઠીઓથી એક બીજાનાં ગાત્રને ભાંગવા લાગ્યા. હાથીની પેઠે પ્રહાર કરતા એ બે જણાઓનો હથેળીઓના મારવાથી ઊઠેલો શબ્દ વજ્રના કડાકા જેવો ભયંકર થતો હતો.૩૮ હે રાજા ! અભ્યાસ, ધૈર્ય અને પ્રભાવમાં સરખા તથા જેઓનો વેગ ક્ષીણ થતો ન હતો એવા એ ભીમ અને જરાસંધને સરખે સરખું યુદ્ધ થવા લાગ્યું.૩૯ આ પ્રમાણે દિવસમાં યુદ્ધ કરતા અને રાત્રીમાં મિત્રની પેઠે રહેતા એ બન્ને જણાને તે સ્થળમાં સત્યાવીશ દિવસ નીકળી ગયા.૪૦ હે રાજા ! એક દિવસે ભીમસેને પોતાના મામાના પુત્ર ભગવાનને કહ્યું કે ‘‘હે કૃષ્ણ ! હું યુદ્ધમાં જરાસંધને જીતવાને સમર્થ નથી.’’૪૧ જરાસંધ બે ફાડિયાંરૂપે જન્મ્યો હતો અને પાછો બે ફાડિયાં થઇને મરશે એમ જાણતા અને તેને જરા નામની રાક્ષસીએ જિવાડેલો છે તેને પણ જાણતા, શ્રીકૃષ્ણ ભગવાને પોતાની શક્તિથી ભીમને બળવાન કરી જરાસંધના ફાડિયાં કરી નાખવાનો વિચાર કર્યો.૪૨ અમોઘ જ્ઞાનવાળા ભગવાને જરાસંધને મારવાના ઉપાયનો વિચાર કરીને હાથમાં વૃક્ષની સળી લઇ ‘‘જેમ હું આ સળીને ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ’’ આ રીતે સંકેતથી તે ઉપાય ભીમને દેખાડ્યો.૪૩ મહાબળવાન અને યુદ્ધ કરનારાઓમાં ઉત્તમ ભીમસેને તે સંકેત જાણી લઇને, જરાસંધને તેના પગ પકડીને ધરતી પર પછાડ્યો.૪૪ ભીમસેને પોતાના પગથી તેનો એક પગ દબાવી ને બીજો પગ બે હાથથી પકડીને હાથી જેમ શાખાને ચીરી નાખે તેમ તે જરાસંધને ગુદાથી ચીરી નાખ્યો.૪૫ તે સમયે જેઓમાં પગ, સાથળ, વૃષણ, કેડ, વાંસાનો ભાગ, સ્તન, ખભો, હાથ, આંખ, ભમર અને કાન એક એક હતાં એવાં તે બે ફાડિયાં લોકોએ જોયાં.૪૬ મગધ દેશનો સ્વામી જરાસંધ મરણ પામતા મોટો હાહાકાર થઇ રહ્યો, અર્જુન અને ભગવાને ભીમસેનનું આલિંગન કરી તેનો સત્કાર કર્યો.૪૭ પ્રાણીઓના રક્ષક અને જાણ્યામાં ન આવે એવા સ્વરૂપવાળા પ્રભુ શ્રીકૃષ્ણે જરાસંધના દીકરા સહદેવનો મગધદેશમાં રાજ્યાભિષેક કર્યો, અને જે રાજાઓને જરાસંધે કેદ કર્યા હતા તેઓને છોડાવ્યા.૪૮
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બોતેરમો અધ્યાય સંપૂર્ણ.