૭૯ બળદેવજીએ બલ્વલને મારી નાખીને બ્રહ્મહત્યાને દૂર કરવા તીર્થયાત્રા કરી.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:58pm

અધ્યાય ૭૯

બળદેવજીએ બલ્વલને મારી નાખીને બ્રહ્મહત્યાને દૂર કરવા તીર્થયાત્રા કરી.

શુકદેવજી કહે છે હે રાજા ! પછી પર્વણી આવતાં ભયંકર અને પ્રચંડ વાયુ ઉત્પન્ન થયો, ધૂળની વૃષ્ટિ થવા લાગી અને ચારેકોર પરુનો ગંધ વ્યાપી ગયો.૧ પછી યજ્ઞશાળામાં બલ્વલ દૈત્યે કરેલી અપવિત્ર પદાર્થોની વૃષ્ટિ થવા લાગી, અને જેના હાથમાં ત્રિશૂળ હતું એવો તે દૈત્ય દેખાયો.૨ મોટી કાયાવાળો, ભેદેલા આંજણના ઢગલા સરખો, તપાવેલાં ત્રાંબા જેવી મૂછો તથા શિખાવાળો અને દાઢો તથા ભૃકુટિથી ભયંકર મુખવાળો તે દૈત્ય જોવામાં આવતાં, બલરામે શત્રુના સૈન્યને ચીરી નાખનારા પોતાના હળનું અને દૈત્યોને દમન કરનારા મુશળનું સ્મરણ કર્યું, હળમુશળ તરત જ આવ્યાં.૩-૪ ક્રોધ પામેલા બળદેવજીએ આકાશમાં ફરનારા તે બ્રહ્મદ્રોહી બલ્વલ દૈત્યને હળની અણીથી ખેંચીને તેના માથામાં મુશળ માર્યું.૫ કપાળ ફાટી પડતાં લોહી ઓકતો, લોહીથી ર્રાંઈો થયેલો અને ચીસો નાખતો, તે દૈત્ય વજ્રથી હણાએલા અને ધાતુથી રંગાએલા પર્વતની પેઠે ધરતી પર પડ્યો.૬ ભાગ્યશાળી મુનિઓએ બલરામની સ્તુતિ કરી તથા સત્ય આશીર્વાદ આપીને દેવતાઓ જેમ ઇંદ્રનો અભિષેક કરે તેમ તેમનો અભિષેક કર્યો.૭ મુનિઓએ ન કરમાય એવી અને લક્ષ્મીના સ્થાનકરૂપ વૈજયંતી માળા, બે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભરણો બળભદ્રને આપ્યાં.૮ પછી તે મુનિઓની આજ્ઞા લઇ બ્રાહ્મણોની સાથે કૌશિકી નદીમાં આવી, સ્નાન કરીને જેમાંથી સરયૂનદી ચાલી છે તે સરોવરમાં આવ્યા.૯ પછી સરયૂના કાંઠે કાંઠે થઇને પ્રયાગમાં આવ્યા, અને ત્યાં સ્નાન કરી તથા દેવાદિકનું તર્પણ કરીને હરિક્ષેત્રમાં આવ્યા.૧૦ ગોમતી, ગંડકી તથા વિપાશા નદીમાં સ્નાન કરી શોણનદમાં નાહ્યા. પછી ગયામાં જઇ પિતૃનું પૂજન કરી ગંગાસાગરના સંગમમાં નાહ્યા.૧૧ પછી મહેન્દ્રાચળમાં પરશુરામનાં દર્શન કરી તથા પ્રણામ કરીને સપ્તગોદાવરી, વેણી, પંપા અને ભીમરથીમાં નાહ્યા.૧૨ કાર્તિકેય સ્વામીનાં દર્શન કરી શિવના નિવાસરૂપ શ્રીશૈલ પર્વતમાં ગયા. પછી દ્રવિડ દેશમાં મહાપવિત્ર વેંકટાચળનાં દર્શન કરીને કામકોષ્ણી અને કાંચીપુરીમાં ગયા. ઉત્તમ નદી કાવેરીમાં સ્નાન કર્યું, મહાપવિત્ર શ્રીરંગ નામનું ક્ષેત્ર કે જ્યાં ભગવાન સન્નિહિત રહ્યા છે ત્યાં ગયા.૧૩-૧૪ ભાગવતના ક્ષેત્રરૂપ ઋષભાદ્રિ અને દક્ષિણ મથુરામાં જઇને મહાપાપને મટાડનારા સેતુની પાસે ગયા કે જેને રામચંદ્રજીએ સમુદ્રમાં બાંધેલ છે.૧૫ ત્યાં જઇને બળભદ્રે બ્રાહ્મણોને દશહજાર ગાયો આપી. કૃતમાલા અને તામ્રપર્ણી નદીમાં સ્નાન કરી મલય નામના કુલપર્વતમાં ગયા.૧૬ ત્યાં બેઠેલા અગસ્ત્ય મુનિને નમસ્કાર તથા અભિવાદન કરતાં તેમણે આશીર્વાદ આપ્યા. પછી તેમની આજ્ઞા લઇને બળભદ્ર દક્ષિણ સમુદ્રની પાસે ગયા. ત્યાં કન્યા નામનાં દુર્ગાદેવીનું દર્શન કર્યું.૧૭ પછી અનંતપુરમાં આવીને પંચાપ્સરસ નામનું ઉત્તમ તળાવ કે જેમાં વિષ્ણુ સન્નિહિત રહ્યા છે, ત્યાં સ્નાન કરીને દશહજાર ગાયોનું દાન દીધું.૧૮ પછી કેરલ અને ત્રિગર્તક દેશમાં જઇને ગોકર્ણ નામનું સદાશિવનું ક્ષેત્ર કે જેમાં શિવનું સાંનિધ્ય છે ત્યાં ગયા.૧૯ ત્યાંથી આર્યા દ્વૈપાયનીનું દર્શન કરીને બળભદ્ર શૂર્પારક તીર્થમાં ગયા. તાપી, પયોષ્ણી અને નિર્વિધ્યા નદીમાં સ્નાન કરી દંડકારણ્યમાં થઇને રેવાનદી કે જ્યાં માહિષ્મતિ નગરી છે ત્યાં ગયા. મનુતીર્થમાં સ્નાન કરીને પાછા પ્રભાસમાં આવ્યા.૨૦-૨૧ ત્યાં બ્રાહ્મણોના કહેવાથી કૌરવ પાંડવોના યુદ્ધમાં સર્વરાજાઓનો નાશ થયો સાંભળીને બળદેવે પૃથ્વીનો ભાર ઊતર્યો માન્યો.૨૨ ભીમ અને દુર્યોધન રણભૂમિમાં ગદાઓથી યુદ્ધ કરે છે, એમ સાંભળી તેઓને વારવા સારુ બળદેવ કુરુક્ષેત્રમાં ગયા.૨૩ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, શ્રીકૃષ્ણ અને અર્જુન બળભદ્રને આવ્યા જોઇ અભિવાદન કરીને ‘બળભદ્ર અહીં આવીને શું બોલશે’ એવી બીકથી ચુપ થઇ ગયા.૨૪ ક્રોધ પામેલા જીતવાને ઇચ્છતા અને ગદા હાથમાં લઇને વિચિત્ર મંડળોમાં ફરતા એ ભીમ તથા દુર્યોધનને બળભદ્રે આ પ્રમાણે કહ્યું.૨૫ બળભદ્ર કહે છે હે દુર્યોધન રાજા ! હે ભીમસેન ! તમે બન્ને સરખા બળવાળા વીરપુરુષ છો, તેઓમાં હું ધારું છું કે એકમાં બળ અધિક છે અને એકમાં શિક્ષા અધિક છે, માટે સરખા બળવાળા તમારા બન્નેમાંથી કોઇનો જય કે કોઇનો પરાજય થાય એમ જોવામાં આવતુ નથી, તેથી આ નિષ્ફળ યુદ્ધ બંધ થવું જોઇએ.૨૬-૨૭

શુકદેવજી કહે છે હે રાજા ! એક બીજાનાં દુર્વચન અને દુષ્ટ કૃત્યને સંભારતા અને જેઓ વચ્ચે દૃઢ વેર બંધાઇ ગયું હતું, એવા એ બન્ને જણાએ બળદેવજીનું ઉત્તમ વચન માન્યું નહીં.૨૮ પછી તેનું જેવું પારબ્ધ. એમ માની બળદેવજી દ્વારકામાં આવ્યા અને ત્યાં પ્રસન્ન થયેલા ઉગ્રસેનાદિક જ્ઞાતિજનોની સાથે મળ્યા.૨૯ યજ્ઞમૂર્તિ અને જેમના સ્વરૂપમાંથી સર્વે યુદ્ધાદિ કલેશ નિવૃત્ત જ હતા એવા એ બલભદ્ર પાછા નૈમિષારણ્યમાં ગયા. ત્યાં બ્રાહ્મણોએ પ્રીતિથી તેમને સર્વયજ્ઞોથી યજન કરાવ્યું.૩૦ પ્રભુ બલભદ્રે તે ઋષિઓને શુદ્ધ જ્ઞાન આપ્યું, કે જે જ્ઞાનથી ‘સર્વાધાર પરમાત્માને વિષે આ જગત રહ્યું છે.’ એવો નિશ્ચય થાય.૩૧ અવભૃથ સ્નાન કરીને જ્ઞાતિ, બંધુ અને મિત્રોથી વીંટાએલા, સારાં વસ્ત્ર ધરનાર અને સારી રીતે શણગારેલા બલભદ્ર ચંદ્રમા જેમ પોતાની ચાંદનીથી શોભે, તેમ પોતાની સ્ત્રી રેવતીની સાથે શોભવા લાગ્યા.૩૨ મહા બળવાન, અનંત, અપ્રમેય અને માયાથી મનુષ્યરૂપ થયેલા બળદેવજીનાં એવાં એવાં પરાક્રમો અસંખ્યાત છે.૩૩ અનંત અને અદ્ભુત પરાક્રમો કરનારા બળભદ્રનાં પરાક્રમોને જે પુરુષ સાંજે અને પ્રાત:કાળે સંભારે તે વિષ્ણુને પ્રિય થાય છે.૩૪

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ઓગણાશીમો અધ્યાય સંપૂર્ણ.