૯ ભરતજીનો ત્રીજો જન્મ બ્રાહ્મણકુળમાં થયો

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:14pm

અધ્યાય - : - ૯

ભરતજીનો ત્રીજો જન્મ બ્રાહ્મણકુળમાં થયો

શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ ! મૃગના શરીરને છોડ્યા પછી ભરતજીનું શું થયું, તે સાંભળો. આંગીરસ ગોત્રમાં ઉત્પન્ન થયેલા એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેઓ બ્રાહ્મણોચિત શમ, દમ, તપ, સ્વાધ્યાય, ત્યાગ, સન્તોષ, તિતિક્ષા, વિનય, વિદ્યા, અનસૂયા (બીજાના ગુણોમાં દોષ ન જોવા), આત્મજ્ઞાન અને પ્રસન્નતા વગેરે સર્વે ગુણોથી સંપન્ન હતા. તેમની મોટી પત્નીથકી તેમની સમાન વિદ્યા, શીલ, આચાર, રૂપ અને ઉદારતા વગેરે તમામ ગુણોથી સંપન્ન નવ પુત્રો થયા, તથા નાની પત્નીથી એક સાથે એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. ૧ કહેવાય છે કે, આ બન્નેમાં જે પુત્ર હતો, તે મૃગના શરીરનો ત્યાગ કરીને ચરમદેહ (જે શરીરથી જીવાત્મા જન્મ મરણથી છૂટીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તેને ચરમ દેહ કહેવાય છે.) માં બ્રાહ્મણ થયા હતા. પરમભાગવત રાજર્ષિશ્રેષ્ઠ ભરતજી જ હતા. ૨ આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાના પૂર્વજન્મોનું સ્મરણ રહેવાને કારણે, તેમને સદાય મનમાં ડર રહ્યા કરતો હતો કે આ જન્મમાં ફરી કોઇ વિઘ્ન ઉપસ્થિત ન થાય, તેથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા; જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણકીર્તન બધા પ્રકારના કર્મબન્ધનોને કાપી નાખે છે તેવાં શ્રીભગવાનના યુગલચરણકમળને જ સદાય હ્રદયમાં ધારણ કરી રહેલા હતા બીજાઓની દૃષ્ટિમાં પોતાને ઉન્મત્ત મૂર્ખ, અંધ અને બધિરના જેવા દેખાડતા હતા. ૩ પિતાનો તો તેમની ઉપર એવો જ સ્નેહ હતો. તેથી તે બ્રહ્માણ દેવતાએ પોતાના આવા ઉન્મત્ત પુત્રના પણ શાસ્ત્રાનુસાર સમાવર્તન પર્યન્ત વિવાહથી પહેલાંના બધા જ સંસ્કારો કરવાના નિર્ણયથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. જો કે ભરતજીને કોઇ નિયમની જરૂરત ન હોવા છતાં ‘પુત્ર પિતા પાસેથી ઉપદેશ ગ્રહણ કરે’ આવા શાસ્ત્રવિધાન અનુસારે પિતાજીએ તેમને શૌચ-આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. ૪

પરન્તુ ભરતજી તો પિતાની આગળ જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા હતા. પિતાજી ઇચ્છતા હતા કે વર્ષાઋતુમાં તેને વેદાધ્યયનનો પ્રારંભ કરાવી દઉં. પરન્તુ વસંત અને ગ્રીષ્મઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ- આ ચાર મહિનાઓ સુધી અભ્યાસ કરાવતા રહ્યા છતાં પણ તેને વ્યાહૃતિ અને શિરોમન્ત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે ભણાવી ન શક્યા. ૫ આવું હોવાં છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત્‌ અનુરાગ હતો. તેથી ભરતજીની કોઇ પણ કાર્યમાં ઇચ્છા ન હોવા છતાં પણ ‘પુત્રને સારી શિક્ષા આપવી જોઇએ’ આવા અનુચિત આગ્રહથી ભરજીને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમમાં આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા રહ્યા. પરન્તુ પુત્રને સુશિક્ષિત જોવાની તેમની ઇચ્છા પૂરી થઇ ન હતી અને પોતે પણ ભગવાનની ભક્તિ રૂપ પોતાના મુખ્ય કર્તવ્યથી અસાવધાન રહીને કેવળ ઘરના કામ-કાજમાં વ્યસ્ત રહેતા હતા, કે હંમેશાં સાવધાન રહેનાર કાળ ભગવાને આક્રમણ કરીને તેમનો અંત કરી નાખ્યો. ૬ ત્યારે તેમની નાની પત્નીના ગર્ભ થકી ઉત્પન્ન થયેલાં બન્ને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઇને પતિલોકમાં ચાલી ગઇ. ૭ ભરતજીના ભાઇઓ તો કર્મકાંડમાં સૌથી સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી સર્વથા અનભિજ્ઞ હોવાને કારણે તેઓ ભરતજીના પ્રભાવને પણ જાણતા ન હોવાથી તેને સાવ મૂર્ખ સમજતા હતા. પિતાજીના પરલોક સિધાવ્યા પછી તેમણે ભરતજીને વિદ્યાભ્યાસ કરાવવાનો આગ્રહ છોડી દીધો. ૮ ભરતજીને માન-અપમાનનો કોઇ વિચાર ન હતો. જ્યારે કોઇ નરપશુ તેને મૂર્ખ, અથવા બધિર કહીને પુકારતા તો તે પણ તેવી જ રીતે કહેવા લાગતા. કોઇ પણ તેમની પાસેથી કોઇ પણ પ્રકારનું કામ કરાવવા ઇચ્છતા હતા, તો તેઓ તેમની ઇચ્છા પ્રમાણે કરી આપતા. વેઠરૂપે અથવા મજુરીરૂપમાં, માંગવાથી અથવા માંગ્યા વિના જે કાંઇ પણ થોડું ઘણું સારું અથવા ખરાબ અન્ન મળી જતંુ તેને કોઇ પ્રકારનો જીભનો સ્વાદ જોયા વિના ભોજન કરી લેતા હતા. બીજા કોઇ કારણથી ઉત્પન્ન ન થનાર સ્વતઃસિદ્ધ કેવળ જ્ઞાનાનંદસ્વરૂપ

આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઇ ગયું હતું; તેથી ઠંડી-ગરમી, માન અપમાન વગેરે દ્વન્દ્વથી થતાં સુખ-દુ:ખ વગેરેમાં તેમને દેહાભિમાનની સ્ફૂર્તિ થતી નહોતી. ૯ તેઓ ઠંડી-ગરમી, વર્ષા અને ઝંઝાવાતના સમયે પણ સાંઢની જેમ નગ્નાવસ્થામાં પડ્યા રહેતા. તેમનું શરીર હૃષ્ટ-પુષ્ટ અને માંસલ હતું. તેઓ પૃથ્વીપર જ પડ્યા રહેતા હતા. ક્યારેય તેલ મર્દન વગેરે કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા, તેથી તેમના શરીરપર મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મતેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણિની સમાન છુપાઇ ગયું હતું. તેઓ પોતાની કટીભાગમાં એક મેલુ-ઘેલું કપડું બાંધીને રાખતા હતા. તેની યજ્ઞોપવીત પણ ઘણી મેલી થઇ ગઇ હતી. તેથી અજ્ઞાની લોકો ‘આ કોઇ દ્વિજ છે’ ‘કોઇ અધમ બ્રાહ્મણ છે’ એવું કહીને તેમનો તિરસ્કાર કર્યા કરતા હતા, પરંતુ તેઓએ એનો કોઇ વિચાર ન કરીને સ્વચ્છર્ન્ંઈ વિચરણ કરતા હતા. ૧૦ તેમના ભાઇઓ તેને બીજાની મજૂરી કરીને પેટ પોષણ કરે છે એવું જોઇને પોતાના ખેતરોમાં ક્યારાઓ બનાવવામાં લગાડી દીધા. તો તે કાર્યને પણ કરવા લાગ્યા. પરંતુ તેને એ વાતનું બિલકુલ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી-નીચી, અથવા નાની છે કે મોટી છે. તેમના ભાઇઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અર્ડંઈ કે પછી વાસણોમાં દાઝી ગયેલા અનાજનો પોપડો વગેરે જે કાંઇ પણ આપતા તેને તે અમૃતની સમાન માનીને ભોજન કરતા.૧૧

કોઇ એક સમયે ડાકુઓના સરદારે જેના સામંત શૂદ્ર જાતિના હતા તે પુત્રની ઇચ્છાથી ભદ્રકાલીને મનુષ્યની બલિ આપવાનો નિશ્ચય કર્યો. ૧૨ તેણે જે પુરુષ - પશુબલિ માટે પકડી લાવ્યો હતો તે ભાગ્યબળે તેમની પકડમાંથી ભાગી નીકળ્યો હતો. તેને શોધવા માટે તેમના નોકરો ચારે બાજુ દોડ્યા; પરંતુ અંધારી અર્ધીરાત્રીના સમયે તેની કોઇ ભાળ મળી નહી. તે સમયે દૈવયોગથી એકાએક તેમની દૃષ્ટિ આ આઙ્ગિરસગોત્રીય બ્રાહ્મણકુમારપર પડી, જે વીરાસને બેસીને હરણ - ભૂંડ વગેરે પ્રાણીઓથી પોતાના ખેતરનું રક્ષણ કરી રહ્યા હતા.૧૩ તે લોકોએ જોયું કે આ નરપશુ તો સારાં લક્ષણવાળો છે, આનાથી આપણા સ્વામીનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. આવું વિચારતાં તેમનું મુખ આનંદથી ખીલી ઊઠ્યું. અને તેઓએ ભરતજીને દોરડાંઓથી બાંધીને ચંડિકા મંદિરમાં લઇ ગયા. ૧૪

ત્યાર પછી તે ચોરોએ પોતાના રીત-રિવાજ મુજબ તેને વિધિપૂર્વક સ્નાન કરાવીને નવાં વસ્ત્રો પહેરાવ્યાં તથા અનેક પ્રકારનાં આભૂષણો, ચંદન, માળા અને તિલક વગેરેથી વિભૂષિત કરી સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, ડાંગરની ધાણી, કૂપળ, અઙ્કુર, ફળ અને નૈવેદ્ય વગેરે સામગ્રી સાથે બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તથા ઢોલ વગેરેનો મહાન્‌ ધ્વનિ કરતાં કરતાં તે નરપશુ એવા ભરતજીને ભદ્રકાળીની આગળ નીચું માથું કરાવીને બેસાડી દીધો. ૧૫

ત્યાર પછી ચોરરાજના લુટારા પુરોહિતે તે નર-પશુના રુધિરથી દેવીને પ્રસન્ન કરવા માટે દેવીમંત્રોથી અભિમંત્રિત કરાયેલી એક ધારદાર તલવાર લીધી. ૧૬ તે લુટારાઓ સ્વભાવથી તો રજોગુણી અને તમોગુણી હતા જ, વળી ધનના મદથી તેમનું ચિત્ત વધારે ઉન્મત થઇ ગયું હોવાથી હિંસામાં પણ સ્વાભાવિક રુચિ હતી. આ સમયે તે ચોરલોકો ભગવાનના અંશસ્વરૂપ બ્રાહ્મણકુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાથી કુમાર્ગની તરફ વધી રહ્યા હતા. આપત્તિકાળમાં પણ શાસ્ત્ર જેના વધની આજ્ઞા નથી આપતાં, એવા સાક્ષાત્‌ બ્રહ્મભાવને પામેલા વૈરહીન તથા સમસ્ત પ્રાણિઓના સર્હૃંઈ્‌ એક બ્રહ્મર્ષિકુમારનો તે બલિ દેવા ઇચ્છતા હતા. આ ભયંકર કુકર્મ જોઇને દેવી ભદ્રકાલીના શરીરમાં દુ:સહ બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિમાંથી પ્રગટ થઇ ગયાં. ૧૭

અત્યંત અસહનશીલતા અને ક્રોધના કારણે તેમનાં ભવાં ચડી ગયાં હતાં તથા વિકરાલ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનું મુખ અત્યંત ભયાનક હતું. તેમના આ વિકરાલ રૂપને જોઇને એવું જણાતું હતું કે જાણે આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાડૂકીને ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને તે અભિમન્ત્રિત ખડ્‌ગથી જ તે બધા પાપીઓનાં મસ્તકો કાપી નાખ્યાં અને પોતાના ગણોની સાથે તેમના ગળાઓમાંથી વહેતાં ગરમ રક્તરૂપ આસવ, પીને અત્યંત ઉન્મત્ત થઇને ઊંચા સ્વરથી ગાતાં અને નાચતાં તે માથાઓને દડાની જેમ રમવા લાગ્યાં. ૧૮ સાચું છે, કે મહાપુરુષો પ્રત્યે કરેલ અત્યાચારરૂપ અપરાધ આ જ પ્રમાણે ઊલટો પોતાના જ ઉપર આવી પડે છે. ૧૯

હે પરીક્ષિત્‌ ! જેમની દેહાભિમાનરૂપ સુદૃઢ હ્રદયગ્રન્થિ છૂટી ગઇ છે, જે સમસ્ત પ્રાણિઓના મિત્ર અને આત્મા છે તથા વૈર રહિત છે, જેમનું સાક્ષાત્‌ ભગવાન્‌ જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને પોતાનું ક્યારેય લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ અસ્ત્રથી જેમની રક્ષા કરે છે. અને જેમણે ભગવાનનાં નિર્ભય ચરણકમળોનો આશ્રય લઇ રાખ્યો છે તે ભગવાનના ભક્ત પરમહંસો માટે પોતાનું મસ્તક કપાવાનો અવસર આવવા છતાં પણ કોઇ પ્રકારે વ્યાકુળ ન થવું એ કોઇ મહાન આશ્ચર્યની વાત નથી. ૨૦

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જડભરત ચરિત્ર વર્ણન નામનો નવમો અધ્યાય સંપૂર્ણઃ (૯)