અધ્યાય - : - ૧૧
ભરતજીએ રાજા રહૂગણને કરલો ઉપદેશ
જડભરતે કહ્યું - હે રાજન્ ! તમે પરમાર્થતત્ત્વને બરાબર નથી જાણતા છતાં પણ મોટા જ્ઞાનિઓની જેમ ઉપર ઉપરથી તર્કવિતર્કની વાતો કરી રહ્યા છો, એનાથી શ્રેષ્ઠ જ્ઞાનિપુરુષોમાં તમારી ગણના ન થઇ શકે. તત્ત્વવિચાર કરતી વખતે વિચારવાન્ પુરુષ તમે પ્રતિપાદન કરેલ સ્વામી-સેવક વગેરેના આ વ્યવહારને સત્યરૂપથી સ્વીકાર નથી કરતા.૧ હે રાજન્ ! કદાચ તમે ઇચ્છો કે લૌકિક વ્યવહારની જેમ જ વૈદિક વિચારથી તત્ત્વનો નિર્ણય થઇ શકે; તો એ પણ સંભવ નથી; કારણ કે વેદવાક્ય પણ વિશેષપણે ગૃહસ્થધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞવિધિનો વિસ્તાર કરવામાં વ્યસ્ત છે. રાગદ્વેષાદિ દોષોથી રહિત વિશુદ્ધ તત્ત્વજ્ઞાનની પૂરેપૂરી વાત વેદવાણીમાં પણ કહેવામાં આવી નથી. ૨ ગૃહસ્થને યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નની જેમ ત્યાગ કરવા જેવું છે, એવું જે મનુષ્યને નથી મનાતું તે મનુષ્યને તત્ત્વનું જ્ઞાન કરાવામાં સાક્ષાત્ ઉપનિષદના વચનો પણ સમર્થ નથી.૩ જ્યાં સુધી મનુષ્યનું મન સત્ત્વ, રજ અને તમોગુણને વશ રહે છે, ત્યાં સુધી તે નિરંકુશ પણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, શુભ અને અશુભ કર્મો કરતી રહે છે.૪ આ મન જ વાસનામય છે; અને વિષયોમાં આસક્તિ વાળું છે અને ગુણોથી પ્રેરિત, રાગ-દ્વેષાદિ વિકારોથી યુક્ત છે અને પાંચભૂતથી બનેલું આ સ્થૂળ શરીર, દશ ઇન્દ્રિયો અને મન આ સોળકળાઓમાં મુખ્ય છે. આ મન જ દેવતા અને મનુષ્યાદિ ઉત્તમ-અધમ જેવા જુદા જુદા શરીરોને ધારણ કરાવવામાં કારણ છે. ૫ આ માયાયુક્ત મન સંસારચક્રમાં છેતરનારું છે. અને પોતાના શરીરના અભિમાની જીવની સાથે મળીને તેને કાળચક્રથી પ્રાપ્ત થતાં સુખ-દુ:ખ અને તેનાથી જુદા મોહરૂપી અવશ્યંભાવી (ચોક્ક્સ પણે થનાર) ફળોની અભિવ્યક્તિ કરે છે. ૬ જ્યાં સુધી આ મન રહે છે, ત્યાં સુધી જાગ્રત અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર સદાય પ્રકાશિત થઇને જીવાત્માને માટે દૃશ્ય બને છે. તેથી પંડિતજનો મનને જ ત્રિગુણમય અધમ સંસારનો અને ગુણાતીત પરમોત્કૃષ્ટ મોક્ષપદનું પણ કારણ બતાવે છે. ૭ વિષયોમાં આસક્ત એવું આ મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે; વિષય રહિત થયા પછી એ જ મન તેને શાન્તિમય મોક્ષપદ પ્રાપ્ત કરાવે છે. જેમ ઘીથી ભીંજાયેલ વાટને ખાનારા દીવડામાંથી તો ધૂમાડાવાળી જ્યોત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઇ જાય છે ત્યારે તે પોતાના કરાણભૂત અગ્નિ તત્ત્વમાં લીન થઇ જાય છે; તેવી રીતે ગુણ અને કર્મોથી આસક્ત થયેલું મન અનેક પ્રકારની વિષય વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેનાથી મુક્ત થઇ ગયા પછી તે પોતાના તત્ત્વમાં લીન થઇ જાય છે. ૮
હે વીરશ્રેષ્ઠ ! પાંચ કર્મ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને એક અહંકાર આ મનની અગિયાર વૃત્તિઓ છે તથા પાંચ પ્રકારના કર્મો, પાંચ તન્માત્રાઓ અને એક શરીર આ અગિયાર તેના આધારભૂત વિષયો કહેલા છે. ૯ ગન્ધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ - આ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે. મળત્યાગ, સંભોગ, ભાષણ અને લેણ-દેણ કરવું આદિ વ્યાપાર આ પાંચ કર્મેન્દ્રિયોનો વિષય છે. તથા ‘આ શરીર મારું છે’ એવું માનવું એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની બારમી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને બારમો વિષય માને છે. ૧૦ મનની આ અગિયાર વૃત્તિઓ દ્રવ્ય (વિષય) સ્વભાવ, સંસ્કાર, કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિણામ પામે છે. પરંતુ તેનું અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ એવા આત્માની સત્તાને લીધે જ છે. પણ સ્વયં અથવા પરસ્પર મળવાથી રહેતી નથી. ૧૧ એવું હોવા છતાં પણ મનની સાથે ક્ષેત્રજ્ઞનો કોઇ સંબંધ નથી. આ તો જીવની જ માયાદ્વારા નિર્મિત ઉપાધિ છે. તેનું કારણ માયા છે. આ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે. તેની ઉપર્યુક્ત વૃત્તિઓ પ્રવાહરૂપે નિત્ય જ રહે છે; જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થાય છે અને સુષુપ્તિ અવસ્થામાં છૂપાઇ જાય છે. આ બન્ને અવસ્થાઓમાં ક્ષેત્રજ્ઞ (જીવાત્મા) કે જે વિશુદ્ધ ચિન્માત્ર છે તે વૃત્તિઓને સાક્ષીરૂપે જોતો રહે છે. ૧૨ (જીવાત્મા અને પરમાત્માના ભેદથી ક્ષેત્રજ્ઞ બે પ્રકારના છે. અત્યાર સુધી જીવાત્માનું વર્ણન કરવામાં આવ્યું. હવે પછી પરમાત્માનું નિરુપણ કરવામાં આવે છે.) આ ક્ષેત્રજ્ઞ, પરમાત્મા, સર્વવ્યાપક, જગતનું આદિકારણ, પરિપૂર્ણ, પ્રત્યક્ષ, સ્વયંપ્રકાશ, અજન્મા, બ્રહ્માદિક દેવતાઓના પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા દ્વારા જીવપ્રાણીમાત્રના અન્તઃકરણમાં રહીને જીવોને પ્રેરિત કરનાર, સમસ્ત ભૂતપ્રાણીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે.૧૩ જેવી રીતે વાયુ સંપૂર્ણ સ્થાવર (વૃક્ષાદિ) જંગમ (મનુષ્યાદિ) પ્રાણિઓમાં પ્રાણરૂપમાં પ્રવેશ કરીને તેને પ્રેરિત કરતો રહે છે. તેવી રીતે તે પરમાત્મા શ્રીવાસુદેવ ભગવાન સર્વેના સાક્ષી થઇને આત્મસ્વરૂપે આ સમગ્ર સ્થાવરજંગમ રૂપ સંસારમાં ઓતપ્રોત થઇને રહે છે.૧૪
હે રાજન્ ! જ્યાં સુધી મનુષ્ય જ્ઞાનદ્વારા આ સંસારરૂપ માયાનો તિરસ્કાર કરીને સાંસારિક સર્વે પ્રદાર્થમાંથી આસક્તિ છોડીને તથા કામ, ક્રોધ વગેરે છ અન્તઃશત્રુઓને જીતીને આત્મતત્ત્વને જાણી લેતો નથી અને જ્યાં સુધી તે આત્માના ઉપાધિરૂપ મનને સંસારના દુ:ખોનું ક્ષેત્ર (કારણ) માની લેતો નથી, ત્યાં સુધી તે મનુષ્ય આ સંસારલોકમાં ‘જન્મ-મરણના ચક્રમાં’ ભટકતો રહે છે. કારણ કે આ મન જીવના શોક, મોહ, રોગ, રાગ, લોભ અને વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. ૧૫-૧૬ આ મન જ તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા કરવાથી તેની શક્તિ વિશેષ પણે વધી ગઇ છે. જો કે આ મન પોતે તો સર્વથા મિથ્યા છે. છતાં પણ એણે તમારા આત્માસ્વરૂપને ઢાંકી રાખ્યું છે. તેથી તમો સાવધાન થઇને શ્રીગુરુ અને શ્રીહરિના પાવન ચરણકમળોની ઉપાસના રૂપી અસ્ત્રથી તેને મારી નાખો. ૧૭
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે રહૂગણ વર્ણન નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણઃ (૧૧)