અધ્યાય - : - ૧૩
ભવાટવીનું વર્ણન અને રહૂગણના પ્રશ્નોનું સમાધાન.
જડભરતે કહ્યું - હે રાજન્ ! સુખરૂપી ધનમાં આસક્ત એવો જીવ સમુદાય દેશ દેશાન્તરમાં ફરી ફરીને વ્યાપાર કરનાર વ્યાપારી સમૂહ જેવો છે. માયાએ જીવને દુસ્તર પ્રવૃત્તિમાર્ગમાં જોડી દીધો છે; તેથી તેની દૃષ્ટિ સાત્ત્વિક, રાજસ અને તામસના ભેદથી જુદા જુદા પ્રકારના કર્મો પર થાય છે. તે કર્મોમાં ભટકતો ભટકતો આ જીવસમુદાય સંસાર ભવાટવીમાં જઇ પહોંચે છે. ત્યાં તેને જરા પણ શાન્તિ મળથી નથી. ૧
હે મહારાજ ! તે જંગલમાં છ લુટારાઓ છે. આ વેપારી સમાજનો નાયક ઘણો દૃષ્ટ છે. તેના નેતૃત્વમાં જ્યારે આ (વેપારી સમાજ) ત્યાં પહોંચે છે, ત્યારે આ લુટારાઓ બળપૂર્વક આની બધી માલ-મિલકત લૂંટી લે છે. જેવી રીતે વરુઓ ઘેટાંઓના ટોળામાં ઘૂસી જઇને તેમને ખેંચી લઇ જાય છે. તેવી જ રીતે એની સાથે રહેતાં વરુ જ આને અસાવધાન જોઇને આના ધનને અહીં-તહીં ખેંચવા લાગે છે. ૨ તે જંગલ ઘણા બધા વેલા,ઘાસ, અને ઝાડ-ઝાખરાને કારણે ઘણું દુર્ગમ બનેલું છે. તેમાં તીવ્ર ડાંસ અને મચ્છરો આને આરામથી રહેવા દેતા નથી, ત્યાં તેને ક્યારેક તો ગન્ધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક-ક્યારેક ચમચમતા અતિ ચંચલ આગિયા (પતંગિયા) આંખોની આગળ આવી જાય છે. ૩ આ વણિક સમુદાય આ વનમાં નિવાસસ્થાન, જળ અને ધન વગેરેમાં આસક્ત થઇને આમ-તેમ ભટક્યા કરે છે. ક્યારેક આંધીથી ઉડેલી ધૂળથી જ્યારે બધી દિશાઓ ધુમાડાઓથી ઠંકાઇ જાય છે અને તેની આંખોમાં પણ ધૂળ ભરાઇ જાય છે. ત્યારે તેને દિશાઓનું જ્ઞાન પણ નથી રહેતું. ૪ ક્યારેક આ વ્યાપારી સમુદાયને નહીં દેખાતા તમરાંઓનો કર્ણકટુ (કાનને અપ્રિય) શબ્દ સંભળાય છે, ક્યારેક ઘૂવડો પોતાની બોલીથી આનું ચિત્ત વ્યથિત કરી નાખે છે. ક્યારેક આને ભૂખ પરેશાન કરવા લાગે છે. તો આ નિંદનીય વૃક્ષોનો જ સહારો શોધવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકૂળ થઇને મૃગજળ તરફ દોટ મૂકે છે. કયારેક જળ રહિત સૂકી નદીઓની ચકમકમાં ફસાઇને તેની તરફ દોડે છે. ૫ ક્યારેક અન્ન ન મળવાથી પરસ્પર એક બીજાના અન્નના ગ્રાહક બની જાય છે, ક્યારેક દાવાનળમાં પ્રવેશીને અગ્નિમાં અટવાઇ જાય છે. અને ક્યારેક યક્ષલોકો આના પ્રાણ ખેંચવા લાગે છે ત્યારે તે દુ:ખી થઇ જાય છે. ૬ ક્યારેક પોતાથી વધારે બળવાન લોકો તેનું ધન લૂંટવા લાગે છે તો તે દુ:ખી થઇને શોક અને મોહમાં બેભાન થઇ જાય છે. અને ક્યારેક ગંધર્વનગરમાં પહોંચીને થોડી ક્ષણ માટે બધું દુ:ખ ભૂલીને આનંદનો અનુભવ કરે છે. ૭ આ (વ્યાપારી સમુદાય) ક્યારેક પર્વતોપર ચડવા ઇચ્છે છે. તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચારણી થઇ જવાથી ઉદાસ થઇ જાય છે. પરિવાર ઘણો વધી જાય છે અને ઉદરપૂર્તિ (આજીવિકા)નું સાધન નથી હોતું તો ભૂખની અગ્નિમાં સંતપ્ત થઇને પોતાના જ સગાસંબન્ધીઓ પર ખિજાવા લાગે છે. ૮ ક્યારેક અજગર તથા સર્પનો કોળિયો બનીને વનમાં ફેંકીદેવાયેલ મડદાની જેમ પડ્યો રહે છે. તે સમયે તેને કાંઇ સૂધ બુધ નથી રહેતી. ક્યારેક બીજા ઝેરી જંતુઓ તેને ડંખવા લાગે છે તો તેના ઝેરના પ્રભાવથી આંધળો થઇને કોઇ ઊંડા કૂવામાં પડી જાય છે અને ઘોર દુ:ખમય અંધકારમાં બેહોશ થઇને પડ્યો રહે છે. ૯ ક્યારેક મધ શોધવા લાગે છે તો મધમાંખીઓ આના નાકમાં કરડવા લાગે છે. અને આનું બધું અભિમાન નષ્ટ થઇ જાય છે. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી કદાચ કોઇ પણ પ્રકારે તેને મધ મળી પણ જાય છે તો બીજા લોકો તેની પાસેથી છીનવી લે છે. ૧૦ ક્યારેક ટાઢ, તડકો, તૂફાન અને વરસાદથી પોતાની રક્ષા કરવામાં અસમર્થ થઇ જાય છે. ક્યારેક પરસ્પર થોડો વ્યાપાર કરે છે તો ધનના લોભથી બીજાને દગો દઇને તેમની સાથે વેર બાંધી લે છે. ૧૧ ક્યારેક ક્યારેક તે સંસારવનમાં આનું ધન નષ્ટ થઇ જાય છે તો આની પાસે શય્યા, આસન, રહેવા માટે સ્થળ અને હરવા ફરવા માટે સવારી વગેરે પણ રહેતું નથી. ત્યારે બીજાઓ પાસેથી માંગે છે; માંગવાથી પણ જ્યારે ઇચ્છિત વસ્તુ મળતી નથી ત્યારે તેને ઘણો તિરસ્કાર સહન કરવો પડે છે. ૧૨ આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એક બીજા સાથે દ્વેષભાવ વધી જાવાથી પણ તે વ્યાપારી સમૂહ પરસ્પર વિવાહ જેવા સંબંધો જોડે છે અને પછી આ માર્ગમાં દુ:ખો અને ધનસંપત્તિનો નાશ આદિ દુ:ખોને ભોગવતો ભોગવતો મરેલાની જેમ થઇ જાય છે. ૧૩ અને સાથિઓમાંથી જે જે મરતા જાય છે, તેને ત્યાંને ત્યાં છોડીને નવા જન્મેલાઓને સાથે લઇને તે વણઝારાઓના સમૂહની જેમ આગળ વધતો રહે છે. હે વીરવર ! તેમાંથી કોઇ પણ પ્રાણી નથી પાછો આવ્યો કે નથી કોઇ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમાનંદમય યોગનું શરણ લીધું. ૧૪ (વાસ્તવમાં આ યોગમાર્ગ જ આત્યંતિક દુ:ખનિવૃત્તિનું સાધન છે, તેથી વિચારશીલ પુરુષ પણ સર્વ જગ્યાએથી નિવૃત્તિ લઇને આ માર્ગનો આશ્રય લે છે.) જેમણે મોટા મોટા દિગ્પાળો પર વિજય મેળવ્યો છે, એવા ધીર વીર પુરુષો પણ ‘આ પૃથ્વી મારી છે’ એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામભૂમિમાં લડી મરે છે. તો પણ તેમણે ભગવાન વિષ્ણુનું આ અવિનાશી પરમપદ મળતું નથી. કે જે ‘પરમપદ’ વેરભાવથી રહિત પરમહંસોને જ પ્રાપ્ત થાય છે. ૧૫
આ સંસારવનમાં ભટકનાર આ વણઝારાનો સમૂહ ક્યારેક કોઇ વેલાની ડાળિયોમાં આશ્રય લે છે. અને તેમાં રહેનાર મધુરભાષી પક્ષીઓના મોહમાં ફસાઇ જાય છે. ક્યારેક સિંહના ઝુંડથી ભયભીત થઇને બગલા, કંક અને ગીધની સાથે પ્રીતિ કરે છે. ૧૬ જ્યારે તેનાથી છેતરપીંડીનો ભોગ બને છે. ત્યારે હંસોની (સંત-મહાત્માની)પંક્તિમાં પ્રવેશ કરવા ઇચ્છે છે; પરંતુ તેને તેમનો આચાર રુચતો નથી, તેથી વાનરોમાં ભળી જઇને તેમના જાતિસ્વભાવને અનુસારે ગૃહસ્થ સુખમાં રત રહીને વિષયભોગથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે. અને એક બીજાનું મુખ જોઇને પોતાની આયુષના અવધિકાળને ભૂલી જાય છે. ૧૭ ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને સ્ત્રીના સ્નેહ બંધનમાં બંધાઇ જાય છે. તેમાં મૈથુનની કામ વાસના એટલી વધી જાય છે કે જાત જાતના દૂર્વ્યવહારોથી દીન (દયામણો) થવા છતાં પણ આ વિવશ બનીને પોતાના બંધનોને તોડવાનું સાહસ નથી કરી શકતો. ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પડી જતો હોય છે તો તેમાં રહેતા હાથીથી ડરીને કોઇ વેલીને સહારે લટકતો રહે છે. ૧૮ હે શત્રુદમન ! જો કોઇ રીતે તેને તે આપત્તિથી છૂટકારો મળી પણ જાય તો તે ફરી પોતાના કુંડાળામાં મળી જાય છે. જો મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતાં ભટકતાં જીવનપર્યંત પોતાના પરમ પુરુષાર્થને ઓળખી શકતો નથી. ૧૯
હે રહૂગણ ! તમે પણ એજ માર્ગમાં ભટકી રહ્યા છો. તેથી હવે પ્રજાને દંડવાનું કાર્ય છોડીને સમગ્ર પ્રાણિઓના પ્રિય બની જાઓ. અને વિષયોમાં અનાસક્ત થઇને ભગવાનની સેવાથી ધારદાર બનાવેલ જ્ઞાનરૂપી ખડ્ગ લઇને આ માર્ગને પાર કરી લ્યો. ૨૦
રાજા રહૂગણે કહ્યુ ! અહો ! ચોરાશીલાખ યોનિઓમાં આ મનુષ્ય જન્મ જ સૌથી ઉત્તમ છે. બીજા લોકમાં પ્રાપ્ત થનાર દેવ વગેરે ઉત્તમ જન્મોથી પણ શું લાભ છે ? જ્યાં ભગવાન ઋષીકેશના પવિત્ર યશથી શુદ્ધ અન્તઃકરણવાળા તમારા જેવા મહાત્માઓનો વારંવાર સમાગમ મળતો નથી.૨૧ તમારા ચરણકમળની રજનું સેવન કરવાથી જેનાં બધાં પાપ, તાપ નષ્ટ થઇ ગયાં છે, તે મહાનુભવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી કોઇ વિચિત્ર (આશ્ચર્ય) વાત નથી. મારું તો તમારા બે ઘડી સત્સંગથી જ બધા કુતર્કમૂલક અજ્ઞાન નષ્ટ થઇ ગયું છે. ૨૨ તત્ત્વજ્ઞાનીઓની ઓળખ તેના બાહ્ય આચરણ વેશભૂષાથી નથી હોતી; તેથી તે કોઈ પણ વેષમાં કે ઉંમરમાં હોય હું તેમને નમસ્કાર કરું છું; તેમાં જો તે વયોવૃદ્ધ હોય તેને નમસ્કાર છે; જે બાળક છે તેમને નમસ્કાર છે; જે યુવાન છે તેમને નમસ્કાર છે; અને જે ક્રીડામાં રત (રમતાં) બાળકો છે; તેમને પણ નમસ્કાર છે; જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ અવધૂતવેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમનાથી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા રાજાઓનું કલ્યાણ થાઓ.૨૩
શ્રીશુકદેવજી કહે છે - હે ઉત્તરાનંદન ! આ પ્રમાણે તે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિપુત્રે પોતાનું અપમાન કરનાર સિન્ધુનરેશ રહૂગણને પણ અત્યન્ત કરુણાવશ આત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો. ત્યારે રાજા રહૂગણે નમ્ર ભાવથી પરિપૂર્ણ સમુદ્રની જેમ શાન્તચિત્ત અને સંયમીત ઇન્દ્રિઓવાળા થઇને પૃથ્વી પર વિચરવા લાગ્યા. ૨૪ તેમના સત્સંગથી પરમાત્મા તત્ત્વનું જ્ઞાન મેળવીને સૌવીરપતિ રહૂગણે પણ અન્તઃકરણમાં અવિદ્યાવશ આરોપિત દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો. હે રાજન્ ! જે લોકો ભગવાનના આશ્રિત એવા અનન્ય ભક્તોનું શરણ લઇ લે છે. તેનો આવો જ પ્રભાવ હોય છે. તેમની પાસે અવિદ્યા રહી શકતી નથી. ૨૫
રાજા પરીક્ષિતે કહ્યું - હે મહાભાગવત મુનિશ્રેષ્ઠ ! તમે પરમ વિદ્વાન છો. તમે રૂપક વગેરે વડે અપ્રત્યક્ષરૂપથી જીવોનું જે સંસારરૂપ માર્ગનું વર્ણન કર્યું છે, તે વિષયની કલ્પના વિવેકી પુરુષોની બુદ્ધિએ કરેલી છે; તે અલ્પબુદ્ધિવાળા પુરુષોને સરલતાથી સમજમાં નથી આવતી. તેથી મારી તમને પ્રાર્થના છે; કે આ દુર્બોધ વિષયના રૂપકને સ્પષ્ટિકરણ કરનાર શબ્દોથી સમજાવો.૨૬
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભવાટવી રૂપક કથન વર્ણન નામનો તેરમો અધ્યાય સંપૂર્ણઃ (૧૩)