અધ્યાય - : - ૧૭
ગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ.
શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્ ! જ્યારે રાજા બલિની યજ્ઞશાળામાં સાક્ષાત્ યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ ત્રિલોકને માપવા માટે પોતાનો ચરણ ફેલાવ્યો, ત્યારે તેના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ ફાટી ગયો. તે છિદ્રમાં થઇને જે બ્રહ્માંડથી બહારના જળની ધારા અંદર આવી, તે ચરણને ધોવાથી તેમાં લાગેલ કેસરના ભળવાથી લાલ થઇ ગઇ. તે નિર્મળ ધારાનો સ્પર્શ થતાં જ સંસારનાં બધાં પાપ નષ્ટ થઇ જાય છે, પરંતુ તે હમેંશા નિર્મળ જ રહે છે. પહેલાં બીજા કોઇ નામથી તેને ન કહીને ‘ભગવત્પદી’ જ કહેતા હતા. તે ધારા હજારો યુગ વીતવાથી સ્વર્ગના મુખ્યભાગમાં રહેલ ધ્રુવલોકમાં ઊતરી, જેને ‘વિષ્ણુપદી’ પણ કહે છે. ૧
હે વીરવ્રત પરીક્ષિત્ ! તે ધ્રુવલોકમાં ઉત્તાનપાદના પુત્ર પરમ ભાગવત ધ્રુવજી રહે છે, તે નિત્યપ્રતિ વધતા જતા ભક્તિભાવથી ‘આ અમારા કુળદેવતાનું ચરણોદક છે’ એવું માનીને આજે પણ તે જળને ઘણા આદરથી મસ્તક પર ચડાવે છે. તે સમયે પ્રેમાવેશના કારણે તેનું હ્રદય અત્યંત ગદગદ થઇ જાય છે, ઉત્કંઠાવશ વિવશ થઇને મીંચેલા બન્ને નેત્રકમળોમાંથી નિર્મળ આંસુઓની ધારા વહેવા લાગે છે અને શરીરમાં રોમાંચ થઇ જાય છે. ૨ તેના પછી આત્મનિષ્ઠ સપ્તર્ષિગણ તેનો પ્રભાવ જાણવાને કારણે ‘આ જ તપસ્યાની આત્યંતિક સિદ્ધિ છે’ એવું માનિને તેને આજે પણ આ પ્રમાણે આદરપૂર્વક પોતાની જટાજૂટ પર એવી જ રીતે ધારણ કરે છે જેમ મુમુક્ષુજન પોતાને પ્રાપ્ત થયેલ મુક્તિને ધારણ કરે. આમ તો એ અત્યંત નિષ્કામી છે; સર્વાત્મા ભગવાન્ વાસુદેવની નિશ્ચલ ભક્તિને જ પોતાનું પરમ ધન માનીને તેઓએ બીજી બધી કામનાઓનો ત્યાગ કરી દીધો છે, ત્યાં સુધી કે આત્મજ્ઞાનને પણ તેની આગળ કોઇ ચીજ ન માનતા. ૩ ત્યાંથી ગંગાજી કરોડો વિમાનોથી ઘેરાઇને આકાશમાં થઇને ઊતરે છે અને ચન્દ્રમંડળને ભીંજવતા મેરુના શિખરપર બ્રહ્મપુરીમાં ઊતરે છે. ૪ ત્યાંથી સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા નામથી ચાર ધારાઓમાં વિભક્ત થઈ જાય છે તથા અલગ-અલગ ચારે દિશાઓમાં વહેતી વહેતી છેલ્લે નદ,નદીઓના અધીશ્વર સમુદ્રમાં ભળી જાય છે. ૫ તેમાં સીતા બ્રહ્મપુરીથી નીકળીને કેસરાચલના સર્વોચ્ચ શિખરમાં થઇને નીચેની તરફ વહેતી વહેતી ગંધમાદનના શિખર પર પડે છે અને ભદ્રાશ્વવર્ષને સિંચતી પૂર્વની તરફ ખારા સમુદ્રમાં ભળી જાય છે. ૬ આ પ્રમાણે ચક્ષુધારા માલ્યવાનના શિખર પર પહોંચીને ત્યાંથી અટક્યા વિના કેતુમાલવર્ષમાં વહેતી પશ્ચિમની તરફ ક્ષારસમુદ્રમાં જઇ મળી જાય છે. ૭ ભદ્રા મેરુપર્વતના શિખરથી ઉત્તરની તરફ પડે છે તથા એક પર્વતથી બીજા પર્વત પર જાય છે અને અંતમાં શૃઙ્ગવાનના શિખરથી નીકળીને ઉત્તરકુરુ દેશમાં થઇને ઉત્તરની તરફ વહેતી સમુદ્રમાં મળી જાય છે. ૮ અલકનંદા બ્રહ્મપુરીથી દક્ષિણની તરફ નીકળીને અનેક ગિરિશિખરોને ઉલઙ્ઘીને હેમકૂટ પર્વત પર પહોંચે છે, ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરને ચીરતી ભારતવર્ષમાં પ્રવેશે છે અને પછી દક્ષિણની તરફ સમુદ્રમાં જઇ ભળી જાય છે. તેમાં સ્નાન કરવા માટે આવનાર પુરુષને પગલે પગલે અશ્વમેધ અને રાજસૂય વગેરે યજ્ઞોનું ફળ પણ દુર્લભ નથી. ૯ પ્રત્યેક વર્ષમાં મેરુ વગેરે પર્વતોથી નીકળતી બીજી પણ અનેક નદ-નદીયો છે. ૧૦
આ બધા ખંડોમાં ભારતવર્ષ જ કર્મભૂમિ છે. બીજા આઠ ખંડ તો સ્વર્ગવાસી પુરુષોનું સ્વર્ગલોકમાંથી બચેલ પુણ્યને ભોગવવા માટેનું સ્થાન છે. તેથી તેને પૃથ્વીલોકમાં સ્વર્ગપણ કહેવાય છે. ૧૧ ત્યાંના દેવતુલ્ય મનુષ્યોની ગણનાને અનુસારે દસ હજાર વર્ષની આયુષ્ય હોય છે. તેમાં દસ હજાર હાથીઓનું બળ હોય છે તથા તેના વજ્ર સમાન સુદૃઢ શરીરમાં જે શક્તિ, યૌવન અને ઉલ્લાસ હોય છે તેને કારણે તે ઘણા સમય સુધી મૈથુન વગેરે વિષયો ભોગવતા રહે છે. અંતમાં જ્યારે ભોગ સમાપ્ત થઇ જવાથી તેની આયુનું કેવળ એક વર્ષ રહી જાય છે, ત્યારે તેની સ્ત્રીયો ગર્ભ ધારણ કરે છે. આ પ્રમાણે ત્યાં હમેશાં ત્રેતાયુગની સમાન સમય રહે છે. ૧૨ ત્યાં એવાં આશ્રમ, ભવન અને પર્વતોની ઘાટીઓ છે તેના સુંદર ઉપવનમાં બધી ઋતુઓનાં ફૂલોના ગુચ્છ, ફળ અને નૂતન પલ્લવોની શોભાના ભારથી ઝૂકેલી ડાળીઓ અને લતાઓવાળાં વૃક્ષોથી સુશોભિત છે; ત્યાંના નિર્મળ જળથી ભરેલાં એવાં તળાવો પણ છે; જેમાં જુદાં જુદાં પ્રકારનાં નૂતન કમળ ખિલેલાં હોય છે અને તે કમળની સુગંધથી પ્રમુદિત થઇને રાજહંસ, જળમૃગ, કારણ્ડવ, સારસ અને ચકવા વગેરે પક્ષીઓ જુદા જુદા પ્રકારની બોલીઓ બોલે છે તથા વિભિન્ન જાતિના ભ્રમરો મધુર ગુંજાર કરતા રહે છે. આ તળાવોમાં ત્યાંના દેવશ્રેષ્ઠ પરમ સુંદરી દેવાઙ્ગનાઓની સાથે તેના કામ ઉન્માદ સૂચક હાસ્યવિલાસ અને લીલા કટાક્ષોથી મન અને નેત્રોનું આકૃષ્ટ થઇ જવાને કારણે જળક્રીડા વગેરે જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરતાં કરતાં સ્વચ્છંદ વિહાર કરે છે તથા તેના મુખ્ય અનુચરગણ અનેક પ્રકારની સામગ્રિઓથી તેનો આદર સત્કાર કરે છે.૧૩ આ નવ ખંડોમાં પરમપુરુષ નારાયણ ભગવાન ત્યાંના પુરુષો પર અનુગ્રહ કરવા માટે આ સમયે પણ પોતાની જુદા-જુદા પ્રકારની મૂર્તિઓ દ્વારા વિરાજમાન છે. ૧૪
ઇલાવર્તવર્ષમાં એક જ ભગવાન્ શંકર જ પુરુષ છે. શ્રીપાર્વતીજીના શાપને જાણનાર કોઇ બીજો પુરુષ ત્યાં પ્રવેશ કરતો નથી; કારણ કે ત્યાં જે જાય છે, તે સ્ત્રીરૂપ થઇ જાય છે. આ પ્રસંગનું આગળ (નવમા સ્કન્ધમાં) વર્ણન કરીશું ૧૫ ત્યાં પાર્વતી અને તેની અગણિત દાસીઓથી સેવાયેલ મહાદેવજી પરમ પુરુષ પરમાત્માની વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સઙ્કર્ષણ આ ચતુર્વ્યૂહ મૂર્તિઓમાંથી પોતાની કારણરૂપા સઙ્કર્ષણ નામની તમઃપ્રધાન ( ભગવાનની મૂર્તિ શુદ્ધ ચિન્મય જ છે પરન્તુ સંહાર વગેરે તામસી કાર્યોના હેતુભૂત હોવાને કારણે તામસી (તમઃપ્રધાન) મૂર્તિ કહે છે.) ચોથી મૂર્તિનું ધ્યાનસ્થિત મનોમય વિગ્રહના રૂપમાં ચિંતન કરે છે અને આ મંત્રનો ઉચ્ચારણ કરતા આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૬
ભગવાન શંકર કહે છે - ‘ૐ જેનાથી બધા ગુણોની અભિવ્યક્તિ થાય છે, તે અનંત અને અવ્યક્તમૂર્તિ ૐસ્વરૂપ પરમપુરુષ શ્રીભગવાનને નમસ્કાર છે.’ ‘ હે ભજનીય પ્રભો ! તમારા ચરણકમળ ભક્તોને આશ્રય આપનાર છે તથા તમે સ્વયં સંપૂર્ણ ઐશ્વર્યના પરમ આશ્રય છો. ભક્તની આગળ તમે તમારું ભૂતભાવન સ્વરૂપ પૂર્ણતયા પ્રકટ કરો છો તથા તેને સંસારના બંધનથી મુક્ત કરો છો, પરંતુ અભક્તોને તે બંધનમાં નાખતા રહો છો. તમે જ ઈશ્વર છો, હું તમારું ભજન કરું છું. ૧૭-૧૮ હે પ્રભુ ! અમે ક્રોધના આવેગને જીતી શક્યા નથી. તથા અમારી દૃષ્ટિ તત્કાળ પાપથી લિપ્ત થઇ જાય છે. પરંતુ તમે તો સંસારનું નિયમન કરવા માટે નિરંતર સાક્ષીરૂપે તેના બધા કર્મ કલાપોને જોયા કરો છો. છતાં પણ અમારા પ્રત્યેની તમારી દૃષ્ટિ પર તે માયિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામમાત્રનો પણ પ્રભાવ નથી પડતો. આવી સ્થિતિમાં પોતાના મનને વશમાં કરવાની ઇચ્છા વાળો કયો પરુષ તમારો આદર ન કરે ? ૧૯ તમે જે પુરુષને મધુ વગેરે પીવાને કારણે અરુણનયન અને મત્ત જણાઓ છો, તે માયાને વશીભૂત થઇને જ એવાં મિથ્યા દર્શન કરે છે તથા તમારાં ચરણસ્પર્શથી જ ચિત્ત ચંચળ થઇ જવાને કારણે નાગપત્નીઓ લજ્જાવશ થઇને તમારી પૂજા કરવામાં અસમર્થ થઇ જાય છે. ૨૦ વેદમંત્રો તમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બતાવે છે; પરંતુ તમે સ્વયં આ ત્રણે વિકારોથી રહિત છો; તેથી તમને ‘અનંત’ કહે છે. તમારા હજાર મસ્તકો પર આ ભૂમંડળ રાઇના દાણાની જેમ રાખેલ છે. ૨૧ જેનાથી ઉત્પન્ન થયેલ એવો જે હું તે અહંકારરૂપ પોતાના ત્રિગુણમય તેજથી દેવતા, ઇન્દ્રિય અને ભૂતોની રચના કરું છું તે વિજ્ઞાનના આશ્રય ભગવાન્ બ્રહ્માજી પણ તમારું જ મહત્તત્ત્વસંજ્ઞક પહેલું ગુણમય સ્વરૂપ છે. ૨૨
હે મહાત્મન્ ! મહત્તત્ત્વ, અહંકાર ઇન્દ્રિયાભિમાની દેવતા, ઇન્દ્રિયો અને પંચભૂત વગેરે અમે બધા દોરીમાં બંધાયેલ પંખીની જેમ તમારી ક્રિયાશક્તિને વશમાં રહીને તમારી જ કૃપાથી આ જગતની રચના કરીએ છીએ. ૨૩ સત્ત્વાદિ ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલ આ જીવ તમારી જ રચેલ તથા કર્મ-બંધનમાં બંધાનાર માયાને તો કદાચ જાણી પણ લે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સરળતાથી ખબર પડતો નથી. આ જગતની ઉત્પત્તિ અને પ્રલય પણ તમારાં જ રૂપ છે. એવા તમને હું વરંવાર નમસ્કાર કરું છું . ૨૪
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે શંકર સ્તુતિ વર્ણન નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણઃ (૧૭)