અધ્યાય - : - ૨૧
સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન.
શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્ ! વિસ્તાર અને લક્ષણો સહિત આ ભૂમંડળનો કુલ આટલો જ વિસ્તાર છે, તે તમને અમે કહી બતાવ્યો.૧ આને અનુસારે વિદ્વાન લોકો દ્યુલોકનો પણ વિસ્તાર બતાવે છે. જેવી રીતે ચણા, વટાણા વગેરેનાં બે ફાડીયાંમાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણથી પણ દ્યુલોકનું પણ પરિમાણ સમજી લેવું જોઇએ. આ બન્નેની વચ્ચે અંતરિક્ષલોક છે. એ આ બન્ને લોકોનું સંધિસ્થાન છે. ૨ તે અંતરિક્ષલોકના મધ્યભાગમાં રહેલ ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણે લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તે ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત્ (મધ્યમ) નામવાળી ક્રમશઃ મંદ, શીઘ્ર અને સમાન ગતિદ્વારા ચાલીને સમયાનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા-નીચા અને સમાન સ્થાનોમાં જઇને દિવસ-રાતને મોટો-નાનો અને સમાન કરે છે. ૩ જ્યારે સૂર્ય ભગવાન મેષ અથવા તુલા રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે દિવસ અને રાત્રિ સરખાં થાય છે; જ્યારે વૃષભ વગેરે પાંચ (સૂર્ય) રાશિઓમાં ચાલે છે. ત્યારે પ્રતિમાસ રાત્રિઓ એક ઘડી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસો મોટા થતા જાય છે. ૪ જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ચાલે છે, ત્યારે દિવસો અને રાત્રિઓમાં સૂર્યના વધ-ઘટમાં ઉપર જણાવેલ કાળની સ્થિતિ કરતાં તેનાથી ઊલટું પરિવર્તન થાય છે. અર્થાત્ દિનપ્રતિદિન એક એક ઘડી ઘટતી જાય છે અને રાત્રિઓ વધતી જાય છે. ૫ આ પ્રમાણે દક્ષિયાણનનો પ્રારંભ થાય ત્યાં સુધી દિવસ મોટો થતો રહે છે અને ઉત્તરાયણ લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. ૬ આ પ્રમાણે પંડિતજનો માનસોત્તર પર્વતપર સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજન બતાવે છે. તે પર્વતપર મેરુના પૂર્વની તરફ ઇન્દ્રની દેવધાની, નામની પુરી છે. દક્ષિણ દિશામાં યમરાજની સંયમની પુરી છે, પશ્ચિમમાં વરુણની નિમ્લોચની અને ઉત્તરમાં ચન્દ્રમાની વિભાવરી નામની પુરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે બાજુ સમયાનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન, સાયંકાળ અને અર્ધરાત્રિ થાય છે; તેને જ કારણે સમગ્ર જીવપ્રાણિમાત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. ૭ હે રાજન્ ! જે લોકો સુમેરુપર રહે છે તેને તો સૂર્યદેવ સદાય મધ્યાહ્નકાલીન રહીને જ તપાવતા રહે છે. તે પોતાની ગતિ પ્રમાણે અશ્વિની વગેરે નક્ષત્રોની તરફ ગતિ કરતાં જોકે મેરુને ડાબે રાખીને ગતિ કરે છે તો પણ સમગ્ર જ્યોતિમંડળને ઘુમાવતા, હંમેશાં જમણી તરફ વાતા પ્રબલ પવન દ્વારા ઘૂમાવી દેવાતું હોવાને કારણે સૂર્યદેવ ડાબી બાજુએ રાખીને ગતિ કરતાં જણાઇ આવે છે. ૮ જે પુરીમાં સૂર્યનારાયણનો ઉદય થાય છે, તેનાથી બીલકુલ બીજી બાજુની પુરીમાં સૂર્ય અસ્ત થતા જાણાશે અને જ્યાં તે લોકોને પરસેવાથી ભીંજાતાં તપાવી રહ્યા હશે. તેનાથી બીલકુલ સામેની પુરીમાં અર્ધી રાત્રી થવાને કારણે તેઓ લોકોને નિદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહ્નના સમયે સૂર્ય સ્પષ્ટ દેખાઇ રહ્યા હશે તે લોકો, સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. ૯
સૂર્યદેવ જ્યારે ઇર્ન્દ્રંઈેવની પુરીથી યમરાજની પુરી તરફ જાય છે, ત્યારે પર્ંંઈર ઘડીમાં તેઓ સવા બે કરોડ અને સાડાબાર લાખ જોજનની ગતિથી થોડી પચીસ હજાર જોજન વધુ ગતિથી ચાલે છે. ૧૦ પછી આ જ ક્રમે તેઓ વરુણ અને ચન્દ્રમાની પુરીઓને પાર કરીને ફરી ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચન્દ્રમા વગેરે બીજા ગ્રહો પણ જ્યોતિશ્ચક્રમાં બીજા નક્ષત્રોની સાથે ઉદિત અને અસ્ત થતા રહે છે. ૧૧ આ પ્રમાણે ભગવાન સૂર્યના વેદમય રથ એક મુહૂર્ત્તમાં ચોત્રીસ લાખ આઠસો જોજનની ગતિના હિસાબે ચાલતો આ રથ ચારે પુરીઓમાં ફર્યા કરે છે. ૧૨ આ સૂર્યના રથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે. તેમાં મહિનાના રૂપમાં બાર આરા છે, ઋતુના રૂપમાં છ નેમીઓ છે, ત્રણ ચોમાસાના રૂપમાં ત્રણ નાભિઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુપર્વતની શિખરપર છે અને બીજો છેડો માનસોત્તર પર્વતપર છે. તેમાં લગાવેલ આ પૈડું ઘાણીના પૈડાંની જેમ ફરતું માનસોત્તરની ઉપર ચક્કર લગાવે છે.૧૩ આ ધરીમાં જેનો મુખ્ય ભાગ જોડાયેલો છે, એવી એક ધરી બીજી પણ છે. તે લંબાઇમાં તેના ચોથા ભાગ જેટલી છે અને ઉપરનો છેડો તૈલયંત્રની ધરીની જેમ ધ્રુવલોકથી જોડાયેલ છે. ૧૪
આ રથમાં બેસવાનું સ્થાન છત્રીસ લાખ જોજન લાંબુ અને નવ લાખ જોજન પહોળુ છે. તેનો તુરીય ભાગ પણ છત્રીસ લાખ જોજન જ લાંબો છે. તેમાં અરુણ નામનો સારથિએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામ વાળા સાત ઘોડાઓ જોડી રાખ્યા છે, તે જ આ રથ પર બેસીને ભગવાન સૂર્યને લઇને ચાલે છે.૧૫ સૂર્યદેવની આગળ તેમની જ સામે મુખ રાખીને બેઠેલ અરુણ તેના સારથિનું કામ કરે છે. ૧૬ સૂર્યની આગળ અંગૂઠાના વેઢા જેવા અને એટલાજ આકારવાળા વાલખિલ્ય, વગેરે સાઠ હજાર ઋષિ સ્વસ્તિવાચન માટે નિયુક્ત કરાયેલ છે. તેઓ સૂર્યની સ્તુતિ કર્યા કરે છે. ૧૭ એના સિવાય ઋષિ, ગન્ધર્વ, અપ્સરા, નાગ, યક્ષ, રાક્ષસ અને દેવતા જે કુલમળીને ચૌદ છે, પરંતુ યુગલરૂપમાં જુદા- જુદા નામવાળા થઇને પોતાના જુદા-જુદા કર્મોથી પ્રત્યેક મહિનામાં અલગ-અલગ નામ ધારણ કરનાર આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની જોડલાં મળીને ઉપાસના કરે છે. ૧૮ આ પ્રમાણે સૂર્યનારાયણ ભૂમંડળના નવ કરોડ એકાવન લાખ જોજન ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં બે હજાર બે જોજનનું અંતર પાર કરી લે છે. ૧૯
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે સૂર્ય રથ મંડલ વર્ણન નામનો એકવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૧)