રાગ - ગરબી
પદ - ૧
તારી મુરતિ લાગે છે મુને પ્યારીરે, શ્રીઘનશ્યામ હરિ,
રૂડી ચાલ જગતથી ન્યારી રે. શ્રીઘનશ્યામ હરિ. ટેક૦
ઊંડી નાભિ છે ગોળ ગંભીર રે. શ્રી૦ રૂડા લાગો છો શ્યામ શરીરે રે.શ્રી.
તારી છાતી ઊપડતી શ્યામ રે. શ્ર૦ છે જો લક્ષ્મી કેરું ધામ રે. શ્રી૦૨
તારા મુખની શોભા જોઈ રે. શ્રી૦ રાખું અંતરમાંહી પ્રોઇ રે. શ્રી૦૩
તારાં નેણાં કમલ પર વારી રે. શ્રી૦ મંજુકેશાનંદ બલીહારી રે. શ્રી૦૪
પદ - ૨
કીનખાપની ડગલી પહેરી રે, સહજાનંદ સ્વામી,
સુરવાલમાં નાડી હીર કેરી રે, સહજાનંદ સ્વામી. ટેક.
માથે મોલીડું નૌતમ ભાળી રે. સ૦ મોટી ભવની વેદના ટાળીરે. સ૦૧
કેડે રેટો કસુંબી શોભે રે. સ૦ જોઈ મનડું મારું લોભે રે. સ૦૨
ખભે ધોતી અતિ રૂપાળી રે. સ૦ હાથે સોટી છે ફુમકાંવાળી રે. સ૦૩
ભવ ડુબતાં ઝાલ્યો મારો હાથ રે. સ૦ મંજુકેશાનંદના નાથ રે. સ૦૪
પદ - ૩
પે’રી નેપુર ચાલતાં ઠમકે રે, શોભે શામળીયો,
કેડે કંદારો ઘુઘરી ઘમકે રે. શોભે શામળીયો. ટેક.
વેઢ વટી છે નંગ જડાવ રે. શો૦ હેમ બાજુ છે ખૂબ બનાવરે. શો૦
પેર્યાં કનક કડાં બેઉં હાથ રે. શો૦ સોના સાંકડાં પેર્યાં છે મારેનાથ રે. શો૦
બેઊ કાનમાં કુંડળ લળકેરે. શો૦ ઊરમોતીડાંની માળા ઝળકે રે. શો૦
પે’રી સાંકળી ને સોનાદામ રે. શો૦ મંજુકેશાનંદના શ્યામ રે. શો૦
પદ - ૪
ખોસ્યા ગુચ્છ ગુલાબી કાન રે, મોહન મન ગમતા;
રૂડા લાગો છો ગુણનિધાન રે. મોહન મન ગમતા. ટેક.
માથે ફુલડાંના તોરા લટકે રે. મો૦ જોઈ ભાલતિલક મન અટકે રે. મો૦
ઓઢી ફુલની પછેડી અંગ રે. મો૦ નીરખી લાજેછે કોટી અનંગ રે. મો૦
ફુલ બાજુને ગજરા પેરી રે. મો૦ શોભે પંક્તિ તે ફુલહાર કેરી રે. મો૦
વા’લો ફુલડે થયા ગરકાવ રે. મો૦ મંજુકેશાનંદના માવ રે. મો૦