પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૮ હોળી, રામનવમી ઉત્સવ લીલા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:17pm

 

દોહા

ગણિયે વળી ગઢપુરથી, જીવ ઉદ્ધારિયા અપાર ।

તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર ।।૧।।

નિત્ય પ્રત્યે નવા નવા, ઉત્સવ થાયે અહોનિશ ।

જોઇ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ ।।૨।।

અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ ।

પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ ।।૩।।

સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નિરખે જન ।

તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન ।।૪।।

 

ચોપાઇ

એમ અનેક રીત્યે મહારાજરે, કર્યાં બહુ બહુ જીવનાં કાજરે

વળી કરવા બહુનાં કલ્યાણરે, શુંશું કરિયું શ્યામ સુજાણરે ।।૫।।

કર્યો હુતાશનિનો સમૈયોરે, તે તો કોઇથી ન જાય કૈ’યોરે ।

મળ્યા સંત હરિભક્ત સહુરે, આવ્યા બીજા પણ જન બહુરે ।।૬।।

પોતે પે’રી અંબર અમૂલરે, શોભે પાઘના પેચમાં ફુલરે ।

હૈયે હાર અપાર ગુલાબીરે, શોભે અતિ સુંદર અજાબીરે ।।૭।।

એવી મૂરતિ મન ભાવનરે, રમે જનને સાથે જીવનરે ।

હાથે લઇ પોતે પીચકારીરે, નાખે રંગ સોરંગનાં વારિરે ।।૮।।

વળી ઉપર નાખે ગુલાલરે, તેણે સખા થાય રંગ લાલરે ।

નાખે સખા તે રંગ સોરંગરે, તેણે રંગાય વાલાનું અંગરે ।।૯।।

લાલ ગુલાલની ભરી ઝોળીરે, નાખે જનપર રમે હોળીરે ।

એવા દીઠા જેણે દ્રગ ભરીરે, તે તો ગયા ભવજળ તરીરે ।।૧૦।।

એવી લીળા કરેછે મહારાજરે, તે તો સહુ જનના સુખ કાજરે ।

કે’શે સુણશે જે સંભારશેરે, તેણે સંસારસિંધુ તરશેરે ।।૧૧।।

એમ સહુ જનને સુખ થાવારે, ચાલ્યા રંગે રમી નાથ નાવારે ।

નાહ્યા નાથ સાથે સખા સહુરે, એહ સમાની શી વાત કહુંરે ।।૧૨।।

શોભે સખા મધ્યે ઘનશ્યામરે, જોયા જેણે તેણે કર્યું કામરે ।

શોભા બહુ પ્રકારની બનીરે, એવી રીતે રમ્યા હુતાશનીરે ।।૧૩।।

પછી આવી રામનૌમી રૂડીરે, સંભારતાં સહુને સુખમુડીરે ।

મળ્યા જન હજારો હજારરે, સતસંગી કુસંગી અપારરે ।।૧૪।।

તે તો સહુને દરશન થયાંરે, દર્શન વિના તો કોય ન રહ્યાંરે ।

જોયા જેણે જેણે નયણે નાથરે, તે તો સર્વે થયા છે સનાથરે ।।૧૫।।

તે તો ભવમાંહી નહિ ભમેરે, એમ શ્યામે ધાર્યું છે આ સમેરે ।

જન જક્તના તારવા કાજરે, એવું પણ લીધું છે મહારાજરે ।।૧૬।।

માટે દરશ સ્પરશ દઇનેરે, બ્રહ્મમો’લે જાવા છે લઇનેરે ।

વળી એકાદશી કપિલા છઠેરે, દીધાં દર્શન પોતે રૂડી પેઠેરે ।।૧૭।।

લાખો લેખે લોકે લીધો લાવરે, નિર્ખિ નયણે મનોહર માવરે ।

એહ દર્શનને પરતાપેરે, જાય અક્ષરધામમાં આપેરે ।।૧૮।।

એમ સોંઘું કીધું છે સહુનેરે, આજ તારવા જન બહુનેરે ।

નથી જોતા નરસા ને સારારે, અક્ષરમાં જાયછે એક ધારારે ।।૧૯।।

કર્યો ચાલતો મોક્ષ મારગરે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગરે ।

આવે અંતકાળે નાથ આપેરે, તેડી જાય છે નિજ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાવિંશઃ પ્રકારઃ ।।૨૮।।