૧. શ્રી પુરુષોત્તમનારાયણનો અવતાર લેવાનો સંકલ્પ અને જન્મ

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 2:55pm

।। श्रीस्वामिनारायणो विजयतेतराम्‌ ।।

श्रीपुरुषो्रूद्गामलीलामृतसुखसागरः

(कच्छ लीला)

 

विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे

दिङ्‌मूढेषु भवाध्वगेषु परितः पीडैकशेषे विधौ ।

कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाद्यामिमां

साक्षादक्षरदिव्यधामनिलयः श्रीस्वामिनारायणः ।।

 

આ પૃથ્વી પરથી જ્યારે વિજ્ઞાન લોપાઇ ગયું, અને જ્યારે અજ્ઞાનરૂપ અંધકાર, દરેક સ્થળે પ્રસરી ગયું, અને સમગ્ર સંસારીજનો દિગ્મૂઢ બની ગયા, અને સર્વત્ર પ્રધાનપણે દુઃખ ભોગવવાની જ ક્રિયાઓ થવા લાગી, તે સમયે સાક્ષાત્‌ અક્ષરધામના નિવાસી, શ્રી સ્વામિનારાયણ ભગવાન દીનજનો પર દયા લાવીને, અક્ષરધામમાંથી અહીં ભરતખંડમાં પ્રગટ થયા અને મોક્ષભાગીજનોને, આત્યંતિક કલ્યાણરૂપ દિવ્ય આનંદને આપનારી દિવ્યશિક્ષા આપેલી છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्यु्रूद्गथानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ।।१।।

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।२।।

ભરતકુલોત્પન્ન હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની શિથિલતા થાય છે, અને જ્યારે અધર્મની વૃધ્ધિ થાય છે, ત્યારે હું પ્રગટ થાઉં છું, અને સંતજનોનું રક્ષણ કરવા માટે, તથા દુર્જનોનો નાશ કરવા માટે, તેમજ ભાગવત ધર્મનું સ્થાપન કરવા સારુ, હું દરેક યુગમાં એટલે સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિ એમ સર્વયુગમાં પ્રગટ થાઉં છું.

 

અધ્યાય – ૧

 

દિવ્ય બ્રહ્મપુરધામના નિવાસી, શ્રી પ્રકટ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદસ્વામી, આ પૃથ્વી પર પ્રકટ થયા ત્યારે, આ ભરતખંડની પરિસ્થિતિ, ઉપર જણાવ્યા શ્લોક મુજબ ઘણી ગમગીન હતી. ચોતરફ અંધાધૂંધી વ્યાપી રહી હતી. લુચ્ચા, લફંગા તેમજ ધાડપાડુઓ, લોકોને ત્રાસ પમાડતા હતા. દુર્જનો ફાવે તેમ વર્તી, જુલ્મ ગુજારતા હતા. અને સત્પુરુષોને અસહ્ય ઘણાં કષ્ટો સહન કરવાં પડતાં હતાં. અને બ્રાહ્મણો તેમજ ગાયો વગેરેને પણ, ઘણુંજ દુઃખ ભોગવવું પડતું હતું. અને પૃથ્વી પર આ સિવાય બીજા પણ ઘણા ઘણા અત્યાચારો થતા હતા. તે કારણથી આ પૃથ્વીમાં ઉચ્છૃંખલ પાખંડી પંથો-અઘોરી, માર્ગી વગેરે શાસ્ત્ર વિરુધ્ધ વર્તણુક કરનારાઓનું બળ વિશેષ વૃધ્ધિ પામ્યું હતું. જેથી આ સમય, શ્રીભગવાનને પૃથ્વીને વિષે પ્રકટ અવશ્ય થવું જ જોઈએ તેવો હતો, એમ ઐતિહાસિક દૃષ્ટિએ સ્પષ્ટ જણાય છે. તેથીજ શ્રી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા.

શ્રી ગોલોકના મધ્યને વિષે, કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સરખું પ્રકાશમાન, દિવ્ય, અત્યંત શ્વેત, સચ્ચિદાનંદરૂપ અક્ષરધામ રહેલું છે. જે બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, બ્રહ્મ, ચિદાકાશ આદિક નામોથી શ્રુતિ સ્મૃતિઓમાં વર્ણવાયેલ છે. તે અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ ભગવાન સદાય બિરાજી રહેલા છે, જેને શ્રુતિ સ્મૃતિઓમાં પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ, પરમાત્મા, બ્રહ્મ,પરબ્રહ્મ, ઈશ્વર, પરમેશ્વર, વિષ્ણુ એવાં એવાં નામથી વર્ણવાયેલા છે, તે શ્રીકૃષ્ણ ભગવાન, ક્ષર-અક્ષર થકી પર છે. સર્વજ્ઞ, સર્વકર્તા, સર્વનિયંતા, સર્વાંતર્યામી, સર્વ કારણના કારણ,નિર્ગુણ, સ્વપ્રકાશ, સ્વતંત્ર અને અનંતકોટી બ્રહ્માંડોના મહારાજાધિરાજ છે. અક્ષરબ્રહ્મરૂપ થયેલા અનંતકોટી મુક્તોને, ઉપાસના કરવા યોગ્ય છે. પ્રકૃતિ પુરુષ, કાળ, અનંત પ્રધાન પુરુષો, મહત્તત્વાદિક શક્તિઓના પ્રેરક છે. અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ લીલાના કર્તા છે. સદા કિશોરમૂર્તિ અને કરોડો કામદેવને પણ મોહ ઉપજાવે એવું, સુંદર રૂપ ધારી રહેલા છે. નવીન મેઘના સમાન શ્યામ વર્ણવાળા છે. અમૂલ્ય દિવ્ય વિવિધ પ્રકારનાં વસ્ત્ર અને અલંકારોને ધારણ કરી રહેલા છે. મધુર સ્વરે વેણુ બજાવી રહેલા છે, પોતાની સખીઓ સહિત રાધિકાજી અને લક્ષ્મીજીથી પૂજાયેલા, તેમજ સુદર્શનાદિક આયુધો તથા નંદ સુનંદ શ્રીદામાદિક, અસંખ્ય પાર્ષદોથી સેવાયેલા, તેમજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અણિમાદિક સિદ્ધિઓથી પણ સેવાયેલા તથા મૂર્તિધારી સામાદિક ચાર વેદોએ સ્તુતિ કરાયેલા છે. વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીશ મૂર્તિઓ તથા વરાહાદિક અવતારના ધારણ કરનારા, ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણે, પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા, તેમજ એકાંતિક ધર્મને પ્રવર્તાવવા માટે અને ધર્મ તથા ભક્તિ તેમજ મરિચ્યાદિક ઋષિઓનું, અસુરાંશોના ઉપદ્રવો થકી રક્ષણ કરવા, તેમજ અનેક જીવોનાં કલ્યાણ કરવા માટે તથા અધર્મનો ઉચ્છેદ કરવા માટે ઉત્તરકોશલ દેશમાં પ્રગટ થવાની ઈચ્છા કરી.

કોઈ એક સમયે મરિચ્યાદિક ઋષિઓ બદરિકાશ્રમમાં શ્રીનરનારાયણ દેવ ભગવાનનાં દર્શન કરવા સારુ ગયા. ત્યાં ઋષિઓની સભામાં ઉદ્ધવજીએ સેવાયેલા શ્રી નરનારાયણ ભગવાન બિરાજી રહેલા હતા. તેમનાં દર્શન કરીને તે મરિચ્યાદિક ઋષિઓ સભામાં બેઠા, ભગવાને તેમને ભરત ખંડનું વૃત્તાંત પૂછ્યું, જેથી તે ઋષિઓએ પોતે જેવું જોયું હતું તેવું સઘળું વૃત્તાંત કહ્યું. તે વખતે મરિચ્યાદિક ઋષિઓને બદરિકાશ્રમમાં આવેલા જાણીને ધર્મ અને મૂર્તિ પણ તેમને મળવા ત્યાં સભામાં આવ્યાં. તેમનો સત્કાર શ્રીનરનારાયણ ભગવાને તથા મરિચ્યાદિક ઋષિઓએ કર્યો અને મૂર્તિ સહિત ધર્મ દર્ભના આસન પર બિરાજ્યા. તે સમયે નારાયણ ભગવાન મરિચ્યાદિક ઋષિઓએ કરેલી ભરતખંડના વૃત્તાંતની વાત ધર્મદેવને કહેવા લાગ્યા. તે વખતે બધા નારાયણ ભગવાનની વાર્તાને સાંભળવામાં તલ્લીન થયેલા હતા. તે સમયે ભગવાનની પ્રેરણાથી દુર્વાસા મુનિ કૈલાસથી શ્રી નારાયણ ભગવાનનાં દર્શનાર્થે આવ્યા. બધા, વાર્તા સાંભળવામાં તલ્લીન થયેલા હોવાથી તે દુર્વાસા મુનિનું કોઇથી પણ સન્માન કરી ન શકાયું. તે કારણે દુર્વાસા મુનિ કોપાયમાન થયા. અને તેમણે ધર્માદિક સર્વેને શાપ આપ્યો જે, મારુ અપમાન કરનારા તમો સર્વે ભરતખંડમાં મનુષ્ય જન્મને પામો અને ત્યાં અસુરોથી ઉપદ્રવોને પામો. એ શાપને સાંભળીને ધર્મદેવાદિકોએ ઘણી પ્રકારનાં વિનય યુક્ત વચનોથી દુર્વાસા મુનિને વિનવ્યા અને શાંતિ પમાડ્યા, ત્યારે દુર્વાસા મુનિ બોલ્યા જે, તમો સર્વે શ્રી નરનારાયણ ભગવાનની વાર્તા સાંભળવામાં તલ્લીન થયેલા હતા, જેથી મને ન દેખવાથી તમો મારું સન્માન ન કરી શક્યા એ વાતની મને ખબર ન હતી જેથી મેં તમોને આ શાપ દીધો છે. તે શાપ મિથ્યા તો નહીં કરું પણ તમારા ઉપર અનુગ્રહ કરું છું. એમ કહીને દુર્વાસા મુનિએ ધર્મદેવાદિકને કહ્યું કે, હે ધર્મદેવ ! તમો તમારાં પત્ની સહિત, બ્રાહ્મણકુળમાં મનુષ્ય શરીરને પામશો અને આ શ્રીનરનારાયણ ભગવાન તમારા પુત્ર થશે. તે તમોને તેમજ ઉદ્ધવજીને તથા આ મરિચ્યાદિક ઋષિઓની અસુરોના કષ્ટ થકી રક્ષા કરીને તેમને મારા શાપ થકી મૂકાવશે, આવો હું તમો સર્વ પર અનુગ્રહ કરું છું. એમ કહીને દુર્વાસા મુનિ પાછા કૈલાસમાં ચાલ્યા ગયા.

આ શાપને સાંભળીને ધર્મદેવ અને તેમનાં પત્ની મૂર્તિ, તથા ઉદ્ધવજી અને મરિચ્યાદિક ઋષિઓ જ્યારે ખેદ પામવા લાગ્યા, ત્યારે શ્રી નારાયણ ભગવાને ધર્માદિક સર્વેને કહ્યું જે, અપરાધ વિનાના દુર્વાસાના શાપને હું ટાળવા સમર્થ છું. પરંતુ હાલમાં ભરતખંડમાં કળિબળને પામીને અધર્મ તેમજ અસુરો બહુ વૃધ્ધિ પામેલા છે. તેનો નાશ કરવા માટે મારે પ્રકટ થવું છે તેથી જ મારી ઇચ્છાએ કરીને આ શાપ થયો છે. હું પણ સભામાં જ હતો, જેથી મેં પણ તે શાપને અંગીકાર કર્યો છે. માટે હે ધર્મ ! હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રકટ થઇને તે અસુરોનો અને અધર્મનો નાશ કરીશ. અને તમારી સર્વની રક્ષા કરીશ. તેમજ પૃથ્વીમાં એકાંતિક ધર્મ પણ પ્રવર્તાવીશ. માટે તમો નિશ્ચિંત રહો, અને પૃથ્વીમાં મનુષ્યદેહને ધરો. ભગવાનનાં આવાં વચનો સાંભળીને ધર્માદિક સર્વે શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરીને મનુષ્ય દેહ ધરવા માટે પૃથ્વી પર ગયા.

આ ભરતખંડમાં ઉત્તરકોશલ દેશમાં રૈકહટ નામે પુરમાં સરવરીઆ સામવેદી બાલશર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રહ્માના અંશાવતાર હતા. તેમનાં પત્ની ભાગ્યવતી નામે હતાં. ધર્મદેવ તેમને ત્યાં સંવત્‌ ૧૭૯૬ના કાર્તિક સુદી ૧૧ ને દિવસે પ્રકટ થયા. બાલશર્માએ પુત્રના જાતકર્માદિક સંસ્કાર કરીને પુત્રનું દેવશર્મા એવું નામ ધારણ કર્યું. તે જ દેશમાં છપૈયા નામના પુરમાં ત્રવાડી કૃષ્ણશર્મા રહેતા હતા. તેમનાં પત્ની ભવાની નામે હતાં. શ્રીમૂર્તિ તેમને ત્યાં સંવત્‌ ૧૭૯૮ના કાર્તિક સુદી ૧૫ના રોજ સાંજના સમયે પ્રકટ થયાં. તેઓ નાનપણથી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ અતિશય કરતાં હોવાથી તેમનું ‘ભક્તિ’ એવું નામ ધારણ કરવામાં આવ્યું.

સમય જતાં દેવશર્મા અને ભક્તિના વિવાહ કરવામાં આવ્યા. ત્યારપછી ભક્તિદેવીના પિતા શ્રીકૃષ્ણશર્માએ પોતાના જમાઇ દેવશર્માને પોતાને ઘેર છપૈયામાં રાખ્યા. દેવશર્માને ધર્મમાં અતિશય દૃઢપણે વર્તતા જોઇ સર્વ મનુષ્યો તેમને ‘ધર્મદેવ’ એવા નામે બોલાવવા લાગ્યાં. ગૃહસ્થાશ્રમી થયેલાં આ દંપતીને અસુરજનો ઘણો જ ત્રાસ આપવા લાગ્યા. તેથી ધર્મદેવ પોતાનાં પત્ની સહિત અયોધ્યા ગયા. ત્યાં પણ ત્રાસ થવાથી પછી કાશી ગયાં, ત્યાં થોડા દિવસો રહ્યાં પણ ત્યાં વળી અસુરોનો ઉપદ્રવ થવા લાગ્યો, જેથી કાશીથી તેઓ પ્રયાગરાજ ગયાં, ત્યાં તેમને ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી મળ્યા. તેમના થકી તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. ત્યાંથી તેઓ પાછાં છપૈયા આવ્યાં. ત્યાં તેમના ઘણા શિષ્યો થયા અને અન્નવસ્ત્રો આપવા લાગ્યા, જેથી ધર્મદેવ સમૃધ્ધિવાળા થયા. અસુરજનોને ઇર્ષ્યા આવવાથી ફરીથી તેમને ઉપદ્રવ કરવા લાગ્યા. ધર્મ અને ભક્તિ બન્નેએ ઉપદ્રવોને સહન કર્યા. છેવટે અધીર થઇને ભક્તિદેવીએ ઉપદ્રવ ટળી જાય તેવો ઉપાય કરવાની ધર્મદેવને વિનંતિ કરી, જેથી ધર્મદેવે પોતાનાં પત્ની સહિત અયોધ્યા ગયા. ત્યાં ધર્મદેવે હનુમાન ગઢીમાં જઇને હનુમાનજીની આરાધના કરી. હનુમાનજીએ પ્રસન્ન થઇને કહ્યું કે, ‘તમો વૃંદાવનમાં જાઓ. ત્યાં તમારો ઉપદ્રવ ટળી જશે,’ તેથી તે બન્ને વૃંદાવન ગયાં. ત્યાં પૂર્વના મરિચ્યાદિક ઋષિઓ તેમને મળ્યા. પરસ્પર ઓળખાણ થઇ. ધર્મદેવ હનુમાનજીએ કહેલ વચનો કહ્યાં, તેથી તે બધા ભેળા થઇને વિષ્ણુયાગ કરવા લાગ્યા. વિષ્ણુયાગને અંતે તે સર્વની પ્રેમલક્ષણા શુધ્ધ ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. અને જેવા અક્ષરધામમાં છે તેવાંજ સ્વરૂપે દર્શન આપ્યાં. ધર્માદિક સર્વેએ ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા ભગવાન ધર્માદિક પ્રત્યે બોલ્યા, ‘‘તમોને દુઃખ આપનાર અસુરોને મેં પૂર્વે કૃષ્ણાવતારમાં માર્યા હતા, તે કારણથી તેઓ તમોને મારાં જાણીને પીડે છે. પરંતુ હવે હું તે અસુરોનો નાશ કરવા હે ધર્મદેવ ! તમારા થકી નરનારાયણદેવ રૂપે પ્રગટ થઇશ અને હરિકૃષ્ણ એવા નામથી પ્રસિધ્ધ થઇશ અને તમારી સહુની રક્ષા કરીશ. તથા અધર્મ સર્ગનો વિનાશ કરીશ. તેમજ એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ અને તમો સહુને દુર્વાસાના શાપથી મૂકાવીશ. આટલું બોલી શ્રીકૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઇ ગયા.

ત્યાર પછી ધર્માદિક સર્વે અતિશય આનંદ પામી પોતપોતાને સ્થાને ગયા. ધર્મ અને ભક્તિ પોતાના ગામ છપૈયા આવતાં હતાં ત્યારે માર્ગમાં અશ્વત્થામા મલ્યો. તેણે હકીકત પૂછવાથી ધર્મે સત્ય વાત કહી. તે સાંભળી કોપાવિષ્ટ થઇને, શાપ આપ્યો જે, તમારે ત્યાં શ્રીકૃષ્ણ પ્રગટ થશે, તેને હું શાપ આપું છું કે, ‘એ હથિયાર ધારણ ન કરો,’ અને શસ્ત્ર વગર કોઇપણ પોતાના શત્રુને મારી શકાતો નથી. એમ કહી અશ્વત્થામા ચાલ્યો ગયો. શાપનું વચન સાંભળી ધર્મ અને ભક્તિ ખેદ પામ્યાં. તે વખતે તુરત હનુમાનજીએ દર્શન દીધાં, અને આશ્વાસન આપ્યું. તેમજ માર્ગ પણ બતાવ્યો. પછીથી હનુમાનજી અદૃશ્ય થઇ ગયા. ત્યાર પછી ધર્મ અને ભક્તિ, પોતાને ગામ છપૈયા આવ્યાં. પછીથી નર અને નારાયણ છે નામ અને રૂપ તે જેમનાં, એવા ભગવાન તે એક મૂર્તિરૂપે થઇને ધર્મદેવના હૃદયકમલમાં વિરાજીત થયા. કેટલાક માસ પછી, ધર્મદેવ છે નામ જેમનું એવા હરિપ્રસાદજી થકી શ્રીભક્તિ દેવીને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન સંવત્‌ ૧૮૩૭ની સાલે ચૈત્ર સુદ નવમીની રાત્રી દશ ઘડી ગઇ ત્યારે પ્રગટ થયા. તે સમયે બ્રહ્માદિક ઇશ્વરોએ તેમજ ઇન્દ્રાદિક દેવતાઓએ તથા ગંધર્વો તેમજ અપ્સરાઓએ આવીને સ્તુતિ, નૃત્ય, ગીત, વાજિંત્ર, ચંદનપુષ્પની વૃષ્ટિ વિગેરેથી શ્રીહરિનો સત્કાર કર્યો. ત્યાર પછી હરિપ્રસાદજીએ પોતાના પુત્રનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જાત કર્મ કરાવ્યું. અને તે નિમિત્તે બ્રાહ્મણોને વિવિધ દાન આપ્યાં. જન્મના દિવસથી છઠ્ઠે જ દિવસે કાલિદત્ત નામના અસુરાધિપે પ્રેરેલા કોટરાદિક બાલગ્રહો બાલસ્વરૂપ ભગવાનને મારવા સારુ આવ્યા. તેમને શ્રી બાલસ્વરૂપ ભગવાને પોતાની દૃષ્ટિ માત્રથી નસાડી દીધા. ત્યાર પછી સવા ત્રણ માસ જેટલો સમય જતાં, બ્રાહ્મણને વેષે શ્રીમાર્કંડેય ઋષિ ધર્મદેવને ઘેર આવ્યા. ધર્મદેવે તેમનું ઘણું જ સન્માન કર્યું. વળી તે મુનિ જ્યોતિઃ શાસ્ત્રના ભણેલા હોવાથી, તેમને પોતાના પુત્રનું નામકરણ કરવા વિનંતી કરી. આ સાંભળી માર્કંડેય મુનિ ઘણાજ પ્રસન્ન થયા અને કહ્યું જે, ‘હે હરિપ્રસાદજી! તમારા આ પુત્રનો જન્મ કર્કરાશિને વિષે થયો છે. તે તમારી તથા જે જનો તેમના આશ્રિત થશે તે સર્વની આપદાઓને હરી લેશે, માટે એમનું નામ ‘હરિ’ થશે. વળી તમારા પુત્રનો જન્મ ચૈત્ર માસમાં થયો છે. તથા તેમના શરીરનો કૃષ્ણવર્ણ હોવાથી તેમજ પોતાના આશ્રિત સર્વજનોના અંતઃકરણને પોતાની મૂર્તિને વિષે આકર્ષી લેશે, તે કારણે બીજું ‘કૃષ્ણ’ એવું નામ કહેવાશે. અને આ બન્ને નામો જુદાં છે, છતાં પણ બન્ને ભેળાં મળીને ‘હરિકૃષ્ણ’ એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ એવા પાંચ ગુણોથી શિવજીના સમાન થશે. માટે આ તમારા પુત્ર ‘‘નીલકંઠ’’ એવા નામથી પ્રસિધ્ધ થશે. અને આ તમારા પુત્રના હસ્તને વિષે પદ્મનું ચિહ્ન છે. તથા બે ચરણો પૈકી જમણા ચરણમાં જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા, કમલ, ધ્વજ, અંકુશ, અષ્ટકોણ, સ્વસ્તિક એ નવ ચિહ્નો બિરાજી રહેલાં છે. તેમજ અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ્ય, કલશ, ત્રિકોણ અને મીન આ સાત ચિહ્નો ડાબા ચરણમાં બિરાજી રહેલાં છે માટે આ તમારા પુત્ર સાક્ષાત્‌ પૂર્ણપુરુષોત્તમ નારાયણ છે. અને તેઓશ્રી લક્ષાવધિ મનુષ્યોના નિયંતા થશે. અને તમારું સર્વ પ્રકારનાં કષ્ટો થકી રક્ષણ કરશે. આ પ્રમાણે કહીને તે મુનિએ બીજા પણ ઘણાક ગુણોનું વર્ણન કર્યું. તે સાંભળીને ધર્મ અને ભક્તિ ઘણાંજ પ્રસન્ન થયાં અને તે માર્કંડેય મુનિને દક્ષિણા દાનથી સત્કાર કરીને બહુજ પ્રસન્ન કર્યા, ત્યાર પછી તે મુનિ ત્યાંથી યાત્રા નિમિત્તે પ્રયાગરાજ વિગેરે તીર્થોમાં ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખ સાગર મધ્યે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો, અને માર્કંડેય મુનિએ નામકરણ સંસ્કાર કર્યો, એ નામે પ્રથમો અધ્યાય. ૧