૨. બાળચરિત્રો આંબલીનો ખાંપો વાગ્યો, ગાયો દોહરાવવી, રિસાયા, ચિભડાં નિંદવાં, રામપ્રતાપભાઈ સાથે હિન્દીપુરમાં ગયા અને ભાઈને મદદ કરી, મલ્લનો હાથ ભાંગ્યો.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 3:10pm

અધ્યાય-૨

પછીથી તે ઘનશ્યામ મહારાજ પોતાની બાળલીલાએ કરીને માતા-પિતા તથા સંબંધીજનોને બહુ આનંદ ઉપજાવતા થકા, બાલચંદ્રની પેઠે વૃધ્ધિ પામવા લાગ્યા. પછીથી પાંચમા માસે હરિપ્રસાદજીએ પોતાના પુત્રને પૃથ્વી પર બેસાડવાની સાતમે માસે કાન વિંધાવવાની અને અન્નપ્રાશન કરવાની ક્રિયાઓ યથાશાસ્ત્ર કરી. ત્યારબાદ ત્રીજે વર્ષે ચૌલ સંસ્કાર (ગર્ભના કેશ ઉતારવાનો વિધિ) કર્યો. તે દિવસે માયાવી કાલિદત્ત નામનો અસુર ઘનશ્યામ મહારાજને મારવા સારુ આવ્યો, તેને શ્રી ઘનશ્યામ મહારાજે દૃષ્ટિમાત્રથી મોહ પમાડતાં તે વૃક્ષોમાં અથડાઈને મરણ પામ્યો. પછીથી શ્રી ઘનશ્યામ મહારાજ ચાલતાં શીખ્યા તે ઘરમાં ઉંબરા પર ચડવા જાય ત્યારે પડી જાય ને ગોઠીલાં ખાય અને વળી પાછા ઊઠીને ઘરની અંદર આવે ત્યારે માતાને કહે જે હે માતુશ્રી ! મને ક્ષુધા લાગી છે તે જમવા સારું દહીં, રોટલીને ભાત લાવો, ત્યારે માતાજી તત્કાળ ઊઠીને જેજે માગે તેને આપતાં. પોતે જમી લે ત્યારે કહેતા જે, હે માતુશ્રી ! હવે મને નિદ્રા આવે છે. ત્યારે માતાજી દૂધનાં ફીણ જેવી શ્વેત અને સુંદર શય્યા પર પોઢાડી મૂકે. અને સુંદર ધોયેલો શ્વેત ખેસ ઓઢાડે. પછીથી ઘરનું કામકાજ કરવા જાય ત્યારે શ્રીઘનશ્યામ મહારાજ ઓઢાડેલા વસ્ત્રને લાલ કમળ સરખાં પોતાનાં ચરણારવિંદે કરીને ઉતારી નાખે, ત્યારે માખીઓ તથા મચ્છર ઉપર આવીને બેસે, ત્યારે માતાજી આવીને જુએ અને પોતે ઓઢાડેલા વસ્ત્રને દૂર પડેલું જોઇને મનમાં વિચાર કરે જે, મારા પુત્રને માખીઓ અને મચ્છર કરડતાં હશે માટે ઓઢાડું, એમ વિચારીને ફરીથી વસ્ત્રને ઓઢાડે, અને ઘરનું કામકાજ કરે. કામકાજ કરતાં પણ તેમની વૃત્તિ ઘનશ્યામ મહારાજમાં જ હોવાથી ક્ષણે ક્ષણે જોવાને આવે. તેથી ઘરનાં કામકાજ કરવાની પણ સૂઝ ન પડે. આમ રમાડતાં જમાડતાં થોડાક સમયમાં મોટા થયા. પછી તો ગામમાં અને ગામથી બહાર પોતાની ઉંમરનાં બાળકોને ભેળા લઇને નાના પ્રકારની રમતો રમે, ક્યારેક સ્નાન કરવા જાય, ક્યારેક ઝાડ ઉપર ચડે. એવી રીતે નાના પ્રકારની રમત કરે. નિત્ય દિવસ ઊગે ત્યારે ગામનાં બાળકો ધર્મદેવને ઘેર આવે અને પૂછે કે, ઘનશ્યામભાઇ ક્યાં છે ? ત્યારે ધર્મદેવ કહે જે, એતો પોઢ્યા છે, બેસો હું જગાડું, પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજની પાસે આવીને જગાડે જે, હે ઘનશ્યામ ! તમો ઊઠો. આ તમારા બાળ મિત્રો તમોને બોલાવવા આવ્યા છે. પછી ઘનશ્યામ મહારાજ ઊઠે. અને પોતાને મનગમતાં વસ્ત્રો ધારણ કરીને રમવા જવા તૈયાર થાય ત્યારે ભક્તિમાતા દહીંમાં સાકર નાખીને વાટકો ભરીને ઘનશ્યામ મહારાજ પાસે લાવે, અને કહે જે, આ દહીં જમતા જાઓ. પછી સમય પર જમવા નહિ આવો. અને રમતાં રમતાં ભૂખ્યા થશો. ત્યારે ઘનશ્યામ કહે જે, ભૂખ તો નથી પણ તમો લાવ્યાં છો તો લાવો પીઉં. આમ કહી દહીંનું પાન કરીને રમવા જાય. નિત્યે આવી રીતે લીલા કરી માતા-પિતાને અને બાળમિત્રોને આનંદ પમાડતા.

એક દિવસ છપૈયાથી ઉત્તરાદિ બાજુ ચાર ખેતર છેટે, ઇસના નામના ગામની પાસે એક તલાવ છે. તેનું જલ સ્વચ્છ અને બારે માસ ભર્યું રહે છે. તેમાં જલક્રીડા કરવા ગયા. પછીથી તેના પર રહેલા આંબલીના વૃક્ષ પર ચડીને વાનર જાતિના શબ્દને કરવા, કિલકિલાટ કરવા, હૂકાહૂક કરવું ને ગોઠીલાં ખાવાં વિગેરે બાળલીલાને કરતા થકા, રમવા લાગ્યા. તે ક્રીડાને જોવા માટે દેવો પોતાનાં વિમાનમાં બેસીને આવ્યા. અંતરિક્ષમાં રહીને ઘનશ્યામ મહારાજની બાળલીલાને જોઇને પરસ્પર કહેવા લાગ્યા જે, આ છપૈયાની ભૂમિને ધન્ય છે, અને છપૈયાનિવાસી જનોને, તેમજ ગાયો, પશુ-પક્ષીઓ તેમજ વૃક્ષવેલીઓને પણ ધન્ય છે કે, જ્યાં અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરીને વિચરે છે, અને નાના પ્રકારનાં બાલચરિત્રોને કરે છે અને તે ભગવાનની સાથે રમવું જમવું, ને નાના પ્રકારની રમતો રમવી એવા યોગને પામ્યા એવા, આ બાળકોનાં આગળના જન્મનાં કેવાં સુકૃત હશે, કે જેથી આવા મંગલ જોગને પામ્યા છે. આ પ્રમાણે કહીને તે દેવો દુંદુભિ આદિક વાજિંત્રોને વગાડીને જયજયકારના શબ્દો કરવા લાગ્યા. તેમજ ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. આ જોઇને ઘનશ્યામ મહારાજની સાથે રમવા આવેલાં બાળકો અતિ આશ્ચર્ય પામી ગયાં અને દેવતાઓ પોતાના લોક પ્રત્યે ગયા. ત્યાર પછી શ્રીઘનશ્યામ મહારાજે આંબલી પર ચડ્યા, ઘણી રમત કરી અને પછી ઉતાવળથી ઉતરવા જતાં તેમણે સાથળમાં આંબલીનો ખાંપો લાગ્યો ને રુધિર નીસર્યું. તેને જોઇને આ બાળકોમાંથી એક છોકરો ગામમાં ગયો અને ધર્મ-ભક્તિને કહેવા લાગ્યો જે, ‘તમારા પુત્રને સાથળમાં આંબલીનો ખાંપો વાગ્યો છે ને લોહી નીસર્યું છે,’ આ વાત સાંભળીને ધર્મ તથા ભક્તિ બન્નેને મૂર્છા આવી ગઇ, અને પૃથ્વી પર પડી ગયાં. શરીરની વિસ્મૃતિ થઇ ગઇ. ત્યારે રામપ્રતાપભાઇ આવીને ધર્મદેવ તથા ભક્તિદેવીને, આશ્વાસન આપતા થકા કહેવા લાગ્યા જે, હે માતાપિતા ! તમો કંઇ પણ ચિંતા ન કરશો, કારણ કે, ઘનશ્યામભાઇને આગળ ઘણાં વિઘ્નો આવ્યાં હતાં તો પણ, તેથી ઘનશ્યામભાઇને કંઇ પણ પરાભવ થયો નથી. તો આમાં પણ કંઇ નહિ થાય, હું હમણાં જ જાઉં છું અને તુરંત તેમને તેડીને અહીં લાવું છું. એમ કહીને રામપ્રતાપભાઇ ત્યાં ગયા, અને જોયું તો સાથળમાં ખાંપો લાગેલો હતો અને તેથી રુધિર પણ નીસર્યું હતું. તેને જોઇને રામપ્રતાપભાઇએ કહ્યું જે, આ શું કર્યું ? પોતાના શરીરની પણ ખબર રાખતા નથી ? ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, ખબર તો ઘણી રાખીએ છીએ તો પણ આ ખાંપો વાગ્યો. કારણ કે, આ દેહ ક્ષણભંગુર છે. તે વાગે પણ ખરું અને ક્યારેક હાથ પણ ભાંગી જાય, એમ બોલ્યા. પછી રામપ્રતાપભાઇ ઘનશ્યામને ઘેર તેડી લાવ્યા. તે ઘનશ્યામ મહારાજનો સાદ સાંભળીને ધર્મ અને ભક્તિ સામાં આવ્યાં. અને તેડીને છાતીમાં ભીડીને તથા મસ્તકને સૂંઘીને હર્ષ પામ્યાં, અને ઘનશ્યામજીને મનગમતાં ભોજન જમાડ્યાં, ત્યારે જ ધર્મ અને ભક્તિ સુખ અને શાંતિ પામ્યાં.

મંદિરની સામે પૂર્વ દિશામાં નારાયણસર એવા નામે તળાવ છે. તેમાં પાણી અખંડ રહે છે. તે સ્થળે આખા ગામનાં ઢોર રહેતાં હતાં અને ધર્મદેવનાં પણ ગાયો આદિક ઢોર રહેતાં હતાં. સહુ ત્યાંજ પોતપોતાનાં ઢોરાંને દોવરાવે. એક દિવસ ભક્તિમાતાએ ઘનશ્યામજીને કહ્યું જે, હે ઘનશ્યામ ! તમે આપણી ગાયોને દોવરાવી આવશોને ? ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, હું દોવરાવી આવીશ. પછી ઘનશ્યામ મહારાજ નિત્યે ગાયો દોવરાવવા જાય અને ત્યાં પોતાને ભાવે તેટલું દૂધ પીવે. પછીથી સરોવરમાંથી પાણી નાખીને દૂધનાં પાત્ર પૂરાં ભરીને લેવડાવી આવે. આવી રીતે ઘણાક દિવસ કર્યું. એક દિવસ તેમ કરતાં કોઇએ દેખ્યા. તેમણે આવીને ભક્તિમાતાને કહ્યું જે, તમારા ઘનશ્યામજી તો જેટલું ભાવે તેટલું દૂધ પીવે, અને પછી સરોવરના પાણીથી પૂરું કરીને લાવે છે. તે મેં આજે નજરે દીઠા છે. ત્યારે ભક્તિમાતા ઘનશ્યામજીને કહેવા લાગ્યાં જે, હે ઘનશ્યામ ! તમે દૂધ તો પીવો છો, પણ પાછું સરોવરમાંથી પાણી નાખીને પૂરું કરીને લાવો છો. આ તમારી બધી વાતો અમોને મનુષ્યો કહી જાય છે. માટે એમ ન કરવું, ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, એ સર્વ જૂઠું બોલે છે, ને તમોને કહેનારા પણ જૂઠા છે, એમ કહીને ઘનશ્યામ મહારાજ રિસાયા ને ભૂતીયા કૂવામાં જઇને તેની બખોલમાં સંતાઇને બેસી ગયા. પછી ધર્મદેવ અને રામપ્રતાપભાઇ જમવા આવ્યા ત્યારે ભક્તિદેવીને પૂછવા લાગ્યા જે, આજે ઘનશ્યામજી નથી દેખાતા તે ક્યાં ગયા છે ? ત્યારે ભક્તિ દેવી કહેવા લાગ્યાં જે, ઘનશ્યામ તો ગામમાં રમવા ગયા છે તે તેડી લાવો, ત્યારે રામપ્રતાપભાઇયે ગામમાં જોયા પણ મલ્યા નહીં. પછી રમવાનાં જે જે સ્થળો હતાં તે પણ જોયાં અને ગામનાં બાળકોને પણ પૂછ્યું જે, ઘનશ્યામને તમે દીઠા ? ત્યારે છોકરાઓ કહેવા લાગ્યા જે, આજે તો અમોએ ઘનશ્યામજીને ક્યાંય પણ દીઠા નથી. પછી રામપ્રતાપભાઇએ ઘેર આવીને કહ્યું જે, ઘનશ્યામ તો ક્યાંય પણ મલ્યા નહીં. તે સાંભળીને સહુ ઉદાસ થઇ ગયાં. ત્યારે અમરબાઇએ આવીને કહ્યું જે, તમારા ઘનશ્યામ તો ભૂતિયા કૂવાની બખોલમાં બેઠા છે. આ સાંભળીને રામપ્રતાપભાઇ તરત ત્યાં ગયા, અને કૂવા પાસે ઊભા રહીને બોલ્યા જે, હે ઘનશ્યામ ! હે ઘનશ્યામ ! ભાઇનો સાદ સાંભળીને ઘનશ્યામજી તરત જ કૂવામાંથી બોલ્યા જે, હે ભાઇ ! અમો તો અહીં બખોલમાં બેઠા છીએ. ત્યારે રામપ્રતાપભાઇએ કહ્યું જે, હે ભાઇ ! ઘેર ચાલો. અને જમવાનો સમય વીતિ ગયો છે. તમને ગામમાં તથા ગામ બહાર દરેક સ્થળે જોયા અને નાનાં મોટાં સર્વ બાળકોને પૂછ્યું, તો સહુએ કહ્યું જે, આજ તો અમોએ ઘનશ્યામને ક્યાંય જોયા નથી અને હું પણ તમોને ખોળતાં ખોળતાં થાકી ગયો. અને તમે જમ્યા વિના રહ્યા અને અમો પણ સર્વે જમ્યા વિના રહ્યા. માટે તમો હવે બહાર નીસરો અને ઘેર ચાલો. પછી ઘનશ્યામજી બહાર નીસર્યા એટલે રામપ્રતાપભાઇએ તેડી લીધા અને છાતી સરસા દાબ્યા. પછી ઘનશ્યામજી ભાઇનો હાથ ઝાલીને માર્ગે ચાલ્યા. ત્યારે રામપ્રતાપજીએ પૂછ્યું જે, તમે આજે કૂવામાં સંતાઇ રહ્યા હતા ? ત્યારે ઘનશ્યામજી બોલ્યા જે, આજે અમને આપણાં માતાજી બહુ વઢ્યાં અને એમ કહ્યું જે, તમે દૂધ પી જાઓ છો અને માંહી પાણી નાખીને લાવો છો. આવું કામ કેમ કરો છો ? આવી રીતે મારા ઉપર મિથ્યા અપવાદ નાખ્યો. તે માતાજીનો કંઇ વાંક નથી, પણ તેમને કોઇકે કહ્યું હશે. તે સાંભળીને તેમણે મને એમ કહ્યું, એટલે હું રિસાઇને અહીં આવીને સંતાઇ ગયો હતો. ત્યારે રામપ્રતાપભાઇએ કહ્યું જે, હવે હું માતાજીને કહીશ એટલે તે તમને કોઇ દિવસ નહીં વઢે. પછી ઘેર આવ્યા ત્યારે ધર્મદેવ તત્કાળ ઊઠ્યા અને ઘનશ્યામજીને તેડી લઇ છાતી સરસા દાબ્યા અને ઘનશ્યામજીનું મસ્તક સૂંઘ્યું, પછી સુખશાંતિને પામ્યા ને પોતાના પુત્રોની સાથે બેસીને જમ્યા.

છપૈયાથી પૂર્વ દિશામાં બે ખેતરવા છેટે એક આંબો હતો, તેની કેરી પાકા દોઢ શેરની હતી અને તેનો રસ દહીંના જેવો ઘાટો અને સુગંધીદાર હતો, જેથી તે આંબાનું નામ દહીંયો આંબો હતું. તે આંબા ઉપર ચડીને વાંદરાની પેઠે પોતે ઠેકડા મારે અને બીજા છોકરા પણ ઠેકડા મારે અને જમવાના સમયે પણ જમવા ન આવે, ત્યારે રામપ્રતાપભાઇ ત્યાં જાય અને ઘનશ્યામજીને તેડી લાવે. અને પછી સાથે બેસીને જમે. આ પ્રમાણે હમેશાં ઘનશ્યામ મહારાજ નાના પ્રકારની લીલાઓ કરીને પોતાનાં માતાપિતા તથા મોટાભાઇ તથા પોતાના બાળમિત્રોને આનંદ પમાડતા. એક દિવસે રામપ્રતાપભાઇએ કહ્યું જે, આપણા ખેતરમાં ચીભડાં વાવ્યાં છે. તેમાં ખડ બહુ ઊગ્યું છે. તે તમો ચાલો આપણે બન્ને નીંદવા જઇએ. ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, ચાલો ભાઇ ! અમો આવીએ છીએ. પછી બન્ને ભાઇ ભેળા થઇને ગયા અને નીંદવા બેઠા. ત્યારે રામપ્રતાપભાઇ ખડ કાઢે, ને ચીભડાંના વેલા રેવા દે, ને ઘનશ્યામ ખડ કાઢે ને ચીભડાંના વેલાનાં મૂળીયાં કાપીને એમને એમ રહેવા દે. પછી બે ઘડી કેડે ભાઇએ જોયું ત્યારે જેટલામાં ઘનશ્યામજીએ નીંદ્યું હતું તેટલામાં સર્વ વેલા સુકાવા લાગ્યા, ત્યારે રામપ્રતાપભાઇએ કહ્યું જે, ભાઇ ઘનશ્યામ ! આ શું કરો છો ? આ વેલા સર્વ સુકાઇ જાય છે. ત્યારે ઘનશ્યામજી બોલ્યા જે, અમને તો એવું આવડે છે. ત્યારે રામપ્રતાપજીએ મનમાં વઢવાનો વિચાર કર્યો પણ પછી ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામું જોયું ત્યારે તેમની મનોહર મૂર્તિને જોઇને રીસ સર્વ સમાઇ ગઇ ને કંઇ પણ બોલ્યા નહિં. પછી ઘેર આવ્યા અને ભેળા બેસીને નાના પ્રકારનાં ભોજન જમ્યા.

એક સમયે રામપ્રતાપભાઇ હિન્દીપુરમાં તે રાજાના સૈન્યના સેનાધિપતિ થઇને રહ્યા હતા. તેમના સમાચાર ન આવતાં ધર્મદેવ તથા ઘનશ્યામજી છપૈયાથી દક્ષિણ દિશામાં ૫૦૦ ગાઉ જેટલે છેટે ચાલીને ગયા. હિન્દીપુરના રાજાને મલ્યા.

રામપ્રતાપભાઇના સમાચાર પૂછ્યા, ત્યારે રાજાએ કહ્યું જે, અહીંથી દૂર જમીન માટે અમારે અને સામા રાજાની વચ્ચે લડાઇ થવાની છે તેથી તેઓ ત્યાં ગયા છે. તમો અહીં રહો. ત્યારે ધર્મદેવે કહ્યું જે, અમો ત્યાં મળવા માટે જઇશું. ત્યારે રાજાએ બેસવા માટે વાહન કરી આપ્યું, તેમાં બેસીને જ્યાં લશ્કરનો પડાવ હતો ત્યાં ગયા, અને રામપ્રતાપભાઇને મલ્યા, અને સાથે રહ્યા. પછીથી લશ્કર ભેળું થઇને ગામ લૂંટવા ગયું ત્યારે રામપ્રતાપભાઇ તથા ઘનશ્યામ મહારાજ પણ ભેળા ગયા. બીજાં મનુષ્યો તો માલ મિલ્કત લઇ આવ્યા, અને ઘનશ્યામજી તો દહીંનું ભરેલું એક પાત્ર લાવ્યા. પછી સર્વ સૈનિકો મુકામ પર આવ્યા અને રામપ્રતાપજી તથા ઘનશ્યામજી પણ મુકામ પર આવ્યા, પછી રામપ્રતાપજીએ ઘનશ્યામજીને પૂછ્યું જે, તમો શું લાવ્યા છો ? ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, અમે તો દહીં લાવ્યા છીએ, ત્યારે રામપ્રતાપજી બોલ્યા જે, બીજા માણસો તો માલ મિલ્કત બહુ લાવ્યા ને તમો તો દહીં લાવ્યા તે એમાં શું લાવ્યા ? ત્યારે ઘનશ્યામ મહારાજે કહ્યું જે, જેની જેવી રુચિ હશે, તે તેવું લાવ્યા હશે. અને અમારે પણ જેવો ભાવ અને રુચિ હતી, તેવું અમો લાવ્યા છીએ. પછી સર્વે સૈનિકોએ પોતપોતાની રસોઇ કરી, રામપ્રતાપભાઇએ પણ શાક રોટલી ને દાળ-ભાત વગેરે મનગમતી રસોઇ કરી. પછીથી સર્વે જમવા બેઠા ત્યારે ઘનશ્યામ મહારાજને રામપ્રતાપભાઇએ પ્રથમ પીરસ્યું. પછી ઘનશ્યામ મહારાજે પોતાને હાથે જેટલું ભાવે તેટલું દહીં લીધું ને પછી પિતા તથા ભાઇને આપ્યું. પછી સહુ જમવા લાગ્યા ત્યારે ઘનશ્યામજી બોલ્યા જે, અમો જો દહીં લાવ્યા તો તે હમણાં તરત જ કામ આવ્યું, અને બીજાં માણસો માલ મિલ્કત લાવ્યા છે તે દૈવ જાણે ક્યારે કામ આવશે ? ત્યારે રામપ્રતાપજીએ કહ્યું જે, તમારી સમજણ અલૌકિક છે, ને બીજાં માણસોની સમજણ તો લૌકિક છે. માટે તમે જે કરો છો તે સર્વ ક્રિયા દિવ્ય છે. પછી એમને એમ લશ્કર ભેળા દશ બાર દિવસ રહ્યા. શ્રી ઘનશ્યામ મહારાજ દરરોજ દૂધ, દહીં, માખણ અને ઘી વિગેરે વસ્તુ લઇ આવે. પોતે જમે અને પિતા તથા ભાઇને પણ જમાડે. પછી લડાઇ કરવાનો દિવસ આવ્યો ત્યારે ઘનશ્યામ મહારાજના કહેવાથી પાંચ હજાર બરકમદાર લીધા. અને તેમાં વિભાગ એવો કર્યો જે, સો સોની ટુકડી બંદુકના એક સામટા અવાજ વારા ફરતી કરે. તેમ કરવાથી સામા પક્ષના સૈનિકો ભય પામીને ભાગી ગયા, અને આ પક્ષના સૈનિકો જીત્યા. પછી હિંદીપુર આવ્યા, ત્યાંના રાજાએ રામપ્રતાપજી તથા ઘનશ્યામજીને સારી પહેરામણી કરી, અને રામપ્રતાપભાઇના પગારમાં વધારો કરી આપ્યો. પહેલાં દર માસે ૬૦ રૂપિયા હતો, તે પછીથી ૨૦૦ રૂપિયાનો પગાર કરી આપ્યો. રામપ્રતાપજીએ રાજા પાસેથી, થોડા દિવસ માટે ઘેર જવાની રજા માગી એટલે રાજાએ આપી. તેથી રામપ્રતાપજી પોતાના પિતા તથા ઘનશ્યામજી જોડે છપૈયા આવ્યા. ઘેર આવેલા જાણીને ભક્તિમાતા સામાં આવ્યાં અને ઘનશ્યામજીને છાતીમાં ભીડીને મુખારવિંદ સામું જોઇને અતિશય સુખ શાંતિને પામ્યાં. પછીથી ચારે પ્રકારનાં ભોજન જમાડ્યાં. પછી ભક્તિમાતા ઘનશ્યામજીને પૂછવા લાગ્યાં જે, હે ઘનશ્યામજી ! તમો લશ્કરમાં ગયા હતા, તે મારા સારુ શું લાવ્યા છો ? ત્યારે ઘનશ્યામજી બોલ્યા જે, અમો તો લશ્કરમાં દરરોજ દૂધ, દહીં, માખણ ને ઘી લઇ આવતા અને મન માન્યું દહીં, દૂધ વિગેરે જમતા ને અમારા પિતાને તથા મોટાભાઇને જમાડતા. તે સિવાય અમો બીજું કંઇ લાવ્યા નથી. ત્યારે ભક્તિમાતાએ કહ્યું જે, તમો પોતે પોતાનું કામ કરી આવ્યા, તમારે બીજાનું શું કામ છે ? એમ કહીને ઘનશ્યામ મહારાજને પ્રસન્ન કર્યા.

એક દિવસે પીરોજપુરમાં જાંબુડાનાં વૃક્ષ ઉપર ચડીને એક પાંત્રીસ વર્ષનો યુવાન જાંબુનાં ફળ નીચે પાડતો હતો. ત્યાં ઘનશ્યામ મહારાજ પોતાના બાળમિત્રોને સાથે લઇને આવ્યા. ત્યારે વૃક્ષ ઉપર ચડેલો મોટો મલ્લ જાંબુનાં ફળો જેટલાં નીચે પાડતો, ત્યાં તે બધાં જાંબુને પોતાના બાળમિત્રોને સાથે રાખીને ઘનશ્યામ મહારાજ લઇને જમવા લાગ્યા, ત્યારે મલ્લે કહ્યું જે, ‘મારાં પાડેલાં જાંબુ ફળને તમો જમી જાઓ છો, એ ઠીક નથી કરતા. હવે જો લેશો તો હું તમોને મારીશ. માટે હવે લેશો નહીં. ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, ‘અમો તો જાંબુનાં ફળો જમીશું, તારે જે કરવું હોય તે કરજે, ત્યારે તે મલ્લ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો, અને ઘનશ્યામજીનો હાથ ઝાલ્યો, અને હાથને ખેંચ્યો ત્યારે, ઘનશ્યામ મહારાજે તે મલ્લના હાથને ઝાલીને ખેંચ્યો, એટલે તેનો હાથ ખભામાંથી ઉતરી ગયો. ત્યારે તે મલ્લ રામપ્રતાપભાઇની પાસે આવ્યો, અને કહેવા લાગ્યો જે, તમારા ઘનશ્યામે મારો હાથ ભાંગી નાખ્યો છે, ત્યારે રામપ્રતાપભાઇ બોલ્યા જે, તું તો જૂઠું બોલે છે. કારણ કે, ઘનશ્યામ તો નાના બાળક છે, તે તારા હાથને શી રીતે ભાંગે ? અને આમ કહેતાં તને લાજ નથી આવતી ? બીજાં માણસો આ વાતને જાણશે તો તારી મશ્કરી કરશે. ને તું જાંબુના વૃક્ષ પરથી પડી ગયો હોઇશ તેથી તારો હાથ ઉતરી ગયો છે. અને ઘનશ્યામે ઉતારી નાખ્યો છે, એવું જૂઠું બોલે છે. માટે તું હવે તારા ઘેર જા. પછી તે મલ્લ પોતાને ઘેર ચાલ્યો ગયો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખ સાગર મધ્યે ઘનશ્યામ મહારાજે છપૈયામાં બાળચરિત્રો કર્યાં ને મલ્લનો હાથ ભાંગ્યો એ નામે બીજો અધ્યાય. ૨