૭. મહારાજ ઘેર એકલા રહે તે ઠીક નહીં તેવો સંકલ્પ હીરજીભાઈને થયો, તલામોઢની વાત, બાળક કાનુડાની વાત, દિવાળીનો ઉત્સવ કરવા માટે પ્રાર્થના, મલ્લવિદ્યાનો દાવપેચ, જીવરામ સુતારનાં મા હરબાઈની વાત.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 3:20pm

અધ્યાય-૭

ભુજને વિશે નિત્ય પ્રત્યે સુંદરજીભાઇ તથા હીરજીભાઇ જ્યારે દરબારમાં જાય ત્યારે મહારાજ સુંદરજીભાઇનાં માતુશ્રી રૂપાંબાઇ તથા તેમનાં સ્ત્રી પુંજીબાઇ તથા હીરજીભાઇનાં સ્ત્રી અમરબાઇ આદિક બાઇઓને ભગવાન ભજવાની વાતો કરે, તે સર્વે બાઇઓ સાંભળવા બેસે, એમ વાતું કરતાં કરતાં કેટલાક દિવસ વીતી ગયા. ત્યારે કોઇએ સુંદરજીભાઇ તથા હીરજીભાઇને કહ્યું જે, તમારે ઘેર સ્વામિનારાયણ રહે છે. તે તમો જ્યારે દરબારમાં આવો છો ત્યારે વાંસે બાઇઓને ભેળી કરીને વાતો કરે છે તે સારું નહીં. એવી વાત સાંભળીને બે ભાઇના મનમાં સંકલ્પ થયો જે, આ ઠીક કહે છે. એમ જાણીને પછી દરબારમાંથી જ્યારે ઘેર આવ્યા ત્યારે તેમને આવ્યા જોઇને તેમની સ્ત્રીયું લાજ કાઢનારી બીજી બાઇયું તે સર્વે ઊઠીને ઘરમાં ગયાં. તેમનાં માતુશ્રી એકલાં જ બેસી રહ્યાં. પછી સુંદરજીભાઇ તેમજ હીરજીભાઇ બન્નેના મનમાં એવો સંકલ્પ થયો જે બાઇયું ને મહારાજ એકલા ઘરમાં રહે છે તે સારું નહિ. એ સંકલ્પને મહારાજ અંતર્યામીપણે જાણીને તેઓને કહેવા લાગ્યા કે, તમો આવો સંકલ્પ કરો છો તે અમને કેવા જાણો છો ? અમે તો સદાય નિર્દોષ છીએ.

એમ કહીને મહારાજે ચોફાળ ઓઢ્યો હતો તે પડતો મૂકીને ઊભા થયા. ત્યારે અધો-ઉર્ધ્વ પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ તેને વિષે દિવ્ય તેજોમય દ્વિભુજ મૂર્તિરૂપે દર્શન આપીને બે ભાઇ પ્રત્યે મહારાજ બોલ્યા જે, ‘હે ભાઇઓ ! અમો તો સદાય આવાને આવા છીએ. માટે અમારા સ્વરૂપમાં કોઇ પ્રકારે મનુષ્યભાવ પરઠવો નહિ, ને જે મનુષ્યભાવ પરઠે છે તેનું કલ્યાણ થાતું નથી. એમ કહીને મહારાજ સર્વ તેજ પોતાની મૂર્તિમાં સમાવીને પ્રથમ બેઠા હતા એવે રૂપે દર્શન દીધાં. ત્યારે બે ભાઇઓને બોલવાની સત્તા આવી. ને પ્રથમ તો ચિત્રમાં ચિત્રેલો હોયને શું, એવા થકા આશ્ચર્યમાં ડૂબી ગયા તેથી કાંઇ બોલી શક્યા નહિ. પછી ધીરે રહીને આસનેથી ઊઠીને શ્રીજી મહારાજના ચરણકમળમાં નમસ્કાર કર્યા, અને નેત્રમાં ચોધારાં આંસું વહેવા લાગ્યાં. પછી બે હાથ જોડીને બોલ્યા જે, ‘હે મહારાજ ! આપશ્રી આવા છો, એમ અમે તમને નહોતા જાણ્યા. માટે હે મહારાજ ! તમારે વિષે અમોને આવો સંકલ્પ થયો, પણ આપ તો ગરીબનિવાજ છો ને અધમ ઉધ્ધારણ છો ને પતિતપાવન છો, માટે અમારો અપરાધ ક્ષમા કરો. એ પ્રકારે ઘણી સ્તુતિ કરીને શ્રીહરિના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કર્યો, ને પોતાનાં કુટુંબીજનોએ પણ નિશ્ચય કર્યો.

વળી એક દિવસે શ્રીહરિ સુતાર ભગવાનજીને ઘેર ઉગમણે બાર પૂજા કરવાના ઓરડાને વિષે વસ્ત્રે કરીને પલાંઠી વાળીને બેઠા હતા. તે સમયે વિપ્ર તલો મોઢ મહારાજને દર્શને આવ્યો. ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું કે, તલા, આજ તારે કેમ છે ? પછી તલો બોલ્યો, આજતો ખાધા-પીધાનું કાંઇ મળ્યું નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું પેંડા જમશો ? એમ કહીને બશેર પેંડા લાવવાની આજ્ઞા કરી. ત્યારે વિપ્રે કહ્યું, બશેર પેંડા તો મારે ચટણી યે નહિં થાય. ત્યારે શ્રીજીમહારાજે ત્રણ શેરની આજ્ઞા કરી, પછી ચાર શેરની આજ્ઞા કરી. ત્યારે તલે કહ્યું જે, પુરું તો નહિ થાય. પછી પાંચ શેર પેંડા મંગાવ્યા. ત્યારે વિપ્ર કહે જે, સંપૂર્ણ તો નહિ થાય પરંતુ કામ ચાલ્યું. પછી પેંડા જમવા લાગ્યો. ત્યારે શ્રીહરિએ પૂછ્યું, હવે તમારે કાંઇ જોઇએ તો મંગાવી આપું. ત્યારે તલે કહ્યું જે, દહીંની જરૂર છે. પછી મીઠીબાઇએ એની માસીને ઘેરથી દહીં શેર પાંચ પથ્થરના વાટકામાં ભરીને મંગાવી આપ્યું. પછી તે પેંડા તથા દહીં સર્વે જમી ગયા. પણ ઓડકાર આવ્યો નહિ. તે સમયે શ્રીહરિએ કહ્યું જે, તમને પચશે કેમ ? ત્યારે તે વિપ્ર કેડ્ય બાંધીને ચાલ્યો તે ચાર ગાઉનો આંટો ચાર ઘડીમાં કરીને પાછો આવ્યો, અને શ્રીજીમહારાજને કહ્યું જે, જુઓ મહારાજ, મારું પેટ તો એવું ને એવું ભૂખ્યું છે. તે સાંભળીને શ્રીહરિ હસવા લાગ્યા.

એક દિવસે શ્રીહરિ સુતાર ભગવાનજીને ઘેર ઉગમણે બાર જે પૂજા કરવાની ઓરડી છે તેમાં બિરાજમાન હતા. તે સમયે સુતાર ભગવાનજીની બેન લક્ષ્મીબાઇ પોતાના છોકરાને બીજા ઘરમાં સુવડાવીને દર્શન કરવા આવ્યાં. ત્યારે શ્રીહરિએ કહ્યું, તારા છોકરાને ધવરાવીને પછી આવ ને બેસ. પછી તે બાઇ છોકરા પાસે આવી ને પાછી વળી આવીને દર્શન કરવા લાગી, ત્યારે શ્રીહરિએ ફરી કહ્યું જે, તારો છોકરો ધવરાવીને નિરાંતે બેસ. એમ બે-ત્રણ વાર કહ્યું. પછી તે બાઇ ઘરમાં જઇને છોકરાને ભોંય(જમીન) ઉપર સુવડાવીને માથે લૂગડું ઓઢાડીને વળી મહારાજ પાસે આવીને બેઠી. એ વખતે શ્રીહરિ બોલ્યા, તારો છોકરો આજ રોતો કેમ નથી ? તે વખતે બાઇયે કહ્યું જે, સૂઇ ગયો છે. ત્યારે શ્રીહરિ પંડે ઉતાવળા ઊઠીને ઘરમાં ગયા ને જોયું, ત્યાં તો છોકરાને જમીન ઉપર સુતેલો જોઇને કહ્યું, છોકરો મરી ગયો છે કે શું ? એમ કહીને ચરણમાં ચાખડી પહેરી હતી તેણે કરીને ઉપર ઓઢાડેલું લુગડું તેને એક કોરે કરીને પછી તે છોકરાની સામે જોઇને શ્રીહરિએ કહ્યું, આ છોકરો તો મરે એમ નથી. આ તો ભૂખે મરે છે. એમ કહીને શ્રીહરિ હેઠા બેસીને છોકરાને ગોદમાં લઇને કહ્યું જે, આને જમવાને વાસ્તે લાવો.

ત્યારે તે બાઇ ટાઢી ખીચડી ને દૂધ લઇને આવી. તે વખતે શ્રીહરિ દૂધની સાથે ચોળીને બાળકને તે પાયું. પછી તે છોકરો સારી પેઠે જાગ્રત થયો, તેને પાણી પાયું ને શ્રીહરિએ કહ્યું, છોકરાને કેવળ ભૂખે કરીને મંદવાડ છે. માટે ખાધાપીધાની તજવીજ રાખજો, ને તેમનું નામ કાનુડો પાડજો, એમ કહીને શ્રીજીમહારાજ પોતે સુતાર ભગવાનજીને ઘેર થાળ જમીને સુતાર હીરજીભાઈને ઘેર પધાર્યા. સુતાર હીરજીભાઇ તથા સુંદરજીભાઇને ઘેર હંમેશાં શ્રીહરિ રહેતા, અને થાળ પણ ત્યાંજ જમતા. જેઠી ગંગારામભાઇને ઘેર પણ શ્રીહરિ બહુવાર પધાર્યા છે.

એક સમયે શ્રીહરિ આસો માસમાં જેઠી ગંગારામભાઇને ઘેર બિરાજમાન હતા ત્યાં કચ્છ ને સોરઠાદિક દેશના હરિભક્તો દર્શને આવ્યા. તે મહારાજનું અલૌકિક રૂપ જોઇને આનંદ પામ્યા. તે સમે જેઠી ગંગારામ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા જે, હે મહારાજ ! હવે થોડાક દિવસમાં જ દિવાળી આવે છે. તે દિવાળીને દિવસે સૌ નવાં નવાં ભોજન કરીને જમે ને સારાં સારાં વસ્ત્ર, ઘરેણાં પહેરે. માટે સર્વ અવતારના અવતારી એવા જે તમો તે અહીં દિવાળીનો ઉત્સવ કરો અને હરિભક્તોને આનંદ આપો. એવી ગંગારામભાઇની પ્રાર્થના સાંભળીને શ્રીહરિ કહે, સારું, તમો સામાન ભેળો કરાવો; અમો અહીં દિવાળીને દિવસ હરિભક્તોને બોલાવીને મોટો મહોત્સવ કરાવીશું. પછી દિવાળીના બીજે દિવસે અન્નકૂટ આવ્યો. તે દિવસે જેઠી ગંગારામે મહારાજને જમાડવા સારુ અનેક પ્રકારનાં ભોજન ને વ્યંજન કરાવીને શ્રીહરિને અતિ ઉત્સાહથી જમાડ્યા. પછી મહારાજે સર્વે હરિભક્તોને પણ જમાડ્યા. ત્યાર પછી સર્વે હરિભક્તોએ શ્રીજીમહારાજને સુંદર તળાઇ ને ઓછાડે સહિત ઢોલિયો તે ઉપર બિરાજમાન કર્યા. તે સમયે સર્વે હરિભક્તોએ પુષ્પ તથા કપુરના હાર તથા કેસર-ચંદને કરીને પૂજા કરી. તે સમયે કેટલાક હરિભક્તોના મનમાં સંકલ્પ થયો જે, રામાનંદસ્વામી ભગવાન હશે કે, આ નારાયણમુનિ ભગવાન હશે ? તેવી રીતના સંકલ્પને જાણીને શ્રીહરિએ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા સારુ તેમના નાડી પ્રાણને ખેંચી લઇને સમાધિ કરાવી. તે વખતે સર્વત્ર વ્યાપક અધો-ઉર્ધ્વ પ્રમાણે રહિત શીતળ શાંત એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે દિવ્ય સિંહાસન ઉપર પોતે બિરાજે છે, તેવાં અહીં ભક્તજનોને દર્શન આપ્યાં. ત્યાર પછી અતિ મનોહર મહાપ્રકાશમય દ્વિભુજ દિવ્ય મૂર્તિનાં પોતાના સાધર્મ્યપણાને પામ્યા જે અનંત દિવ્ય મુક્ત તેમનો સમૂહ સેવી રહ્યો છે ચરણકમળ જેમનાં એવાં દર્શન ભક્તોને કરાવ્યાં. અને રામાનંદ સ્વામીને પણ મહારાજની સમીપે પંખો લઇને પવન ઢોળતા દીઠા.

પછી હરિભક્તો શ્રીહરિને પગે લાગ્યા. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે, સર્વાંતર્યામી ને સર્વેના નિયંતા ભગવાન પુરુષોત્તમ તે તો સહજાનંદ સ્વામી છે., ને હું તો એમનો દાસ છઉં તેમ તમે જાણો. ને મને તમો ભગવાન કેમ જાણો છો ? હું પ્રથમ તમને કહેતો હતો જે, “હું તો ડુગ ડુગીનો વગાડનાર છું ને વેશના ભજાવનારા તો વાંસે આવશે. તે જ આ સહજાનંદસ્વામી સર્વ અવતારના કારણ ને નિયંતા છે. એટલા માટે તમો તેમને હમેશાં ભજો.” એમ રામાનંદ સ્વામીએ સમાધિમાં કહ્યું. પછી તે સર્વે હરિજનોને સમાધિમાંથી જગાડ્યા. તે વખતે સર્વે હરિજનોએ જાગીને મહારાજને વિનયથી દંડવત્‌ પ્રણામ કરીને સમાધિમાં જેવો શ્રીહરિનો પ્રતાપ દીઠો તે જોઇને ઘણીક પ્રાર્થના કરીને શ્રીહરિના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કર્યો. એવી રીતે શ્રીહરિએ જેઠી ગંગારામને ઘેર દિવાળી તથા અન્નકૂટનો ઉત્સવ કરીને વારંવાર જમાડીને બહુ આનંદ પમાડ્યા.

કાયસ્થ મહેતા નાથજીના દીકરા નારાયણજી તથા મહેતા શીવરામભાઈ તથા મહેતા હરજીવનભાઈ તથા તેમની બહેન લાધીબાઈ તથા ચાંગબાઈ તે સર્વેને ઘેર શ્રીજીમહારાજ ઘણીવાર પધાર્યા છે. તે સર્વેજનોએ શ્રીહરિને વારંવાર પધરાવીને રૂડી રીતે જમાડ્યા છે. શ્રીહરિ જેટલા દિવસ ભુજનગરને વિષે રહ્યા હતા તેટલા દિવસ પર્યંત નિત્ય એકવાર લાધીબાઈને ઘેર દયા કરીને પધારતા; તેમાં ફેર પડતો નહિ. અને હરખબાઈ તથા બીજા સત્સંગીઓ પણ નોતરું દઈને પોતે-પોતાને ઘેર જમવા તેડી જતા. વળી શ્રીજીમહારાજ જેઠી ગંગારામની સાથે ઘણીક પ્રકારે મલ્લવિદ્યાના દાવ પેચ કરીને રમ્યા હતા, ને જેઠી ગંગારામ પણ ઘણાક પ્રકારના દાવપેચે કરીને જીતવા પ્રયન્ત કરતા છતાં પણ શ્રીહરિને જીતી શકતા ન હતા. પણ મહારાજ તો એમને સહેજમાં પાડી નાખતા. એવી રીતે ઘણાક દિવસ પર્યંત લીલા કરી છે.

એક દિવસે સુતાર જીવરામની માતુ હરબાઈનેશ્રીહરિએ કહ્યું, ‘કાલ તમારે ઘેર જમવા આવીશું તે રસોઈ કરજો.’ ત્યારે તે ડોશીએ કહ્યું જે, ‘હું તો નહિ જમાડું.’ ત્યારે શ્રીહરિએ કહ્યું ‘શા સારુ નહિ જમાડો ?’ ત્યારે ડોશી કહે જે, મારું કહ્યું તમે બરાબર માનો નહિ તે સારુ નહિ જમાડું. તો પણ આગ્રહથી શ્રીહરિએ જમવાનું માગ્યું. પછી જેઠી ગંગારામ તથા ઠક્કર ઉકાભાઈને રસોઈના સામાનની ભલામણ કરાવી. અને જેઠી ગંગારામભાઈએ તે ડોશી પાસે જઈને સામાનનું પૂછ્યું, તે વખતે ડોશીએ કાંઈ જવાબ દીધો નહિ. પછી તે બન્ને જણા બજારમાં જઈને કંદોઈ બ્રાહ્મણની દુકાનેથી તાજી જલેબી તથા ઘેબર તથા સાટા કરાવીને લઈ આવ્યા. પછી હરબાઈનાં ઘરનાં સર્વેએ મળીને આખી રાત જાગીને ભાતભાતની રસોઈઓ કરી ઘણા આનંદથી જાગરણ કર્યું. તે પછી શ્રીહરિ સવારના પહોરમાં જમવા પધાર્યા. પછી સુતાર હરબાઈને ઘેર ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીયે જમવા બિરાજમાન થયા. શ્રીહરિએ હરબાઈને કહ્યું, ‘તમો પીરસો.’ ત્યારે હરબાઈ કહે, ‘હું નહિ પીરસું, કેમ જે હું પીરસું તેટલું જમો તો પીરસું.’ શ્રીહરિ કહે જે, ‘‘જમશું.’ તે વખતે હરબાઈ હસતાં હસતાં શ્રીહરિને જમાડવા લાગ્યાં. પછી કહ્યું જે, “હવે અમે જમીને તૃપ્ત થયા. તેવું સાંભળીને હરબાઈ તો જોરાવરીએ પીરસવા લાગ્યાં. પણ તેમાંથી પાસે જમવા બેઠેલા જે સંત તેમને મહારાજ આપી દે. તે જોઈને હરબાઈ ઘણીક રીસ કરીને બોલ્યાં જે, મહારાજ! તમને જમવા તેડે અથવા પીરસે તેનો બાપ જ ખોટો. એમ કહીને બીજા ઘરના ઓરડાની સાંકળ દઈને સૂઈ ગયાં. પછી શ્રીહરિ સારી પેઠે જમ્યા ને સર્વેને પ્રસાદી આપી પોતે ચળુ કરીને ઓરડે પધાર્યા. ત્યાર પછી હરબાઈને દશ ઉપવાસ થયા તો પણ કોઈને મોઢું દેખાડે નહિ. પછી શ્રીહરિએ ગંગારામભાઈ તથા સુંદરજીભાઈ પાસે સમજૂતી કરાવી. ત્યારે ડોશી બોલ્યાં જે, હું પીરસું તેટલું મહારાજ જમે તો હું જમું. એમ કહ્યું, ત્યારે મહારાજે કહ્યું, રસોઈ કરાવો, અમે જમશું. તે કેડે બાઈએ ઉપવાસ મૂક્યા ને જમ્યાં.

પછી શ્રીહરિને નોતરું દઈને પહેલી રસોઈની સામગ્રી કરી હતી તેવી જ પાછી રસોઈની સામગ્રી કરી. શ્રીહરિ સવારના પહોરમાં જમવા પધાર્યા ને ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ જમવા બિરાજ્યા. પછી બાઈ પીરસવા લાગ્યાં તે જેટલું પીરસ્યું તેટલું શ્રીહરિ જમી ગયા. અમે જમતાં જમતાં પચીસ માણસ જમે તેટલું જમી ગયા. પછી વાંસે કાંઈ રહ્યું નહિ ને સર્વે ખૂટી ગયું. ત્યારે શ્રીહરિ કહે, જમવાનું લાવો. ત્યારે હરબાઈએ હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ! રસોઈ તો સર્વે ખૂટી ગઈ ને હવે બેસો તો ફરી રસોઈ કરું. પછી શ્રીહરિએ હસીને કહ્યું જે, તમે રાજી થયાં એટલે બસ છે. એમ કહીને ચળુ કરી પાછા સુતાર હીરજીભાઈના વંડામાં પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે અનેક પ્રકારની ભુજમાં શ્રીહરિએ લીલા કરી છે.

ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં સુંદરજીભાઈ તથા હીરજીભાઈને મનમાં જે સંકલ્પ થયો જે ઘેર બાઈઓ અને મહારાજ એકલા રહે તે સારું નહિ અને શ્રીજીમહારાજે તેમને દિવ્ય દર્શન આપીને નિઃસંશય કર્યા એ નામે સાતમો અધ્યાય. ૭