અધ્યાય – ૮
એક દિવસે સુતાર કુંવરજીએ શ્રીજીમહારાજને પોતાના ઘેર આમંત્રણ આપીને પધરાવ્યા અને સુંદર થાળ કરીને જમાડ્યા. તથા ચંદનની અર્ચા કરીને નાના પ્રકારના પુષ્પોના હાર ધારણ કરાવ્યા. તેમજ સારાં વસ્ત્રો આપ્યાં. અને હાથ જોડીને સ્તુતિ કરીને કહ્યું જે, હે મહારાજ! આજ મારો જન્મ સર્વથા સફળ થયો. અને અમારાં ઘર પણ પવિત્ર થયાં. માટે આપ અહીં ભલે પધાર્યા, અમોને સર્વ પ્રકારે કૃતાર્થ કર્યા છે. પછીથી શ્રીહરિ ત્યાંથી પાછા સુતાર હીરજીભાઈને ઘેર પધાર્યા. ત્યાં હીરજીભાઈના પુત્ર રણછોડભાઈ અતિશય માંદા થયા, અને દેહની સ્મૃતિ પણ રહી નહિ. ત્યારે હીરજીભાઈએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી જે, હે ભગવન્! મારો પુત્ર રણછોડ બહુ જ માંદો છે, દેહ ન રહે એવી સ્થિતિ થઈ ગઈ છે. માટે દયા કરીને તેને દર્શન આપવા પધારો. પછી શ્રીજીમહારાજ વંડીમાંથી ઊઠીને રહેણાકના ઘરના ઓરડાની જાળીવાળી ઓસરીમાં રણછોડભાઈનો ખાટલો ઢાળ્યો હતો ત્યાં પધાર્યા અને રણછોડની છાતી ઉપર શ્રીજીમહારાજે પોતાનો જમણો ચરણ મેલીને મેઘના સરખી ગંભીર વાણીથી બોલ્યા જે, રણછોડ! રણછોડ! તારા શરીરે કેમ છે ? ત્યારે રણછોડે આંખ ઉઘાડીને મહારાજ સામું જોયું. ત્યારે મહારાજે, ફરીવાર કહ્યું જે, રણછોડ! અમોને ઓળખે છે ? અમો કોણ છીએ? ત્યારે રણછોડ બોલ્યો જે, હે મહારાજ ! હું તમોને ઓળખું છું. આપ અમારા ગુરુ છો, અને સાક્ષાત્ ભગવાન છો. તે વખતે શ્રીહરિએ હીરજીભાઈને કહ્યું જે, આ તમારો પુત્ર રણછોડ અને સુંદરજીભાઈનો પુત્ર રાઘવજી એ બન્ને આગળના જન્મમાં ત્યાગી હતા; પરંતુ થોડી સંસારની વાસના રહી ગઈ હતી, તેથી તેમણે તમારા બન્ને ભાઈઓને ઘેર જન્મ ધારણ કરેલ છે.
આ વખતે તમારા પુત્ર રણછોડનું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે પણ આજથી અમો તેમનું પચાશ વર્ષનું આયુષ્ય વધારી આપીએ છીએ. માટે હવે તેમનું મરણ નહિ થાય. એમ કહીને શ્રીહરિએ રણછોડ સામી અમૃતમય દ્રષ્ટિ કરી, તેથી તે દિવસથી રણછોડને ધીરે ધીરે આરામ થતો ગયો. પછી શ્રીહરિએ કહ્યું જે, અમારે હવે અહીંથી માનકુવે જવું છે, તે વખતે હીરજીભાઈ, સુંદરજીભાઈ તથા અન્ય હરિભકતો નાના પ્રકારનાં વાજીંત્રો લાવ્યા અને શ્રીજીમહારાજને વાજતે-ગાજતે વળાવવા માટે ગયા. ભુજથી થોડા આગળ ચાલ્યા ત્યારે શ્રીહરિએ તે ભકતજનોને કહ્યું જે, હે ભક્તજનો ! હવે તમો અહીંથી પાછા વળો. એટલે હરિભક્તો શ્રીહરિના ચરણમાં વંદન કરીને પાછા વળ્યા. અને શ્રીહરિ ત્યાંથી માનકુવે પધાર્યા. ત્યાં તેજશી સુતારને ઘેર ઉતર્યા. ત્યાં રહીને શ્રીહરિ હમેશાં સભામાં ભક્તજનોની આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી વાતો કરતા અને ભક્તોને નવો નવો આનંદ ઉપજાવતા, તથા દરરોજ ગામથી ઉત્તરે વિચેન્દ્રસર નામે તળાવમાં સ્નાન કરવા જતા. તે તળાવના તટ ઉપર મહાદેવનું મંદિર છે તેનું પૂજન અને દર્શન વગેરે કરીને પછી ત્યાંથી કોડકીની ગંગામાં સ્નાન કરવા પધારતા. અને ત્યાં પણ મહાદેવનું મંદિર છે તેમાં રહેલા મહાદેવનું પૂજન અને દર્શન વગેરે કરતા. પછીથી પાછા માનકુવે પધારતા. અને માનકુવા ગામના દરેક હરિભક્તો પોતે પોતાને ઘેર થાળ કરાવીને શ્રીહરિને પોતાને ઘેર સંત પાર્ષદે સહિત તેડી જતા. અને શ્રીહરિને તથા સંત-પાર્ષદોને સારી રીતે જમાડતા. શ્રીહરિ પણ બધા ભક્તોની સેવા અંગીકાર કરીને, તે સર્વેને આનંદ પમાડતા થકા પોતાના સ્વરૂપનો મહિમા સમજાવતા. આ પ્રમાણે જયાં સુધી માનકુવે રહ્યા ત્યાં સુધી નિત્યે એ પ્રમાણે કરતા. શ્રીહરિ માનકુવામાં દશ દિવસ સુધી રહી ભક્તજનોને આનંદ પમાડીને પછીથી ત્યાંથી ચાલ્યા તે સંત-પાર્ષદે સહિત પાછા ભુજનગર પધાર્યા, અને ત્યાં સુંદરજીભાઈને ઘેર ઉતર્યા. ત્યાં રહીને શ્રીહરિ નિત્યે હમીર સરોવરમાં સંતપા ર્ષદો અને હરિભક્તોએ સહિત સ્નાન કરવા સારુ પધારતા. સ્નાન કરીને પાછા સુંદરજીભાઈને ઘેર પધારતા અને ત્યાં મોટી સભા કરીને શ્રીજીમહારાજ સભામાં બેઠેલા હરિભક્તોને તથા અન્ય જીજ્ઞાસુ જનોને વર્ણાશ્રમના ધર્મની તેમ જ વૈરાગ્ય અને જ્ઞાન તથા માહાત્મ્યજ્ઞાન યુક્ત ભક્તિ સંબંધી વાતો કરતા. શ્રીહરિની અમૃતમય વાણીને સાંભળીને સભામાં બેઠેલા સર્વ સંતો, પાર્ષદો અને હરિભક્તો તેમજ જીજ્ઞાસુજનો, અતિશય પ્રેમથી સંતો અને પાર્ષદો સહિત શ્રીહરિને પોતપોતાને ઘેર આમંત્રણ આપીને તેડી જતા અને સહુ હરિભક્તો પોત પોતાને ઘેર સુંદર નાના પ્રકારનાં ભોજન, વ્યંજન વગેરે સામગ્રી બનાવીને શ્રીહરિને જમાડતા અને સંતો તેમજ પાર્ષદોને પણ ભાવથી જમાડતા.
કોઈ દિવસ સુતાર ભગવાનજીના દીકરાની સ્ત્રી જે સેજીબાઈ તેને સત્સંગ થયો. ને તે બાઈ સત્સંગ થયા પહેલાં રામાનંદી પંથમાં હતી. ને નિત્ય રઘુનાથજીના મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા જાય. પછી જ્યારે શ્રીજીમહારાજ ભુજમાં પધાર્યા ત્યારે હીરજીભાઈની મેડીએ વિરાજમાન હતા, તે વખતે સેજીબાઈએ પ્રથમ મહારાજનાં દર્શન કર્યાં. ત્યારે શ્રીહરિની મૂર્તિને વિષે રઘુનાથજીની મૂર્તિ દેખાણી. પછી રઘુનાથજીનાં દર્શન કરવા ગયાં. ત્યાં મંદિરમાં રઘુનાથજીની મૂર્તિને વિષે દિવ્ય તેજોમય મહારાજની મૂર્તિ દેખાણી. એવી રીતે કેટલાક દિવસ સુધી એમ દર્શન થયાં. પછી સેજીબાઈના મનમાં એવો સંકલ્પ થયો જે, સ્વામિનારાયણ ચમત્કારી છે, કેમ જે હું પ્રથમ રઘુનાથજીનાં દર્શન કરવા જતી તે વખતે મારા મનમાં આટલો પ્રેમ ન હતો; ને સ્વામિનારાયણનાં દર્શન કર્યાં ત્યારથી ભગવાનને વિષે મારો પ્રેમ અધિક વૃદ્ધિ પામ્યો. માટે આ શ્રીહરિ નિશ્ચય ભગવાન જણાય છે, એવો સંકલ્પ થયો. તે વખતે શ્રીહરિએ કહ્યું કેમ બાઈ! સત્સંગ કરશો ? ત્યારે સેજીબાઈ કહે, હા મહારાજ! પછી વ્રતમાન ધારીને સત્સંગી થયાં. ત્યારે પોતે વિચાર કર્યો જે, હવે રઘુનાથજીની મૂર્તિમાં મહારાજની મૂર્તિ દેખાશે કે કેમ ? એમ વિચાર કરીને મંદિરમાં દર્શન કરવા ગયાં. ત્યાં તો ફક્ત શ્રીહરિનાં જ દર્શન થયાં. પણ બીજી મૂર્તિનાં દર્શન ન થયાં. એવો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને બાઈના મનમાં શ્રીહરિનો અડગ નિશ્ચય થયો. ને જ્યારથી એમને સત્સંગ થયો ત્યારથી તે બાઈને સમાધિ થવા લાગી. પછી એક દિવસ શ્રીહરિએ તે બાઈને સમાધિમાં તેની મા મરીને જમપુરીમાં ગયેલી હતી તેને દેખાડી. તેને જોઈને તે બાઈ સમાધિથી બહાર આવીને શ્રીહરિને કહેવા લાગી કે, હે મહારાજ! આ મારી માને યમપુરીમાંથી બહાર કાઢો. એટલે બાઈના કહેવા પ્રમાણે યમપુરીમાંથી બહાર કાઢીને બદરિકાશ્રમમાં મોકલી દીધી. એવી રીતે શ્રીહરિએ ભુજનગરને વિષે પોતાનો અપાર પ્રતાપ ફેલાવ્યો.
વળી એક દિવસ હીરજીભાઈના દીકરા હરિભાઈ તે ધાવણા હતા ત્યારે તેની માતાને શરીરે મંદવાડ હોવાથી બાળકનું ખાધે-પીધે પોષણ થતું નહિ, તેથી બાળક અતિશય દૂબળો થઈ ગયો તેને જોઈને શ્રીહરિ કહે, આ હરિભાઈને તેની માતાજી કેમ પોષણ કરતાં નથી ? ત્યારે કોઈકે કહ્યું જે, તેને મંદવાડ છે. પછી શ્રીહરિ કહે આ હરિભાઈનું અમે પોષણ કરીશું. એમ કહીને તે છોકરાને શ્રીહરિએ પોતાના જમણા ચરણાવિંદનો અંગુઠો મુખમાં ચૂસવા આપ્યો, ને તેમાંથી અમૃતરસ મૂકયો. એવી રીતે જયારે તે બાળક ભૂખ્યો થાય ત્યારે મહારાજ પોતાનો અંગુઠો મુખમાં ધાવવા આપતા. તેણે કરીને થોડા દિવસમાં તે બાળક અતિ પુષ્ટ થયો. તેને જોઈને સૌ અતિ આશ્ચર્ય પામ્યાં. આવી રીતે મહારાજે હીરજીભાઈના ઘરને વિષે રહીને પોતાનો પ્રતાપ દેખાડ્યો.
એક દિવસ શ્રીહરિ સુતાર સુંદરજીભાઈને ઘેર વિરાજમાન હતા, તે સમે ગામ વઢવાણનો બ્રાહ્મણ ગંગારામ મહારાજનાં દર્શન કરવા સારુ ત્યાં આવ્યો ને શ્રીહરિનાં દર્શન કરીને સુંદરજીભાઈને ઘેર ઉતારો કર્યો. પછી શ્રીહરિ સુંદરજીભાઈના ઘેરથી જેઠી ગંગારામભાઈને ઘેર આવતા હતા, તે વખતે બ્રાહ્મણ પણ મહારાજ સંગાથે ચાલ્યો. તે દરબારગઢના દરવાજા સામે દક્ષિણાદિ દિશાએ હાથીખાના પાસે ઓરડીમાં ગરાસીયો રહેતો હતો તેણે બોલાવ્યા, એટલે શ્રીહરિ પણ તે બ્રાહ્મણની સાથે ત્યાં ગયા, ને તેની આગળ હિંસાનિષેધ અને માંસ ભક્ષણ ન કરવું તેની વાત કરી. તે વાત કરતાં કરતાં મહારાજ બોલ્યા, તમારા મુસલમાનના કુરાનમાં પણ હિંસાનો નિષેધ કર્યો છે. એમ કહ્યું ત્યારે તે સાંભળીને ગરાસીયો બોલ્યો, હે મહારાજ ! અમે તો રજપૂત છીએ, મુસલમાન નથી. ત્યારે શ્રીહરિ કહે ઠીક. તમે રજપૂત છો કે ? ઠીક. અમને ખ્યાલ નહિ. ફેર વાત કરતાં મહારાજે કહ્યું, તમારા મુસલમાનના શાસ્ત્રમાં પણ આમ છે. ત્યારે ગરાસીયો બોલ્યો, મહારાજ ! અમે ગરાસીયા છીએ. મુસલમાન નથી. એમ કહ્યું છતાં પણ ત્રીજીવાર શ્રીહરિએ એમને એમ કહ્યું. ત્યારે તે બ્રાહ્મણને સંશય થયો જે આપણે મનુષ્ય પણ તરત તે વાતને ન ભૂલીએ. આ તો વારંવાર ભૂલી જાય છે, માટે આને ભગવાન કેમ કહેવાય ? એમ સંશય થયો. એ વખતે તેણે વિચાર કર્યો જે, હવે હું સવારે ઘેર જાઉં, એમ એ વિચારમાં સૂઈ ગયો. ત્યારે શ્રીહરિએ સ્વપ્નમાં તેને દર્શન દીધાં. સુંદર પાકેલાં બે લીંબુ હાથમાં લઈને કહ્યું જે, તમને અમારી મનુષ્ય ચેષ્ટા જોઈને સંશય થયો તે લ્યો આ લીંબુ ચૂસી જાઓ. તમારો સંશય ટળી જશે. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને બ્રાહ્મણ સવારમાં ઊઠીને જવા તૈયાર થયો. તે વખતે તે બ્રાહ્મણ શ્રીહરિને દર્શને આવ્યો ત્યારે શ્રીહરિએ સ્વપ્નમાં જે લીંબુ દેખાડ્યાં હતાં તે લીંબુ હસ્તમાં લઈને કહ્યું, આ લીંબુ ચૂસી જાઓ, તમારો સંશય ટળી જશે. એ વચન સાંભળીને તેણે લીંબુ ચૂસ્યાં અને તેનો સંશય ટળી ગયો. અને મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય થયો, અને તે એકાંતિક ભક્ત થયો. એવી રીતે ભુજનગરમાં ઘણાક દિવસ રહીને ચમત્કાર બતાવ્યા છે.
ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં મહારાજ રણછોડભાઈને દર્શન દઇ મંદવાડમાંથી સાજા કર્યા ને ઘણાક દિવસ રહીને બહુ ચમત્કાર જણાવ્યા એ નામે આઠમો અધ્યાય. ૮