૨૨ અંજાર થઈ ત્યાંથી ભુજનગર પધાર્યા, અંજારથી પત્ર લખ્યો જે, અમારાં દર્શન સિધ્ધપુર થશે, માંડવીના ખૈયા ખત્રીની વાત, ભુજથી માનકૂવા, દેશલપુર, મંજલ, કાદીયા, રસલીયા, તેરા, માંડવી પધાર્યા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:01pm

અધ્યાય-૨૨

શ્રીજીમહારાજ ત્યાંથી ચાલ્યા તે અંજાર પધાર્યા ને ત્યાંથી દેશોમાં ફરવા ગયેલા સંતોને પત્ર લખાવીને મોકલ્યા. તેમાં લખાવ્યું જે, હે સંતો ! અમારું દર્શન હવે જ્યારે તમો સિધ્ધપુર આવશો ત્યારે થશે. એમ કહીને તુણેથી સમુદ્રની ખાડી ઉતરીને જોડીયાથી મોરબી ગયા. ત્યાંથી ગામોગામ ફરતા ફરતા સિધ્ધપુર પધાર્યા. ને ત્યાંથી શ્રીહરિ ગુજરાત દેશમાં ફરીને ઝાલાવાડ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, મચ્છુકાંઠો ઇત્યાદિક સર્વે દેશોમાં ફરીને માળીયા થઇને સંત પાર્ષદોને સાથે લઇને રણ ઉતર્યા. ને વાંઢીયા થઇને ભચાઉ આવ્યા. ત્યાં ભક્તજનોએ થાળ કર્યો. તે જમીને અંજાર પધાર્યા. ત્યાં ચાગબાઇએ મહારાજને સારૂ રસોઇ કરાવીને સંત-પાર્ષદોએ સહિત શ્રીહરિને જમાડ્યા. મહારાજ જમીને ચાલ્યા તે ભુજનગર પધાર્યા, ત્યાં સુંદરજીભાઇને ઘેર ઉતર્યા. ત્યાં નિત્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરતા. તેને સાંભળીને સુંદરજીભાઇ આદિ હરિભક્તો બહુ રાજી થતા.

એક દિવસે શ્રીજીમહારાજે હસતાં હસતાં સુંદરજીભાઇને કહ્યું જે, સુંદરજીભાઇ ! તમે સાધુ થશો ? ત્યારે સુંદરજીભાઇ કહે, હા મહારાજ! થઇશ. ત્યારે હીરજીભાઇ કહે, હે મહારાજ! સાધુ તો કોઇ સાધારણ સ્થિતિના હોય તે થાય. આવા સુંદરજીભાઇ જેવા કેટલા સાધુ તમોએ કર્યા છે ? એક તો બતાવો ? ત્યારે મહારાજે કહ્યું જે, હીરજીભાઇ ! એવા સાધુ કરીને કોઇક દિવસ બતાવશું. એટલી વાત કરી ત્યાં તો થાળ થયો, તેથી મહારાજ જમવા પધાર્યા, ને ત્યાં થાળ જમીને જળપાન કરીને મુખવાસ લીધો. પછી માનકુવે પધાર્યા, ને ત્યાં થાળ જમીને ચાલ્યા તે દેશલપુરમાં સુતાર પુંજો, તથા દરજી પુંજો તેમણે રસોઇ કરાવીને મહારાજને જમાડ્યા. ને ત્યાંથી ચાલ્યા તે ગામ મંજલમાં ક્ષત્રિય કાકાભાઇને ઘેર થાળ જમીને એક રાત્રિ રહ્યા. ને ત્યાંથી પ્રાતઃકાળમાં ચાલ્યા તે કાદીયા થઇને રસલીયાની ધાર ઉપર ઘડીક વિશ્રામ કરીને તેરે પધાર્યા. ને ત્યાં સુતાર માવજીને ઘેર ઉતર્યા. ને માવજી ભક્તે પોતાને ઘેર રસોઇ કરાવીને સંતો સહિત મહારાજને જમાડ્યા. ને મહારાજ ત્યાં પંદર દિવસ રહીને ત્યાંથી માંડવી પધાર્યા. ત્યારે મહારાજ ભેળા સાધુ દોઢસો ને આશરે હતા. તે સાધુઓને શ્રીજીમહારાજે કહ્યું જે, કહો તો ધૂળ નખાવું, ને કહો તો લાડુ જમાડું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! ધૂળ તો જગતમાં દુરિજન સર્વે ઠેકાણે જ્યાં જઇએ છીએ ત્યાં નાખે છે. માટે સંતોને લાડુ જમાડો તો બહુ સારું, પછી પશ્ચિમ બાજુ તળાવમાં વડ હેઠે ઉતર્યા. ત્યાં તળાવમાં જવા સારુ બારી છે. તે તળાવમાં માણસો આવે ને જાય, તે સ્થળે મોટો રેતીનો ઢગલો કરાવ્યો ને તે ઉપર લૂગડું પાથરીને, તે ઉપર શ્રીહરિને પધરાવીને સાધુ આગળ સભા કરીને બેઠા.

બીજે દિવસે એકાદશી આવી, તે દિવસે પોતાના ભક્તજનોના મનોરથો પૂરા કરવા માટે સંતોને સાથે લઇને ગામમાં હરિભક્તોને ઘેર ફળાહાર કરવા ગયા. ફળાહાર કરીને ફરીવાર ગામ બહાર તળાવને કાંઠે પોતાને આસને વેદિકા ઉપર વિરાજ્યા. તે વખતે સર્વે સંતોને મહારાજ કહેવા લાગ્યા જે, હે સંતો ! જે જીવને જગતની વાસના છે તે ગીંગાની ગોળીરૂપ છે. તે જેમ ગીંગો વિષ્ટાની ગોળી નાકમાં રાખે છે, ત્યાં સુધી તેને કમળનું સુખ આવતું નથી, પરંતુ તેને જ્યારે માનસરોવરના કમળના ભમરા વિષ્ટાની ગોળીનો ત્યાગ કરાવી દે છે ત્યારે કમળની સુગંધનું સુખ આવે છે. પણ જ્યાં સુધી તે ગીંગો વિષ્ટાની ગોળી નાકમાં રાખી રહ્યો હોય ત્યાં સુધી કમળની ગંધનું સુખ તેને આવતું નથી. જ્યારે વિષ્ટાની ગોળીનો કમળના ભમરા ત્યાગ કરાવે છે અને જળે કરીને નાક ધોવરાવી નાખે છે ત્યારે કમળના સુગંધનું સુખ ખરેખરૂં આવે છે. તેમ જે જીવ સંસારના સુખનો ત્યાગ કરે છે, તે જ ભગવાનના ચરણકમળના સુખને પામે છે. માટે સર્વે જગતના સુખનો ત્યાગ કરીને હંમેશાં મારાં ચરણારવિંદમાં પ્રીતિ રાખવી. એવી રીતે આનંદે સહિત સંતોને મહારાજે વાર્તા કરી.

ગામમાંથી ઘણાં મનુષ્યો મહારાજને દર્શને આવ્યાં. તે સંત સભાને જોઇને ગામનાં મનુષ્યો ઉપરાઉપરી રસોઇયો આપવા લાગ્યાં. તે વાત સાંભળીને ખૈયો ખત્રી પોતાના શિષ્યો જે વેદાંતી હતા તે સર્વેને ભેળા કરીને કહેવા લાગ્યો જે, આ સ્વામિનારાયણ એમના પરમહંસો સહિત તળાવની પાળ ઉપર ઉતર્યા છે. તે સ્વામિનારાયણ પ્રશ્ન-ઉત્તરમાં બહુજ પ્રવીણ છે. માટે આપણે સર્વે ભેળા મળીને ચાલો તેમની પાસે જઇએ. અને તેમના સેવક સર્વે સ્વામિનારાયણને ભગવાન કહે છે તેને આપણે વેદાંતના પ્રશ્નો પૂછીએ. જો મનમાં ધાર્યા પ્રમાણેના આપણા પ્રશ્નના ઉત્તર વેદાંત પ્રમાણે કરે તો આપણે એમને ભગવાન માનીએ અને તે કહે તે પ્રમાણે વર્તીએ. પછી તે સર્વે ભેળા થઇને મહારાજ પાસે આવ્યા. ત્યારે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, તમે અમારે આસને બેસો. ને અમે હેઠા બેસશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આવીને મહારાજને આસને બેઠા. અને મહારાજ નીચે બેઠા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, આ ખૈયો ખત્રી આવે છે. તે તમને પ્રશ્ન પૂછશે. ત્યારે તમે તેને કહેજો જે, આ તમારા પ્રશ્નના ઉત્તર તો આ અમારા નાના સાધુ છે તે પણ કરશે. ત્યારે અમે તેના પ્રશ્નોના ઉત્તર કરીશું. એમ કહેતા હતા, ત્યાં તો ખૈયો ખત્રી આવ્યો ને બોલ્યો જે, તમારામાં મોટા કોણ છે ? ત્યારે સર્વે સાધુએ બ્રહ્માનંદ સ્વામીને દેખાડ્યા ને કહ્યું જે, આ અમારા મહંત છે. પછી ખૈયો ખત્રી બ્રહ્માનંદ સ્વામીને પગે લાગીને બેઠો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ખૈયા ભક્ત ! તમારે પ્રશ્ન પૂછવા હોય તો આ અમારા નાના સાધુને પૂછો. ત્યારે ખૈયો હસ્યો. તેને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ભક્ત ! કેમ હસ્યા ? ત્યારે તેમણે કહ્યું જે, તમે મને નાના સાધુ બતાવો છો ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, તમે તેને પ્રશ્ન પૂછી તો જુઓ. જો ઉત્તર નહીં થાય તો અમે કરશું. ત્યારે ખૈયાએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, ઇડા, પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીઓ આ દેહમાં છે, તેમાં કઇ નાડીમાં જીવ રહે છે ? ને સુષુમણા નાડીનું રૂપ કહો.

ત્યારે શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, અક્ષરબ્રહ્મનું કિરણ કહેવાય છે તે આ બ્રહ્માંડમાં આવે છે. અને તે કિરણ સૂર્ય-ચંદ્રાદિકને પ્રકાશે છે. અને તે જ કિરણ બ્રહ્મરંધ્રને વિષે આવે છે. અને ત્યાંથી હૃદયકમળમાં આવીને વ્યાપે છે. તેને મુમુક્ષુજનો સદ્‌ગુરુને પ્રતાપે દેખે છે, ત્યારે તેની માયિક વાસના ટળી જાય છે ત્યારે તે અક્ષરધામને પામે છે. પણ સદ્‌ગુરુના સમાગમ વિના કોઇ પણ સુષુમણા નાડીને જોવાની ઇચ્છા રાખે છે, તે તો કેવળ વૃથા છે. અને મુખે કરીને પોતાને બ્રહ્મ કહે છે, અને સર્વે વિશ્વની વાસના પોતાના અંતરમાં રાખી રહ્યા છે તેને તો મોટું પાપ લાગે છે. અને જે એક બ્રહ્મ જ સત્ય છે, બીજું બધું ખોટું છે, આવું કહેનારા શુષ્કવેદાંતીઓ છે. તે તો ઘોર નરકમાં પડે છે. એવી રીતે મહારાજે તેને વાત કરી.

તે વાતને સાંભળીને ખૈયો પોતાના મનમાં ઘણુંક આશ્ચર્ય પામીને મનમાં વિચાર કરવા લાગ્યો જે, હું પ્રશ્ન પૂછું તેનો ઉત્તર સૃષ્ટિના કર્તા બ્રહ્માદિકથી પણ ન થાય. તેનો ઉત્તર તે સ્વામિનારાયણે કર્યો. પછી તો શ્રીજીમહારાજે તેના મનમાં ધારેલા જે જે પ્રશ્નો હતા તેના ઉત્તરો તેના ધાર્યા પ્રમાણે જ કરી દીધા. બીજા જેટલા તેણે પ્રશ્નો પૂછ્યા તેના પણ તેવી જ રીતે ઉત્તર કર્યા. પછી શ્રીજીમહારાજે તેને પ્રશ્ન પૂછ્યો, તેમાં તેને કાંઇ સૂઝ્‌યું નહિ, અને તેણે તેનો ઉત્તર ઘણો ખોળ્યો પણ મલ્યો નહિ, પછી તો વિચાર કરવા લાગ્યો જે, મારા પ્રશ્નના ઉત્તર કોઇથી ન થાય, તે ઉત્તર તત્કાળ કરી આપ્યા. અને તેમના પ્રશ્નના ઉત્તરની તો મને દિશ જ જડી નહિ. માટે મેં એમ સાંભળ્યું હતું જે, ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર સ્વામિનારાયણ નામે થયો છે તે આજ મેં તેમને ઓળખ્યા. એમ કહીને પછી ખૈયો બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે બોલ્યો જે, તમે ઊંચે આસને બેઠા છો તે ઉતરીને નીચે બેસો. અને સ્વામિનારાયણ ભગવાન તો આ છે; તેને તમે ઉપર બેસાડો. પછી શ્રીજી મહારાજ ઉપર બેઠા. અને પ્રશ્ન ઉત્તર કરતાં કરતાં શ્રીજીમહારાજે ખૈયાને કહ્યું જે, તમે વેદાંતી છો ? અને બ્રહ્મરૂપ છો ? ત્યારે તેમણે કહ્યું જે, મહારાજ ! બીજા આગળ તો હું બ્રહ્મ છું, પણ મહારાજ આગળ તો હું જીવ છું. એમ કહીને ઊઠી ગયો ને બીજા દિવસે આવ્યો. અને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠો. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ખૈયા ! તમારે પ્રશ્ન પૂછવો હોય તો આ નાના સાધુને પૂછો. ત્યારે ખૈયા ખત્રિએ કહ્યું જે, એ સાધુ કાંઇ ભણ્યા છે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમે પ્રશ્ન તો પૂછો. જેમ હશે તેમ જણાઇ આવશે.

ત્યારે ખૈયે નાના સાધુને પ્રશ્ન પૂછ્યો ત્યારે તે સાધુએ તત્કાળ ઉત્તર કર્યો. ને ખૈયા ખત્રીને સાધુએ એક પ્રશ્ન પૂછ્યો. તે ખૈયા ખત્રીથી ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમે એ સાધુને વિષે પ્રવેશ કરીને ઉત્તર આપો છો એમ મેં જાણ્યું છે.

ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે અંજારથી સંતને પત્ર લખ્યો જે અમારાં દર્શન સિદ્ધપુર થશે. ને માંડવીમાં ખૈયા ખત્રીથી નાના સંતનો ઉત્તર ન થયો એ નામે બાવીસમો અધ્યાય. ૨૨