૨૧ ભુજમાં ફુલડોળનો ઉત્સવ કર્યો, પ્રાગજીદવે વગેરેએ મહારાજની પૂજા કરી.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 9:56pm

અધ્યાય-૨૧

ત્યાર પછી શ્રીજીમહારાજની પૂજા કરવા માટે પ્રાગજી દવે આદિક વિપ્રો આવ્યા, તેમણે નાના પ્રકારના પુષ્પના હારતોરા, ગુચ્છ, બાજુબંધ તથા કેસર-ચંદનાદિકે કરીને પૂજા કરી. અને પછી સ્તુતિ કરી. ત્યાર પછી સુંદરજી આદિ સુતાર ભક્તજનોએ પણ મહારાજની હેતે સહિત કેસર-ચંદન, પુષ્પના હાર ઈત્યાદિેકે કરીને પૂજા કરી અને પછી બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

પછીથી મલ્લ ગંગારામ આદિક હરિભક્તોએ પણ તેવી જ રીતે શ્રીજીમહારાજની પૂજા કરી. ત્યાર પછી શહેરના સર્વે હરિભક્તોએ પણ શ્રીજી મહારાજની પૂજા કરી. તે સમયે શ્રીજી મહારાજે સુવર્ણના કંદોરાએ સહિત ફુમકાંવાળી હીરની નાડીવાળો જરીઆની સુરવાલ ધારણ કર્યો હતો અને જરીઆની જામો જરીઆની શેલાંએ સહિત ધારણ કર્યો હતો. અને મસ્તક પર તોરાએ સહિત કસુંબી પાઘ ધારણ કરી હતી અને બાહુને વિષે નંગ જડિત સુવર્ણના સુંદર બાજુબંધ ધારણ કરેલા હતા અને મણિબંધને વિષે અમૂલ્ય સુંદર સુવર્ણનાં કડાં ધારણ કર્યાં હતાં, અને વક્ષઃસ્થળમાં સાચા મોતીના અને સુવર્ણના હારો ધારણ કર્યા હતા, અને લલાટમાં કુમકુમના ચાંદલાએ સહિત કેસર ચંદનની અર્ચા ધારણ કરી હતી તથા આંગળીઓ તથા અંગૂઠાને વિષે નંગ જડિત સુવર્ણના વેઢ તથા વીંટીઓ ધારણ કર્યાં હતાં. અને ચરણમાં સુવર્ણના તોડા તથા નૂપુર ધારણ કર્યા હતા. તે સમયે દર્શન કરનાર ભક્તજનોનાં મન શ્રીજી મહારાજની મૂર્તિને વિષે એકાગ્ર થઈ ગયાં હતાં.

શ્રીજીમહારાજની આગળ હરિભક્તોએ અસંખ્ય ભેટ કરી. તે ભેટમાં આવેલ સર્વ ધન, શ્રીજી મહારાજે બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. તે સમયે પ્રાગજી દવેને મહારાજની મૂર્તિ જોઈને તત્કાળ સમાધિ થઈ ગઈ. તે સમાધિમાં તેણે તેજોમય અક્ષરધામ જોયું.

તે ધામમાં અતિ તેજોમય શ્રીજીમહારાજની મૂર્તિ જોઈને તે અતિશય આનંદ પામ્યા. અને એક ઘડી પછી સમાધિમાંથી બહાર આવ્યા. અને પછી અતિ સ્નેહથી શ્રીજીમહારાજની સ્તુતિ કરવા લાગ્યા જે, હે મહારાજ! સર્વે ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરનારા તેમજ દિવ્ય છે મૂર્તિ જેની, અને બ્રહ્મપુર ધામના નિવાસી જે તમો, તે તમને હું વારંવાર દંડવત્‌ પ્રણામપૂર્વક નમસ્કાર કરું છું અને ગોલોક ધામના રાજાધિરાજ અને વળી શ્વેતદ્વીપધામને વિષે વાસુદેવ નામથી રહેલા અને પોતાના ભક્તજનોને શુદ્ધ બુધ્ધિ આપનારા અને ભક્તજનોના દુઃખોને નિવૃત્તિ કરનારા અને સુખ પમાડનારા તેમજ શાંતિ આપનારા અને વર્ણિવેશને ધારણ કરી રહેલા, અને ધર્મના સર્ગને સ્થાપન કરનારા તેમજ અધર્મસર્ગને નિર્મૂળ કરનારા દેવના પણ દેવ, ભક્તિધર્મના પુત્ર, દિવ્ય મૂર્તિ એવા સહજાનંદ સ્વામી જે તમો તે તમોને હું વારંવાર નમસ્કાર કરું છું. અને વળી અનંત બ્રહ્માંડોના બ્રહ્મા, શિવ અને મોટા મુનિઓ પણ તમોને નમસ્કાર કરે છે. વળી આપ દરેક યુગમાં ધર્મ સ્થાપન કરવાને અર્થે અને ભક્તોની રક્ષાને અર્થે મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક અવતારો ધારણ કરનારા છો. વળી આ લોકમાં માતા તથા પિતા જેમ બાળકોનું રક્ષણ કરે છે અને મિત્ર મિત્રનું રક્ષણ કરે છે, તથા બંધુ બંધુની રક્ષા કરે છે, તેમ આપ પ્રકટ થઇને ભક્તજનોનું રક્ષણ કરો છો. એવા પ્રત્યક્ષ દિવ્યમૂર્તિ ધારણ કરનારા આપને હું નમસ્કાર કરું છું. એવી રીતે પ્રાગજી દવેએ મહારાજની ઘણીક સ્તુતિ કરીને મહારાજની પૂજા કરવા માટે સામગ્રી લાવ્યા, તે જાણે સાક્ષાત્‌ અંબરીષ રાજા જેવી રીતે ભગવાનની પૂજા કરે, તેવી જ રીતે સુંદર સુગંધીદાર પુષ્પના હાર કંઠને વિષે પહેરાવ્યા. અને મસ્તકને વિષે પાઘમાં પુષ્પના તોરા ધારણ કરાવ્યા. અને નાના પ્રકારનાં નંગ જડિત ઘરેણાં કંઠને વિષે તથા હસ્તમાં તેમજ ચરણમાં ધારણ કરાવ્યાં તથા અમૂલ્ય જરિયાન વસ્ત્રો પહેરાવ્યાં. અને હજારે હજાર સુવર્ણની મહોરો તથા રૂપા મહોરો ભેટ મૂકી.

પછીથી સુંદર બરાસ-કપૂરની આરતી પ્રગટાવીને મહારાજની હેતે સહિત આરતી ઉતારી. તે સમયે શ્રીજીમહારાજની મૂર્તિ જોઇને સુંદરજીભાઇને સમાધિ થઇ ગઇ. સમાધિમાં તેમણે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખી. અને ગોલોક ધામને વિષે બંસીને વગાડતા અને રાધિકાજીએ સહિત એવા શ્રીકૃષ્ણ ભગવાન રૂપે શ્રીજીમહારાજને દેખ્યા. તેમજ શ્વેતદ્વીપ ધામમાં નિરન્ન મુક્તોએ સહિત રહેલા એવા જે વાસુદેવ તે રૂપે શ્રીજીમહારાજને જોયા. અને વળી બદરિકાશ્રમમાં નરનારાયણ ભગવાન રૂપે શ્રીજીમહારાજને દેખ્યા. તેમજ વૈકુંઠ ધામમાં લક્ષ્મીજી અને નંદસુનંદ સુદામાદિક પાર્ષદોએ સહિત વિષ્ણુ રૂપે શ્રીહરિને દેખ્યા. એવી રીતે સુંદરજીભાઇને સમાધિમાં શ્રીજી મહારાજનાં દર્શન થયાં.

પછી સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે સુંદર વર્ણિના સરખો છે વેષ જેમનો એવી મહારાજની મૂર્તિ જોઇને બે હાથ જોડી સ્તુતિ કરતા થકા કહેવા લાગ્યા જે, હે મહારાજ ! આજ સર્વ મુક્તોએ સહિત સર્વ દેવના દેવ એવા જે સાક્ષાત્‌ નારાયણ તે તમો અહીં પધાર્યા છો. અને સર્વ નામના નામી અને અક્ષરાદિક ધામના ધામી, એવા આપ મારે ઘેર પધારીને મને કૃતાર્થ કર્યો. આપ તો માયા, કાળ અને યમનો ભય ટાળીને અનંત જીવોને સુખીયા કરો છો. વળી આપશ્રીએ અનંત જીવનો ઉદ્ધાર કરવા સારુ આજ મનુષ્યના સરખી આકૃતિ ધારણ કરી છે. એમ કહીને તે તથા હીરજીભાઇ, મહારાજના ચરણારવિંદમાં પોતાનું મસ્તક નમાવીને અતિ હેતે સહિત મહારાજની આગળ બેઠા. પછી ગંગારામ આદિક બીજા હરિભક્તો પણ પોતાના હૃદયને વિષે અતિશય આનંદ પામ્યા. અને ભિન્ન ભિન્ન પણે મહારાજની મૂર્તિ જોઇને વિવિધ પ્રકારના ઉપચારોથી પૂજા કરીને સ્તુતિ કરતા થકા કહેવા લાગ્યા જે, હે મહારાજ !આપ સર્વ જગતના ઇશ્વર છો અને વળી બ્રહ્મા, શિવ આદિક દેવો તેના પણ ઇશ્વર છો. અને અનંત મુક્તો તથા મોટા ત્યાગીઓ તથા તપસ્વીઓ તેમના પણ આપ સ્વામી છો. આપ આ સમયે અધર્મસર્ગનો નાશ કરવા અને અનંત જીવોને ધર્મને વિષે સ્થાપન કરવા તેમજ તેઓને રૂડી બુધ્ધિ આપવા સારુ, અને દુર્બુધ્ધિનો નાશ કરવા માટે પધાર્યા છો.

દિવ્ય મૂર્તિ એવા આપ સર્વ પ્રકારે જયકારી પ્રવર્તો. વળી આપ સર્વ કારણના પણ કારણ છો. પોતાના ભક્તજનોને સંસારસાગર થકી ઉધ્ધાર કરનારા છો. અને મુક્તિ આપનારા છો. તેમજ ભાગવતધર્મને ધારણ કરનારા છો. અને આભાસ ધર્મને ટાળનારા છો. તેમજ અનંત જીવોના દુઃખને નાશ કરનારા છો. સદાય દિવ્યમૂર્તિ છો. એવા જે આપ તે સર્વ પ્રકારે જયકારી પ્રવર્તો. અને પોતાના ભક્તજનોને સુખ આપનારા, સુંદર લાલકમળની પાંખડીના સરખાં અણિયાળાં નેત્રથી યુક્ત, અને આધ્યાત્મિક ત્રિવિધ તાપને ટાળનારા એવા આપ જયકારી પ્રવર્તો. અને શેષશય્યામાં શયન કરનારા અને મોટા કવિઓ જેમના ગુણોનું વર્ણન કરે છે એવા અને અલૌકિક જ્ઞાનવાર્તાએ કરીને પોતાના ભક્તજનોને સુખ અને શાંતિના કરનારા તેમજ તેમનાં દુઃખોને ટાળનારા એવા આપ જયકારી પ્રવર્તો.

આપની સુંદર ચાલ જોઇને ઐરાવત પણ લજ્જા પામીને પોતાને ધિક્કારે છે. સંતજનોને પ્રસન્ન કરનારા અને કાળમાયાદિકના નિયંતા, અમૃતમય વાણીથી બોલાવીને ભક્તજનોને સુખ આપનારા, મહામુક્તો પણ જેમનું ધ્યાન કરે છે તથા જેમના નામનું ઉચ્ચારણ કરે છે એવા આપ સર્વ પ્રકારે જયકારી પ્રવર્તો. હંમેશાં જીવો પર કરુણાને કરનારા, યોગકળાને પ્રવર્તાવનારા, સજ્જનોને આદર આપનારા, પોતાના સુખથી સુખીયા અને પૂર્ણકામ કરનારા તેમજ દંભનો નાશ કરનારા, તેમજ છળ અને કપટ ને પણ નાશ કરનારા, પોતાના આશ્રિતોના કામ, ક્રોધ, લોભ, સ્નેહ, માન અને રસાસ્વાદ એ છ શત્રુઓનો નાશ કરનારા એવા આપ સર્વથા જયકારી પ્રવર્તો.

પાપનો નાશ કરનારા અને ધર્મને પ્રવર્તાવનારા, સંતજનોનાં હૃદયને પ્રફુલ્લિત કરનારા, નરના બંધુ અને નવીન મેઘના સમાન શ્યામવર્ણવાળા, સુખદાયક, દુઃખનો નાશ કરનારા એવા આપ સદા જયકારી પ્રવર્તો. દશાવતારને ધારણ કરનારા અને ભક્તિ-ધર્મના પુત્ર, મહાકવિઓ જેનો મહિમા વર્ણવે છે એવા આપ સદા જયકારી પ્રવર્તો. અનંત નામના નામી, સર્વના અંતર્યામી, અનંત જીવોના ઉદ્ધારાર્થે મુક્તો સહિત પધારેલા, સર્વદેવો તથા મુનિઓના નિયંતા એવા આપ સર્વ પ્રકારે જયકારી પ્રવર્તો. આ પ્રમાણે સર્વે હરિભક્તો સ્તુતિ કરીને પરમ આનંદ પામ્યા. અને શ્રીજીમહારાજની સમીપે બેઠા. શ્રીજીમહારાજે તે ભક્તજનોને જ્ઞાનવાર્તા કરીને પરમ આનંદ પમાડ્યા.

તે ભુજનગરમાં શ્રીજીમહારાજે જ્યારે ફૂલડોલનો મહોત્સવ કરાવ્યો, ત્યારે નાના પ્રકારનાં કેસર, કેસુડાં, પતંગ, કસુંબાદિક રંગો મંગાવ્યા, તેમજ અબિલ, ગુલાલ, અરગજા તથા લાલ ગુલાલ પણ મંગાવ્યાં. ત્યાર પછી શ્રીહરિએ હરિભક્તોના તથા સંતોના સામસામા બે વિભાગ કરાવીને, રંગક્રીડા કરવાનો પ્રારંભ કર્યો. તે સમયે એક બાજુ સર્વે હરિભક્તોનો સમૂહ રહ્યો, અને એક બાજુ પોતે સર્વે સંતોની સંગાથે રહ્યા. અને સુંદર સુવર્ણની પિચકારીથી રંગ ભરીને, પોતાના ભક્તો ઉપર છાંટવા લાગ્યા. સર્વે સંતો તથા હરિભક્તો પણ, હાથમાં રંગ ભરેલી પિચકારીઓ લઇને, એક બીજાને રંગ છાંટવા લાગ્યા. તે વખતે શ્રીજીમહારાજે ગુલાલની ફાંટો ભરી ભરીને સર્વ સંતો તથા હરિભક્તો ઉપર ફેંકી. તેણે કરીને આકાશ ઢંકાઇ ગયું. અને પૃથ્વી ઉપર રંગનો કીચ થઇ રહ્યો. રંગની પિચકારીઓ સામસામી છુટતી હોવાથી અષાઢ માસમાં મેઘની ઝડી વર્ષે તેવી રંગઝડી થઇ રહી હતી.

આ પ્રમાણે રંગક્રીડા કરીને શ્રીજીમહારાજ, સંતો તથા હરિભક્તો સહિત પાટવાડીના દરવાજે થઇને હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં જલક્રીડા કરીને પોતાના ઉતારે પધાર્યા. એવી રીતે ભુજનગરને વિષે શ્રીજીમહારાજે ફૂલદોલનો સમૈયો કર્યો હતો. આ મહોત્સવમાં કચ્છ દેશના સર્વે હરિભક્તો મહારાજને દર્શને આવ્યા હતા. શ્રીજીમહારાજે સર્વે હરિભક્તોને પોતાનાં દર્શન આપીને છાતીમાં ચરણારવિંદ આપીને તથા અમૃતમય મધુર વચને બોલાવીને ઘણુંજ સુખ આપ્યું હતું. ત્યાર પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તોને આજ્ઞા કરી જે, હવે તમો સહુ સહુના દેશમાં જાઓ. એવી રીતની શ્રીજીમહારાજની આજ્ઞા સાંભળીને સર્વે ભક્તજનો પોતપોતાના દેશમાં ગયા.

ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજની પ્રાગજી દવે આદિક હરિભક્તોએ પૂજા પ્રાર્થના કરી, અને ફૂલદોલનો સમૈયો કર્યો, પછી હરિભક્તોને ઘેર જવાની આજ્ઞા કરી, અને સર્વ હરિભક્તો ઘેર ગયા એ નામે એકવીશમો અધ્યાય. ૨૧