૨૦ મહારાજ જોડીયા બંદર થઈ અંજાર થઈ ભુજ પધાર્યા, ત્યાં કીર્તન ઉત્સવ થયો.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:55pm

અધ્યાય-૨૦

શ્રીજીમહારાજ સોરઠ દેશમાંથી સંતો સહિત કચ્છના હરિભક્તોનું પોતાને વિષે ઘણું હેત જોઇને કચ્છદેશમાં પધાર્યા. અને પોતે જાણ્યું જે, કચ્છ દેશના હરિભક્તો ઘણાજ પ્રેમી છે, અને વળી ધર્મ-નિયમમાં સાવધાન વર્તે છે. અને મારા વિના બીજા કોઇને પોતાના ઇષ્ટ પણ જાણતા નથી. તેમજ પ્રિય વાણીવાળા અને મારે વિષે અતિશય પ્રીતિવાળા, ને નિર્વાસનિક એવા કચ્છ દેશના મારા હરિભક્તોને મેં કથા વાર્તા સંભળાવવા માટે સંતોને મોકલ્યા છે. તો પણ મારાં દર્શન વિના તેમને પૂર્ણ સુખ નહીં થાય. માટે મારે જરૂર જાવું જોઇએ. એમ જાણીને શ્રીહરિ પોતે સોરઠ દેશમાંથી ચાલ્યા તે પ્રથમ ભાદરા આવ્યા. અને ત્યાં હરિભક્તોને ઘણું જ સુખ આપીને ત્યાંથી ચાલ્યા તે જોડીઆ બંદર આવ્યા. અને ત્યાંથી વહાણમાં બેસીને સમુદ્રની ખાડી ઉતરીને અંજાર પધાર્યા. ત્યાંના હરિભક્ત કચરા આદિકે શ્રીજીમહારાજની સન્મુખ આવીને કેસર-ચંદન, પુષ્પના હાર ઇત્યાદિક પૂજાના ઉપચાર વડે મહારાજની પૂજા કરીને આરતી ઉતારી અને ગદ્‌ ગદ્‌ કંઠ થઇને ઘણીક સ્તુતિ કરી, ને બે હાથ જોડીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. પછી ચાર પ્રકારનાં ભોજન - લેહ્ય, ચોષ્ય, ભક્ષ્ય, ભોજ્ય કરીને જમાડ્યા.

પછી ફૂલ-ડોલનો ઉત્સવ બાસઠની સાલનો આવે છે. તે ઉત્સવ ભુજનગરમાં કરવો એમ જાણીને પોતાના ભક્તજનો ઉપર દયા લાવીને અને તેને આનંદ પમાડવા માટે અંજારથી ભુજ જવા ચાલ્યા. શ્રીહરિ ભુજ પધારે છે તે વાત ભુજના હરિભક્તો સાંભળીને ઘણોજ આનંદ પામ્યા. અને તત્કાળ પોતાનાં સર્વે વ્યાવહારિક કાર્યો પડ્યાં મૂકીને નાના પ્રકારનાં અગણિત વાજિંત્ર વગાડતા થકા તેમજ મુખથી કીર્તનો બોલતા થકા શ્રીજીમહારાજ સન્મુખ રથ, અશ્વ આદિક વાહનો લઇને આવ્યા. અને પુરથી બહાર ચાલ્યા તે આગળ સન્મુખ આવતા જે શ્રીજીમહારાજ, તેમનાં દર્શન કરીને પોતાના મનમાં એમ જાણ્યું જે, અમારો જન્મ સર્વે પ્રકારે સફળ થયો છે. ત્યાર પછી શ્રીજીમહારાજને વિષે અતિશય પ્રીતિવાળા ભક્ત-બાઇઓ અને ભાઇઓ સર્વે શ્રીજીમહારાજને પ્રણામ કરવા લાગ્યાં. ત્યાર પછી હસ્ત જોડીને આગળ ઊભેલા હરિભક્તોને શ્રીજીમહારાજે હેતે કરીને બોલાવ્યા. પછીથી પુરુષ ભક્તજનોને બાથમાં લઇને મળ્યા. અને સ્ત્રીઓને મધુરવાણીથી બોલાવીને કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી હરિભક્તોએ શ્રીજીમહારાજને પ્રેમપૂર્વક પુષ્પના હાર ધારણ કરાવ્યા. અને કેટલાક હરિભક્તોએ પુષ્પના તોરા ધારણ કરાવ્યા, ત્યાર પછી હરિભક્તો કીર્તન બોલતા થકા તેમજ વાજિંત્રો વગાડતા થકા પોતે જે રથાદિક વાહનો લાવ્યા હતા તેના પર બેસાડીને શહેરમાં જવાનો પ્રારંભ કર્યો. તે સમયે શ્રીહરિ શ્રેષ્ઠ અશ્વ ઉપર બિરાજમાન થયા હતા.

આવી રીતની શોભાએ સહિત શ્રીજીમહારાજે પુરમાં પ્રવેશ કર્યો. તે સમયે ભુજનગર સાક્ષાત્‌ અમર-નગરીની પેઠે શોભતું હતું. અને રાજમાર્ગની બન્ને બાજુની ઊંચી અટારીઓ જાણે કે આકાશને અડી રહેલી હોય ને શું ? તેવી શોભતી હતી. વળી બન્ને બાજુની હવેલીઓની દિવાલોમાં ચિત્રામણ કરેલાં હતાં. તે જાણે સાચાં જ હોય ને શું ? તેમ જણાતાં હતાં. અને જે શ્રીજી મહારાજને ઉતરવાની હવેલી હતી તે જાણે સુવર્ણની ગાર્યથી તેમજ ચંદનની ગાર્યથી લીંપેલી હતી. અને તેને આંબાનાં પત્રો તેમજ આસોપાલવનાં પત્રો અને તોરણોથી સુશોભિત કરી હતી. અને તે ભુજનગરમાં દરેક ગૃહના દરવાજા આગળ શ્રીજીમહારાજને પ્રસન્ન કરવા માટે શ્રીફળ તથા સોપારી અને દુર્વાએ યુક્ત એવા માંગલિક કળશો સ્થાપન કર્યા હતા. અને રાજમાર્ગની બન્ને બાજુએ ધજા અને પતાકા બાંધ્યા હતા. તેણે કરીને આકાશમાં સૂર્ય પણ ઢંકાઇ ગયેલો હતો. એવા પ્રકારની શોભાએ સહિત શ્રી ભુજનગરના રાજમાર્ગમાં શ્રીજીમહારાજ અશ્વ ઉપર વિરાજમાન થઇને, સૌ જનોને દર્શન આપતા થકા ચાલ્યા. તે સમયે નગરના રાઓશ્રી ભારમલજી અતિશય પ્રેમે સહિત શ્રીજીમહારાજને સન્મુખ આવ્યા. અને બે હસ્ત જોડીને શ્રીહરિના ચરણમાં વંદન કર્યું.

તે સમયે અગણિત જનો શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવેલાં હતાં. તે સર્વે મનુષ્યો શ્રીજીમહારાજનાં દર્શન કરીને ઘણોક આનંદ પામ્યાં. અને કહેવા લાગ્યાં જે, ધર્મનું સ્થાપન કરવા તેમજ અધર્મનો નાશ કરવા માટે તથા ભક્તજનોનું રક્ષણ કરવા માટે આજે કળિયુગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ભરતખંડમાં પધાર્યા છે. આવી રીતે ભુજનગરનાં અગણિત મનુષ્યો પોતાના મુખથી શ્રીહરિની કીર્તિનું વર્ણન કરવા લાગ્યાં. તે સમયે કેટલીક સ્ત્રીઓ તો પોતાની હવેલી ઉપર ચઢીને શ્રીહરિને અતિશય હેતથી સોના-રૂપાના પુષ્પોથી તેમજ અક્ષતથી વધાવવા લાગી. કેટલાક પુરુષ હરિભક્તો તો મોતીના થાળો ભરી અને શ્રીહરિની સન્મુખ આવીને શ્રીહરિને મોતીઓથી વધાવવા લાગ્યા. અને કેટલાક હરિભક્તો શ્રીજી મહારાજના ચરણારવિંદમાં અતિશય હેતથી વંદન કરવા લાગ્યા. કેટલાક હરિભક્તો ગદ્‌ ગદ્‌ કંઠથી સ્તુતિ કરવા લાગ્યા.

કેટલાક હરિભક્તો જય જયકારના શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આ પ્રમાણે વાજતે ગાજતે શ્રીહરિ શહેરમાં વિચરી અનંત જનોને દર્શન આપતા સતા સુંદરજીભાઇ સુતારને ઘેર પધાર્યા, કારણકે શ્રીજીમહારાજના ઉતારાની વ્યવસ્થા ત્યાં કરી હતી. તે ઉતારામાં શ્રીજીમહારાજ ઉતર્યા અને સંત પાર્ષદોને બીજા હરિભક્તોને ઘેર ઉતાર્યા. અને તે સમયમાં ભુજનગરના હરિભક્તો શ્રીજીમહારાજનાં દર્શન કરીને અતિશય આનંદ પામ્યા, અને અતિ હેતથી શ્રીજીમહારાજની સેવા કરવામાં તત્પર થયા. તે ભક્તોનાં નામ :- સુતાર સુંદરજી, હીરજી, ભગવાનજી, દેવરામ, જીવરામ, પ્રાગજી, નારાયણજી અને સુતાર રાઘવજી, તેમજ પ્રાગજી વિપ્ર તથા ગંગારામ મલ્લ આદિક મલ્લ ભક્તો, તેમજ વલ્લભજી, હરજીવન અને શિવરામ એ આદિક કાયસ્થ હરિભક્તો એ સર્વ પ્રેમપૂર્વક શ્રીજીમહારાજની સેવા કરવા લાગ્યા.

અને પૂંજીબાઇ, અમરબાઇ, લેરખીબાઇ, સુરજબાઇ અને લાધીબાઇ એ આદિક બાઇઓ પણ પોતાની વ્યવહારિક ક્રિયાઓનો ત્યાગ કરીને અતિ હેતે સહિત શ્રીજીમહારાજની સેવા કરવા લાગ્યાં. તે સર્વે ભક્તજનોનો અતિશય સ્નેહ જોઇને શ્રીહરિ તે હરિભક્તોને વશ થઇ ગયા હતા. તે વખતે ભુજના હરિભક્તોએ બહુ પ્રકારનાં ભોજન તથા વ્યંજન કરીને અતિ હેતે સહિત સંત-પાર્ષદોએ સહિત શ્રીજીમહારાજને જમાડ્યા. અને તે ભક્તજનોએ શ્રીહરિનાં દર્શન કરીને ઘણુંક હેત લાવીને શ્રીજીમહારાજની સેવા કરીને શ્રીજીમહારાજને પ્રસન્ન કર્યા. તે સમયે હરિભક્તોએ શ્રીજીમહારાજને બેસવા માટે સોનાનું સિંહાસન કરાવ્યું હતું. તે સિંહાસન હીરા, માણેક, મોતી, ઝવેરાત, પોખરાજ, પીરોજા આદિક મણિઓથી યુક્ત હોવાથી કોટી સૂર્યની ક્રાન્તિ પણ ઝાંખી થઇ જાય તેવું શોભતું હતું. તેને જોઇને મોટા મોટા દેવો તથા મોટા મોટા મુનિઓનાં ચિત્ત પણ આકર્ષાઇ ગયાં. આવા સિંહાસન ઉપર શ્રીજીમહારાજ બિરાજ્યા અને શ્રીહરિની ચારે બાજુ દીપમાળાઓ કરી હતી જેથી દીપમાળાની વચ્ચે સુવર્ણના સિંહાસન ઉપર વિરાજેલા શ્રીહરિ શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્તોની સભામાં જેવા શ્રી વાસુદેવ નારાયણ ભગવાન શોભે તેમ શોભતા હતા. તે સમયે વાળંદ હરિભક્તો મોટી મોટી મશાલો ગ્રહણ કરી ઊભા હતા. અને કેટલાક હરિભક્તો પોતાના મનમાં અતિશય આનંદ પામીને નાના પ્રકારનાં વાજીંત્રો વગાડીને કીર્તનો બોલતા થકા શ્રીહરિની આગળ ઉત્સવ કરવા લાગ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજ સોરઠમાંથી કચ્છ દેશના હરિભક્તોના મનોરથો પૂર્ણ કરવા ભુજ પધાર્યા અને શહેરમાં સર્વેજનોને આનંદ આપીને સુંદરજીભાઇને ઘેર ઉતર્યા અને ત્યાં ભક્તોએ કીર્તન કરીને ઉત્સવ કર્યો એ નામે વીશમો અધ્યાય. ૨૦