અધ્યાય-૧૯
એક દિવસ શ્રીજીમહારાજ હીરજીભાઇને ઘેર વિરાજમાન હતા. ને જેઠી વાલજી નિત્યે દર્શને આવે તે છાતી કાઢીને ચાલે. એક દિવસ શ્રીહરિને નમીને પગે લાગવા ગયા, તેવા જ શ્રીજીમહારાજે હાથ લાંબો કરીને તેનું માથું બગલમાં મૂકી દીધું. પછી જેઠી વાલજીએ માથું કાઢવા સારુ ઘણીક મહેનત કરી, પણ નીકળ્યું નહિ ને પરસેવે કરીને રેબઝેબ થઇ ગયો. પછી મહારાજે હાથ ઊંચો કર્યો તે ધબ દઇને હેઠે પડ્યો. તેને જોઇને શ્રીજીમહારાજ હસ્યા ને સત્સંગી પણ સર્વે હસ્યા. પછી જેઠી વાલજીના મનમાં ભોંઠપ આવી, તે બે-ત્રણ દિવસ સુધી દર્શને આવ્યા નહિ. પછી દર્શને આવ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ગુરુ, દેવ, રાજા એટલાને દર્શને જાવું ત્યારે છાતી કાઢીને ચાલવું નહિ, ને તેમની આગળ હારીને રાજી થાવું. એવી રીતે શ્રીહરિએ વાર્તા કરી. તે વખતે જેઠી સંગો તથા જેઠી મલ્લો તે દેહે કરીને જબરા ને મહાબળિયા, તે કોઇથી જીતાય પણ નહિ એવા હતા. તે પણ શ્રીહરિનાં દર્શન કરવા આવે ત્યારે છાતી કાઢીને ચાલે.
ત્યારે તેને જોઇને શ્રીજીએ કહ્યું જે, ભક્તો ! દર્શને આવીએ ત્યારે છાતી કાઢીને ન ચાલીએ. ને સત્સંગમાં તો નિર્માની થઇને ચાલીએ. તો પણ એમને એમ અક્કડ થઇને આવે. એક દિવસે દર્શન કરવા આવ્યા, ને શ્રીજીમહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજે હાથ લાંબો કરીને બેનાં માથાં બગલમાં મૂકી દીધાં, ને શ્રીજીમહારાજ તો બીજા સત્સંગી આગળ વાતું કરવા લાગ્યા. તે મલ્લ તો પોતાનાં માથાં કાઢવા સારુ ઘણી મહેનત કરવા લાગ્યા પણ માથાં નીકળ્યાં જ નહિ, ને પરસેવાથી રેબઝેબ થઇ ગયા, ને મોઢે ફીણ આવી ગયું, ને દેહની પણ સ્મૃતિ ન રહી. પછી મહારાજે હાથ ઊંચા કર્યા તે છેટે જઇને પડ્યા. ને ઘડી બે ઘડી પડી રહ્યા ને પછી ઊઠીને ચાલી નીકળ્યા. પછી બીજા સત્સંગી હતા તેમણે કહ્યું જે, હે મહારાજ ! અમારે તો મોટો પરચો થયો. ને આવાં દર્શન તો કોઇ દિવસ થયાં નથી, ને નિર્માની થયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, સત્સંગમાં આવી રીતે નિર્માની થઇને ચાલીએ તો બહુ સારું. એવી રીતે તે બે મલ્લોને મહારાજે શિક્ષા કરી.
વળી એક દિવસે શ્રીજીમહારાજ વિરાજમાન હતા. તે સુંદરજીભાઇએ આવીને કહ્યું જે, હે મહારાજ ! રાઘવજીને પરણાવવાને માટે કાલે જાન માનકૂવે જવાની છે, અને રાઘવજી તો ના પાડે છે, જે મારે તો પરણવું નથી. માટે મહારાજ ! તમો તેને બોલાવીને કહો તો સારું. પછી મહારાજે રાઘવજીને બોલાવીને કહ્યું ત્યારે રાઘવજીએ કહ્યું જે, હે મહારાજ ! તમો ત્યાં પધારો તો હું પરણવા જાઉં, ને તમો ન પધારો, તો ન જાઉં. ત્યારે મહારાજે કહ્યું જે, અમો આવશું. પછી મહારાજ જાનમાં ચાલ્યા તે જ્યારે માનકુવા અર્ધો ગાઉ દૂર રહ્યું ત્યારે આગળ ચાલ્યા, ને સુતારને કહ્યું જે, અમે માંડવીઆ છીએ. ત્યારે તે સુતારે કહ્યું જે, મારા ઉપર કૃપા કરી જે મહારાજ વિવાહમાં પધાર્યા. પછી રસોઇ થઇ તે પ્રથમ શ્રીહરિને જમાડ્યા. પછી જાનને જમાડી. વિવાહ થઇ રહ્યો ને પછી શ્રીજી મહારાજનો ઉતારો જુદો હતો ત્યાં પોતે કાતર લઇને બેઠા. ને કહ્યું જે, જેને સાધુ થાવું હોય તે આવો. પછી સુંદરજીભાઇ આવીને બેઠા. ને કહ્યું જે, હે મહારાજ ! મને સાધુ કરો. મારે સાધુ થાવું છે.
પછી હીરજીભાઇએ સાંભળ્યું જે, સુંદરજી સાધુ થાય છે તેથી શ્રીજીમહારાજ પાસે આવ્યા, ને કહ્યું જે, હે મહારાજ ! સુંદરજીને સાધુ ન કરશો. મને સાધુ કરો. પછી મહારાજે કહ્યું જે, તમે તો સાધુ જ છો. ને સવારમાં રસોઇ થઇ તે પ્રથમ શ્રીહરિને જમાડ્યા. પછી જાનને જમાડી. ને જાન પાછી ભુજ ચાલવા તૈયાર થઇ, ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો આગળ ચાલશું. ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, હે મહારાજ ! બહુ સારું પધારો. અને અમે પણ હમણાં આવીએ છીએ. ને શ્રીહરિ ઘોડે બેસીને ચાલ્યા તે હીરજીભાઇને ઘેર આવીને ઉતર્યા. સત્સંગીની સેવા અંગીકાર કરતા થકા પાટ પર વિરાજમાન થયા. ને દિવસ વીશ પચીસ રહીને શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે માનકુવે જાવું છે. ત્યારે સુંદરજીભાઇએ હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! હમણાં અહીં બિરાજો, ને અમને દર્શન દ્યો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, પાંચ સાત દિવસ રહીને આવશું. એમ કહીને ઊઠ્યા ને સુંદરજીભાઇ તે પણ ભેળા ચાલ્યા. ને જ્યાં આપણા બાગમાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે ને આંબલી ઊભી છે ત્યાં સુંદરજીભાઇએ વસ્ત્ર પાથરી આપ્યું તે પર શ્રીહરિ વિરાજમાન થયા. ને ગામમાં સત્સંગીને ખબર પડી જે, મહારાજ માનકુવે જાય છે તે કોઇ બરફી, પેંડા, ને કોઇ પતાસાં લઇને સર્વે સત્સંગી મહારાજ આગળ મૂકીને પગે લાગીને વાતો સાંભળવા લાગ્યા. ને શ્રીહરિ તેમાંથી બરફી, પેંડા, પતાસાંને પોતે લઇને જમવા લાગ્યા. ને સર્વે સત્સંગીને પોતે પ્રસાદી વહેંચી. ને મહારાજે કહ્યું જે, હવે પાછા વળો. ત્યારે શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઊઠ્યા. ને બાઇઓ તે પાછી વળી ગઇ. ને ભાઇઓ તો ભેળા ચાલ્યા. પછી જ્યાં જેઠી ત્રિકમજીએ જગ્યા કરાવી છે ને તેમાં છત્રી કરીને પગલાં પધરાવ્યાં છે તે ઠેકાણે બે લીંબડા મોટા ઊભા હતા, ત્યાં સુતાર સુંદરજીએ પોતાનો ચોફાળ પાથર્યો ને કહ્યું જે, હે મહારાજ ! બિરાજો પાછળ સત્સંગીઓ આવે છે. પછી મહારાજ વિરાજમાન થયા. ને કોઇ સત્સંગી બરફી, પેંડા, પતાસાં લઇને મહારાજ આગળ મૂકીને પગે લાગ્યા ને વાતું સાંભળવા બેઠા. પછી સુતાર સુંદરજીએ બરફી, પેંડા, પતાસાં લઇને મહારાજના હાથમાં આપ્યાં. ને મહારાજ જમવા લાગ્યા. પછી મહારાજે કહ્યું જે, હવે રાખો. ને સર્વે હરિભક્તોને પ્રસાદી વહેંચી આપો. પછી સુંદરજીભાઇએ પ્રસાદી સર્વેને આપી. ને મહારાજે કહ્યું જે, બાકી પ્રસાદી રહી છે તે લઇ જાઓ, ને જે સત્સંગી ન આવ્યા હોય તેમને આપજો. પછી સત્સંગીઓ સર્વે દંડવત્ કરીને પગે લાગીને બોલ્યા જે, હે મહારાજ ! વહેલા પધારજો. ત્યારે મહારાજે કહ્યું જે, ભગવાન ભજ જો. ને ભગવાનને વહાલા રાખજો. ને અમે પણ દશ દિવસમાં વળી પાછા આવશું.
પછી શ્રીજીમહારાજ ત્યાંથી ચાલ્યા તે, ઢાળ ચડતાં બે ખેતર દૂર માર્ગથી ઉત્તર બાજુ એક મોટો દાંતો છે તે ઉપર બે ઘડીવાર વિશ્રામ કરીને, ત્યાંથી ચાલ્યા તે ઓળાવાળી વાવમાં જળપાન કરીને તથા સ્નાન કરીને ચાલ્યા તે માનકુવે પધાર્યા, ને ત્યાં સુતાર નાથાને ઘેર ઉતર્યા. નાથો સુતાર પોતાને ઘેર રસોઇ કરાવીને શ્રીહરિને રૂડી રીતે નિત્યે જમાડતા ને બીજા સત્સંગીઓ પણ પોતપોતાને ઘેર રસોઇ કરાવીને જમાડતા. પછી દિવસ દશ રહીને ફરી ભુજ પધાર્યા ને સુતાર હીરજીભાઇને ઘેર ઉતર્યા, ને સત્સંગીની સેવાને અંગીકાર કરતા થકા ઘણાક માસ રહ્યા હતા. ને નિત્ય હમીર સરોવરમાં આપણા બાગ સોંસરા થઇને ઓગન ઉપર થઇને વડ નીચે વસ્ત્ર ઉતારીને સ્નાન કરતા. ને દરરોજ સાધુઓ-સત્સંગીઓ પણ સાથે સ્નાન કરતા. શ્રીજી મહારાજે જળક્રીડા કરીને સર્વે હરિભક્તોને આનંદ પમાડ્યા. ને કેટલાક માસ રહીને શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે અંજાર જાવું છે તે ચાલશું.
ત્યારે સુતાર સુંદરજીએ કહ્યું જે, કાલે થાળ વહેલા કરીશું, તે જમીને ભલે પધારજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, સારું, પછી સુંદરજીભાઇએ થાળ વહેલો કરાવ્યો. ને મહારાજ વહેલા સ્નાન કરીને સુંદરજીભાઇને પૂછ્યું જે, થાળ થયો ? ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, પધારો મહારાજ, થાળ તૈયાર છે. પછી પૂર્વ બારના ઓરડાની ઓસરીયે કામળી પાથરી આપી તેના ઉપર મહારાજ બેસીને જમ્યા, ને ભેળા પાર્ષદ હતા તેને પણ જમાડ્યા. અને શ્રીજીમહારાજ ચાલ્યા. મહારાજને વળાવવા સુતાર સુંદરજી તથા જેઠી ગંગારામ તથા બીજા સત્સંગી ઘણાક સાથે આવ્યા ને તળાવ દેસલસરની પાળ ઉપર સલાટના વાડામાં સુંદરજીભાઇએ વસ્ત્ર પાથરી આપ્યું તે ઉપર બેઠા. ને શ્રીજી મહારાજે કહ્યું જે, હવે તમે સર્વે પાછા વળો. પછી સર્વે સત્સંગીઓએ દંડવત્ કરીને, હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! વહેલા પધારજો ને આ ભાથું છે તે લ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, મુળજી બ્રહ્મચારીને આપો. પછી તે ભાથું બ્રહ્મચારીને આપીને હરિજન સર્વે પગે લાગીને પાછા વળ્યા. ને શ્રીજી મહારાજ ગામ અંજાર પધાર્યા. ને બાઇ ચાગબાઇને ઘેર ઉતર્યા.
એક રાત્રિ ત્યાં રહ્યા ને બ્રહ્મચારીએ થાળ કર્યો ને મહારાજને જમાડ્યા ને પોતે જમ્યા. પછી ત્યાંથી મહારાજ ચાલ્યા તે ગામ ભીમાસરના તળાવની દક્ષિણાદી પાળે બેઠા. ને ત્યાંથી ચાલ્યા તે ગામ ભચાઉ પધાર્યા. ને શાહ વાઘાને ઘેર ઉતર્યા ને રાત્રિ રહ્યા. મુળજી બ્રહ્મચારીએ રસોઇ કરીને શ્રીહરિને જમાડ્યા ને પોતે જમ્યા અને ત્યાંથી ચાલ્યા તે ગામ વાંઢીએ પધાર્યા. અને સુતાર રૂડાને ઘેર પધાર્યા. અને ત્યાં એક રાત્રી રહ્યા. પછી બ્રહ્મચારીએ રસોઇ કરી તે શ્રીજી મહારાજ જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ માળીએ પધાર્યા. એવી રીતે કચ્છમાં શ્રીજી મહારાજ અનેક પ્રકારની લીલા કરીને ગુજરાત અને કાઠીયાવાડ થઇને સોરઠ પધાર્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજનાં દર્શને જેઠી વાલજી વિગેરે છાતી કાઢીને ચાલતા આવતા તેમને નિર્માની બનાવ્યા તથા હીરજીએ સુંદરજીને સાધુ થવાની ના કહી અને મહારાજ ભુજથી ચાલ્યા તે સોરઠ પધાર્યા એ નામે ઓગણીસમો અધ્યાય. ૧૯