૩૫ ભુજના હરજીવનને પરણાવવાની વાત, પછી અંજાર પધાર્યા, ત્યાંથી ભચાઉ થઈ ઝાલાવડ દેશમાં થઈ હાલાર થઈ સોરઠમાં પંચાળા પધાર્યા, ત્યાં બે માસ રહ્યા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:26pm

અધ્યાય-૩૫

ત્રીજા પહોરને વિષે મહારાજ જાગ્યા અને મુકુંદ બ્રહ્મચારીએ સુંદર સુગંધીદાર અને શીતળ જળ લોટામાં ભરીને આપ્યું, તેણે કરીને મુખકમળ ધોઇને કોગળા કરીને જળપાન કર્યું. અને સભા મધ્યે સુંદર સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા. અને સંતો પણ સર્વે જળપાન કરીને સભામાં આવીને મહારાજને નમસ્કાર કરીને બેઠા. તે વખતે દેશાંતરના હરિભક્તો પણ મહારાજની પૂજા કરવાની સામગ્રીઓ લઇને સભા મધ્યે આવ્યા. સુંદરજીભાઇ પણ શિરપાવ લઇને સભામાં આવ્યા. પછી સુંદરજીભાઇએ મહારાજને સુંદર જરિયાની પોશાક ધારણ કરાવ્યો. અને કેસર-ચંદનથી પૂજા કરીને સુંદર સોનાનાં કડાં તથા પોંચી શ્રીહરિને ધારણ કરાવ્યાં. અને કંઠમાં નંગજડિત સુંદર હાર પહેરાવ્યો. અને આરતી ઉતારી. પછી સ્તુતિ કરીને સંતોની પૂજા કરીને સભામાં બેઠા. મહારાજે ભક્તજનનાં ભવબંધન નાશ કરી નાખે એવી વાર્તા કરી. ત્યાં તો સાયંકાળ થયો. તેથી આરતી નારાયણ ધૂન્ય વિગેરે કરીને સભામાં સૌ બેઠા. ગવૈયા મુનિએ વાજીંત્ર લઇને શ્રીહરિના યશનું ગાન કર્યું. ગાવણું થઇ રહ્યું ત્યારે શ્રીહરિ સભામાંથી ઊઠીને પોતાને ઉતારે પધાર્યા. અને સંતો, હરિભક્તો પણ સૌ પોતપોતાને ઉતારે ગયા. અને મહારાજ સુંદર જળેથી સ્નાન કરીને પછીથી દૂધ-સાકર ને પૂરી જમ્યા. અને જળપાન કરીને મુખવાસ લીધો. સંત હરિભક્તો પણ પોતાને ઉતારે બે ઘડી વિરામ કરીને મહારાજને ઉતારે આવ્યા. અને હરિભક્તોને મહારાજે કહ્યું જે, પ્રાતઃકાળમાં સૌને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા છે. માટે સૌ વહેલા ઊઠીને જજો. અને સંતો પણ પોતપોતાના દેશમાં ફરવા જજો. એમ આજ્ઞા કરીને મહારાજ જળપાન કરીને સૂઇ ગયા. અને સંતો-હરિભક્તો પણ પોતપોતાના ઉતારે જઇ જળપાન કરીને સૂઇ ગયા. પ્રાતઃકાળમાં ઊઠીને હરિભક્તો પોતપોતાના દેશમાં ગયા. અને સંતો પણ દેશાંતરમાં ફરવા ગયા. એવી રીતે શ્રીજી મહારાજે સુંદરજીભાઇને ઘેર હુતાસનીનો ઉત્સવ કર્યો હતો.

બીજે દિવસે ત્યાં સુરતના સત્સંગીઓ આવ્યા. અને શ્રીજી મહારાજનાં દર્શન કરીને દંડવત્‌ કરીને પગે લાગીને બેઠા. પછી શ્રીજીમહારાજ તેમને જોઇને રાજી થયા અને હીરજીભાઇને કહ્યું જે, આમને માટે રસોઇ કરાવો. પછી તે સત્સંગીઓએ શ્રીજી મહારાજની પૂજા કરી. પછી તેઓએ કપૂરનો શિરપેચ ધરાવ્યો. અને કપૂરની ઉતરી ને કપૂરની માળા અને કપૂરના બાજુબંધ અને કપૂરની પોંચી તથા સારાં વસ્ત્રો શ્રીજીમહારાજને ધારણ કરાવ્યાં. મહારાજ એમની પૂજાને અંગીકાર કરીને વિરાજમાન થયા. તે વખતે કાયસ્થ બાઇ લાધીબા, તેમના ભાઇ નારાયણજીભાઇ, મહેતા શિવરામ, હરજીવનભાઇ અને તેમનાં બહેન ભાગબાઇ એ સર્વે શ્રીજીમહારાજને દર્શને આવ્યાં. તે દર્શન કરીને બેઠાં ત્યારે લાધીબાઇએ શ્રીજી મહારાજને કહ્યું જે, આ હરજીવનને પરણાવવા છે. તે પરમ દહાડે જાન ચાલવાની છે તે મારે જાવું પડશે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને સાંખ્યયોગી બાઇઓને જાનમાં ન જાવું. ત્યારે લાધીબાઇએ કહ્યું જે, મારી મા તો મરી ગયાં છે. ને પાંચે ભાઇ-બહેનમાં મોટી હું છું. તે મારે ગયા વિના ચાલે તેમ નથી, માટે જાવું પડશે. ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો ના કહીએ છીએ, છતાં તમારે જાવું હોય તો જાઓ. પછી લાધીબાઇએ કહ્યું જે, મહારાજ ! મારે ઘેર બીજાં મનુષ્ય ઘણાં આવ્યાં છે, માટે દયા કરીને તમે બે દિવસ જમવા પધારો તો બહુ સારું.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, બહુ સારું આવશું રસોઇ કરાવો. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, હરજીવન પરણે છે. એને અમે શું આપીએ ? ત્યારે હરજીવને કહ્યું જે, હે મહારાજ ! આપની દયા જોઇએ. અને સર્વે આપનું આપેલું છે. એમ વાતો કરે છે એટલામાં મહેતા જગજીવનના ઘરવાળાં બાઇ જેકુંવર રૂપાના થાળમાં પૌંવા દૂધમાં પલાળીને સાકર નાખીને શ્રીજીમહારાજની આગળ મૂકીને કહ્યું જે, હે મહારાજ ! આ પૌંવા ને દૂધ છે તે જમો. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, લાવો, જમીએ. પછી મહારાજ જમવા બેઠા તે સારી પેઠે જમ્યા. પછી હરજીવનને પ્રસાદી આપીને કહ્યું જે, આ પ્રસાદી જમો. ત્યારે હરજીવન જમવા બેઠા. ત્યારે શિવરામભાઇએ કહ્યું જે, મને પ્રસાદી આપો. ત્યારે હરજીવને કહ્યું જે, આ પ્રસાદી મહારાજે મને આપી છે તે તને નહીં આપું. ત્યારે મહારાજે કહ્યું જે, હરજીવન નહિ આપે. એ તો પ્રસાદી અમે એમને આપી છે.

પછી હરજીવન જમી રહ્યા. શ્રીજીમહારાજે સુરતના હરિભક્તોએ ધરાવેલાં વસ્ત્રો તથા કપૂરનાં ઘરેણાં જે શિરપેચ, ઉતરી, માળા, બાજુબંધ, પોંચી વિગેરે હતાં તે સર્વે ઉતારીને હરજીવનને આપ્યાં ને કહ્યું જે, આ ઘરેણાં તમને આપ્યાં. ત્યારે હરજીવને કહ્યું જે, જ્યારે ઇન્દ્રે દુર્વાસાનો અપરાધ કર્યો ત્યારે દુર્વાસાએ શાપ આપ્યો તેથી ત્રિલોકીની લક્ષ્મી સમુદ્રમાં લીન થઇ ગઇ હતી. પછી સમુદ્ર વલોવ્યો ને તેમાંથી લક્ષ્મીજી નીકળ્યાં. તે કૃપા કરીને સામું જોયું. તેણે કરીને દેવતા તથા દૈત્ય તથા મનુષ્ય માત્રના મનોરથ સર્વે પૂર્ણ થઇ ગયા. અને સુદામાને શ્રીકૃષ્ણ ભગવાને કૃપા કરીને સામું જોયું તેણે કરીને સુદામાના મનોરથ માત્ર પૂર્ણ થઇ ગયા. તેમ અમારે માથે શ્રીજી મહારાજે કૃપા કરીને અમારા સામું જોયું તેથી અમારા પણ મનોરથ માત્ર પૂર્ણ થઇ ગયા. જુઓને હમણાંજ પરચો થયો જે દૂધ પૌંવા ને સાકર તે જમવા મળ્યાં. અને ઓઢવા વસ્ત્રો મલ્યાં અને પહેરવા ઘરેણાં મલ્યા. એમ મહારાજની કૃપાએ કરીને મલ્યાં, તે વળી મહારાજની પ્રસાદીનાં મલ્યાં. માટે અમે પણ મોટા ભાગ્યશાળી છીએ. પછી શ્રીજીમહારાજ સામું જોઇને હસ્યા અને કહ્યું જે, નાના છે પણ સમજણ સારી છે. પછી લાધીબાઇ બોલ્યાં જે, જેમ હરજીવન કહે છે તેમજ યથાર્થ છે, કેમ જે, આપ મલ્યા તેથી બીજી શી પ્રાપ્તિ જોઇએ ? અષ્ટસિધ્ધિ ને નવનિધિ સર્વે આપના ચરણના વિષે રહેલી છે. એમ કહીને પોતાને ઘેર જઇને રસોઇ કરી તે શેવો, કંસાર, લાડુ, પૂરી અને પકવાન સાત વાનાંની સુખડી અને પાક, શાક અને અથાણાં, પાપડ એ આદિક સર્વે રસોઇ થઇ રહી ત્યારે લાધીબાઇએ મહેતા શિવરામભાઇને કહ્યું જે, મહારાજને જમવા તેડી લાવો. પછી શિવરામભાઇએ આવીને શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! રસોઇ તૈયાર થઇ છે માટે જમવા પધારો, પછી શ્રીજીમહારાજ જમવા પધાર્યા. અને ત્યાં બાજોઠ ઉપર વિરાજમાન થયા. અને તે ભક્તે અન્નકૂટની પેઠે સર્વે ભોજન લાવીને મૂક્યાં. શ્રીજીમહારાજ ધીરા ધીરા રૂડી રીતે જમ્યા. પછી ચળુ કરીને બીજા ઘરમાં બેઠા. અને તે ભક્તે કેસર, ચંદન, પુષ્પના હાર અને વસ્ત્રે કરીને શ્રીજીમહારાજની પૂજા કરી. પછી કહ્યું જે, હે મહારાજ ! કાલ પણ દયા કરીને પધારજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે સારું આવશું. પછી બીજે દિવસે પણ તેવી રીતે રસોઇ કરીને શ્રીજી મહારાજને રૂડી રીતે જમાડીને પૂજા કરી.

પછી શ્રીજીમહારાજ સુતાર હીરજીભાઈને ઘેર પધાર્યા. અને હરજીવનને પરણાવવાને જાન ચાલી તે પરણાવીને જાન પાછી વળી. તે માર્ગમાં ચાલતાં લાધીબાઇ ગાડા ઉપરથી પડી ગયાં. તેને આવીને ઘેર ઉતારીને જાન પણ ઊતરી ને શિવરામભાઈએ આવીને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ! જાન આવી તે લાધીબાઈ તો ગાડા ઉપરથી પડી ગયાં, તે શરીરની પણ ખબર નથી ને દાંત બંધાઈ ગયા છે. તે વાત સાંભળીને શ્રીજીમહારાજ તત્કાળ ઊઠીને ત્યાં પધાર્યા ને લાધીબાઈ સામું જોઈને શ્રીજી મહારાજ બોલ્યા જે, પ્રારબ્ધનાં દુઃખ છે તેતો મુક્તને પણ ભોગવવાં પડે. એમ કહીને બોલ્યા જે, બકરીનું દૂધ અને હળદી, કડાઈ, તાવિથો અને દેવતા, સગડી લાવો. અમે લાધીબાઈના સારુ રાબ કરીએ. પછી શ્રીજીમહારાજે પોતે પોતાને હાથે દૂધની રાબ કરી ને ચૂલેથી ઉતારીને ઠારીને શ્રીજીમહારાજે કહ્યું જે, વેલણ લઈને લગારેક મોં પહોળું કરો તો રાબ પાઈએ. પછી તે બાઈના ભાઈએ બાઈનું મોઢું પહોળું કર્યું તે મહારાજે પોતે રાબ પાઈ. પછી બે પૈસા ભાર રાબ ઊતરી ત્યારે મહારાજે કહ્યું જે, બાઈ ઊગર્યાં ને પ્રત્યક્ષ ભગવાને રાખ્યાં. ત્યારે મહેતા શિવરામભાઈ અને મહેતા હરજીવનભાઈએ કહ્યું જે, પ્રત્યક્ષ ભગવાને રાખ્યાં ખરાં. ત્યારે મહારાજ સામું જોઈને હસ્યા. એવી રીતે શ્રીજીમહારાજે પોતે આવીને રાબ કરીને ત્રણ દિવસ સુધી બે બે વખત પાઈ. એ રાબ પીને ત્રણ દિવસે સાજાં થયાં અને શ્રીજી મહારાજને થાળ કરીને રૂડી રીતે પાર્ષદે સહિત જમાડ્યા. એવી રીતે અનેક પ્રકારની લીલા કરતા વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આજ અમારે ચાલવું છે. ત્યારે સુંદરજીભાઈએ કહ્યું જે, હે મહારાજ! હમણાં પાંચ દિવસ દર્શન દ્યો અને બિરાજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે તો નહિ રહેવાય. ત્યારે સુંદરજીભાઈએ કહ્યું જે,થાળ વહેલા કરશું તે જમીને પધારજો. ત્યારે શ્રીજીએ કહ્યું જે, સારુ પછી સવારમાં મહારાજ હમીર સરોવરમાં નાહીને પધાર્યા. ત્યારે હીરજીભાઈ આવ્યા ને કહ્યું જે, પધારો મહારાજ! રસોઈ તૈયાર છે. એટલે શ્રીજીમહારાજ જમવા પધાર્યા. જમીને પાર્ષદોને જમાડ્યા.

પછી મહારાજ ચાલ્યા તે વાણીયાવાડ વાળે દરવાજે પધાર્યા અને બહાર વાડીમાં રાયણના વૃક્ષ હેઠે સુંદરજીભાઈએ પોતાનો ચોફાળ પાથરીને શ્રીજીમહારાજને હાથ જોડીને કહ્યું જે, પધારો મહારાજ, બિરાજો. પછી મહારાજ બેઠા અને વાતો કરી. તે વાતું સાંભળીને સત્સંગી સર્વેના નાડી પ્રાણ તણાઈ ગયાં.  જેમ ચમકને દેખીને લોઢું તણાઈ જાય તેમ શ્રીજીમહારાજ પાસેથી ઊઠવાને કોઈ સમર્થ ન થયા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, હવે સત્સંગી સર્વે ચાલો, વળો. તો પણ પાછા ન વળ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે ઊઠો. ત્યારે સુંદરજીભાઈએ કહ્યું જે, હે મહારાજ! આ હરિભક્ત પ્રસાદી લાવ્યા છે તે જમો. ત્યારે મહારાજે કહ્યું જે, લાવો જમીએ. પછી સુંદરજીભાઈએ શ્રીજી મહારાજને બરફી, પેંડા તથા પતાસાં લઈને હાથમાં આપ્યાં. અને મહારાજ સારી પેઠે જમ્યા. પછી મહારાજે કહ્યું જે, હવે રાખો અને પ્રસાદી સર્વે સત્સંગીને આપો. ત્યારે સુંદરજીભાઈએ સત્સંગી સર્વેને આપી. ત્યારે મહારાજે કહ્યું જે, બાકી રહી જે પ્રસાદી તે સર્વે સત્સંગીને રાત્રે વહેંચી આપજો. પછી સુંદરજીભાઈએ કહ્યું જે, હે મહારાજ! આ ટીમણ છે તે લ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, ડુંગરજીને આપો. પછી સત્સંગી સર્વેએ દંડવત્‌ પ્રણામ કરીને પગે લાગીને સ્તુતિ કરીને કહ્યું જે, હે મહારાજ! વહેલા પધારજો. ત્યારે મહારાજે કહ્યું જે, સર્વે સત્સંગી પાછા વળો ત્યારે સર્વે સત્સંગમાં પાછા વળ્યા અને મહારાજ ગામ અંજાર પધાર્યા.

જ્યાં બાઈઓનું જુનું મંદિર છે ત્યાં ચાગબાઈ રહેતાં હતાં તેમને ઘેર ઊતર્યા. ને બાઈએ રસોઈ કરીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ વરસામેડીના તળાવમાં જળપાન કરીને ઘડીક તળાવ પાળે બાવળના વૃક્ષ તળે વિશ્રામ કર્યો. અને ત્યાંથી પોતાના પાર્ષદે સહિત ચાલ્યા તે ગામ ભીમાસર ચકાસરના તળાવની પૂર્વ બાજુની પાળ ઉપર આંબલીના વૃક્ષ તળે વિશ્રામ કર્યો. અને ત્યાંથી પોતાના પાર્ષદે સહિત ચાલ્યા તે ગામ ભીમાસર ચકાસરના તળાવની પૂર્વ બાજુની પાળ ઉપર આંબલીના વૃક્ષ તળે જળપાન કરીને વિરાજમાન થયા. અને ત્યાં બે ઘડી વિશ્રામ કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ મોટી ચીરઇના તળાવ કુંવરસરની દક્ષિણની બાજુની પાળે બાવળના વૃક્ષ તળે જળપાન કરીને તથા સ્નાન કરીને બે ઘડી વાર વિશ્રામ કર્યો.

આ સ્થાનમાં બે વાર મહારાજ વિરાજમાન થયેલા છે. ત્યાંથી ચાલ્યા તે ગામ ભચાઉ પધારતાં રસ્તામાં પૂર્વ દિશામાં સમીપે બટીયાવાળો કૂવો છે ત્યાં આંબલીના વૃક્ષ તળે વિરાજમાન થયા. અને તે કૂવામાં સ્નાન કરીને બે ઘડી વાર વિશ્રામ કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ ભચાઉમાં શાહ લખુને ઘેર પધાર્યા. અને શાહ લખુએ પોતે રસોઇ કરાવીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. અને ત્યાંથી ચાલ્યા તે ગામ વાંઢીયે પધાર્યા, અને સુતાર રૂડાને ઘેર ઊતર્યા. અને સુતાર રૂડે પોતાને ઘેર રસોઇ કરાવીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા અને મહારાજ ત્યાંથી ગામ માળીયે પધાર્યા. અને ત્યાં બજારમાં લુહાણા હતા તેમણે મહારાજને માટે રસોઇ કરાવી અને મહારાજ જમીને પધાર્યા તે ઝાલાવાડ દેશમાં ફરતા ફરતા હાલાર દેશમાં પધાર્યા. ત્યાંથી સોરઠ દેશમાંથી પંચાળે પધાર્યા, ને ઠાકોર ઝીણાભાઇને ઘેર ઊતર્યા. ત્યાં માસ બેને આશરે રહ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્યઅચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે જાગ્રત થઇને જળપાન કરીને પછી સર્વે હરિભક્તોને ઘેર જાવાની આજ્ઞા આપી અને ઝીણાભાઇને ઘરે માસ બેને આશરે રહ્યા એ નામે  પાંત્રીસમો અધ્યાય. ૩૫