૩૬ ત્યાંથી ભાલમાંથી જેતલપુર, દંઢાવ્ય, માળીયા, વાંઢીયા, ભચાઉ તથા ભુજ થઈ તેરા પધાર્યા, ગુંસાઈજીના મંદિરમાં પ્રશ્ન-ઉત્તર સંતન આત્માનું અભિમાન નથી ? તે વાત. ઈદ્રે કરેલી સ્તુતિ.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:28pm

અધ્યાય-૩૬

પછી ત્યાંથી પધાર્યા તે કાઠિયાવાડ તથા ભાલ દેશમાં થઇને ગુજરાતમાં ગામ જેતલપુર પધાર્યા. ત્યાં મહારુદ્ર કરીને ત્યાંથી ચાલ્યા તે દંઢાવ્ય પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે માળીયાનું રણ ઉતરીને વાંઢીયા પધાર્યા. ત્યાં રૂડા ભક્તને ઘેર થાળ જમીને ભચાઉ પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે ભુજનગરમાં સુતાર સુંદરજીભાઇને ઘેર પધાર્યા. ત્યાં બે દિવસ રહીને તેરે પધાર્યા. ત્યાં સુતાર નોંઘાને ઘેર ઉતર્યા. મહારાજ કથા કરાવવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણ આવ્યો. ત્યારે મહારાજે તેને કહ્યું જે, ક્યાં રહો છો ? ત્યારે તે કહે અમદાવાદ રહીએ છીએ. ત્યારે મહારાજ કહે, કઇ પોળમાં રહો છો ? ત્યારે તેણે પોળનું નામ લીધું. ત્યારે મહારાજ કહે, આ તો ઠેકાણાના બ્રાહ્મણ છે. પછી મહારાજ કહે, ખાંડનું સીધું અપાવો. ત્યારે તે બોલ્યો જે, લાકડાં નથી. ત્યારે મહારાજે કહ્યું જે, તમે ઉતારે જાઓ, સુતાર પુગાડશે. તમે ક્યાં ઉપાડશો ? ત્યારે બ્રાહ્મણ ગયો અને મહારાજે ધનજીને કહ્યું જે, એ તો વૈરાગી છે ને બ્રાહ્મણનો વેષ લીધો છે. તે તું લાકડાં લઇને જા, ને કહેજે જે, આજનું સીધું લેખે આવ્યું છે. શા માટે જે અમારે ઘેર સ્ત્રી છે. તેને સ્વામિનારાયણે કાંઇક કર્યું છે તે કોઇને ચપટી પણ આપે નહીં, પણ આજ તો સ્વામિનારાયણે પોતે કહ્યું ત્યારે આપ્યું છે. માટે રુડું થનાર તે તમ જેવાને અર્થે આવ્યું. પણ મહારાજ ! આ પાપ ક્યારે જાશે ? આ પ્રમાણે શ્રીજીની કહેલી વાત ધનજીએ વૈરાગીને જઇને કહી. ત્યારે વૈરાગી બોલ્યો જે, કુછ ફિકર રખના નહીં, હમ પચાસ જણા વેશ લઇને ફિરતા હે. પણ એ ક્યાંક ખૂણામાં ઘૂસ જાતા હે, ક્યાંય લાગ નથી આવતો. પછી ધનજી સુતારે આવીને બધી વાત કરી ને ડુંગરજી બોલ્યા જે, હે મહારાજ ! એને થોડીક શિખામણ દેશું ? ત્યારે મહારાજે ના પાડી, તો પણ પરોઢિયે માર્ગ રોક્યો, પણ વૈરાગી બીજે માર્ગે ગયો તે ભેળો ન થયો.

એક દિવસ ગુંસાઇજીના મંદિરમાં કથા વંચાતી હતી ત્યાં મહારાજ ગયા પછી મહારાજને ચંદન ચરચવાને અર્થે કટોરો લીધો ત્યારે પ્રાગજીએ લઇ લીધો. પછી ઓરસીયો ધોઇને ચંદન ઉતારીને મહારાજને ભાલે અર્ચા કરી. પછી આત્માનંદ સ્વામીને અર્ચા કરી ને પછી પોતે કરી, અને નાગદમનની વાત આવી હતી, ને અધ્યાય પૂરો થયો ત્યારે મહારાજે ઊઠવાનું કર્યું, ત્યારે પુરાણી બોલ્યો જે, અમારે માંહોમાંહી વિવાદ થયો છે જે, ‘‘नह्यमयानी तीर्थानि’’ એ શ્લોકનો એમ વાદ છે જે, એમ કહે છે જે ‘‘पुरुकालेन’’ અને એક એમ કહે છે જે, ‘‘उरुकाले’’ ત્યારે મહારાજ બોલ્યા જે, અમે તો ભણ્યા નથી ને આ પ્રાગજીને પૂછો. ત્યારે પ્રાગજીએ કહ્યું જે, એમે થાય ને એમે થાય. પછી મહારાજ ચાલી નીકળ્યા. પછી પ્રાગજીએ મહારાજને કહ્યું જે, આજ તો દરબાર પૂછતા હતા જે, સ્વામિનારાયણને પૂછો જે, વરસાદ આવશે કે ગયો ? ત્યારે મહારાજે કહ્યું જે, અહીંથી અમે જાઇએ તો વરસાદ આવે. પછી મહારાજ તો ઉતારે ગયા અને આત્માનંદ સ્વામીને નિર્વિકલ્પાનંદ સ્વામીએ કહ્યું જે, પાટીમાં જો. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, પાટી તો કપાળમાં માંડી છે પણ આજ તો તમારે બોલવું નહિ, મહારાજનાં દર્શન કરવા દ્યો. પછી મહારાજ સાંજે ઓરડીએ આવ્યા. ત્યારે ઉદેપુરથી સાધુ જુદો પડ્યો હતો તે આવ્યો. ત્યારે મહારાજે કહ્યું જે, આવો મહાપુરુષ, કેમ છે ? પછી ધ્યાનાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! આજથી નવો સત્સંગ કરવો છે. તેને મહારાજે કહ્યું જે, આ નિર્વિકલ્પાનંદ ભેળા રહો. પછી બીજે દહાડે દિવસ ઉગતાં જ મહારાજ આવ્યા ને ચાખડીયુંમાં ઘુઘરીયુંનો ખણખણાટ કરાવતા આવ્યા. તે વખતે આત્માનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી અને નિર્વિકલ્પાનંદ સ્વામી ત્રણ જણા ઓરડામાં બેઠા હતા. તે નિર્વિકલ્પાનંદ સ્વામી વાતું કરતા હતા. પછી મહારાજે કહ્યું જે, કાલ આવ્યો છે તે સાધુ તમારા ભેળો રહેશે અને આત્માનંદ સ્વામી તો અમારા ભેળા આવશે. પછી મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે જમી લ્યો. તે આત્માનંદ સ્વામી જમવા ગયા.

અને મહારાજ જમીને ઊઠ્યા હતા તે અર્ધો રોટલો ને દાળ પડ્યાં હતાં તે ત્યાંને ત્યાં જમવા બેઠા અને મહારાજ તો વહેલ જોડાવીને ચાલી નીકળ્યા. પછી તે પણ ઉતાવળ કરી વાંસે દોડવા ગયા. પછી દરવાજેથી નીકળતાં દૂરથી જોયા, તે ધોળા બળદ વેલે જોડ્યા છે, ને ધોળે વસ્ત્રે સહિત વેલમાં બેઠેલા મહારાજે આત્માનંદ સ્વામીને આવતા ભાળ્યા. પછી મહારાજે પાળાને કહ્યું જે, ઊભા રહો, આત્માનંદ સ્વામી દોડી મરશે. તમે બન્ને જણા ધીરે ધીરે આવજો, શા માટે જે, બાઇઓ બેઠી છે તે તમારે ઠીક નહીં પડે. પછી કાળેતળાવે ભેળા થયા. ને ત્યાં નાની સરખી એક છાપરી હતી તે ઢોલિયો સમાય એવડી હતી. તેમાં ઢોલિયા ઉપર ગોદડું પથરાવીને સૂઇ રહ્યા. અને આત્માનંદ સ્વામી પાસે બેઠા હતા ને પવન ઢોળતા હતા. મહારાજ તો વારંવાર તેના સામું જુવે, અને વળી આકાશ સામું જુવે, એમ ચંચળ થયા. ત્યાં તો આકાશ જલાકાર થયો. ને મોટાં મોટાં ફોરાં વરસવા માંડ્યાં. અને ઇંદ્રે પણ મૂર્તિમાન આવીને મહારાજને સાષ્ટાંગ દંડવત્‌-પ્રણામપૂર્વક ઘણીક સ્તુતિ કરી. તે સ્તુતિ સાંભળીને મહારાજ ઘણા જ પ્રસન્ન થયા. પછી મહારાજ બેઠા થયા, અને ઇન્દ્ર પોતાને સ્થાને ગયા, ને બહુ વરસાદ વરસ્યો. મહારાજ બહુ રાજી થયા અને જે જે મનુષ્યો આવે તેને પૂછે જે, વરસાદ થયો ? ત્યારે તે કહે જે, હા મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે, અમે કહ્યું હતું જે અહીંથી અમે જાઇએ તો વરસાદ આવે, માટે વરસાદ આવ્યો ખરો.

એક દિવસ રવજી સુતાર મહારાજને જમવા સારુ રસોઇ કરાવવાને પોતાના ભાઇને ઘેર સીધું દેવાને જાતા હતા. ત્યારે મહારાજે તેના સામું જોયું, અને એ પાછા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ તેના સામું જોઇ રહ્યા. પછી મહારાજે એને કહ્યું જે, રવજીને તો પ્રભુ નથી સાંભરતા. એમ કહીને મહારાજ બોલ્યા જે, રવજી ! ત્યારે તેણે કહ્યું જે, શું કહો છો મહારાજ ? ત્યારે મહારાજે કહ્યું જે, અહીં આવો. ત્યારે મોઢા આગળ આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, તમને પ્રભુ સાંભરે છે કે નથી સાંભરતા ? ત્યારે રવજી બોલ્યા જે, કોઇક દિવસ સાંભરે છે. પછી મહારાજે બીજા મનુષ્યોને કહ્યું જે, જુવો છો ને, પોતે બ્રહ્મમહોલમાં જાતા અને બીજાને તેડી જાતા એવા હતા, પણ જો વચન ઉલ્લંઘન કર્યા તો પ્રભુ વિસરાઇ ગયા. એ દિશની ઘણીક વાત કરી.

પછી મહારાજે કહ્યું જે, રોટલાનું કેમ કરો છો ? ત્યારે રવજીએ કહ્યું જે, ટાઢો રોટલો બાંધી જાઉં છું, ને કોઇક દિવસ તો આળસ થાય તો એમજ જાઉં ને સાંજે આવીને ખાઉં. પછી મહારાજે કહ્યું જે, રોટલા કરવાવાળી આવી છે ને ? ત્યારે રવજીએ કહ્યું જે, એતો એના બાપને ઘેર ગઇ છે. અને હોય ત્યારે કહું જે, રોટલા કર, ત્યારે ખીચડી કરે. અને ખીચડી કરવાનું કહું તો રોટલા કરે. ને કહું જે કાંઇ દાળ-શાક કરીએ નહીં ? ત્યારે કહે જે, નિઃસ્વાદી વર્તમાન શાનું પાળો છો ? પછી મહારાજ બહુ હસ્યા. અને કહ્યું જે, એ તો તને ગુરુ મળી છે. હવે અમે કોઇ દિવસ તને પરમહંસ બનાવશું, તેથી તમને કોઇ દિવસ નહીં સાંભરે. પછી મહારાજ બોલ્યા જે, તમે મોરે સત્સંગમાં ફરતા ત્યારે જમ્યાનું કેમ કરતા ? ત્યારે રવજીએ કહ્યું જે, સવારમાં તો મોતીયા, જલેબી, દૂધ, પેંડાનું ટીમણ કરતા. ને પછી મધ્યાહ્ને હરિભક્તને ઘેર જમવા જાતા. ત્યાં પાકી રસોઇ થાય, તે પાક, શાક, અથાણાં, એ રીતે જમતા. ને સાંજે દૂધ, સાકર ને ચોખા, એ રીતે સાંજે જમતા. પછી મહારાજે કહ્યું જે જુવોને, ખાવાનું આવું સુખ હતું તે પણ ન રહ્યું. એ દિશની ઘણીક વાત કરી. પછી મહારાજ જમવા પધાર્યા ને જમીને ઢોલિયા ઉપર પોઢી ગયા.

બીજે દિવસે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને સભા ભરાઇને બેઠી હતી. પછી સાધુની મંડળી આવી તથા મુળજી બ્રહ્મચારી આવ્યા તે સાધુએ મહારાજની આગળ એક કેરી મુકી. ત્યારે મહારાજે કહ્યું જે, આ કેરી છોલી લાવો. ત્યારે મુળજી બ્રહ્મચારી કેરી લઇને ચાલ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મચારી ! પાછા આવો. એમ કહીને સાધુને કહ્યું જે, આ કેરી તમે ક્યાંથી લાવ્યા ? ત્યારે સાધુ બોલ્યા જે, અમે મોથારે રાત રહ્યા હતા. આંબા તળે સૂતા હતા તે સવારમાં પડેલી ભાળી તે લઇ લીધી. પછી મહારાજે ભક્તને પૂછ્યું જે, આંહી કેરીની અછત ખરી ? ત્યારે સર્વે હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ ! આંહી તો કોઇક ગામમાં આંબા હોય. ત્યારે મહારાજે કહ્યું જે, આંહી લેતાં દેખે તો શું કરે ? ત્યારે ભક્તે કહ્યું જે, એ તો મારે. ત્યારે મહારાજે કહ્યું જે, આ તો ચોરીની કેરી ન ખવાય. પછી વળી મહારાજ બોલ્યા જે, છોલી લાવો, છોલી લાવો. આ પ્રથમ ચોરી કરવા શીખે છે. માટે પ્રથમ ચોરીનું થોડું પાપ હોય. પછી મહારાજ કેરી જમ્યા. પછી એમ વાત કરી જે, જ્યાં કેરીની છત હોય ને સૂઝે તે લે અને કોઇની બંધી ન હોય; જેમ કોઠાનું રખોપું નહિ, તેમ કેરીઓનું જ્યાં રખોપું ન હોય ત્યાં લે તેનો બાધ નહી. પછી મુળજી બ્રહ્મચારી હડમતિએથી કાગળ લાવ્યા હતા તે કાગળ મહારાજે વાંચ્યો. તે મહારાજ ઉપર કાગળમાં બાઇએ એમ લખ્યું હતું જે, તમે મને કહ્યું હતું જે, પરણીને જાઓ ત્યાં હું એક વખત આવીશ, એવો તમે મને કોલ દીધો હતો. તે આવ્યા નહીં. હવે મારો વાંક કાઢતા નહિ, પછી મહારાજ બોલ્યા જે, દેહ નહીં રાખે, માટે દેહ રાખે એવો લાવો કાગળ લખીએ. એમ કહીને મહારાજે કાગળ લખ્યો જે, અમે કોલ દીધો છે ને ન આવ્યા એ અમારી ભૂલ. પણ હમણાં તો રાજકોટમાં મુળજી બંધિયાવાળા તેની બહેન લખુબા તે કર્મયોગીનાં વર્તમાન પાળે છે તેમ તમે કર્મયોગીનાં વર્તમાન પાળશો. એમ તે વાત સાંભળીશું ત્યારે અમે આવીશું. પછી સાધુ બોલ્યા જે, દેહ નહિ રાખે, ત્યારે મહારાજે એમ કહ્યું જે, અમારા હરિભક્ત હોય તે એકલા ન ચાલે, દિવસ આથમ્યા કેડે ઘર બહાર ન નીકળે, ને આત્મઘાત ન કરે. એ રીતની ઘણીક વાત કરી. ને કાગળ લખીને હડમતિયે મોકલ્યો. બીજો એક કાગળ વિશલનગર મોકલ્યો જે, જેમ કાગળમાં કહ્યું છે તેમ ભજનમાં બેસજો; એમ લખી મોકલ્યો. પછી રવજીને એમ કહ્યું જે, તમારે વગડામાં જે દિવસ રાત રહો તે દિવસ ધ્યાનમાં બેસવું અને ઘેર રાત-દિવસ કથા કરવી ને સર્વે બાઇ-ભાઇ સાંભળે એવી રીતનો અભ્યાસ રાખજો. પછી મહારાજ ગાડા હેઠે બેઠા વાતું કરતા હતા, ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! હેઠે ગરમી બહુ છે માટે ગાડા ઉપર આવો તો વાયરો આવે એમ કહીને મહારાજને ગાદલું નખાવીને બેસાર્યા. અને આત્માનંદ સ્વામીને બીજા ગાડા ઉપર સાદડી નાખી દીધી તે ઉપર બેઠા. અને મહારાજે કહ્યું જે, પ્રગટની વાતો કરો. પછી સ્વામીએ વાતો કરી. બીજે દિવસ પરોઢિયે મહારાજ પોઢ્યા હતા. ત્યાં તેરાના હરિભક્તો કીર્તન ગાતા ગાતા આવ્યા. તે સાંભળીને મહારાજ બેઠા થયા. ને બોલ્યા જે, કોણ કીર્તન કરે છે ? ત્યારે પુંજાજીએ કહ્યું જે, એ તો તેરાના હરિભક્તો આવવાના હતા તે આવ્યા હશે. પછી હરિભક્ત આવ્યા તે મહારાજને પગે લાગીને બેઠા. પછી કહ્યું જે, અમારે ગામ ચાલો. પછી મહારાજે કહ્યું જે, તમારે ગામ તો ચાલીએ; જો અમારી ગાંઠનું ખર્ચ ખાવા દ્યો તો આવીએ. શા માટે જે અમારી પાસે માણસ બહુ આવે તથા સાધુ આવે તે ખરચ બહુ થાય. માટે ગાંઠનું સીધું લઇએ તો ઠીક. ત્યારે હરિભક્ત બોલ્યા જે, સૂઝે તેટલા હરિભક્તો તથા સાધુ ભેળા આવે પણ કઠણ નહિ પડે. પછી બહુ તાણ કરી ત્યારે મહારાજે કહ્યું જે, એક ટંક તમારે ત્યાં જમશું ને એક ટંક અમારી ગાંઠનું કરાવીશું. પછી સૌએ હા પાડી. પછી રસોઇ થઇ તે જમીને તેરે પધાર્યા.

પછી મહારાજ ધનજી સુતારને ઘેર પધાર્યા ને તેને જ ઘેર ઉતર્યા. બીજે દિવસે સાધુ ઝોળી માગીને જમ્યા. ત્યાં એક મુક્ત અતીતને વેષે આવ્યા. તેના હાથમાં રામપાતર હતું તે એમના એમજ આવીને ઊભા રહ્યા. પછી આત્માનંદ સ્વામીએ કહ્યું જે, ભાઇ ! અમે જમી લીધું, જરાક વહેલા આવ્યા હોત તો આપણે વહેંચી ખાત. પછી ડુંગરજી બોલ્યા જે, લંગોટા ! અહીયાં શું ઠાર્યું છે ? એમ કહ્યું તો પણ એ ખસ્યા નહિ. ત્યારે મહારાજ આવ્યા તે સામું એણે જોયું અને મહારાજે પણ એના સામું જોયું. પછી મહારાજનાં દર્શન કરીને ચાલી નીકળ્યા. પછી મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું જે, કેમ વઢતા હતા ? પછી આત્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! હું તો કાંઇ વઢતો નહોતો. મેં તો કહ્યું જે અમે જમી ઊઠ્યા ને ડુંગરજી કાંઇક બોલ્યા. પછી મહારાજે એમને કહ્યું જે, તમને કોઇ ઓળખે ? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, અમને કોણ ઓળખે ? પછી મહારાજે કહ્યું જે, તમને કોઇ ન ઓળખે તેમ તમે પણ એમને ન ઓળખો. એતો મુક્ત હતા તે અમારે દર્શને આવ્યા હતા. એમ કહીને પછી મહારાજ ઉતારે પધાર્યા. પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા, ને સાધુ તો ઘણા ભેળા થયા. મહારાજ ધનજી સુતારને ઘેર પ્રાગજી પાસે કથા કરાવતા હતા, અને મહારાજ એક સોપારી રાખતા તે જે ઊંઘે તેને સોપારી મારતા. ને વીશનગરનો કાગળ આવ્યો તેમાં હરિભક્તે લખ્યું હતું જે, મહારાજ ! તમે કાગળ મોકલ્યો હતો તે કાગળ વાંચીને સૌ હરિભક્તો ભજનમાં બેઠા ત્યારે બાઇ-ભાઇને બહુ સમાધિ થઇ. તે વાત સાંભળીને સ્વામી વિરજાનંદના મનમાં સંકલ્પ થયો જે, છોકરાં ખોળામાં ઝાડે ફરે છે ને મુતરે છે તેને સમાધિ થાય છે; અને પિંડ બ્રહ્માંડનો નિર્ણય કરીએ છીએ તેને થતી નથી. ત્યારે મહારાજ બોલ્યા જે, જુવોને બેઠા બેઠા મનમાં કેવા સંકલ્પ કરે છે ? ત્યારે સાધુએ કહ્યું જે, ખરૂં જ તો; કાંઇ ખોટું છે ? ત્યારે મહારાજ બોલ્યા જે, એણે મોરે પુરુષ પ્રયત્ન કર્યા તેમાં કાંઇક કસર રહી છે. તે માટે દેહ ધર્યો છે જેથી એણે થોડીક મહેનત કરી એટલે સમાધિ થઇ. કાં તો એ ગૃહસ્થ છે. એ નવરા નથી માટે એને ભગવાનની કૃપાથી સમાધિ થઇ. અને તમે તો નવરા છો, તે તમારી પાસે મહેનત કરાવવી છે. અને મહેનત કરીને નિર્વાસનિક થાશો તે દિવસ સમાધિ થાશે. કાં જે કોઇ ધણીનો ધણી છે ? કે એને સમાધિ થઇ ને આ સાધુને ન થઇ ? તે શું તમે કોઇના અંતર્યામી છો ? જે એ પૂર્વના સંસ્કારી હશે તો તમે કોઇ ઓળખો છો ? અને અમને રામચંદ્ર જેવા જાણતા હો તો હનુમાનજીના જેવું વચન માનવું જોઇશે, ને જો શ્રીકૃષ્ણ જેવા જાણતા હો તો ગોપીઓના જેવું વચન માનવું જોઇશે. ને જો એમ ન જાણતા હો તો તેને અમે કંઇ કહેતા નથી. પછી વિશ્વચૈતન્યાનંદ સ્વામીને કહ્યું જે, દેહ પર્યંત સુરતમાં રહેવું એમ અમે કહ્યું હતું તે તમે કેમ આવ્યા ? ત્યારે તેમણે કહ્યું જે, અમને તો સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું જે, દર્શને જાઓ. ત્યારે મહારાજે કહ્યું જે, સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે, તમે એમને કહ્યું ? કે અમને દર્શને મોકલો. એતો વચન માન્યું ન કહેવાય. એ તો મનાવ્યું કહેવાય. એ દિશની ઘણીક વાતો કરી. પછી ગોવિંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! ઉપવાસ કઠણ પડે છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે સ્ત્રી અડી જાય તોય ઉપવાસ ન કરવો. ત્યારે તો ગોવિંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! મારે તો નહિ. એ તો નરસિંહાનંદ સ્વામી કહેતા હતા. ત્યારે મહારાજ કહે, તેમનેય મોકળ, ને તમનેય મોકળ. અડી જવાય, બોલાય, તોય મોકળ છે. એમ કહીને બોલ્યા જે, ઢૂંઢિયા બે બે માસના ઉપવાસ કરે છે. ને તમને એક દિવસ ઉપવાસ કરવો કઠણ પડે છે. ત્યારે સંતો બોલ્યા જે, એતો દેહાભિમાની છે તે કરે છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે નારદ, સનકાદિકનું અભિમાન નથી, તથા આત્માનું અભિમાન નથી. એ દિશની ઘણીક વાત કરી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ સોરઠથી જેતલપુર પધાર્યા, ત્યાંથી ભુજ થઇ તેરે ગયા ને ઇંદ્રે સ્તુતિ કરી, સંતને આત્માનું અભિમાન નથી એ દિશની વાત કરી. એ નામે છત્રીસમો અધ્યાય.૩૬