૫૬ રામપુરમાં કથાની સમાપ્તી કરીને આંસબીયા થઈ કોડાઈ થઈ માંડવી બંદર આવ્યા, ત્યાંથી કાળાતળાવ, તેરા ,પધાર્યા, ત્યાં સંતદાસજીને સમાધી કરાવી, ત્યાંથી ભુજ થઈને ગુજરાત પધાર્યા, ત્યાંથી પાછા ભુજ આવ્યા, ત્યાંથી માનકૂવા થઈ તેરામાં સંતદાસજી ચાર્યમાં દટાયેલા રહેલા

Submitted by swaminarayanworld on Fri, 27/05/2016 - 9:32pm

અધ્યાય-૫૬     

પછી ત્યાંથી સર્વે પોતાના ભક્તજન સહિત શ્રીહરિ ગંગાજીથી ચાલી નિસર્યા અને તે રાત્રીમાં પોતાના ભક્તજનને ઘેર થાળ જમીને પોતાના ઉતારે પલંગ ઉપર બેસીને સર્વ હરિભક્ત આગળ વાત કરી જે, અમે આ ગંગાજીના ઘાટ ઉપર લાગટ પંદર દિવસ રહ્યા અને ત્યાં અમોએ શ્રીમદ્‌ ભાગવતની કથા કરી તથા પુરુષોત્તમ ગીતા કહી. અને તેની સમાપ્તિ કરીને હવે સવારે ચાલશું. એમ કહીને પોઢી ગયા. પછી સવારમાં ગામની સમીપે નદીમાં શૌચવિધિ તથા દંતધાવન કરીને સ્નાન કર્યું. અને પછી નિત્ય કર્મ કરીને પોતાના ભક્ત રવજીને ઘેર થાળ કરાવીને જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ નાના આસંબીએ પધાર્યા. અને ત્યાં રાત્રી રહ્યા.

પ્રાતઃકાળમાં વહેલા ઊઠીને ગામની બાજુમાં જે સરોવર છે તેમાં સ્નાન કરીને તે ગામમાં ભક્તજનને ઘેર ગયા અને ત્યાં નિત્યકર્મ કર્યું. અને ત્યાર પછી ત્યાં ભક્તજનને ઘેર થાળ જમીને ચાલ્યા તે ગામ કોડાય પધાર્યા અને ત્યાંથી માંડવી બંદર આવ્યા. અને તે ગામના હરિભક્ત શિવરામ આદિક ઘણા હરિભક્તો સામૈયું લઇને શ્રીજી મહારાજને સામે આવ્યા. અને પછી વાજતે ગાજતે દરબારની ટંકશાળમાં આવ્યા અને ત્યાં શ્રીજી મહારાજ એક મોટી પાટ ઉપર ગાદી તકીઆ નખાવીને વિરાજમાન થયા. પછી ગોમતીબાઇને ઘેર પધાર્યા. અને ત્યાં થાળ જમીને પોતાને ઉતારે આવ્યા. આવી રીતે પાંચ દિવસ રહીને પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કર્યા. ત્યાંથી ચાલ્યા તે સોનાવાળા દરવાજે આપણા ખારાવાળામાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે ત્યાં એક પીપળીનું વૃક્ષ હતું તેના નીચે સુંદરજી શેઠે લૂગડું પાથરી આપ્યું અને શ્રીજીમહારાજ તેના ઉપર બિરાજ્યા.

સત્સંગી સર્વે મહારાજનાં દર્શને આવ્યા. અને તેઓમાં કોઇક બરફી, પેંડા અને પતાસાંની ભેટ શ્રીજીમહારાજ આગળ મૂકીને પગે લાગ્યા. અને શ્રીજીમહારાજે તેમને વાતો કરી. અને હરિભક્તોએ બે ઘડી વાતો સાંભળી. પછી સુંદરજી શેઠે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! બરફી, પેંડા અને પતાસાં જમો. પછી મહારાજે કહ્યું જે, લાવો જમીએ. ત્યારે સુંદરજી શેઠે તે લાવી આપ્યાં. અને મહારાજ પણ સારી પેઠે જમ્યા. પછી શ્રીજીમહારાજે પોતે જ સર્વે સત્સંગીઓને પ્રસાદી પોતાને હાથે આપી. અને પછી ત્યાંથી શ્રીજીમહારાજ ચાલતા થયા અને હરિભક્તો પણ પગે લાગીને પાછા વળ્યા. અને મહારાજ ગામ ડોણ આવીને સુતાર વસ્તાને ઘેર રહ્યા. અને ગામની ઉત્તર બાજુ શિવનું મંદિર છે ત્યાં પધાર્યા અને ત્યાંથી પાછા વસ્તા સુતારને ઘેર આવીને જમ્યા.

ત્યાંથી ગામ કાળાતળાવ પધાર્યા. ત્યાં સુતાર ભીમજી તથા સુતાર રવજી તેમજ સુતાર હરભમ તથા મનજી આદિ ભક્તો શ્રીજી મહારાજને સન્મુખ આવીને વાજતે ગાજતે પોતાને ઘેર તેડી આવ્યા અને શ્રીજીમહારાજ પણ ત્યાં પાંચ દિવસ રહ્યા. અને નિત્ય સ્નાન કરવા તળાવમાં જતા. અને હરિભક્તો પણ પોતપોતાને ઘેર થાળ કરાવીને પાર્ષદે સહિત શ્રીજી મહારાજને જમાડતા. પછી ત્યાંથી શ્રીજીમહારાજ ગામ તેરા પધાર્યા. અને સુતાર માવજી તથા નથુ તથા નોંઘા તેમજ નાનજી અને સંઘજીને ઘેર પધાર્યા.

ત્યાં રહીને પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ભાગવત વંચાવતા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કાઠીઆવાડમાં ઘી ઉઘરાવવા માટે મોકલ્યા અને ગામ કરજીસણના નાનાભાઇ ઉપર એક કાગળ લખીને મોકલ્યો જે, તે દેશમાં જે હરિભક્તો હોય તેની પાસેથી માથા દીઠ એક મણ ઘી લેજો અને જો તે ગરીબ હોય તો ઓછું લેજો એવી રીતે અમારી આજ્ઞા છે. તે શા માટે ? તો અમારે ડભાણમાં મહારૂદ્ર કરવો છે.

પછી સુરત શહેરમાં સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી ના મંડળે ગોળાનું પ્રકરણ બહુ આકરું ચલાવ્યું હતું. અને પીવાનું પાણી તે પણ બહુજ ખારું તેથી સાધુઓના શરીરે બહુ મંદવાડ થઇ ગયો. તે વખતે તેમાંથી બે સાધુ નાસીને ગામ તેરે આવ્યા અને શ્રીજી મહારાજ પાસે આવી ફરિયાદ કરી જે, હે મહારાજ ! ત્યાં સુરતમાં તો મોગરીઓ પંથ ચાલ્યો છે. તેમાંથી કેટલાક સંત માંદા થઇ ગયા અને કેટલાક જતા પણ રહ્યા છે. અને કેટલાક દેહ મૂકી ભગવાનના ધામમાં પણ ગયા છે. આવી રીતે તે સાધુઓએ શ્રીજી મહારાજ આગળ ઘણી પ્રાર્થના કરી. તેને સાંભળીને આનંદાનંદ સ્વામીને ત્યાં જવાની આજ્ઞા કરી જે, તમો સુરત જાઓ અને સાધુઓને સુખ થાય તેવો ઉપાય કરો. પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી એ બન્ને જણને ગામ ડભાણ જવાની આજ્ઞા કરી જે, તમે ત્યાં જાઓ. અને મહારૂદ્રનો સામાન ભેગો કરાવો. અને અમો પણ ત્યાં આવશું એમ કહીને રાત્રીએ કોઢમાં ઢોલિયા ઉપર બેસીને ઘણીક વાર્તા કરી. અને સંતદાસજી પણ ત્યાં બેઠા હતા. અને પછી હરિભક્તો આગળ કહેવા લાગ્યા જે, આ સર્વે સંતે સહિત સવારમાં અમો ચાલશું તે ભુજ થઇને ગુજરાત જવાનું છે. ત્યારે ભક્તોએ કહ્યું જે હજુ પાંચ દહાડા રહો અને દર્શન દ્યો. એવી રીતે હરિભક્તો તાણમતાણ કરતાં રાત્રિમાં જ ચાલવાનું નક્કી કર્યું જે સવારે પરોઢીએ ત્રણ વાગ્યે ચાલવું એવું નક્કી કર્યું.

તે સમયે માસ કાર્તિક હતો અને તે સત્સંગી સુતાર સાથી રાખીને ખેડ કરાવતા તેના ઘેરથી શ્રીજીમહારાજે પરોઢીએ ધુન કરીને ચાલવાની તૈયારી કરી. અને જે જગ્યામાં ઉતર્યા હતા તે જગ્યા આથમણા બારની છે. અને તેમાં પથ્થરના બે થાંભલા છે. તે જે રાત્રીમાં મહારાજ ચાલ્યા તે રાત્રીએ સંતદાસજી તે થાંભલા પાસે ઉત્તરાદે મોઢે ધ્યાન કરવા બેઠા હતા. તે ધ્યાનમાંથી સમાધિમાં જતા રહ્યા. અને શ્રીજીમહારાજ તો સર્વે સાધુઓને લઇને સવારમાં ભુજની દિશા સામા રવાના થયા. ત્યારે સર્વે હરિભક્તો મહારાજને નદી સુધી વળાવીને પાછા ઘેર આવી ગયા અને પોતાના સાથીઓને જગાડ્યા અને પોતાના ખેતરોમાં કડબની ચાર્ય હતી તેને લેવા સારુ ગાડાં જોડાવ્યાં અને તે ગાડાં કડબની ચાર્ય ભરીને લાવ્યા અને જે જગ્યામાં સાધુ અને શ્રીજી મહારાજ ઉતર્યા હતા તે જગ્યામાં ખેતરમાં ચાર્ય ભરીને દિવસ ઉગ્યા પહેલા બબ્બે કડબના ફેરા લાવીને તે જગ્યામાં કડબ ભરી દીધી.

શ્રીજીમહારાજ તો ચાલી નીકળ્યા અને સંતદાસજી તે જ જગ્યામાં થાંભલાની સમીપમાંજ અંધારામાં બેઠા હતા. તે ઉપર ચારેકોરે ચાર્ય ભરી દીધી. અને માંહેલી કોરે સંતદાસજી બેઠા હતા તેનો કોઇ સત્સંગીને ખ્યાલ નહીં કે, સંતદાસજી માંહેલી કોરે બેઠા છે. અને મહારાજ તો ભુજ થઇને ગુજરાતમાં ફરી ભુજ પધાર્યા. તેરાના અને કાળાતળાવના હરિભક્તો ગાડાં જોડીને ભુજ શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા. અને તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરીને બહુજ આનંદ પામ્યાં. ત્યાર પછી વિનયથી હરિભક્તો કહેવા લાગ્યા જે, હે મહારાજ ! આપ ગુજરાત પધાર્યા તે બહુજ દિવસ લાગ્યા તેથી આપનાં દર્શન પણ નહીં અને કોઇ સાધુનાં પણ દર્શન નહીં. ત્યારે શ્રીજીમહારાજે કૃપા કરીને હરિભક્તો પ્રત્યે કહ્યું જે, અમને તો ઘણા દિવસ લાગ્યા પણ તમારી પાસે તમને દર્શન થાય તે માટે એક સાધુ મૂકી ગયા છીએ.

ત્યારે તેરાના ભક્તજનો બોલ્યા જે, હે મહારાજ ! સાધુ શું અને વાત પણ શી ? અમે તો તમો મૂકી ગયેલા કોઇ સાધુને જોયા નથી, અને જે દિવસે તમે ચાલ્યા તે દિવસે અમે વહેલી સવારે ખેતરમાંથી ચાર્ય લઇને તે જગ્યામાં ભરી મેલી છે તે હજુ પણ તેમની તેમજ ભરી પડી છે. અને અમોએ તે સંતને ક્યાંય પણ દેખ્યા નથી. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે ત્યાં જાઓ. અને અમે પણ પાંચ દિવસ માનકુવામાં રહીને તેરા આવશું ત્યારે તમને સાધુ દેખાડીશું. એમ કહીને શ્રીજીમહારાજ માનકુવા પધાર્યા. અને પાંચ દિવસ રહીને તેરા આવ્યા. અને તે તેરાના અને કાળાતળાવના સહુ હરિભક્તો દર્શન કરવા આવ્યા. શ્રીજીમહારાજે તેઓને ભગવાન ભજવાની ઘણીક વાતો કરી. પછી તે સમયે હરિભક્તોએ મહારાજને કહ્યું જે, હે મહારાજ ! તમો ભુજમાં અમોને કહેતા હતા જે, અમે ગામ તેરામાં એક સાધુને મૂક્યા છે પણ અમોએ કોઇ દિવસ તે સાધુને તેરામાં જોયા જ નથી માટે તે દેખાડો. ત્યારે શ્રીજીમહારાજ કહે ચાલો જ્યાં પહેલા કોઢમાં સાધુ ઉતર્યા હતા ત્યાં એક સાધુ છે તે તમને દેખાડીએ.

ત્યારે સહુ ઊઠીને કોઢમાં ગયા, અને તે જગ્યામાંથી શ્રીજી મહારાજે ચાર્ય કાઢીને માંહીલી કોરે થાંભલાના સમીપે બેઠેલા સંતદાસજીને શ્રીજીમહારાજે છ માસે પાછા જગાડ્યા. તે જોઇને સર્વ હરિભક્તોને અતિ આશ્ચર્યકારી વાત જણાણી. આવી રીતે શ્રીજી મહારાજ છ છ માસ સુધી તેરા ગામમાં સમાધિઓ કરાવીને પોતે પાછા ભુજનગર પધાર્યા. અને ત્યાં સુતાર હીરજીભાઇને ઘેર ઉતર્યા. અને હીરજીભાઈએ થાળ કરીને પોતાને ઘેર શ્રીજી મહારાજને જમાડ્યા. અને થોડાક દિવસ ત્યાં રહીને પછી ત્યાંથી ગામ બળદીયા આવ્યા. ત્યાં રાત્રિમાં હરિભક્તો આગળ પોતાના સ્વરૂપના મહિમાની વાતો ઘણી વિસ્તારે સહિત કરી. અને પછી પોઢી ગયા. અને સવારમાં ઊઠીને સત્સંગીઓ સહિત કાળીતળાવમાં સ્નાન કરીને પાછા ગામમાં આવીને સત્સંગીને ઘેર થાળ જમ્યા.

બળદીયામાં ત્રણ ચાર દિવસ રહીને ત્યાંથી ચાલ્યા તે ગામ બંદરામાં રાયસંગજીને ઘેર પધાર્યા, ત્યાં બે દિવસ રહીને તે ભક્તજનના મનોરથ પૂર્ણ કરીને તથા થાળ જમીને ત્યાંથી ચાલ્યા તે ગામ શ્રી અંજાર પધાર્યા. અને ગંગાજીના ઘાટ ઉપર આંબલીઓના વનમાં ઉતર્યા. ત્યાંથી ગામમાં પધાર્યા અને ત્યાં તેજબાઇ તથા ચાગબાઇને ઘેર ઉતર્યા. ત્યાં થાળ જમ્યા. ત્યાં બે ચાર દિવસ રહીને ત્યાંથી ચાલ્યા તે ગામ ચીરઇ થઇને ભચાઉ આવ્યા. ત્યાં વાણિયા વાઘાશા તથા લખુને ઘેર ઉતર્યા.

ત્યાં પોતે હાથે બાટી કરીને શાક કર્યું અને પછી પોતે જમ્યા. અને પોતાના પાર્ષદો જે ડુંગરજી આદિક હતા તેમને વાણિયાને ઘેર જમવા મેલ્યા, જમીને ત્યાંથી પોતે ચાલ્યા તે માર્ગમાં થોડે સુધી જઇને પછીથી સર્વે સત્સંગીઓને પાછા વાળ્યા. અને ડુંગરજી આદિક જે પાર્ષદો હતા તેમને પણ આજ્ઞા કરી જે, તમે ગુજરાત જાઓ. એમ કહીને પોતે ત્યાંથી એકલા ચાલ્યા તે ગામથી એક ખેતરવા છેટો એક કૂવો હતો, ત્યાં બાઇઓ મહારાજને માટે થાળ કરીને બેઠાં હતાં, તેમણે પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમે થાળ કરીને લાવ્યાં છીએ તે જમવા પધારો. ત્યારે શ્રીજીમહારાજે બહુ પ્રાર્થનાનાં વચનો સાંભળીને તે કૂવા ઉપર એક લીંબડાનું વૃક્ષ હતું ત્યાં બેસીને થાળ જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે માર્ગમાં એક વિપ્ર અડવાણે પગે આવતો હતો તેને પોતાની મોજડી આપી દીધી તેમજ ચોફાળ પણ આપી દીધો. ત્યાંથી પ્રભુ ગામ આધોઇ પધાર્યા, અને ત્યાં રાયધણજીના દરબારમાં પોતે એકલા જ થાંભલાને ઓથે ઊભા રહ્યા, તેમને કરણીબાએ જોયા. પછી તો પોતે ઊઠીને શ્રીજીમહારાજનો હાથ ઝાલ્યો ને ઢોલિયા ઉપર બેસાડ્યા.

પછી સમાચાર પૂછવા લાગ્યાં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હમણાં સમાચાર પૂછવાનું રહેવા દ્યો, અને અમને ઘણી ભૂખ લાગી છે તે જમવાનું લાવો. ત્યારે બાઇએ કહ્યું જે, હમણાં તો સહુ જમી ગયા છે. તેથી થોડી વાર ખમો તો થાળ કરૂં. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમને તો બહુજ ભૂખ લાગી છે તેથી ખમાય તેમ નથી. ત્યારે મહારાજે કહ્યું જે, દહીં છે કે નથી ? જો દહીં હોય તો લાવો. ત્યારે બાઇએ દહીંનાં ત્રણ ગોરસાં લાવીને મહારાજને આપ્યાં. ત્યારે મહારાજ ત્રણે ગોરસાં જમીને બોલ્યા જે, હવે થાળ કરો. ત્યારે બાઇએ થાળ કરવા માંડ્યો. અને કરણીબાએ મહારાજના ચરણારવિંદમાંથી અઢાર કાંટા કાઢ્યા. થાળ તૈયાર થયો તે મહારાજ જમ્યા અને પછી કરણીબાએ શ્રીજી મહારાજની મરજી જાણીને સર્વ અલંકાર તથા વસ્ત્રો પોતાનાં હતાં તે શ્રીજીમહારાજને પહેરાવ્યાં. અને ફરીને કીર્તન ગવરાવ્યાં જે, ‘‘સુણ વાત કહું સાહેલી રે, કાનો મારી કેડે પડ્યો. જલ ભરવા ગઇ હું એકલી રે, કાનો મારી કેડે પડ્યો.’’

તે સમયમાં રાયધણજી આવ્યા. અને શ્રીજીમહારાજનાં દર્શન કરીને હસી પડ્યા ને પોતાના બીજા ભાઇઓને બોલાવ્યા જે, અહીં આવો, ત્યારે સર્વે આવ્યા અને મહારાજનાં દર્શન કરીને સહુ આનંદ પામ્યા અને એમ બોલ્યા જે, આવાં દર્શન તો આજે જ થયાં. આ દર્શન તો જ્યાં સુધી દેહ રહેશે ત્યાં સુધી સાંભળશે. હે મહારાજ ! તમે દયા કરીને આવાં દર્શન દીધાં તે બહુજ સારું કર્યું, હવે એ વસ્ત્ર ઉતારો. પછી શ્રીજીમહારાજે ઉતારીને મૂક્યાં. પછી થાળ થયો તે શ્રીજીમહારાજ જમ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રી હરિએ તેરામાં સંતદાસજીને સમાધિ કરાવી તથા કરણીબાએ વસ્ત્ર પહેરાવ્યાં. તે ઉતારીને મહારાજ થાળ જમ્યા એ નામે છપ્પનમો અધ્યાય. ૫૬