અધ્યાય-૫૭
પછી શ્રીજીમહારાજે જાડેજા રાયધણજીને કહ્યું જે, ડભાણનો મહારૂદ્ર કરવા જવું છે. એમ કહીને પોતે તૈયાર થયા તે ભેળા રાયધણજી, જેમલજી, હદુજી આદિક અસ્વાર જણ પાંચ ભેળા ચાલવા તૈયાર થયા. તેને જોઇને કરણીબા તથા જીજીબા આદિક બાઇઓએ કહ્યું જે, હે મહારાજ ! અમો ડભાણ આવશું કારણ કે, તમો ત્યાં અનેક પ્રકારની લીલાઓ કરશો તેનાં દર્શન કરવાની અમારે પણ ઇચ્છા છે. ત્યારે રાયધણજી બોલ્યા જે, હે મહારાજ ! બાઇઓ ડભાણે આવે તેનું અમારે તો કાંઇ આડું નથી, કેમ જે, અમારે તો દૃઢ આશ્રય છે. જેથી અમારે તે કોઇ વાતની શંકા નથી. પણ બાઇયું ભેળાં આવે તે જગતમાં ખોટું દેખાય. ત્યારે બાઇયું બોલ્યાં જે, હે મહારાજ ! અમારે એ લીલાનાં દર્શન કરવાની બહુજ ઇચ્છા છે તે અમને એ દર્શન કેમ થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે ડભાણ જેટલા દિવસ લીલા કરશું અને જેવાં જેવાં વસ્ત્રો ધારણ કરશું તેવી જ રીતની મૂર્તિનાં તમને અહીં બેઠાં દર્શન થશે, એમ કહીને ત્યાંથી તે શ્રીજી મહારાજ માળીએ પધાર્યા.
ત્યાંથી ખાખરેચી આવ્યા અને ત્યાંના તળાવમાં ઘોડાને પાણી પાઇને ત્યાંથી ચાલ્યા તે ગામ વાંટાવદર તથા રાયસંગપર થઇ ને ગામ હળવદ આવ્યા. અને હરિભક્તોએ સામૈયું કર્યું અને શ્રીજીમહારાજ તળાવ ઉપર આવીને ઘડીકવાર વિરાજમાન થયા. પછી વાજતે ગાજતે રૂડી રીતે ગામમાં પધાર્યા અને દવે ઇશ્વરના ડેલામાં ઉતારો કર્યો. ત્યાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ગામના સર્વે હરિભક્તો સાકર તથા પેંડા, બરફીની ભેટો લાવ્યા તે સર્વે પોતે જમી ગયા, પછી હરિભક્તે કહ્યું જે, થાળ તૈયાર થયો છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ભૂખ તો બહુ લાગી છે. એમ કહીને શિવજાનીને ઘેર થાળ જમ્યા. તે વાત સૌને ઘણીજ આશ્ચર્ય કારક લાગી, કેમ જે સાકર, પેંડા અને બરફી એક મણ આવી હશે તે જમીને તે ઉપર વળી થાળ જમ્યા.
પછી ઉતારે પધાર્યા અને હરિભક્તે પંચામૃતે કરીને પગ ધોઇને ચરણામૃત લીધું અને બહુ પ્રકારે પૂજા કરી. તે દિવસ ત્યાં રહ્યા અને સવારમાં ત્યાંથી ચાલ્યા તે ગામ ધ્રાંગધ્રા થઇને ગામ મેથાણમાં ઝાલા પુંજાભાઇને ઘેર પધાર્યા, ત્યાં પાંચ દિવસ વિરાજમાન થયા. અને સર્વ હરિભક્તને ઘેર થાળ જમ્યા અને સર્વે સત્સંગીઓને રાજી કરીને ત્યાંથી સવારી સહિત પોતે ગામ ખેરવા થઇને ગામ રામગરી પધાર્યા અને પટેલ જીવરામને ઘેર ઊતર્યા.
પછી ત્યાંથી ગામ વાટુંના હરિભક્તને દર્શન દઇને દદુકા થઇ ગામ મચ્છીયાવ પધાર્યા. દાજીભાઇના દરબારમાં વિરાજમાન થયા. ત્યાં થાળ જમીને ગામ ભાત થઇને ગામ જેતલપુર પધાર્યા. અને મંદિરમાં ઊતર્યા અને ગંગામાએ થાળ કર્યો તે જમવા પધાર્યા. થાળ જમીને રાત રહીને ગામ ડભાણ પધાર્યા અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મળ્યા અને કહ્યું જે, તમે યજ્ઞનો સામાન ભેળો કરાવો, અને અમો ઘોડાસર તથા હાથરોલી જઇએ છીએ. ત્યાં પંદર દિવસ રહીને પાછા અહીં આવીશું. એમ કહીને શ્રીજી મહારાજ ઘોડાસર પધાર્યા. ત્યાંથી હાથરોલી ગયા અને પંદર દિવસ રહીને પછી દશ હજાર કોળીનું સૈન્ય તથા કાઠીના સ્વારોથી વિંટાઇને ગામ ડભાણ પધાર્યા. અને ત્યાં શ્રીજીમહારાજને સન્મુખ મનુષ્ય આવ્યાં અને બહુ ભીડ થઇ તેથી વાવેલાં જે ખેતરો હતાં તે કચડાઇ ગયાં.
અને શ્રીજીમહારાજ ઘોડેસવાર થઇને ગામમાં પધાર્યા અને ત્યાં રહીને મહારૂદ્ર કરાવવા લાગ્યા. પછી પૂર્ણિમાને દિવસે તે મહારૂદ્રની પૂર્ણાહૂતિ કરાવીને વિપ્રોને ઘણા પ્રકારે સોનામહોરો અને રૂપામહોરો તેમજ ઘરેણાં અને વસ્ત્રાદિક દાન અને દક્ષિણાઓ આપી. અને જેટલા દિવસ સુધી મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો. અને તે યજ્ઞમાં પોતે જે જે લીલા ચરિત્રો કર્યાં, તેટલા દિવસ સુધી બીજે સ્વરૂપે હરિભક્તોને તથા બીજા સર્વેજનોને તે તે લીલાચરિત્ર કરીને આધોઇમાં પણ દર્શન આપ્યાં. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ ચલોડામાં અમીન નથુભાઇને ઘેર ઊતર્યા. ગામ કાણોતરમાં વાઘેલા કસીયાજીના દરબારમાં ઊતર્યા અને ત્યાં રાત રહીને પોતે ચાલ્યા તે ગામ બળોલ તથા અડવાળ થઇને ગામ સારંગપુરમાં જીવા ખાચરને ઘેર પધાર્યા.
ત્યાંથી ગઢપુર આવ્યા. અને ત્યાંથી ગામ કોટડામાં પીઠાવાળાને ઘેર રાત રહીને ચાલ્યા તે ગામ ગોંડળ થઇને ગામ કાલાવડમાં ખત્રી જાદવજીને ઘેર ઉતારો કર્યો, ત્યાં જમ્યા. પછી ખત્રી ખેંગારે મોતૈયા લાડુનું ભાતું બંધાવ્યું તે લઇને શ્રીજી મહારાજ ગામ ભાદરામાં આવ્યા. સુતાર રામજીને ઘેર રાત્રી રહ્યા. ત્યાંથી સ્વારોએ સહિત ચાલ્યા તે જોડીઆ થઇને બાલંભા આવ્યા. ત્યાંથી આમરણ તથા ધુળકોટ થઇને ગામ પીપળીએ પટેલ ગણેશને ઘેર પધાર્યા. અને ત્યાં થાળ જમીને સર્વને જમાડ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ ભેલામાં ગોવિંદજી વિપ્રને ઘેર ઉતર્યા અને થાળ જમીને ત્યાંથી ચાલ્યા તે ગામ માળીઆ પધાર્યા. ત્યાં દરબારમાં ઉતારો કર્યો, ત્યાં થાળ જમ્યા અને સર્વને જમાડ્યા. ત્યાંથી ચાલ્યા તે ગામ વાંઢીએ પધાર્યા. સુતાર રૂડાને ઘેર ઉતારો કર્યો.
જમીને ચાલ્યા તે ગામ આધોઇમાં જાડેજા લાધાજીના દરબારમાં ઊતર્યા. ત્યાં થાળ જમ્યા અને સર્વને જમાડ્યા. પછી સર્વ સત્સંગીઓ મળીને મહારાજને કહેવા લાગ્યા જે, હે મહારાજ ! તમોએ ડભાણમાં યજ્ઞ કરીને પણ અમને અહીં દર્શન દીધાં તે તો અમને ભારે કૃતાર્થ કર્યા. એવી રીતે હરિભક્તોએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી. ત્યાં મહાનુભાવાનંદ સ્વામી ઘોડાસરના ઠાકોરનો કાગળ લઇને મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું જે, દેશમાં શું શું વાતો થાય છે ? ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું જે, મહારૂદ્રની વાતો થાય છે.
ત્યારે શ્રીજીમહારાજે મહારૂદ્રની બહુ પ્રકારે વાર્તા કરી અને બહુ લીલા કરીને ચાલ્યા તે ગામ ભચાઉમાં એક રાત રહ્યા. તે રાત્રીએ શ્રીજીમહારાજે કહ્યું જે, સવારમાં અમારે ચાલવાનું છે. ત્યારે સત્સંગીઓએ કહ્યું જે, હે મહારાજ ! વહેલા થાળ કરાવશું તે જમીને ભલે પધારજો. ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો વહેલા ચાલશું. ત્યારે બાઇએ આ વાત સાંભળી જે, મહારાજ તો વહેલા ખોખરા પધારશે તે મોડા પહોંચશે માટે આપણે થાળ કરીને ખોખરાના માર્ગમાં બટીયાનો કૂવો અર્ધ ગાઉ છેટે છે અને સજીવન પાણી પણ રહે છે અને તે કૂવામાં જલ બે હાથ ઉપર છે, તેથી કૂવાના થાળામાં જઇને બેસશું અને જ્યારે મહારાજ વહેલા પધારશે ત્યારે આપણે મહારાજને હાથ જોડીને કહેશું, તેથી મહારાજ દયાળુ છે તે જમશે તેથી આપણું પરમ કલ્યાણ થશે. અને આપણા સર્વ મનોરથ પૂર્ણ થશે. અને ભગવાન તો અંતર્યામી છે.
તે કૃપા કરીને થાળ જમશે તે માટે આપણે ચાલો ત્યાં જઇને બેસીએ. પછી બાઇયું ત્યાં થાળ લઇને બેઠાં. પછી શ્રીજીમહારાજ સવારમાં વહેલા ઊઠ્યા, અને સર્વે સત્સંગી ભાઇઓ મહારાજને વળાવવા ચાલ્યા તે તળાવ ઉપર આવીને શ્રીજીમહારાજે સત્સંગીઓને કહ્યું જે, તમે પગે લાગીને પાછા વળો. એમ કહીને મહારાજ ચાલ્યા તે કૂવા આગળ આવ્યા ત્યારે બાઇઓ આગળ આવીને ઊભાં રહ્યાં. અને હાથ જોડીને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમારા ઉપર કૃપા કરીને આ અમારા થાળ જમો. કારણ કે અમોએ આખી રાત્રિ જાગીને થાળ કર્યો છે. તે દયા કરીને જમો. ત્યારે મહારાજે કહ્યું જે, બહુ સારું લાવો જમીએ.
ત્યારે પાળા ડુંગરજી આદિક હતા તે બોલ્યા જે, આપણે સ્નાન પણ કર્યું નથી તેમ દાતણ પણ કર્યું નથી તો કેમ જમાય ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, આપણને રાત ક્યાં પડે છે ? અને આત્માને ન્હાવા-ધોવાનું શું કામ છે ? આત્મા તો સદા સ્નાન કરેલો જ છે. માટે ઇશ્વરેચ્છાએ જે થયું તે ખરૂં. આવો જમો. પછી શ્રીજીમહારાજ સર્વને પીરસીને પોતે કૂવાના થાળામાં જમવા બેઠા. અને તે જમીને મહારાજે બાઈઓને કહ્યું જે, આ પ્રસાદી લઇ જાઓ અને જેને જોઇએ તેને દેજો અને હવે અમે ચાલશું. પછી બાઇયો છેટે બેસીને પગે લાગ્યાં અને પછી મહારાજ ચાલ્યા તે ગામ ખોખરે પધાર્યા. અને સુતાર વાલજીને ઘેર ઊતર્યા ત્યાં થાળ જમ્યા. પછી પાર્ષદને જમાડ્યા. અને તે ગામમાં જળની હંમેશાં તાણ હતી તેની સર્વ હરિભક્તોએ મહારાજ આગળ વાત કરી જે, હે મહારાજ ! અહીં જળની ઘણી ખેંચ છે. ત્યારે મહારાજે કહ્યું જે, આ ઠેકાણે કૂવો ખોદો તો પાણી સારું આવશે. ત્યારે સર્વ સત્સંગીઓએ કૂવો ખોદાવ્યો એટલે શ્રીજી મહારાજની કૃપાથી કૂવામાં ઘણું જ મીઠું જળ થયું. પછી ત્યાંથી શ્રીજી મહારાજ ભુજનગર પધાર્યા. ને ત્યાં સુતાર હીરજીભાઇને ઘેર ઉતર્યા.
મહારાજ પધાર્યા તે વાત સાંભળીને સર્વ સત્સંગીઓ દર્શને આવ્યા ને દર્શન કરીને આનંદ પામ્યા. સત્સંગી સર્વે શ્રીજીમહારાજની સ્તુતિ કરવા લાગ્યા જે, હે મહારાજ ! તમે કૃપાળુ છો તે કૃપા કરીને ભલાં દર્શન દીધાં. અમે તો સંસાર વ્યવહારરૂપ આ અંધ કૂવામાં પડ્યા છીએ. તેમાંથી તમે અમને હાથગ્રહીને તાણી લીધા, કેમ જે અમે તો પૃથ્વીના છેડા ઉપર પડ્યા છીએ. અને હે મહારાજ ! આપ કૃપા કરીને અહીં અમને ફરી ફરીને દર્શન દઇને તેમજ વાતો ચિતો કરીને માયારૂપી કાટ ઉતારો છો અને પોતાના જાણીને સંભાળો છો તે માટે અમારાં પણ મોટાં ભાગ્ય છે. પછી હીરજીભાઇ મહારાજને તેડવા આવ્યા તેથી મહારાજ જમવા પધાર્યા. અને સુતાર ભગવાનજીભાઇએ પોતાને ઘેર પાર્ષદે સહિત મહારાજને પધરાવીને જમાડ્યા. અને ચંદન તથા પુષ્પના હાર તેમજ વસ્ત્રો વડે શ્રીજી મહારાજની પૂજા કરી અને શ્રીહરિ પણ તે પૂજાને ગ્રહણ કરીને પોતાને ઉતારે પધાર્યા. અને જેઠી ગંગારામે પણ શ્રીજીમહારાજને પોતાને ઘેર પધરાવીને જમાડ્યા. તેમજ મહેતા શિવરામ તથા હરજીવન અને લાધીબાઇએ પણ પોતાને ઘેર પધરાવીને પાર્ષદે સહિત રૂડી રીતે જમાડ્યા. અને બીજાં પણ સો દોઢસોને આશરે સત્સંગીઓનાં ઘર હતાં તેઓએ પણ પોત પોતાને ઘેર પધરાવીને પાર્ષદોએ સહિત રૂડી રીતે જમાડ્યા. અને ચંદન પુષ્પના હાર તથા વસ્ત્રો વડે શ્રીજી મહારાજની પૂજા કરી. તે પૂજાને અંગીકાર કરીને પાછા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રી ભુજનગરને વિષે સર્વે સંતો સહિત શ્રીજી મહારાજ લીલા કરતા સતા એક માસ સુધી ત્યાં રહ્યા. ને ત્યાંના સૌ હરિભક્તો બાઇ-ભાઇ આદિકને પોતાનું મહા અદ્ભુત ચરિત્ર દેખાડીને સર્વની સેવા અંગીકાર કરતા એવા શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપનો તેઓને દૃઢ નિશ્ચય કરાવ્યો.
પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંતને સોરઠ, હાલાર, ઝાલાવાડ, ભાલ, ગુજરાત અને દંઢાવ્ય આદિક દેશમાં ઘણાક ગામોને વિષે ફરવા મોકલ્યા. અને પોતે ત્યાંથી ચાલ્યા તે ગામ ખોખરા થઇને ભચાઉ પધાર્યા. અને ત્યાં કેટલાક દિવસ રહીને ત્યાં સર્વ હરિભક્તો બાઇ-ભાઇને પોતાનો અલૌકિક પ્રતાપ જણાવ્યો. પોતાના સ્વરૂપનો નિશ્ચય પણ કરાવ્યો. તે સર્વની સેવા અંગીકાર કરીને શ્રીજીમહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામ કંથકોટમાં મુળજી ઠક્કરને ઘેર પધાર્યા. ત્યાં કચરા આદિક હરિભક્તોને ઘણુક સુખ આપ્યું. આ રીતે ત્યાં એક માસ રહીને તેમની સેવા અંગીકાર કરીને પછી ત્યાંથી ચાલ્યા તે ગામ આધોઇ પધાર્યા.
અને લાધાજીના દરબારમાં દોઢ માસ રહીને કેટલાક મતવાદી વેદાંતી આદિ સાથે ચર્ચા કરી અને તેનો પરાભવ કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ ધમડકા પધાર્યા. અને ત્યાં રાયધણજીના દરબારમાં બે માસ રહ્યા. તે ગામની નદીમાં દરરોજ સંત હરિભક્તો સહિત નાહવા પધારતા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ અંજાર પધાર્યા. ત્યાં ચાગબાઇને ઘેર થાળ જમીને આથમણી કોરે સવાસરની ભાગોળે આપણો વંડો કર્યો છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે વિરાજમાન થયા અને ત્યાં ગામના ઘણા સત્સંગીઓ દર્શન કરવા આવ્યા અને શ્રીજી મહારાજે તેઓની આગળ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તથા ભક્તિ સંબંધી વાર્તા ઘણી વિસ્તારથી કહી સંભળાવી. પછી ત્યાંથી માધવરાયની વાડીએ પીપળાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકીયા સહિત મહાદેવના ચોતરા ઉપર પૂર્વ મુખારવિંદે વિરાજમાન થયા. પોતાના મુખારવિંદ આગળ સર્વ સંતો તથા હરિભક્તોની મોટી સભા ભરાઇને બેઠી.
સભામાં પોતે વાત કરવા લાગ્યા. તે સમયમાં તો તે સભાનાં દર્શન કરવા સર્વે બ્રહ્માદિ ઈશ્વરો તથા અનંતકોટી મુક્તો, અનંતકોટી દેવો સર્વ આવીને પીપળાના વૃક્ષ ઉપર પાંદડે પાંદડે અને શાખાએ શાખાએ બેસી ગયા. તેના તેજના પ્રકાશ વડે સર્વ ભૂમંડળ તેજોમય થઇ ગયું. તે તેજને જોઇને તે સભામાં બેઠેલા હરિજનો તથા મતપંથના માણસો તમામ આશ્ચર્ય પામીને બન્ને હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પૂછવા લાગ્યા જે, હે મહારાજ ! આ પીપળાના વૃક્ષ ઉપર તેજનો પ્રકાશ જુદો જુદો દેખાય છે તે તેજ શાનું છે ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અપાર બ્રહ્માંડાધિપતિઓ તથા અગણિત દેવતાઓ તે સર્વે અમારાં તેમજ આ સભાનાં દર્શન કરવા આવ્યા છે, અને તેના તેજનો પ્રકાશ થઇ રહ્યો છે. એવી રીતે વાત કરી.
એ વખતે ગામ કાળાતળાવના રામાનંદ સ્વામીના સત્સંગી સુતાર હરભમે આવીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યાં અને સભામાં બેઠા. તેને કેટલીક વાર થઇ પણ મહારાજે બોલાવ્યા નહીં એટલે તેને પોતાના મનમાં એવો સંકલ્પ થયો જે, હું આટલા ગાઉથી ચાલીને અહીં આવ્યો. પણ મહારાજે મને એમ પણ ન કહ્યું જે, આવો ભક્ત ! કેમ છો ? એવો એના અંતરમાં ઘાટ થયો. ત્યારે તેના અંતરના ઘાટને શ્રીજીમહારાજે અંતર્યામીપણે જાણીને પછી વાત કરતા હતા તે વાતને રહેવા દઇને મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, સ્વામી ! અમારો દેશ અહીંથી કેટલો છેટો છે ? ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને વિનંતિ પૂર્વક બોલ્યા જે, હે મહારાજ ! લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી પડતો મૂકીએ અને તે વાયુના લસરકે ઘસાઇને પૃથ્વીમાં આવતાં આવતાં રજ ભેળો ભળી જાય એટલો છેટો તમારો દેશ છે.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, સ્વામીન્ ! અમે એટલે છેટેથી અહીં આવ્યા છીએ. અને અમને કોઇક ગાળો દે છે તેમજ કોઇક ધૂળ નાખે છે અને કોઇક તો અમારું અપમાન પણ કરે છે, તે અપમાનને અમે જરણા કરીને સહન કરીએ છીએ. તેમાં કેટલાક જીવો એમ સંકલ્પ કરતા હશે જે અમે આટલા ગાઉ ચાલીને આવ્યા પણ મહારાજ મને બોલાવતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી. ત્યારે તે વાત સાંભળીને અતિ નિર્માની થયેલા હરભમ સુતાર બે હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! હું તો તમારો સેવક છું તે હવે મારા અંતરનો ઘાટ ટળી ગયો છે.
પછી શ્રીજી મહારાજે તેમને તત્કાળ સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અતિ તેજોમય દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તોથી વિંટાણા થકા વિરાજમાન છે એવું એક ઘડી સુધી પોતાનું મહા અદ્ભુતરૂપે દર્શન આપીને પાછું તે ઐશ્વર્ય છુપાવી દીધું. એટલે તુરત જ સમાધિમાંથી જાગીને આનંદ પામેલા હરભમભાઇ વારંવાર પગે લાગીને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરીને અને રસોઇ આપીને શ્રીજીને રાજી કરીને પોતાને ગામ ગયા.
ત્યાર પછી શ્રીજી મહારાજ ચાલ્યા તે ફરતા ફરતા ગામ માનકૂવા આવ્યા. અને અદાજીના દરબારમાં પંદર દિવસ રહ્યા. અને પોતાનો સર્વોપરી પ્રતાપ જણાવતા થકા તેમની સેવા અંગીકાર કરીને પોતાના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરાવીને ત્યાંથી ચાલ્યા તે ગામ કેરા આવ્યા. અને તે ગામની સમીપે નૈઋત્ય ખૂણામાં સજીવન જળ જેની ઉપર થઇને વહે છે એવો એક મહા દેવતાઇ કુંડ છે તેમાં પોતે નિત્ય સ્નાન કરીને સદાબાના દરબારમાં ભોજન કરવા પધારતા. ત્યાં એક દિવસ શ્રીજી મહારાજ ફૂલેશ્વર મહાદેવના મંદિરમાં પધાર્યા. તેને જોઇને ફૂલેશ્વર મહાદેવ પોતાને ધન્યભાગ્ય માનીને પોતાના બે પુત્ર ગણપતિ અને કાર્તિક સ્વામી તથા પોતાનાં પત્ની પાર્વતીજી તથા પોતાની જટામાં બેઠેલાં ગંગાજી તેણે સહિત શ્રીજી મહારાજની આગળ આવીને ગદ્ ગદ્ કંઠે થઇને બે હાથ જોડીને સ્તુતિ કરી તથા કેસર ચંદન અને પુષ્પના હારાદિકે કરીને શ્રીજીમહારાજની પૂજા કરીને શિવજીએ પોતાનાં પંદર નેત્ર વડે શ્રીજીમહારાજનાં એકાગ્ર દૃષ્ટિથી દર્શન કર્યાં. અને કહ્યું જે, હે મહારાજ ! હું તો તમોગુણનો અધિષ્ઠાતા છું. તે તમોએ કૃપા કરીને મને પોતાનાં દર્શન દીધાં અને કૃતાર્થ કર્યો. અને આ મારા પુત્ર કાર્તિક સ્વામી પણ પોતાનાં બાર નેત્રે કરીને તમારાં દર્શન કરીને કૃતાર્થ થયા છે તથા આ અમારા પુત્ર ગણપતિ પણ બે નેત્ર વડે તમારાં દર્શન કરીને ધન્યભાગ્યવાળા થયા છે. તેમજ આ મારી જટામાં બેઠેલાં ગંગાજી તથા મારાં પત્ની જે ગિરિજા તે પણ તમારાં દર્શનથી કૃતાર્થ થયાં છે.
એમ કહીને શ્રીજીમહારાજની સાષ્ટાંગ દંડવત્ પ્રણામપૂર્વક ઘણી પ્રાર્થના કરીને કહેવા લાગ્યા જે, હે મહારાજ ! જ્યારે દક્ષે યજ્ઞ કર્યો હતો અને અગ્નિકુંડમાં તેણે ઘૃતથી તથા જવ તથા શાળ આદિક હવિષ્યાન્ વડે અગ્નિકુંડમાં ઘણીક આહુતિઓ આપી, ત્યારે યજ્ઞપુરુષરૂપે તમો પ્રસન્ન થઇને અગ્નિના કુંડમાંથી પ્રગટ થયા. તે વખતે દક્ષે યજ્ઞમાંથી મારો ભાગ કાઢી નાખ્યો હતો તેથી મને તમોગુણ વૃધ્ધિ પામ્યો હતો. જેથી મેં તમોને બાણ વડે વિંધિ નાખ્યા હતા. તે અપરાધનું મને પાપ લાગ્યું. તે પાપ ટાળવા સારુ હું તમારું સ્વરૂપ બદ્રિકાશ્રમમાં જે નારાયણ નામે રહ્યું છે ત્યાં હું ગયો હતો. ત્યારે મારું તે અપરાધનું પાપ નિવૃત થયું. તથા બ્રહ્મા જ્યારે કામે વ્યાકુળ થયા અને પોતાની પુત્રીનો અંગસંગ કરવા ઇચ્છતા હતા ત્યારે મેં તેમને ઘણાક સમજાવ્યા ત્યારે બ્રહ્મા ક્રોધ કરીને પાંચમાં મુખથી મને ગાળો દેવા લાગ્યા. ત્યારે મેં ત્રિશુળથી તેમનું પાંચમું મુખ છેદી નાંખ્યું. તેથી બ્રહ્માની બ્રહ્મહત્યાનું પાપ તથા યજ્ઞપુરુષના વધનું પાપ તે બન્ને પાપો પણ તત્કાળ તે આશ્રમમાં ટળી ગયાં. તો એ નારાયણના કારણ સાક્ષાત્ અવતારના અવતારી એવા આપ પુરુષોત્તમ અમારા આશ્રમને વિષે પધારીને મને પોતાનાં દર્શન દઇને પૂર્ણકામ કર્યો તેથી હું કૃતાર્થ થયો છું, હું મારાં ધન્યભાગ્ય માનું છું અને મારા કોટાનકોટી અપરાધ ક્ષમા કરો. હું તો તમોગુણનો દેવ છું એમ કહીને પોતે પોતાની મૂર્તિમાં અંતર્ધાન થઇ ગયા.
પછી શ્રીજી મહારાજ ત્યાંથી સદાબાને ઘેર આવીને થાળ જમીને ત્યાં બે દિવસ રહીને પાછા ભુજનગર પધાર્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ આધોઇથી ડભાણ ગયા અને ત્યાં યજ્ઞ કરાવ્યો તથા ભચાઉ બટીઆ કૂવાના થાળામાં જમ્યા અને ત્યાંથી ભુજ પધાર્યા એ નામે સત્તાવનમો અધ્યાય. ૫૭