અધ્યાય-૫૮
ભુજમાં સુંદરજીભાઇને ઘેર રહ્યા અને બીજે દિવસે સાંજની વખતે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, હે સ્વામીન્ ! અમારે શરીરે લગારેક તાવની અસર થઇ આવી છે માટે એકાંતમાં આસન કરાવી આપો તો ઠીક. ત્યારે તે ડેલામાં ઉગમણી કોરે ઓસરી હતી તેમાં આસન કરાવીને પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, અમારે માટે રાતાં મરચાં શેર ચાર તથા બે ચાર દિવસનું ખાટું દહીં હોય તો તે પણ શેર પાંચ મંગાવી આપો.
પછી સુંદરજીભાઇને ઘેરથી મુક્તાનંદ સ્વામીએ એ સર્વ સામાન મંગાવી આપ્યો એટલે તે જોઇને શ્રીજીમહારાજ તરત જ સુતેલા હતા તે બેઠા થયા. અને તે મરચાંને ખુબ ઝીણાં વટાવ્યાં અને બાજરીના રોટલા કરાવ્યા ને મરચાં અને દહીં તે સર્વ જમી ગયા અને એમ બોલ્યા જે, હે સ્વામીન્ ! હવે અમારો તાવ જાશે. તેવું સાંભળીને સુંદરજી સુતાર બોલ્યા જે, હે મહારાજ ! તમે તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો તે તમને કાંઇ થાય નહીં અને બીજાના તો તત્કાળ પ્રાણ નીકળી જાય. ત્યારે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, એકરસ ચિદ્ઘન તેજ જે બ્રહ્મસ્વરૂપ છે તે મારા દીઠામાં આવે છે. અને ગોલોકાદિક ધામ તથા અક્ષરધામ તે પણ મારા દીઠામાં આવે છે. એવી રીતની ઘણીક મરમ ભરેલી વાર્તા શ્રીજી મહારાજે કરી.
તે સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે સુંદરજીભાઇ ! શ્રીજી મહારાજે કેવી સુંદર વાર્તા કરી ? તે સમજીને નિશ્ચય રાખજો. એવી રીતે કેટલાક દિવસ ત્યાં રહીને સર્વે હરિભક્તને પ્રસન્ન કરીને ત્યાંથી સર્વે સંત મંડળ સહિત ચાલ્યા તે ગામ માનકૂવા પધાર્યા. ત્યાં અદાભાઇના દરબારમાં ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને ચારેકોરે સંત હરિભક્તો બેઠા. પછી ઘણીક વાર્તા કરી. તે સાંભળીને અદાભાઇએ પોતાના ઘેર રસોઇ કરાવી હતી તે મહારાજને જમવા તેડી ગયા. ત્યાં જમીને શ્રીજી મહારાજ પાછા ઉતારા પર આવીને સાંજની વખતે ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સર્વે સંતો તથા હરિભક્તો આવ્યા. સભામાં પ્રથમની પેઠે બેસી ગયા. તે સમયે સંત મંડળ ઝાંઝ પખવાજ લઇને કીર્તન કરવા લાગ્યા, તે ઘણીક વાર સુધી ગાવણું કર્યું.
પછી ગાવણું રખાવીને શ્રીજી મહારાજ બોલ્યા જે, સર્વે સંત-હરિભક્તો સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, પરમેશ્વરને રાજી કરવા સર્વે ઇચ્છે છે. જે હરિભક્ત હોય તે પણ એમ જાણે છે જે પરમેશ્વર શો ઉપાય કરીએ તો રાજી થાય ? તે જુવોને નારદ-સનકાદિકે પણ તપ કરીને ભગવાનને રાજી કર્યા છે. માટે અંતરમાંથી પ્રવૃત્તિમાત્રનો ત્યાગ કરીને સર્વે રજોગુણ આદિકનો સંગ છોડીને કોઇ સારી ગુફા તથા એકાંત ઠેકાણું હોય ત્યાં વાસ કરીને અષ્ટાંગ યોગ સાધીને પોતાના અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ આદિકને જીતીને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખે તો ભગવાન અતિશય રાજી થાય છે.
એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા જે, યોગને વિષે પ્રવર્ત્યા જે સંત તેને ટાઢ, તડકો, વરસાદ, માન, અપમાન, ભૂખ, તરસ, હર્ષ શોક આદિક જે દુઃખ આવે ત્યારે શૂરવીરની પેઠે સહન કરવું અને એમ જાણવું જે, હું તો આત્મા છું, અક્ષર છું, અછેદ્ય છું અને બ્રહ્મ છું અને આ દેહને અને મારે કાંઇ સબંધ નથી. અને આ દેહ તો પૃથ્વી આદિક પંચભૂતના વિકારરૂપ છે. આવી રીતે માનીને ભગવાનનું ભજન કરવું. બીજું આ સંસારને વિષે કેટલાક પુરુષ શૂરવીર થાય છે. અને કેટલીક સ્ત્રીઓ સતીઓ થાય છે અને જે હિંમત વિનાના પુરુષ હોય છે તેઓ તો દાંતે તરણાં લઇને સંતાતા ફરે છે, તેની લોકમાં બહુ હાંસી થાય છે તથા અપકીર્તિ થાય છે અને અંતે અસદ્ ગતિને પણ પામે છે.
માટે દેહના સુખની લાલચનો ત્યાગ કરીને એમ સમજવું જે માંદા થાશું ત્યારે કોણ ચાકરી કરશે ? એવો સંકલ્પ કોઇ દિવસ કરવો નહીં, અને એમ વિચારવું જે, જેણે માતાના ગર્ભમાં જઠરાગ્નિથી રક્ષા કરી છે તેના તે જ વળી મારી રક્ષા કરશે. એ દિશની ઘણીક વાર્તા કરી. તે સાંભળીને સર્વે સંત-હરિભક્તો રાજી થયા. એવી રીતે અઢીમાસ અદાભાઇના દરબારમાં રહીને સર્વે સત્સંગીઓની સેવા અંગીકાર કરીને પાછા ભુજનગર આવ્યા.
ત્યાં સુંદરજીભાઇની મેડી ઉપર વિરાજમાન થયા. અને પોતાના મુખારવિંદ આગળ ગંગારામભાઇ તથા ભગવાનજીભાઇ તથા હીરજીભાઇ આદિક કેટલાક હરિભક્તો આવીને બેઠા. તે વખતે સુંદરજીભાઇએ શ્રીજી મહારાજને વિનંતી સહિત નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! આ દેહમાંથી જીવ જ્યારે બહાર નીકળે છે ત્યારે તેનું રૂપ કેવું હશે ? અને એ જીવ કોઇને દેખાતો હશે કે નહીં ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, જીવનું રૂપ તો અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે તે આ ચર્મ દૃષ્ટિએ કરીને દેખાય એવું નથી. અને જેને અજ્ઞાનરૂપી અંધારું ટળી ગયું હોય તે દેખે છે અને તેની અલૌકિક દૃષ્ટિ છે તેથી દેખવામાં આવે છે. અને બીજોતો કોઇ એ જીવાત્માને દેખવાને સમર્થ થતો નથી. જેમ આપણે આ સંતો સહિત અહીં બેઠા છીએ તેમાંથી કોઇક પુરુષને નિંદ્રા આવી જાય અને સ્વપ્ન આવે છે ત્યારે તે પુરુષ એમ દેખે છે જે ફોજ આવે છે.
તે જેને સ્વપ્ન છે તે પુરુષ ફોજને દેખે છે અને ડરી પણ જાય છે. અને આ મેડી ઉપર કોઇ ફોજ નથી પણ સ્વપ્નવાળા પુરુષની દૃષ્ટિમાં દેખાય છે, એમ આત્મા જે જીવ તથા બ્રહ્મ તેને દેખવાની દ્રષ્ટિ પણ જુદી છે અને તે દ્રષ્ટિ તો ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને આવે છે. અને તે વિના તો કોટી સાધન કરે પણ તેણે કરીને પોતાના જીવાત્માને દેખવો તથા બ્રહ્મને દેખવું તેવી દૃષ્ટિ આવતી નથી. માટે જે એ દૃષ્ટિ પામ્યો હોય તે દેખવાને સમર્થ છે. અને જ્ઞાનીનાં શાસ્ત્રમાં તો અનંત લોચન કહ્યાં છે માટે એ મર્મને અજ્ઞાની જીવ જાણતો નથી. ભગવાનની મૂર્તિનું જે આત્મારૂપે થઇને અખંડ ધ્યાન કરે છે તે સર્વને દેખે છે અને તે અલૌકિક દૃષ્ટિને પણ પામે છે. તે ધ્યાન કરવાની રીત કહીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત હોય તે દૃષ્ટિ આગળ મૂર્તિને ધારે ત્યારે પ્રથમ તો જેવી ભગવાનની મૂર્તિ છે તેવી જ દેખાય છે.
અને જ્યારે મૂર્તિમાં વૃત્તિ રાખે છે તે જેમ સૂર્યનું કિરણ જાળીમાંથી ઘરમાં પડે છે અને સૂર્યનું કિરણ અને સૂર્ય તે એક તાર દેખાય છે, તેમ તે ભક્તને અગ્નિ સરખી રક્ત તે મૂર્તિ ભાસવા લાગે છે. પછી તે મૂર્તિમાંથી પ્રકાશ ઘણો પ્રકટીને સૂર્ય જેવી મૂર્તિ ભાસે છે. અને ચંદ્રમાના જેવું શીતળ અને મોટા તારા ખરે તેના જેવું ઊજળું તેજ તે સરખી અત્યંત ઊજળી અને પ્રકાશમાન મૂર્તિ ભાસે છે. પછી એવી મૂર્તિ જોતાં જોતાં અંતરદૃષ્ટિ થઇ જાય છે ત્યારે તે ભક્તના હૃદયમાં બ્રહ્માંડ જેવો અવકાશ દેખાય છે. પછી ચાર પ્રકારના પ્રલયે કરીને સર્વને ખોટું જાણીને એક ભગવાનની મૂર્તિને ધારે, પછી જેમ કોઇક પુરુષના હાથમાં ચિંતામણી હોય તે પુરુષને બાકી પામવા કાંઇ પણ રહેતું નથી, તેમ ભગવાનની મૂર્તિમાં જેની અખંડ વૃત્તિ જોડાણી છે તે પુરુષ ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ, અક્ષરધામ અને અનંત કોટી મુક્ત તે સર્વને દેખે છે.
એવો જે ભગવાનનો ભક્ત હોય તે જ્યારે ધારણા કરે છે ત્યારે પચાસ કરોડ જોજન પૃથ્વી, તેથી દશગણું જળ અને તેથી દશગણું તેજ અને તેથી દશઘણો વાયુ અને તેથી દશઘણો આકાશ, અને તેથી દશઘણો અહંકાર અને તેથી દશઘણું મહત્તત્ત્વ અને તેથી અનંત ઘણી પ્રકૃતિ અને તેથી અનંત ઘણો પુરુષ અને પ્રકૃતિ પુરુષથી પર ભગવાનનું અક્ષરધામ છે. તે ધામમાં આંખના એક મટકાના લાખમાં ભાગમાં જઇ આવે છે. અને તે જીવને એમ જણાય છે જે, એ ધામમાં હું હજારો વર્ષ રહી આવ્યો, અથવા બ્રહ્માના કાળપર્યંત રહી આવ્યો એવું જણાય છે, અને અહીંતો એક મટકાનો લાખમો ભાગ થયો હોય એવી અલૌકિક વાત છે, તે ભગવાનના ધ્યાન વાળો જાણે છે. અને એવી જાતની ધારણા થાય છે. તેનું કારણ તો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ તે છે.
માટે જેને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેતી હોય તે જો ગૃહસ્થ હોય તો પણ તેને અલૌકિક દૃષ્ટિ થાય છે, અને જેની વૃત્તિ અખંડ ભગવાનને વિષે ચોટતી ન હોય, અને તે બ્રહ્મચર્ય પાળતો હોય અને દેહને સૂકવીને કાષ્ટ જેવો કરે તોય પણ તેને અલૌકિક દૃષ્ટિ થતી નથી. જેની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહેતી હોય તેની જ અલૌકિક દૃષ્ટિ થાય છે, તેનેજ આત્માનું પણ દર્શન થાય છે. માટે ભગવાનનું ધ્યાન કરતાં જે જે પદાર્થ અંતરાય કરતાં હોય તેનો ભગવાનના ભક્તને શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનના ધ્યાનમાં અંતરાય થવા દેવો નહીં. તેની વિગતિ જે રામ કૃષ્ણાદિક જે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થયા હોય તે પ્રકટ ભગવાનનું ધ્યાન કરવું પણ મોરે જે બ્રહ્મવેત્તા સંત હોય તેનું ધ્યાન ન કરવું.
એવી રીતે સમજ્યા વિના કામી, ક્રોધી, લોભી હોય અને સદ્ગુરુ બ્રહ્મવેત્તા કહેવાતા હોય તેનું પણ મૂર્ખાઇએ કરીને ધ્યાન કરે તો તે કપટી ગુરુ અને કપટી ચેલા તે મરીને બેય જમપુરીમાં જાય છે. અને ત્યાં છ લાખ અને ચોરાશી હજાર નરકના કુંડ છે તેને ભોગવે છે. અને તે પાપના કારણથી ચોરાશી લાખ અવતાર પણ ધરે છે. માટે મોક્ષભાગીને બીજા કોઇનું ધ્યાન કરવું નહીં, કારણ કે તેનાથી કોઇ કાર્ય સિધ્ધ થતું નથી. તે માટે પોતાને જે પ્રગટ ભગવાન મળ્યા હોય તેનું ધ્યાન કરવું. તેમ કરવાથી સર્વ કાર્ય સિધ્ધ થાય છે. અને તે ધ્યાન જે નથી કરતો તે ભલે કોટી શાસ્ત્ર ભણે અથવા કથા કીર્તન કરે તે તો દિનકઢણી છે. જેમ કોઇ સ્ત્રીનો ધણી મરી ગયો હોય અને તે વિધવા થઇને પોતા જેવી જે બીજી વિધવા સ્ત્રી હોય તેને વાત કરીને તેના અંતરમાં શાન્તિ પમાડે, વળી ગરાસીયા હોય તે નવરા બેઠા દિવસ જાય નહીં એટલે ઘડીક અમલ પીધામાં જાય છે. અને ઘડીક હોકો પીધામાં જાય છે અને ઘડીક શોગટાબાજી રમવામાં જાય છે. એમ કરીને દિવસ પુરો કરે છે. તેમ જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે નહીં તે જીવ બે ઘડી શાસ્ત્રો વાંચે છે, અને બે ઘડી કીર્તન ગાય છે, અને બે ઘડી ફરી આવે એમ કરીને દિવસ કાઢે છે. માટે ભગવાનના ધ્યાન વિના એક પળ પણ વૃથા કાઢવી નહીં. અને ભગવાનના નિશ્ચયના બળે કરીને જે ગાફલાઇ રાખે છે અને ભગવાનને વિષે વૃત્તિ નથી રાખતો તેને ત્રણ પ્રકારની ખોટ છે. એક તો એને વિવેક નથી, તથા ભગવાનને વિષે પ્રીતિ નથી, તથા ભગવાનનું માહાત્મ્ય પણ જાણતો નથી. એ ત્રણ ખોટે કરીને ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. માટે ભગવાનમાં વૃત્તિ રાખવી તેથી ઉપરાંત બીજું કોઇ જીવને મોટું સાધન નથી. અને ભગવાનને પ્રસન્ન કર્યાનું એ જ સાધન સારમાં સાર છે. એવી રીતે સુંદરજીભાઇના પ્રશ્નનો ઉત્તર કર્યો.
તેમાં ઘણી વાર્તા શ્રીજી મહારાજે કરી, તે સાંભળીને સર્વે સંત તથા હરિભક્તો રાજી થયા અને શ્રીજી મહારાજને પુરુષોત્તમ ભગવાન જાણીને બે હાથ જોડી પગે લાગ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ કાળાતળાવ પધાર્યા અને ત્યાં રામાનંદ સ્વામીની ઓરડીમાં પોતે ગાદી તકીઆ ઉપર પૂર્વ મુખારવિંદે વિરાજમાન થયા અને સર્વ ભગવાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી તથા વિરક્તાનંદ સ્વામી આદિક સંતો તથા સુતાર ભીમજી તથા હરભમભાઇ તથા મનજીભાઇ તથા રવજીભાઇ આદિક બીજા કેટલાક હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીમદ્ ભાગવતની કથા વંચાતી હતી.
ત્યારે તે કથામાં એકાંતિક ભક્તનો પ્રસંગ આવ્યો. તે સાંભળીને શ્રીજી મહારાજે ચપટી વગાડીને કથા બંધ રખાવીને વાત કરવા લાગ્યા જે, ભગવાનનો એકાંતિક ભક્ત હોય તે પોતાને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનને પોતાના સ્વામી સમજીને પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું ધ્યાન સ્મરણ અને ઉપાસના તે કર્યા કરે અને દેહે કરીને તથા મને કરીને ત્યાગી રહે અને જેટલાં પરમેશ્વરે વર્તમાન બાંધ્યાં હોય તેમાં કોઇ પ્રકારનો ફેર પડવા દે નહીં, એવો એકાંતિક ભક્ત હોય. અને એવા એકાંતિક ધર્મની પ્રવૃત્તિ સૃષ્ટિમાં ક્યાંય ન હોય ત્યારે તે ધર્મ શ્રી નરનારાયણ દેવને વિષે રહે છે. અને એ નરનારાયણ દેવ પોતે એકાંતિક ભક્તની પેઠે વર્તીને પોતાના શરણાગત ભક્તને શિખવાડે છે.
એવા સમયમાં તો એક નારદજી હતા, તે વિના તો આ સત્સંગમાં ઘણાક છે, અને અમે તો સર્વ મતપંથ જોઇ વળ્યા પણ કોઇ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન અને ત્યાગ નથી, અને કોઇ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ અને ઉપાસના નથી. એવી રીતની ઘણીક વાર્તા કરીને વળી શ્રીજી મહારાજ બોલ્યા જે, હે સંતો અને હરિભક્તો ! આપણે એવો સંપ્રદાય ચલાવીએ જે વેદ અને પુરાણને અનુસરીને કોઇ પણ વાતની કસર રહે નહીં.
એમ કહીને સર્વ સંતો તથા હરિભક્તો સહિત કીર્તન ગાતા ગાતા ત્યાંથી પગપાળા ચાલ્યા તે ગામ માનકૂવે થઇને તથા વિથોણ થઇને નારાયણસરોવર સ્નાન કરવા પધાર્યા. તેમાં વિધિએ સહીત સ્નાન કરીને રણછોડજી ત્રિકમજીના મંદિરમાં જઇ અને દર્શન કરીને કોટેશ્વર મહાદેવની જગ્યામાં જઇને ત્રણ દિવસ રહ્યા. અને સદાવ્રતમાંથી સીધું લાવીને જમ્યા. પછી તે તીર્થને પવિત્ર કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ તેરા આવ્યા. અને અઢી માસ પર્યંત રહીને સર્વે સંત હરિભક્તોને ઘણીક પ્રકારની ત્યાગ તથા વૈરાગ્યની તથા પોતાના સ્વરૂપની દૃઢતાની વાર્તા કરીને તેમજ ભગવાનપણાનો અને પોતાના વિષે સર્વોત્તમ અવતારના અવતારીપણાનો નિશ્ચય કરાવ્યો.
ઇતિ શ્રીસહજાનંદસ્વાદમી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે અમને તાવની કસર છે તથા સુંદરજીએ દેહથી જુદું જીવનું રૂપ પૂછ્યું તથા મોક્ષભાગીને બીજા દેવ આદિકનું ધ્યાન ન કરવું તથા ગામ તેરામાં પોતાના સ્વરૂપનો ઉત્તમ નિશ્ચય કરાવ્યો એ નામે અઠ્ઠાવનમો અધ્યાય. ૫૮