૫૫ પુરુષોત્તમગીતા અધ્યાય ૧પઃ બુદ્ધિ, ઈન્દ્રિય, મન, પ્રાણ, ભગવાન જીવને આપે છે. મુક્તને અંતર્યામી કરે છે તથા પોતાનો મહિમા કહ્યો, પુરુષોત્તમગીતા સમાપ્ત.

Submitted by swaminarayanworld on Fri, 27/05/2016 - 9:22pm

અધ્યાય-૫૫

હે વર્ણીન્દ્ર ! દિવ્ય મૂર્તિ, પ્રકાશ મય અને સુખરૂપ જે ભગવાન તે જે પ્રલય કાળમાં માયામાં કારણ શરીરે સહિત લીન હતા જે જીવ તેને ઉત્પત્તિ કાળે બુધ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણને આપે છે, તે શાને અર્થે આપે છે. તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે આપે છે. ને એ જીવોને માટે ભોગ ને ભોગનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે. તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે, જેમ કોઇક ભારે શાહુકાર હોય તે રસ્તાની બન્ને બાજુ છાયાને માટે ઝાડ રોપાવે તથા જળનું પરબ બંધાવે છે, તથા સદાવ્રત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારુ કરાવે છે. તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાલાના રાંક હોય અને પીંપરની ટેટીઓ બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ તથા મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યા છે. તે જેમ શાહુકારે સદાવ્રત-ધર્મશાળા આદિકનાં સુખ જેવાં રાંકને અર્થે રચ્યાં છે તે કરતાં તે શાહુકારના ઘરમાં જે સુખ તે અતિ ઉત્તમ હશે એમ જણાય છે. તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવાં સુખ રચ્યાં છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે, એમ બુધ્ધિવાળો હોય તેના જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુધ્ધિવાનને જાણ્યામાં આવે છે તેણે કરીને સારા વિષયો તે ભૂંડા થઇ જાય છે.

હે વર્ણીન્દ્ર ! સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિકનું જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મ સહિત જે કિંચિત્‌ ભગવાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઇને વિષે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલની સમીપમાં જેવો પ્રકાશ છે તેવો થોડે દૂર નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત્‌ સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપે રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટું થવાય છે તેટલી સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહા દુઃખીયો થઇશ. અને થોડાક ભગવાનના સંબંધથી એવું સુખ થાય છે. માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને તે ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુધ્ધિવાન્‌ કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. અને તેથી દેવતાનું સુખ અધિક છે અને તેથી ઇંન્દ્રનું અધિક છે અને તેનાથી બૃહસ્પતિનું અને તેથી બ્રહ્માનું, તેથી વૈકુંઠ લોકનું અને તેથી ગોલોકનું સુખ તે અધિક છે ; તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.

હે વર્ણીન્દ્ર ! એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજાં જે જે પંચવિષયનાં સુખો છે તેને વિષે બુધ્ધિમાનને તુચ્છતા થઇ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઇક રાંક ઠીકરું લઇને માગવા આવ્યો હોય તેના જેવું તુચ્છ છે અને એ ભગવાનના ધામમાં સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે બીજાં સુખમાંથી ઉદાસ થઇને મનમાં એમ થાય છે જે આ દેહ મુકીને એવા સુખને ક્યારે પામીએ. અને સ્વાભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઇએ તેમાં તો કાંઇ ઝાઝો વિચાર થતો નથી પણ જો તે વિષયમાં કાંઇક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પહોંચી જાય છે અને મન અતિ ઉદાસ થઇ જાય છે, અને આ જે સર્વે વાત છે તે જે  બુધ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે હે વર્ણીન્દ્ર ! બુધ્ધિવાળા ઉપર અમારે ઘણું હેત છે કેમ જે અમે બુધ્ધિવાળા છીએ તો આવી રીતે અમારી દૃષ્ટિ પહોંચે છે. માટે જે બુધ્ધિવાળો હોય તેની પણ દૃષ્ટિ પહોંચે ખરી, અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં મને અધિક જણાયો, તે સારુ આ અમારા વિચારને અતિ દૃઢપણે કરીને હૈયામાં રાખજો. અને આ વિચાર વિના તો જો રમણિક પંચવિષયમાં વૃત્તિ ચોટેલી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં સહેજે જ વિષયની તુચ્છતા જણાઇ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુધ્ધિ હોય અને ઝાઝા સુખના લોભને ઇચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે, અને તેથી સોના મહોરમાં વધુ માલ છે, અને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે.

માટે જે બુધ્ધિવાળો હોય અને જેની દૃષ્ટિ પહોંચે તેણે આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દૃઢ ઠર્યો હોય તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસો તથા રાજ સમૃધ્ધિએ વિંટાણો છું એમ સમજે પણ દુઃખીયો ન માને અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખિયો ન માને, તે સુખને તુચ્છ જાણે, તે સારુ હે વર્ણીન્દ્ર ! આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે, હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પુગવું છે, પણ વચમાં કોઇ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી.

એવી રીતે તમો સહુ દૃઢ વિચાર રાખજો. અને આ તો જે અમારો સિધ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે, માટે તમો દૃઢ કરીને રાખજો. અને ભગવાનનો મહિમા બહુ મોટો છે, તે મહિમા ભગવાને બ્રહ્માને પણ કહ્યો છે જે, હે બ્રહ્મા ! જેવો હું છું અને જેવો મારો મહિમા છે અને જેવાં મારાં ગુણકર્મ છે તેવું મારા અનુગ્રહથી તને વિજ્ઞાન થાઓ. એવું જે બ્રહ્માને વચન કહ્યું છે તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ કર્મ અને માયાથી રહિત છે, તેમ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ અને માયા થકી રહિત થાય છે અને અખંડ ભગવાનની સેવામાં રહે છે. એવી દેહ મૂક્યા કેડે તે ભક્તને પ્રાપ્તિ થાય છે. અને તે ભગવાનના ધામની ઉપમા કોઇથી ન દેવાય તેવું છે. ને ગોલોક પણ તેને જ કહીએ છીએ અને અનંત અન્ય ધામની વિભૂતિયો તે થકી અસંખ્ય કોટી જાતની શોભાનું અધિકપણું છે અને અપાર છે.

ત્યાં દૃષ્ટાંત છે : જેમ આકાશ અપાર છે તેને ચારે કોરે જોઇએ તે કોઇ દિશામાં અંત આવતો નથી. તેમ એ ભગવાનના ધામને હેઠે અને ઉપર અને ચારે કોરે અંત નથી, કેમ જે એ અપાર છે તેનો જો પાર લેવા માંડે તો પાર આવે નહીં એવું મોટું બ્રહ્મપુર છે. તે બ્રહ્મપુરને વિષે જે પદાર્થ તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે. અને તે ધામને વિષે અસંખ્ય પાર્ષદ રહ્યા છે. તે કેવા છે તો દિવ્ય આકારે સહિત ને તેજોમય છે અને સર્વ ભૂત-પ્રાણી માત્રના અંતર્યામી છે. તે સર્વ ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે. અને તે જ ધામના જે પતિ અને અક્ષરાદિક મુક્તના સ્વામી અને પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે.

વર્ણીન્દ્ર ! તે જ બ્રહ્મધામને વિષે ગરુડ ઉપર બેસીને અમે જાતા હતા ત્યારે ગરુડ પણ ઉડી શક્યો નહીં એટલે અમે એકલા જ તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું બ્રહ્મધામ તેમાં ગયા ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, મારા વિના કોઇ મોટો દેખ્યો નહીં એટલે ઠેકાણે ફર્યા અને પછી અમે દેહને વિષે આવ્યા અને ફરી અંતર સામું જોયું ત્યારે એમ જણાયું જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ; સ્થિતિ અને પ્રલય તેનો કર્તા પણ હું જ છું અને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે.

અને હે વર્ણીન્દ્ર ! વળી હું કેવો છું તો મારા પગના અંગુઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે અને મારે તેજે કરીને સૂર્ય અને ચંદ્રમા અને તારા આદિક સર્વે તેજાયમાન છે, એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન શ્રી પુરુષોત્તમ એવો જે હું તે મારે વિષે મન સ્થિર થાય છે. અને કોઇ કાળે મન વ્યભિચારને પામે નહીં. અને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું મારું બ્રહ્મધામ છે તેને પમાડીશ. અને તે સર્વેને અંતર્યામી જેવા કરીશ. અને બ્રહ્માંડોની ઉત્ત્પત્યાદિક કરે એવા સમર્થ કરીશ. પણ પછી સામર્થી પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં, એવો અહંકાર આવવા દેવો જ નહીં, અને એમ જાણવું જે, શ્રી પ્રગટ નારાયણની કરુણાએ કરીને હું મોટપ પામ્યો છું. આવી રીતે પુરુષોત્તમ ગીતા મુકુંદ વર્ણિને શ્રીજી મહારાજે કહી છે તો શ્રીહરિના એકાંતિક ભક્તને અમૃત તુલ્ય મહાસુખ દેનારી છે. અને પંદર અધ્યાયે કરીને કહી છે. તેમાં પહેલા ત્રિકમાં ધર્મ કહ્યો છે. અને બીજા ત્રિકમાં જ્ઞાનની વાત કહી છે. અને ત્રીજા ત્રિકમાં વૈરાગ્યની વાત કહી છે. અને ચોથા ત્રિકમાં ભક્તિની વાત કહી છે. અને પાંચમાં ત્રિકમાં પોતાના સ્વરૂપનો જે મહિમા તે કહ્યો છે. આવી રીતે પંદર અધ્યાયમાં સર્વ વેદ શાસ્ત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, સ્મૃતિઓ અને શારીરિક સૂત્ર એ આદિક જે શાસ્ત્રો એ સર્વનો રહસ્ય અભિપ્રાય કહ્યો છે. માટે આ પુરુષોત્તમ ગીતાનો જે એક શ્લોક જો બોલે તો તેને અંત સમયે શ્રીહરિ દર્શન દઇને અક્ષરધામમાં તેડી જાય છે, અને આત્યંતિક મોક્ષને પમાડે છે. આ ગીતા સર્વે અવયવે કરીને આત્યંતિક મોક્ષને પમાડે છે. આ ગીતા આત્યંતિક કલ્યાણની મૂર્તિરૂપ છે. માટે આ ગીતાનો નિત્ય પાઠ કરે તો તે પાઠ કરનાર છતે દેહે અક્ષરધામમાં બેઠો છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમગીતામાં જીવને બુધ્ધિ, ઇન્દ્રિયો, મન, પ્રાણ, ભગવાન આપે છે તથા મુક્તને સર્વ ભૂત-પ્રાણીના અંતર્યામી કરે છે તે તથા પોતાનો મહિમા કહ્યો એ નામે પંદરમો અધ્યાય.૧૫ સળંગ અધ્યાય. ૫૫