૬૫ હિંસામય યજ્ઞનો નિષેધ વર્ણન, ત્યાંથી સુખપર, માનકૂવા, નારાયણપુર, બળદીયા થઈ ભુજ આવ્યા.

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 9:57pm

અધ્યાય-૬૫

હે બ્રાહ્મણો ! આવી રીતે વેદના રહસ્યરૂપ નીતિનાં જે ઋષિઓનાં વચનો તેથી કરીને પોતાનું માનભંગ થાય તેને માટે દેવતાઓએ માન્યું નહીં. તે દિવસથી જ ઇન્દ્ર આદિક દેવના અંતરમાં અધર્મે આવીને પ્રવેશ કર્યો હતો. તે કારણથી તે મુનિઓનું વચન માન્યું નહીં અને કહેવા લાગ્યા જે, ‘અજ’ શબ્દ જે વેદને વિષે કહ્યો છે તેનો અર્થ ‘બીજ’ ન સમજવો પણ તેનો અર્થ બકરો થાય છે. એવું દેવતાઓનું વચન સાંભળીને તે મહર્ષિઓ ઉદાસ થઇ ગયા. એટલાકમાં તો અતિશય તેજસ્વી અને ઇન્દ્રનો પરમમિત્ર ઉપરિચરવસુ રાજા ત્યાં આવ્યો. તેને જોઇને મહર્ષિઓ અતિશય પ્રસન્ન થયા અને દેવતાઓને કહેવા લાગ્યા જે, હે દેવતાઓ ! આ ઉપરિચરવસુ રાજા આવે છે તે આપણા સંશયને નિવૃત્ત કરશે કારણ કે આ રાજાએ આરણ્યક ઉપનિષદ્‌ તથા પંચરાત્ર શાસ્ત્રમાં કહેલા વિધિના અનુસારે હજારો યજ્ઞો કરેલા છે જે યજ્ઞો પૈકી કોઇ પણ યજ્ઞમાં કોઇપણ પ્રકારની હિંસા થઇ નથી તેમજ દક્ષિણા પણ મુખ્ય પક્ષથી જ અપાયેલી છે.

તે યજ્ઞોમાં પ્રત્યક્ષ દેવતાઓનું પૂજન થયેલું છે. વળી આ રાજાના એક પત્નીવ્રતવાળો છે, તેમજ સત્ય પ્રતિજ્ઞાવાળો છે, ભગવાનનો દૃઢ ભક્ત છે, તેમજ અહિંસામય ધર્મને પૂર્ણરીતે પાલન કરનારો છે. આવો રાજા ઉપરિચરવસુ ક્યારેય પણ ખોટું નહિં બોલે કેમ જે, તે રાજા વેદની મર્યાદાનું યથાર્થ રીતે પાલન કરે છે. આ પ્રમાણે દેવતાઓ તથા મહર્ષિઓ પરસ્પર સલાહ કરીને ઉપરિચરવસુ રાજાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા જે હે રાજન્‌ ! યજ્ઞ શી વસ્તુથી કરવો ? પશુઓથી કરવો કે ઔષધિથી કરવો ? અમારો આ સંશય છે તેને તમે નિવૃત્ત કરો. અમોએ તમને આના નિર્ણયમાં પ્રમાણ તરીકે માનેલા છે.

આવું તેમનું વચન સાંભળીને ઉપરિચરવસુ રાજાએ કહ્યું, તમારા બન્ને પક્ષોમાંથી કોનો કોનો કેવો મત છે તે કહો. ત્યારે મહર્ષિઓ બોલ્યા જે, ધાન્ય વડે યજ્ઞ કરવો તે અમારો મત છે અને પશુહિંસાથી યજ્ઞ કરવો તે દેવતાઓનો મત છે.

હે રાજન ! આ સંબંધમાં તમારો જે મત હોય તે કહો. આવું સાંભળીને તે વસુ રાજા દેવતાઓના અસત્ય પક્ષને રાખીને મિથ્યા બોલ્યા જે, પશુથી યજ્ઞ કરવો એમ વેદમાં કહ્યું છે. શ્રી હરિ કહેવા લાગ્યા જે, હે વિપ્રો ! આવી રીતે માનને લીધે દેવતાઓના અસત્યમતને આશરીને ધર્મને જાણનારો અને સત્ય કાર્યોને જાણનાર એવો છતાં તે રાજા એવું બોલ્યો. આ પ્રમાણે મિથ્યા બોલવાથી તુરત જ તે રાજા પૃથ્વી પર પડી ગયો અને ત્યાં પાતાળમાં પ્રવેશી ગયો. તેને જોઇને દેવતાઓ ઘણો જ ભય પામીને યજ્ઞશાળામાં બાંધેલાં પશુઓને છોડી મૂકી તરત જ સ્વર્ગમાં ચાલ્યા ગયા, અને મહર્ષિઓ પણ પોતાના આશ્રમમાં ગયા.

આવી રીતે ધર્મને જાણનારો ઉપરીચરવસુ રાજા અસત્ય વચન બોલ્યો અને વેદને હિંસાપર કહ્યો તેથી અસદ્‌ ગતિને પામી ગયો. તો પછી પ્રત્યક્ષ પશુને હોમીને યજ્ઞ કરે તેની શું દશા થાય ? માટે સત્વગુણી બ્રાહ્મણાદિક મનુષ્યોથી હિંસામય યજ્ઞ થાય જ કેમ ? વળી મોક્ષ ધર્મને વિષે કહ્યું છે જે, હે બ્રહ્મન્‌ ! લુબ્ધવૃત્તિ પરાયણ અને નાસ્તિક પુરુષોએ વેદના વાદને નહીં સમજીને અર્થાત્‌ હંમેશાં હિંસાને વિષે રાગવાળા પુરુષોએ તે રાગની નિવૃત્તિને અર્થે યજ્ઞને વિષે હિંસા કરવી એ પ્રકારે હિંસાના સંકોચ રૂપી અનૃત વાદને જાણે સત્યાભાસ હોયને એમ પ્રવર્તાવ્યો છે. વેદની મર્યાદાને નહીં સમજનારા એટલા જ માટે મૂર્ખ અને નાસ્તિક, વેદને વિષે હિંસા કહી છે કે નથી કહી એ પ્રકારે સંશય ચિત્તવાળા પુરુષોએ હિંસા વર્ણવી છે પણ વેદનો મત હિંસા કરવાનો નથી. વળી હિંસાનો નિષેધ ભારતમાં પણ મહર્ષિઓએ દેવતાઓ પ્રત્યે કહેલ છે જે હે દેવતાઓ ! યજ્ઞને વિષે ધાન્યના બીજે કરીને હોમ કરવો પણ યજ્ઞમાં પશુઓને ન હોમવાં.

ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રી કૃષ્ણભગવાને પણ કહ્યું છે જે, વિષયથી યુક્ત મનવાળા રાગીપુરુષોએ હિંસા કરવામાં પોતાની બહુજ રૂચિ હોય તો રુચિને અનુસારે યજ્ઞમાં જ હિંસા કરે પણ તેમાં મારી પ્રેરણા નથી. આવો મારો પરોક્ષ મત તેને ન જાણીને હિંસાએ કરીને રમતા એવા ખળ પુરુષો પોતાને માંસ ભક્ષણ કરવાની ઇચ્છા હોવાથી પશુઓને મારીને તેના માંસથી યજ્ઞ કરીને દેવતા, પિતૃ અને ભૂતપતિને ભજે છે. માટે અનર્થને પમાડનારી હિંસાને જે શાસ્ત્ર કહેતું હોય અર્થાત્‌ જીવ હિંસાનું પ્રતિપાદન કરતું હોય તેને શાસ્ત્ર ન જ માનવું. કારણ કે સમગ્ર દુઃખની પ્રાપ્તિને કરાવનારું અને જેને વિષે ચોર્યાસી લાખ જાતિને વિષે વારંવાર જન્મ મૃત્યુનો પ્રવાહ રહેલો છે એવી જે સંસૃતિ તે જીવ હિંસાથી જ થાય છે. એવી રીતે મહા દુઃખરૂપ ફળની પમાડનારી હિંસા છે.

હે વિપ્રો ! ભાગવતના ચતુર્થ સ્કંધમાં નારદમુનિએ પ્રાચીન બર્હિષ રાજા પ્રત્યે કહ્યું છે જે, હે પ્રજાપતિ ! હે પ્રાચીન બર્હિષ રાજન્‌ ! તેં દયાથી રહિત થઇને યજ્ઞને વિષે જે હજારો પશુઓ માર્યાં છે તથા તે યજ્ઞને વિષે બીજા કેટલીક જાતના જે જીવના સમૂહો માર્યા છે તે તારું વેર સંભાળીને તારી રાહ જોઇને બેઠા છે. જ્યારે તું આ શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જઇશ ત્યારે તને જોઇને ઉત્પન્ન થયો છે ક્રોધ જેમને એવાં એ પશુઓ તથા તે જીવના જે સમુદાયો તે સર્વે લોઢાના કુહાડા વડે તને છેદીને તલતલ જેટલા ટુકડા કરી નાખશે. અને હે વિપ્રો !વૃધ્ધ પરાશર ઋષિએ પણ યજ્ઞ આદિકને વિષે માંસની ના કહી છે. જે પવિત્રપણું તથા પાત્રાદિકની શુધ્ધિ તે યજ્ઞાદિકને અનંત ગણી તૃપ્તિ કરે છે માટે માંસની તો નિશ્ચયપૂર્વક ના જ કહી છે.

તે માટે યજ્ઞાદિકને વિષે પશુ મારવાં નહી અને જે પુરુષ પ્રાણીની હિંસા કરીને પિતૃ અને દેવને માંસ વડે તૃપ્ત કરે છે તે પુરુષો પોતાને શરીરે પાપનું લેપન કરે છે. હે વિપ્રો ! ભારતમાં કહ્યું છે જે, હે યુધિષ્ઠિર ! દેવતાને નિવેદન કર્યું, તથા પિતૃને નિવેદન કર્યું એવું જે માંસ તેનાં ભક્ષણને વિષે દોષ છે. કોઇ પણ પ્રકારે માંસ નિર્દોષ નથી જ. તે માટે માંસનું ભક્ષણ ક્યારેય કરવું નહીં. અને વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે જે, એક તો બીજા કોઇને જીવની હિંસા કરવાની આજ્ઞા કરનારો, બીજો કાપનારો, ત્રીજો મારનારો, ચોથો માંસ વેચાતું લાવીને બીજાને વેચાતું આપનારો, પાંચમો માંસ રાંધનારો, છઠ્ઠો માંસ ઉપાડી લાવનારો, સાતમો માંસ ખાનારો, એ સાત પ્રકારના પુરુષ છે તે સર્વે જંતુના મારનારા છે. માટે માંસ તો ખાવું જ નહીં. માંસનો ખાનારો ક્યારેય પણ સ્વર્ગને પામતોજ નથી. તે તો નિશ્ચયે નરકનેજ પામે છે.

હે વિપ્રો ! માંસ શબ્દની ‘નિરૂક્તિ’ કહી છે જે, આ લોકને વિષે હું જેનું માંસ ખાઉં છું તે પશુ પરલોકને વિષે મારું માંસ ખાશે. એવી રીતે સુજ્ઞજનોએ માંસ શબ્દનું માંસપણું કહ્યું છે. અને દાન ધર્મને વિષે કહ્યું છે જે, હે યુધિષ્ઠિર રાજન્‌ ! અહિંસા ધર્મથી યુક્ત રૂડી બુધ્ધિવાળા વસિષ્ઠ આદિક ઋષિઓ તથા સૂર્યનાં કિરણોનું પાન કરનારા અને તેના મંડળમાં રહેનારા સાઠ હજાર વાલખિલ્ય નામના ઋષિઓ માંસ ભક્ષણ ન કરવું તેને જ વખાણે છે. અને કહે છે જે, હે રાજન્‌ ! જે પુરુષ પ્રથમ મને કરીને માંસનો ત્યાગ કરીને પછી વાણીએ કરીને માંસનો ત્યાગ કરે છે. પછી દેહે કરીને માંસનો ત્યાગ કરે એવી રીતે મન, વાણી અને દેહ એ ત્રણ પ્રકારે કરીને જે મનુષ્ય માંસનું ભક્ષણ નથી કરતો તે પુરુષ અનેક પ્રકારનાં સંસારનાં કષ્ટોથી મૂકાય છે. હે વિપ્રો ! વળી સ્મૃતિને વિષે કહ્યું છે જે, જે પુરુષ ત્રણ પ્રકારની સુરાનું પાન કરે છે અને જે પુરુષ માંસનું ભક્ષણ કરે છે અને જે પુરુષ હિંસા કરે છે તે નિશ્ચયે અસુર છે.

હે બ્રાહ્મણો ! અને જે સુરા છે તે સર્વે અન્નનો મળ છે. ધર્મશાસ્ત્રને કરનારાએ તો સુરાને કેવળ પાપરૂપ અને મળરૂપ કહી છે. કેમ જે તેમાંથી જીવ હિંસા થાય છે. તે કારણપણા માટે બ્રાહ્મણાદિક સર્વ વર્ણોએ ક્યારેય પણ પીવી નહીં. ગોળની, મહુડાની અને લોટની એ ત્રણ પ્રકારની સુરાને દ્વિજ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણે વર્ણના જનોએ સમાન જાણવી. જેમ એક લોટની સુરા ન પીએ તે જ રીતે ગોળની તથા મહુડાની પણ સુરા ન પીવી અને પૌલસ્ત્ય મુનિએ પણ અગિયાર પ્રકારનું મદ્ય કહ્યું છે જે, ફણસનું મદ્ય, દ્રાક્ષનું મદ્ય, મહુડાનું મદ્ય, ખજુરનું મદ્ય, તાડીનું મદ્ય, શેલડીનું મદ્ય, મધને ઉકાળીને કરેલું મદ્ય, સીંધણીનું મદ્ય, અરીઠાનું મદ્ય, આમલી ધાવડી અને ગોળનું પાણી એ ત્રણે ઉકાળીને કરેલું માઇયેર નામનું મદ્ય, નાળીયેરનું મદ્ય, આ અગીયાર પ્રકારનાં મદ્ય સમાન જાણવાં. અને બારમું સુરારૂપી મદ્ય તે સર્વને મધ્યે અતિશય અધમ જ છે.

મનુ ઋષિએ કહ્યું છે જે, બ્રહ્મહત્યા, સુરાપાન અને ચોરી તેમજ ગુરુસ્ત્રીનો સંગ એ ચાર મહા પાપ છે. અને એ ચાર વાનાં કરનારની સંગાથે મિત્રાચાર કરવો તે પણ પાંચમું મહા પાપ છે. હે બ્રાહ્મણો ! વળી વિદુર નીતિમાં ધૃતરાષ્ટ્ર રાજા પ્રત્યે વિદુરજીએ કહ્યું છે જે, મૃગયા જે શિકાર કરવો અને મદ્ય પાન કરવું તે સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. શ્રીહરિ કહે જે, અમે તો વાલની પાપડીઓ તથા ચોળાની ફળીઓ તથા તુવેરની ફળીઓની ઊંધીયાં કરવાની પણ ના કહીએ છીએ. કેમ જે તેમાં ઘણાક જીવની હિંસા થાય છે. અને જે જળમાં ઘણા જીવ હોય તેમાં સ્નાન પણ ન કરવું. આવશ્યકતા હોય તો તે જળને ગાળીને સ્નાન કરવું, કેમ જે તેમાં જીવની હિંસા ન થાય, અને અહિંસા ધર્મનું પાલન થાય.

હે બ્રાહ્મણો ! પદ્મ પુરાણને વિષે કહ્યું છે જે, યક્ષ તથા પિશાચ તથા તામસ એવા દેવ તેમને નિવેદન કરેલું અન્ન તેને જે પુરુષો ખાય છે તે પાચ તથા રુધિરને ખાનારા છે. અને ભાગવતના છઠ્ઠા સ્કંધના અઢારમા અધ્યાયમાં કહ્યું છે જે, ચંડિકા દેવીને નૈવેદ્ય કરેલું જે અન્ન તેને ડાહ્યો મનુષ્ય જમે નહીં તથા માંસે સહિત એવું જે અન્ન તે પણ ન જમે. તથા શૂદ્રનું લાવેલું જે અન્ન તેને પણ ખાય નહીં. તથા રજસ્વલા સ્ત્રીએ દેખેલાં અન્નને પણ ન જમે તથા ખોબા વડે પાણી પણ ન પીએ. એવી રીતે સર્વ શાસ્ત્રમાં માંસ ભક્ષણની ના કહી છે. માટે મનુષ્ય માત્રને માંસ ભક્ષણ ક્યારે પણ ન કરવું. તો પછી હિંસા કેમ થાય ? ન જ થાય. આ સર્વે મોટા મુનિઓનો સિધ્ધાંત છે. માટે આ હિંસામય યજ્ઞ તમારે ન કરવો.

એવી રીતે શ્રીજીમહારાજે કુબેરજી, જગજીવન તથા રામચંદ્ર એ ત્રણે ભાઇઓને કહ્યું ; તો પણ મહા મદાંધોએ પોતાનો અભિપ્રાય જે હિંસામય યજ્ઞ કરવો તેનો ત્યાગ ન કર્યો પણ સામેથી મહારાજને કહ્યું જે, તમને વેદના અભિપ્રાયની ખબર નથી. અને તમે વેદમાં શું સમજો ? એવી રીતે કેટલાંક વેદ વિરુધ્ધ વચનો બોલ્યા. ત્યાર પછી જગજીવને મહારાજને કહ્યું જે, હે સ્વામિનારાયણ ! હમણાં તમે અહંકારી થઇને જગતમાં સર્વ નરનારીઓને ભમાવી નાખ્યાં છે અને વળી પોતાને મુખે કહો છો જે, હું ભગવાન છું.

એવી રીતનાં જગજીવનનાં વચન સાંભળીને મહારાજ કહેવા લાગ્યા જે, હે જગજીવન ! હું તને સાચી વાત કહું છું તે સાંભળજે. આ લોકમાં જે બ્રાહ્મણ હોય, તેને પૂછીએ જે તું કોણ છે ? તો તે પોતાને મુખે કહે જે, હું બ્રાહ્મણ છું. અને જે ક્ષત્રિય હોય તેને પૂછીએ જે, તું કોણ છે ? ત્યારે તે પોતાને મુખે કહે જે, હું ક્ષત્રિય છું, પણ ક્ષત્રિય થઇને કહે જે, હું બ્રાહ્મણ છું અને જે બ્રાહ્મણ હોય ને તે પોતાને મુખે કહે જે, હું ક્ષત્રિય છું, તો તે ખોટું બોલ્યો કહેવાય. અને પૃથ્વીમાં નિંદા કરવા યોગ્ય પણ થાય છે. પણ સર્વે પ્રકારે સાચું કહેનારની નિંદા નથી થાતી. માટે હું ભગવાન કહેવાઉં છું, તે હું મુખે બીજી રીતે કેમ બોલીને કહું જે હું ભગવાન નથી ? અને તારા સરખા મતવાદી મદે કરીને આંધળા અને વળી વિપરીત બુધ્ધિવાળા અને અનમ્ર એવા પુરુષોનું માન હરવા માટે જ મનમાં વિચારીને આ સમયે હું આવ્યો છું.

આવી રીતનાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને ક્રોધાયમાન થયેલો જગજીવન પોતાને ઘેર ચાલ્યો ગયો. ત્યારે મહારાજે જાણ્યું જે,આ તો અધર્મી છે. એમ જાણીને ત્યાંથી ચાલીને ગંગારામભાઇને ઘેર પધાર્યા. ત્યાં સર્વે સત્સંગીઓ મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેની આગળ મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી ઘણીક વાર્તા કરી. તથા સૌ સૌના વર્ણના તથા આશ્રમના જુદા જુદા ધર્મ કહી સમજાવ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે જુદાં જુદાં ગામોમાં રહેલા પોતાના ભક્તજનોને દર્શન દેવા સારું સુખપુર સોંસરા થઇને માનકૂવા, નારાયણપુર થઇ બળદીઆ પધાર્યા અને ત્યાં ધર્માદિકની ઘણીક વાર્તા કરીને ત્યાંથી કેરા આવ્યા. ત્યાં અપાર લીલાને કરતા થકા શ્રીજીમહારાજ સદાબાને ઘેર નિત્ય થાળ જમીને તે તે ગામોમાં દર્શન દેવા હરિભક્તોને ઘેર પધારતા અને પાછા વળીને વારંવાર ભુજનગર આવતા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે હિંસામય યજ્ઞ કરનારા તથા કરાવનારા બ્રાહ્મણોને વેદનાં વચનથી સમઝાવ્યા તેણે ન માન્યું અને શ્રીજીમહારાજ ગુજરાત ફરીને કચ્છમાં ગામો ગામ ફરીને ભુજ પધારીને હરિભક્તોને દર્શન આપ્યાં એ નામે પાંસઠમો અધ્યાય. ૬૫.