૬૪ ત્યાંથી તેરા થઈ કાળાતળાવ, માનકૂવા થઈ ભુજ આવ્યા, શ્રીજીએ જન્મ દિવસ ઉજવ્યો, જગજીવને હીંસક યજ્ઞ કર્યો, મહારાજે શિખામણ આપી, તે ન માની, અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન.

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 9:55pm

અધ્યાય-૬૪

માનકૂવામાં પોતાના ભક્તજન જે કૃષ્ણજી તથા મુળજી તથા અદાભાઇ તથા વશરામ તથા શિયાણી વશરામ આદિક હરિભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા પોતાની માહાત્મ્ય સહિત ભક્તિ તે સંબંધી વાર્તાઓ કરીને અને પોતાના સ્વરૂપનો મહિમા કહીને ઘણુંક સુખ આપ્યું એવી રીતે ત્યાં પંદર દિવસ સુધી રહીને તેરા પધાર્યા. ત્યાં દવે પ્રાગજી પાસે ભાગવતની કથા વંચાવવાનો પ્રારંભ કર્યો. અને પત્ર લખાવીને સંતોને દેશાંતરથી પોતાની સમીપે તેડાવ્યા.

એક દિવસ તેરાથી ચાલ્યા તે કાળાતળાવ ગયા, ત્યાં પોતાના ભક્ત હરભમ આદિક શ્રીજીમહારાજની અતિશય હેતે સહિત અન્ન વસ્ત્રાદિકથી સેવા કરવા લાગ્યા. અને તેરાથી કાગળ લખાવીને સંતોને પોતાની પાસે તેડાવ્યા હતા ને સંતો પોતાની પાસે આવ્યા. ત્યારે મહારાજ ઊઠીને તેની સન્મુખ ગયા અને તે સંતોને અતિશય હેતે સહિત બાથમાં લઇને મલ્યા. તે સંતને પોતાની પાસે બેસાડીને કહેવા લાગ્યા જે, તમારે સર્વેને સંસ્કૃત વિદ્યા ભણવાનો અભ્યાસ ઘણો જ રાખવો અને તેમાં અમારો ઘણો જ રાજીપો છે. કેમજે વિદ્યા છે તે જીવને જ્ઞાન, વૈરાગ્ય તથા ભક્તિને ઉત્પન્ન કરનારી છે. જ્ઞાન દૃષ્ટિની આપનારી વિદ્યાને તમારે સર્વેએ ભણવી. એવી રીતે સંતને ઘણીક વાત કહી. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ માનકૂવા થઇને ભુજનગર પધાર્યા. અને ગંગારામ મલ્લને ઘેર ઊતર્યા, ત્યાં દેવરામ આદિ સત્સંગી દર્શને આવ્યા. અને હરિભક્તોની મોટી સભા થઇ.

તે સમયે ભુજના સર્વ હરિભક્તો મળીને તાલ, મૃદંગ, સરોદા, આદિક વાજીંત્ર વગાડીને કીર્તન ગાવા લાગ્યા. એવી રીતે ઘણી વાર કીર્તન ગાયાં. ત્યાર પછી શ્રીજીમહારાજ જમીને પોઢી ગયા. કોઇક સમયે તે ભુજનગરને વિષે મહારાજ પોતાની જન્મતિથિ રામનવમીનો દિવસ આજ છે એમ જાણીને હરિભક્તો પાસે સુંદર પારણું બંધાવીને તેમાં બાળમુકુંદની મૂર્તિ પધરાવીને આગળ તાલ, મૃદંગ, સરોદા વગડાવીને ઉત્સવ કરાવ્યો હતો. તે સમયે પારણામાં પધરાવેલી બાળમુકુંદની મૂર્તિમાં પોતાના ભક્તજનોને પોતે પોતાનું આશ્ચર્યકારી દર્શન સહુ સત્સંગીઓને આપ્યું. તે જોઇને ઘણાક હરિભક્તો વિસ્મય પામ્યા. અને સર્વોત્તમ શ્રીજી મહારાજનો પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યા પછી દશ ઘડી રાત્રી ગઇ છે એમ જાણીને તે હરિભક્તો મહારાજના જન્મ સમયે બાળમુકુંદને પારણામાં ઝૂલાવવા લાગ્યા. ત્યારે પણ તે મૂર્તિને વિષે સર્વે હરિભક્તોને મહારાજનાં દર્શન થયાં. તે જોઇને ઘણુંક આશ્ચર્ય પામ્યા અને સર્વે અવતારના કારણ કહેવાય છે તે જ આ શ્રીજી મહારાજ છે એમ જાણીને શ્રીજી મહારાજની મૂર્તિની તથા બાલમુકુંદની મૂર્તિની ધૂપ, દીપ, નૈવેદ્ય ધરીને વાજિંત્રે સહિત આરતી ઉતારી અને ત્યાર પછી હરિભક્તો સૌ સૌને ઘેર ગયા અને જે દેશાંતરના હરિભક્તો શ્રીજી મહારાજનાં દર્શન કરવા આવ્યા હતા તે પણ શ્રીજી મહારાજનો પ્રતાપ જોઇને પોત પોતાને ઘેર ગયા અને પોતે પોતાને ત્યાં તે દેશને વિષે મનુષ્યો આગળ શ્રીજી મહારાજનો પ્રતાપ બાળમુકુંદની મૂર્તિને વિષે જે શ્રીજી મહારાજે દેખાડ્યો હતો તે સંબંધી વાર્તાઓ કહી સમજાવીને શ્રીજી મહારાજનો સર્વોપરી ભગવાન પણાનો નિશ્ચય કરાવ્યો.

ભુજનગરમાં ઘણાક પ્રેમી હરિભક્તો રહેતા હતા તેમને તો ભગવાન વિના પોતાના પ્રાણ પણ પ્રિય લાગતા ન હતા. એવા હરિભક્તોની પ્રીતિને વશ થઇને શ્રીજી મહારાજ પોતે ઘણાક દિવસ ત્યાં રહ્યા હતા. તે ભુજનગરના રાજાનો મંત્રી જગજીવન હતો. અને તેના ભાઇઓ બીજા બે હતા, પણ જગજીવન મુખ્ય હતો અને તે શક્તિનો ઉપાસક હતો અને ધનના મદે કરીને આંધળો અને ખળ પુરુષોમાં અગ્રેસર હતો. રામકૃષ્ણાદિક ભગવાનની પ્રતિમાઓને તેમજ સંત હરિભક્તો આગળ પોતાનું મસ્તક નમાવતો નહીં એવો મદાંધ હતો. એક વખતે ત્રણે ભાઇઓએ મળીને હિંસામય યજ્ઞ કરાવવા સારુ સામાન ભેળો કરાવ્યો અને યજ્ઞ કરાવવામાં પ્રવીણ એવા ઘણાક બ્રાહ્મણોને દેશાંતરથી બોલાવ્યા. તે સમયે વેદ તથા શાસ્ત્ર તેના અર્થને યથાર્થ જાણનારા આ શ્રી સ્વામિનારાયણ છે એમ સર્વ મનુષ્યો કહે છે. અને તે ઘણાક પ્રતાપવાન છે એમ પણ કહે છે. માટે તેને યજ્ઞ શાળામાં બોલાવીએ, એમ જાણીને કુબેરજી તથા તેના બે ભાઇ હતા તે આમંત્રણ આપીને મહારાજને પોતાના યજ્ઞમાં બોલાવવા ગયા.

તેથી શ્રીજી મહારાજે વિચાર કર્યો જે, જ્યાં યજ્ઞ થતા હોય ત્યાં ધર્મનિષ્ઠ પુરુષને વણ તેડાવે પણ જવું જોઇએ, કેમજે ત્યાં દેવતા જે યજ્ઞપુરુષ ભગવાનની પૂજા થાય તથા ઇન્દ્રાદિક દેવોની પણ પૂજા થાય અને આ તો મને જાતે તેડવા આવેલ છે. માટે ત્યાં જવું જોઇએ. એમ જાણીને ઘણાક હરિભક્તોને સાથે લઇને ગયા અને કુબેર આદિ બે ભાઇઓએ શ્રીજી મહારાજને બેસવા માટે આસન પાથરી આપ્યું. અને જેવી રીતે સન્માન કરવું ઘટે તેવી રીતે સન્માન કર્યું. અને તે સમયે બીજા દેશાંતરથી આવેલા જે બ્રાહ્મણો હતા તેમણે પણ શ્રીજીમહારાજની આગળ આવીને હેતે સહિત પોતાના હસ્ત જોડીને નમસ્કાર કર્યા. ત્યારે જગજીવન આદિક ત્રણે ભાઇઓ આવીને મહારાજ આગળ બોલ્યા જે, હે સ્વામિનારાયણ ! તમો વેદશાસ્ત્રનું રહસ્ય સર્વ જાણો છો. તે માટે અમારા યજ્ઞની સમાપ્તિ થાય ત્યાં સુધી તમો અમારે ઘેર રહો.

એવી રીતનાં ત્રણે ભાઇઓનાં વચનને સાંભળીને અતિશય કૃપાળુ મૂર્તિ શ્રીજીમહારાજ આમણે પશુ મારીને હિંસામય યજ્ઞ કરાવવાનો આરંભ કર્યો છે એમ જાણીને પછી જગજીવન મહેતા આદિ ત્રણે ભાઇઓને કહેવા લાગ્યા જે, આ પશુને તમે યજ્ઞમાં હોમવા લાવ્યા છો તે તમારે બ્રાહ્મણને આ કર્મ યોગ્ય નથી. તમારે તો શમ જે અંતઃકરણને નિયમમાં કરવું, દમ જે ઇન્દ્રિઓને દમવી, તપ જે પોતાના ધર્મને પાળવો, શૌચ જે બહાર દેહે કરીને અને માંહિલી કોરે અંતઃકરણે કરીને પવિત્ર રહેવું, સંપ રાખવો, ક્ષમા રાખવી, સરળતાએ યુક્ત થાવું. ભગવાનની ભક્તિ કરવી, અને દયા રાખવી, સત્ય બોલવું, અને શત્રુમાત્રને વિષે સમાન ભાવ રાખવો આ સર્વે કર્મો બ્રાહ્મણને કરવાનાં કહ્યાં છે. અને તે જ બ્રાહ્મણની પ્રકૃતિ કહી છે.

આ હું તમોને પરમ હિતનાં વચનો કહું છું અને હું સર્વે વેદશાસ્ત્રના અર્થને જાણું છું. તથા પુરાણના અર્થને પણ જાણનારો છું તથા સર્વે ધર્મને પણ જાણું છું. તથા તેને કહેનારો પણ હું જ છું તે માટે ધર્મવાન પુરુષ જ્યાં આવી અધર્મ સભા થતી હોય ત્યાં જાય નહીં. અને જો જાય તો સચ્છાસ્ત્ર પ્રમાણે જ માણસોને વાર્તા કરીને સમજાવે, અને જો જાય અને વેદ શાસ્ત્ર પ્રમાણે ધર્મ સંબંધી વાર્તા કહીને મનુષ્યને ન સમજાવે તો તે મનુષ્ય જેવો બીજો કોઇ અધર્મી ન જાણવો. તે માટે હું તમને સર્વને વેદ, શાસ્ત્ર પ્રમાણે ધર્મ સંબંધી વાર્તાને તમારા વર્ણાશ્રમના ધર્મની રક્ષાને અર્થે તથા મોક્ષને અર્થે કહું છું. તેને તમે સર્વ વિપ્રો એકાગ્ર મને કરીને સાંભળો.

વેદમાં અજે કરીને યજ્ઞ કરવો એમ જે કહ્યું છે તે અજ ત્રણ વર્ષની જુની ડાંગર, જેને વાવીએ તો પણ ઊગે નહીં તેવી ડાંગરને વેદમાં અજ શબ્દે કરીને કહે છે, પણ અજનો અર્થ બકરો નથી કહેતા, અને તમે તો બકરાં આદિક પશુ હોમીને યજ્ઞ કરાવો છો તે વેદનો અભિપ્રાય નથી. વેદ તો માતા પુત્રની રક્ષા કરે છે તેમ જીવ પ્રાણીમાત્રની રક્ષા કરવાનું કહે છે. વેદ પશુની હિંસા કરીને યજ્ઞ કરવાનું જો કહેતા હોય તો ત્રણ વર્ષની અને વાવીએ તો ઊગે નહીં તેવી ડાંગરને હોમવાનું શું કામ કહે ? માટે વેદનો તો એવો અભિપ્રાય છે જે, વાવ્યું ધાન ઊગે ત્યાં સુધી પણ હિંસાનો સંબંધ કહેવાય તે ધાન હોમવાં નહીં અને મેધ્ય વડે યજ્ઞ કરવો એમ કહે છે. તે મેધ્ય શબ્દનો અર્થ પવિત્ર વસ્તુ છે જે હિંસા વિનાની હોય તેને પવિત્ર વસ્તુ જાણવી.

માટે વેદ તો પશુ હોમીને યજ્ઞ કરવો એમ કોઇ વર્ણના ધર્મમાં કહેતા નથી. તેમાં પણ સત્ત્વગુણી એવા જે બ્રાહ્મણ આદિક ત્રણ વર્ણો તેને તો વિશેષપણે અહિંસામય ધર્મ જ પાળવો તથા અહિંસામય યજ્ઞ કરવો એમ કહે છે એજ. સર્વોત્કૃષ્ટ બ્રાહ્મણાદિક વર્ણનો ધર્મ કહ્યો છે. માટે તમારે પશુ હોમીને યજ્ઞ કરવો તે વેદ શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણનો ધર્મ નથી. તમારો બ્રાહ્મણનો ધર્મ તો ઘૃત, જવ, તલ તથા દૂધ, દહીં તથા હવિષ્યાન્નથી યજ્ઞ કરીને ભગવાન જે યજ્ઞ પુરુષ તેની પૂજા કરવી. અને તેની પ્રસાદીનાં જે અન્ન તથા રસ આદિકે કરીને ભગવાનના અંગદેવની પૂજા કરવી, કેમ જે તમે સર્વે બ્રાહ્મણ સત્ત્વગુણથી ઉત્પન્ન થયા છો. તે કારણપણા માટે તમારે તો સર્વે સત્ત્વગુણી કર્મ કરવાં પણ રજોગુણી કર્મ વડે રજોગુણી દેવ જે કુબેર આદિક જે યજ્ઞદેવને પૂજવા તે બ્રાહ્મણનો ધર્મ નથી કહ્યો. તથા તમોગુણી દેવતા જે પ્રેત, પિશાચ તથા માતૃક આદિક સાત દેવતા તેમની પૂજા કરવી તે બ્રાહ્મણોનો ધર્મ નથી. અને મદ્ય, માંસ વડે રજોગુણી તમોગુણી દેવતાની  પૂજા કરવાની બ્રાહ્મણને ક્યાંક વેદ શાસ્ત્રમાં કહી હશે તે પણ રાગવાળા ચાર વર્ણના મનુષ્યને કહ્યું હશે પણ બીજાને હિંસા કરવાની વેદ શાસ્ત્રો સર્વ પ્રકારે ના કહે છે. અને પૂર્વે સ્વયંભૂ નામના મન્વંતરમાં વિશ્વજીત નામનો ઇન્દ્ર થયો હતો તેણે અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો હતો તેમાં તેણે પશુ લાવીને બાંધ્યાં હતાં અને રસને વિષે આસક્ત એવા દેવો પણ આવ્યા હતા અને મહા સમર્થ એવા વૃધ્ધ વસિષ્ઠ આદિક ઋષિઓ પણ આવ્યા હતા. તે મુનિઓ લોકના સુખને અર્થે સર્વત્ર વિચરણ કરનારા હતા. આ ઋષિઓનો મહિમા સમજીને દેવતાઓએ ઊઠીને પાદ્ય અર્ધ્ય આદિક પૂજા ઉપચારોથી મુનિઓની પૂજા કરી પછી ઋષિઓ દર્શન કરવા લાગ્યા.

તે સમયે યજ્ઞમાં પશુ લાવીને બાંધ્યાં હતાં. તેને જોઇને ઋષિઓના મનમાં વિચાર થયો જે, આ દેવતા સત્ત્વગુણી કહેવાય છે. છતાં પણ તેને હિંસામય યજ્ઞ કરવાનો વિચાર છે તે તો મોટો અધર્મ કહેવાય. એમ જાણીને ધર્મનિષ્ઠ ઋષિઓ અંતરમાં જીવો ઉપર અતિશય કૃપા લાવીને ઇન્દ્રાદિક દેવતાઓને કહેવા લાગ્યા જે, હે દેવો ! અને હે ઋષિઓ ! અમારું વચન સાંભળો. જેને વિષે સનાતન સત્ત્વગુણી ધર્મ કહ્યો છે એવું વચન તમારા સુખને અર્થે કહીએ છીએ. પ્રથમ જ્યારે બ્રહ્માએ આ સૃષ્ટિ કરી ત્યારે સત્ત્વગુણથી દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. અને સત્ય, તપ, દયા અને શૌચ આ ચાર ધર્મના પગ કહેવાય છે. તો તેમની મર્યાદા રાખવાની પણ તમને જ બ્રહ્માએ આજ્ઞા કરી છે. અને રજોગુણ ને તમોગુણથી મનુષ્ય આદિક રાજા ઉત્પન્ન કર્યા છે. અને દેવ, દૈત્ય અને મનુષ્યના યજ્ઞની રક્ષા કરવા માટે બ્રહ્માએ વેદ રચ્યા છે.

તે વેદમાં અહિંસામય (હિંસા વિનાનો) સનાતન ધર્મ કહ્યો છે. પણ યજ્ઞમાં પશુનો વધ કરવો તે વેદનો અભિપ્રાય નથી. અને વેદનો અભિપ્રાય તો ધર્મનું સ્થાપન કરવું અને જીવની રક્ષા કરવી તે જ છે. અને તમોગુણ રજોગુણને વશ એવા આસુરભાવને આશર્યા છો તેથી વેદનો અર્થ સમજતા નથી. હે દેવો ! તમો, તો સાત્ત્વિક છો માટે હિંસા વિના સનાતન વેદનો ધર્મ સમજો. અને જે અજ શબ્દનો અર્થ ઊગે નહિં તેવી ત્રણ વર્ષની ડાંગર છે તેને તમો યથાર્થ સમજો. અને તમે સત્ત્વગુણી દેવતા છો તેથી તમોને કર્મ પણ સત્ત્વગુણી દેવને અર્થે યજ્ઞ સંબંધી કરવાં તે યોગ્ય છે. અને જેને વિષે જે ગુણ હોય તે પુરુષનો તેવો સ્વભાવ થાય છે.

માટે જે રજોગુણી તમોગુણી પુરુષો હોય તે તમોગુણી રજોગુણી એવા દેવ જે કુબેર તથા યક્ષ તથા પ્રેત તથા માતૃકા તેમને મદ્ય માંસથી પૂજે છે. અને તમે તો સત્ત્વગુણી દેવ છો. તેથી તમો તો અહિંસામય યજ્ઞ વડે કરીને વિષ્ણુની પૂજા કરો. અને તમે પશુ હોમીને આ યજ્ઞ કરો છો તે તમે અધર્મને અનુસરો છો. અને રજોગુણ તેમજ તમોગુણને વશ થઇને જ તમો યજ્ઞ કરનારા થયા છો અને તમો આસુરી સંપત્તિને આશર્યા છો પણ વેદના અર્થને નથી સમજતા.

આસુરી સંપત્તિવાળાને સંગે તમારી બુધ્ધિ નાશ થઇ ગઇ છે, તે માટે જ તમો હિંસામય યજ્ઞ કરવાનો ઠરાવ કરો છો; પણ રજોગુણી અને તમોગુણી એવા દૈત્ય અને રાક્ષસ, યક્ષ અને પ્રેત તથા માતૃકા આદિકને પોતાના ગુણને અનુસારે હિંસા વડે કરીને પૂજે છે. ને દૈત્ય અને રાક્ષસના કુળને વિષે પણ જે ભગવાનના ભક્ત છે તે ક્યારેય પણ હિંસા કરતા નથી. અને હે દેવો ! વેદ તો આવી રીતે કહે છે જે યજ્ઞનો શેષ પ્રસાદ જમવો. તો તમે શું માંસભક્ષણ કરશો ? અને અમોએ તો સાત્ત્વિક દેવોએ હિંસામય યજ્ઞ કરવો અને સુરા પીવી અને માંસ ખાવું એ તો અમે કોઇ વેદ શાસ્ત્રમાંથી કાને સાંભળ્યું નથી અને નજરે દેખ્યું પણ નથી.

તે કારણે જેમાં પશુની હિંસા ન થાય એવાં દ્રવ્ય જે ડાંગર, ઘૃત, દૂધ ને દહીં તે વડે યજ્ઞ કરવો. અને અજ પણ ત્રણ વર્ષનું ધાન્ય જે વાવે છતાં પાછું ઊગે નહીં તેને કહેવાય છે. સનાતન ધર્મ પણ કોઇ પ્રાણીનો દ્રોહ ન કરવો અને લોભ પણ ન રાખવો અને ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, દયા રાખવી, તપ જે એકાદશી આદિક વ્રત કરવાં અને દંભનો ત્યાગ કરવો, ક્ષમા રાખવી, સત્ય બોલવું, ધીરજ રાખવી, બ્રહ્મચર્ય આદિ ધર્મ પાલન કરવા, એ સનાતન ધર્મ કહ્યો છે. તે ધર્મને જે લોપે છે તે પુરુષ ધર્મદ્રોહી કહેવાય છે. અને તે મરીને નરકમાં પડે છે. એમ વેદ તથા સત્પુરુષ કહે છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ માનકૂવા તેરા પધાર્યા, સંતને કાગળ લખીને તેડાવ્યા અને ત્યાંથી ભુજ પધાર્યા અને જગજીવનને હિંસામય યજ્ઞ કરવાની ના કહી એ નામે ચોસઠમો અધ્યાય.૬૪