અધ્યાય-૬૩
કાળાતળાવમાં પોતાના સુતાર ભક્ત હરભમજી તથા મનજી તેને ઘેર ઊતર્યા, ત્યાં મુક્તાનંદ સ્વામી આદિ દોઢસો સાધુઓ આવ્યા તે મહારાજ તળાવ ઉપર રાત્રીએ તથા દિવસે તેને ઘેર સભા કરીને મહા અલૌકિક વાર્તા કરતા. પછી એક દિવસે સુતાર હરભમને એમ કહ્યું જે, મઉ ગામથી કેરીઓનું ગાડુ ભરી લાવો તો આ સર્વ સાધુને જમાડીએ. પછી હરભમ ભક્ત ગાડું ભરીને કેરીઓ લાવ્યા તે મહારાજે સર્વ સંતોને પીરસીને જમાડ્યા. પછી મહારાજ કહ્યું જે, ગામમાં સાદ પડાવો તો સર્વ મનુષ્યને કેરીઓ આપીએ. પછી ગામમાં સાદ પડાવ્યો એટલે ગામના સર્વે લોકો આવ્યા, તેને મહારાજ ગાડાં ઉપર ચડીને કેરીઓ આપવા લાગ્યા. પછી એક ગરાસીઓ દેશલજી જે ગાડાં ભેળો કેરીઓ લેવા ગયો હતો તેને મહારાજે કહ્યું જે, તને કેરીઓ આપી ? ત્યારે તેણે કહ્યું જે, નથી આપી.
ત્યારે તેને મહારાજે પાંચ કેરીઓ આપી. અને પછી એમ કહ્યું જે, તને કેટલી કેરી આપી ? ત્યારે તેણે કહ્યું જે, પાંચ આપી છે. ત્યારે મહારાજે કહ્યું જે, તને અમે પાંચ ફળ આપ્યાં છે તેથી તારે પાંચ પુત્રો થશે. પછી તેને પાંચ પુત્ર થયા, તેનાં નામ લાખાજી, સંગરામજી, લાખીયારજી, ગોપાલજી તથા તેજમલજી. એવી રીતે તેને પાંચ પુત્રો આપ્યા. અને આશરે એક માસ સુધી ઘણીક લીલા કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ માનકૂવા પધાર્યા ને ત્યાં અદાભાઇને ઘેર ઊતર્યા. અને અદાભાઇએ સુંદર રસોઇ કરાવીને શ્રીજી મહારાજને જમાડ્યા. પછી શ્રીજી મહારાજને કહ્યું જે, અમારા દરબારમાં પધારો. ત્યારે મહારાજ પધાર્યા. ત્યારે અદાભાઇએ પોતાનો દરબાર શ્રીજીમહારાજને અંદર ફેરવીને બતાવ્યો. પછી શ્રીજી મહારાજને કહ્યું જે, અમારે રહેવાનાં ઘર બે છે અને બીજાં બે કરાવવાનાં છે. ભેંશો બે છે. ને બે બીજી લેવાની છે. તે શા સારુ તો વારા ફરતી દૂઝે. અને ઘોડી એક છે અને એક બીજી લેવી છે. શા માટે જે મારા પિતા અને હું ગામ જઇએ ત્યારે હું ઘોડીએ બેસું ત્યારે પિતા પગે ચાલે અને જો મારા પિતા ઘોડીએ બેસે તો હું પગે ચાલું. તેમાં અમારી આબરૂં નહીં. માર્ગે જઇએ તથા આવીએ ત્યારે બેયને બેસવા ઘોડાં હોય તો સારું. ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, તમે ખડ રાખો છો ? ત્યારે અદાભાઇએ કહ્યું જે, અમને ઘાસનું કામ ન પડે કારણ કે અમારું ગામ વાડાસર છે અને ત્યાં વાડીઓ છે.
પટેલો વાવે છે તે બારે માસ લીલી ચાર્ય ખૂટે જ નહીં. તેથી અમો ત્યાં ઘોડાં બાંધી આવીએ તે તેના બળદ, ભેંશો, ગાયું, જે ખડ ખાય તે ભેળાં અમારાં ઘોડાં પણ ખાય. અને જ્યારે કામ પડે ત્યારે લઇ આવીએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, એવો દેશકાળ આવી પડે જે તેના બળદો માટે પણ ઘાસ ન હોય ત્યારે તમારાંને શું ખવડાવે ? પછી તમને કહી મેલે જે, તમારાં ઘોડાં, ગાયો, ભેંશો લઇ જજો અને ઘાસતો અમારા બળદને માટે પણ નથી તો તમારાં ગાયો, ભેંશો અને ઘોડાંને શું નાખીએ ? ત્યારે તમે લેવા જાઓ અને તમે ઘોડા ઉપર સામાન માંડીને ઉપર બેસીને ઘેર આવતા હો ત્યારે માર્ગમાં જો ઘોડો મરી જાય ત્યારે કાઠું માથે ઉપાડીને ઘેર આવો.
ત્યારે લાજ જાય કે રહે ? માટે એવા દેશકાળ આવી પડે ત્યારે લાજ ક્યાંથી રહે ? માટે હમણાં તો ઘર પણ ન કરવાં અને ભેંશો પણ ન લેવી અને ઘોડું પણ ન લેવું. તે જો અમારું કહ્યું માનશો તો તમારું સારું થશે અને જો નહીં માનો તો તમે જાણો. પછી અદાભાઇએ પગે લાગીને હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! તમે કહો છો તેમ ન કરીએ તો હેરાન થઇએ. માટે આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો મહારાજના વચનમાં જ વિશ્વાસ છે અને જેમ મહારાજ કહે છે તેમજ થાય છે. ત્યારે મહારાજે કહ્યું જે, જેમ અમે કહ્યું છે તેમ કરશો તો તમારું સારું થશે. ત્યારે અદાભાઇએ કહ્યું જે, જેમ મહારાજે કહ્યું તેમજ કરવું છે. પછી શ્રીજીમહારાજ પોતાના આસને પધાર્યા. ત્યાંથી ભુજનગર પધાર્યા. ત્યાં રહીને પોતાના ભક્તજનને આનંદ પમાડવા લાગ્યા. તે સમયમાં શ્રી નગરના રાજાએ શ્રીજીમહારાજના કરેલા અપરાધથી શ્રીનગરનું રાજ્ય સરકારને ઘેર જતું રહ્યું.
તે વાત સાંભળીને સર્વે દેશોનાં જે દૈવી મનુષ્યો હતાં તે બોલ્યાં જે, નિરાપરાધ મૂર્તિ અને નિર્દોષ મૂર્તિ અને ક્રોધે રહિત મનવાળા શ્રી સહજાનંદ સ્વામીનો અપરાધ કરવાથી આ શ્રીનગરના રાજાનું રાજ સરકારને ઘેર ગયું છે. એવી રીતે દેશદેશને વિષે દૈવીજનો બોલવા લાગ્યાં. તે સમયે ભુજમાં સર્વ સુખના આપનારા શ્રીજી મહારાજે પોતાના ઐશ્વર્ય પ્રતાપે કરીને અગણિત નરનારીનો ઉધ્ધાર કર્યો. અને ત્યાં રહીને સુરજબાને ઘેર ફૂલડોલનો ઓચ્છવ કરવા સારું રંગ-પતંગનો તથા કેસૂડાંનો તથા અબીર ગુલાલ તથા રક્ત ગુલાલ તૈયાર કરાવીને અને અંગને વિષે સર્વે વસંતી વસ્ત્રો ધારણ કરીને અને હસ્તમાં રંગ ભરેલી સોનાની પિચકારી ગ્રહણ કરીને પોતાના સખા સંગાથે ઘણીક વાર રંગે રમ્યા અને રંગની પિચકારી ભરી ભરીને ફેંકવા લાગ્યા. એવી રીતે ઘણીવાર રંગે રમીને સર્વે હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા.
ત્યાં ઘણીકવાર જલક્રીડા કરીને પાછા પોતાને ઉતારે પધાર્યા. ત્યાં સત્સંગીને ઘેર થાળ જમીને પાછા પોતાને ઉતારે જઇને પોઢી ગયા. ત્યાં શ્રીહરિ સાંજની વખતે સર્વે હરિભક્તોની મોટી સભા કરીને વિરાજમાન થયા. તે સભામાં ધર્મ અને જ્ઞાન સંબંધી વાર્તા કરીને કહેવા લાગ્યા જે, આ જીવને સત્સંગ મળવો દુર્લભ છે અને તે સત્સંગ મળ્યા પછી જેમ જેમ સંત સમાગમ કરતો જાય છે તેમ તેમ ભગવાનનો પ્રતાપ, ઐશ્વર્ય અધિક અધિક જણાતો જાય છે અને મહિમા પણ અધિક અધિક સમજાતો જાય છે અને જીવમાં સુખ પણ અધિક અધિક આવતું જાય છે, જીવને તેણે કરીને અહો અહો સરખું નિરંતર અંતરમાં વરત્યા કરે છે જે, આવો સત્સંગ મલ્યો છે અને તેમાં જીવ જો સંત તથા હરિભક્તનો અવગુણ લે તો તે ઉતરતો ઉતરતો અમાવાસ્યાના ચંદ્રમાની જેમ ઉતરી જાય છે. તે ઉપર દૃષ્ટાંત છે. એક ઋષિ વનમાં રહેતા તે કંદ અને મૂળનો આહાર કરતા. તેના આશ્રમમાં તેની જ પેઠે ઘણાંક પશુઓ પણ રહેતાં હતાં તે પણ કંદ મૂળનો આહાર કરતાં. તેની સાથે એક શ્વાન પણ આવીને રહ્યો હતો. તેનો સ્વભાવ પણ ઋષિના સમાગમથી ઋષિના સરખો જ થયો હતો. તેનો સ્વભાવ જોઇને ઋષિ તેને પોતાના શિષ્ય તુલ્ય જાણીને તેના ઉપર બહું પ્રસન્ન થયા હતા અને તે શ્વાન પણ મુનિની પેઠે જ કંદ, મૂળ, ફળ ખાતો અને ઋષિના આશ્રમમાં રહેતો. કોઇક સમયે વનનો દીપડો તે શ્વાનને મારવા સારું આવ્યો. તેના ભયથી તે શ્વાન ઋષિના શરણે ગયો. ત્યારે મુનિએ તે શ્વાનને પૂછ્યું જે, તું કેમ ભય પામ્યો છે ? ત્યારે તેણે કહ્યું જે, મને મારવા સારું વનનો દીપડો આવે છે. ત્યારે તે મહાત્માએ આશીર્વાદ આપ્યો જે, તું તે દ્વીપી કરતાં બળીઓ દ્વીપી થઇ જા. ત્યારે મુનિના આશીર્વાદથી બળીઓ દ્વીપી થઇ ગયો.
તેને જોઇને તે વનનો દ્વીપી ભાગી ગયો. ત્યાર પછી તે દીપડો થયેલ શ્વાન મુનિની કૃપાથી નિર્ભયપણે વનમાં વિચરવા લાગ્યો. પછી તેને મારવા સારું વનનો વાઘ આવ્યો ત્યારે તેના ભયથી પાછો ઋષિને શરણે ગયો, અને પૂર્વની માફક પોતાનું દુઃખ તે સાધુને જણાવ્યું. ત્યારે તેણે કહ્યું જે, તું પહેલાંની માફક જ તેનાથી બળીઓ વાઘ બની જા. તે વખતે પાછો તે નિર્ભય થઇને વનમાં વિચરવા લાગ્યો. પછી તેને મારવા મદઝરતો હાથી આવ્યો. આ પણ મુનિના આશીર્વાદથી કેસરી સિંહ બની ગયો, અને જંગલોમાં નિર્ભય પણે ફરવા લાગ્યો. પછી તેને મારવા સારું વનનો શરભ જે સર્વ પશુઓનો નિયંતા છે તે આવ્યો. ત્યારે શ્વાન પાછો ઋષિ પાસે આવ્યો અને પૂર્વની માફક જ ઋષિએ તેને બળીઓ શરભ બનાવી દીધો.
પછી તે નિર્ભય થઇને વનમાં પશુઓને મારી મારીને ખાવા લાગ્યો. એમ કરતાં કોઇક દિવસ એનું મન બગડ્યું તેથી તેને વિચાર થયો જે સર્વે વનનાં પશુઓનું માંસ ખાધું છે પણ આ ઋષિનું માંસ કેવું હશે ? તે આજ ખાધું હોય તો ઠીક, એમ વિચાર કરીને સાંજે વનમાંથી ઋષિના આશ્રમમાં ગયો. ત્યારે તે મુનિએ અંતરદૃષ્ટિથી જાણ્યું જે આની આજે બુધ્ધિ બગડી છે. તે મને મારીને માંસ ખાવાનો વિચાર તેના મનમાં થયો છે. એમ જાણીને તે ઋષિ બોલ્યા જે, ગુણ ઉપર પાછો અવગુણ લે છે અને સામો મને મારીને માંસ ખાવાનો વિચાર કરે છે, તે પાછો શ્વાનપણાને પામી જા.
એમ તેણે કહ્યું કે તરત જ શરભથી પડીને પાછો કૂતરો થઇ ગયો. તેવી જ રીતે આ સત્સંગમાં કોઇ જીવને સંત તથા હરિભક્તોનો અવગુણ આવ્યો તેથી બીજું કોઇ મોટું પાપ શાસ્ત્રમાં નથી કહ્યું, આ દેહનાં હાથ, પગ આદિક અંગ કપાય તો જીવે, પણ માથું કપાય તો જીવે નહીં. તેમ ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે માથું કપાણું જાણવું અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, અને અનંત બાળ હત્યા કરી હોય અને અનંત સ્ત્રીહત્યા કરી હોય અને અનંત ગૌ હત્યા કરી હોય અને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તે પાપનો પણ કોઇ કાળે છૂટકો થાય અને શાસ્ત્રમાં તે પાપ છૂટવાના ઉપાય કહ્યા છે, પણ ભગવાન અને ભગવાનના સંત અને હરિભક્તનો અવગુણ લેવાવાળાનો કોઇ શાસ્ત્રમાં એ પાપથી છૂટવાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત ઉપરથી પડે અથવા કોઇ રાક્ષસ મળે અને ખાઇ જાય તો એકજ વાર મરવું પડે પણ જો ભગવાન અને ભગવાનના ભક્તનો તથા સંતનો અવગુણ લે કે દ્રોહ કર્યો હોય તેને તો કલ્પ સુધી મરવું પડે છે અને અવતરવું પડે છે.
અને ગમે તેવો શરીરમાં રોગ થયો હોય તેણે કરીને શરીર પડે અથવા કોઇ શત્રૂ મળે અને દેહનો નાશ કરી નાખે પણ તેનો જીવ નાશ પામતો નથી, પણ ભગવાન અને ભગવાનના સંત-હરિભક્તનો અવગુણ લેવાથી તથા દ્રોહ કરવાથી તો જીવનો પણ નાશ થઇ જાય છે. કોઇ પૂછે જે જીવનો નાશ કેમ થઇ ગયો જાણવો ? તો જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય અને સ્ત્રી પણ ન કહેવાય ; તે તો કેવળ વ્યંઢળ કહેવાય, તેમ જ જે ભગવાન અને ભગવાનના સંત અને સત્સંગીઓનો અવગુણ લેનારો તથા દ્રોહ કરનારો હોય તેનો જીવ નકારો થઇ જાય છે જે કોઇ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં. તે માટે એ જીવનો નાશ થઇ ગયો એમ જાણવું. તે કારણપણા માટે એમ જાણીને ભગવાન અને ભગવાનના સંત હરિભક્તનો દૈહિક સ્વભાવ જોઇને અવગુણ લેવો નહીં, અને ભગવાનના સંત હરિભક્તનો દ્રોહ પણ કરવો નહીં. અને જો ગુણ ઉપર અવગુણ લે કે દ્રોહ કરે તો અસદ્ગતિને પામી જાય. કોની પેઠે તો ઋષિના અપરાધે કરીને શ્વાન જેમ શરભની પદવીથી પડીને શ્વાનના દેહને પામી ગયો તેમ. એવી રીતે ઘણીક વાર્તા કરીને શ્રીજી મહારાજ ત્યાં પંદર દિવસ રહીને માનકૂવા પધાર્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગામ કાળાતળાવમાં પૂછ્યું જે, તને કેરી કેટલી આપી ? અને માનકૂવા અદાભાઇને ઘોડો લેવાની ના કહીને ત્યાંથી ભુજ પધાર્યા અને સુરજબાને ઘેર ફૂલદોલ કર્યો અને ત્યાંથી માનકૂવા પધાર્યા એ નામે ત્રેસઠમો અધ્યાય. ૬૩