૬૨ ત્યાંથી ઉમરઠે , જેતલપરુ , ચલોડાથી પાછા જેતલપુર પધાર્યા, ત્યાં ભાઉની સવારી આવી હતી, તે વાત કહી ખેડા કલેકટરને મળ્યા, ને ડભાણ પધાર્યા, ત્યાંથી, બુધેજ, માળીયા, આધોઈ, કંથકોટ પધાર્યા, ત્યાં ગૌભંગની વાત રાજાને કહી, ત્યાંથી ચોબારી, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી ખોખરા

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 9:51pm

૬૨ ત્યાંથી ઉમરઠે , જેતલપરુ , ચલોડાથી પાછા જેતલપુર પધાર્યા, ત્યાં ભાઉની સવારી આવી હતી, તે વાત કહી ખેડા કલેકટરને મળ્યા, ને ડભાણ પધાર્યા, ત્યાંથી, બુધેજ, માળીયા, આધોઈ, કંથકોટ પધાર્યા, ત્યાં ગૌભંગની વાત રાજાને કહી, ત્યાંથી ચોબારી, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી ખોખરા થઈ માનકૂવા પધાર્યા, ત્યાંથી ભુજ આવ્યા. ભગુજી પાળા થઈને રહેવા આવ્યા, ગંગારામને ઘેર હીંડોળે ઝુલ્યા, ફુલ ન મળવાથી જગજીવનનો ક્રોધ, અન્નના ગોળા સાધુ જમતા, ત્યાંથી માનકૂવા, સામત્રા થઈ કાળાતળાવ પધાર્યા.

અધ્યાય-૬૨

પછી બીજે દિવસે જેતલપુરમાં શ્રીજી મહારાજ પોતે જમવા પધાર્યા. તે સમયે પોતાની રસોઇ કરનાર જે બાઇયો તેમાંથી જે મોટેરાં બાઇ હતાં તેણે પૂછ્યું જે, હે મહારાજ ! કાલ રાત્રિને વિષે સાધુને તેજનો ગોળો દેખાણો અને પછી અદૃશ્ય થઇ ગયો તેનું શું કારણ હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારાં દર્શન માટે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ આવ્યા હતા તે પાછા અદૃશ્ય થઇ ગયા. ત્યાર પછી સર્વે સંત પ્રત્યે પોતે વાર્તા કરી જે, આ સમૈયો બહુ સારો થયો. એમ વખાણ કર્યાં, અને પંદર દિવસ સુધી દર્શન દઇને પછી પોતે સંતને ફરવાની આજ્ઞા કરીને બોલ્યા જે, હમણાં મહારૂદ્રની વાર છે તે સારુ તમે ચરોતરમાં ફરવા જાઓ એમ કહીને પોતે ગામ ઉમરેઠ પધાર્યા અને ઠાકોર નંદુભાઇએ પોતાને ઘેર શ્રીજી મહારાજને પધરાવીને પૂજા કરી અને બારસો રૂપીયા ચરણે મૂક્યા.

પછી ત્યાંથી પાછા શ્રીજીમહારાજ ગામ જેતલપુર પધાર્યા. પછી ગામ ચલોડે પધાર્યા. ત્યાં જીતબા માંદાં હતાં તેમને જોવા સારુ પધાર્યા. તેટલાકમાં અમદાવાદથી ભાઉની સવારી આવી અને પૂછ્યું જે, સ્વામિનારાયણ ક્યાં છે ? ત્યારે તેને જેતલપુરનાં મનુષ્યોએ કહ્યું જે, સ્વામિનારાયણ તો ફરવા ગયા છે. ત્યારે તે સવારી તો સર્વ ઠેકાણે જોઇ અને ફરીને પાછી અમદાવાદ જતી રહી. ત્યાર પછી શ્રીજી મહારાજ પાછા જેતલપુર આવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે, અમદાવાદથી ભાઉની સવારી આવી હતી. તેણે તમને ન દેખ્યા એટલે પાછી વળી ગઇ. તે વાત સાંભળીને શ્રીજી મહારાજ ખેડા પધાર્યા અને સાહેબને મળ્યા અને કહ્યું જે, જો તમે અમારી સહાય કરો તો અમે મહારૂદ્ર કરીએ. ત્યારે સાહેબે કહ્યું જે, જેતલપુરમાં અમારું રાજ્ય નથી તમે કહો તો અમે ગાડાં મોકલીએ અને તમારો સર્વ સામાન અમારા રાજ્યમાં મંગાવીએ. એમ એરણ સાહેબે તથા દુલાપ સાહેબે તથા રોબર્ટ સાહેબે કહ્યું.

તે વાત સાંભળીને પોતે મનમાં વિચાર કર્યો અને કાંઇ ન બોલ્યા. અને તે દિવસ તો ત્યાં રહ્યા. અને બીજે દિવસે ડભાણ પધાર્યા ; અને રાયજી કુબેરજીની મેડી ઉપર ઢોલિઓ ઢળાવીને તેના ઉપર વિરાજમાન થયા. પછી મહાનુભાવાનંદ સ્વામી સામું જોઇને કહ્યું જે, તમે જેતલપુર જાઓ અને આનંદાનંદ સ્વામીને કહો જે, આપણે મહારૂદ્ર તો નથી કરવો અને સર્વે સામાન છે તે જે કોઇ અતિથિ તથા અભ્યાગત તથા બ્રાહ્મણ આદિક કોઇ આવે તેને ચાર શેર અન્ન અને નવ હાથ વસ્ત્ર આપજો, એમ અમારી આજ્ઞા છે. એમ કહી મહાનુભાવાનંદ સ્વામીને મોકલ્યા. અને શ્રીજી મહારાજ પણ જે કોઇ અભ્યાગત અતિથિ આવે તેને ચાર શેર અન્ન અને નવ હાથ વસ્ત્ર આપતા થકા ત્યાં રહ્યા હતા.

અને ડભાણમાં સુરતનો સંઘ શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યો અને દશ અવતારનું છત્ર તથા ઘોડાનું સાજ, તાવિજ આદિક સામાન શ્રીજી મહારાજને અર્પણ કર્યો. અને તે છત્ર મસ્તક ઉપર ધર્યું અને સર્વ સંઘને દર્શન દીધાં. અને ભુજના જેઠી ગંગારામ આદિક મલ્લોને રમાડ્યા. ત્યાંથી ગામ બુધેજ પધાર્યા. ત્યાં એક રાત્રિ રહીને ઝાલાવાડ દેશમાંથી માળીઆ થઇને રણ ઉતરીને ગામ આધોઇ પધાર્યા, અને લાધાજીના દરબારમાં ઊતર્યા, અને જાડેજા અદાભાઇ તથા રાયધણજીએ શ્રીજી મહારાજને રસોઇ કરાવીને પાર્ષદે સહિત રૂડી રીતે જમાડ્યા અને પાંચ દિવસ રાખ્યા. ત્યાંથી જમીને મહારાજ કંથકોટ પધાર્યા અને કચરા ભક્તને ઘેર ઊતર્યા.

કચરા ભક્તે રસોઇ કરાવીને પાર્ષદે સહિત શ્રીજી મહારાજને જમાડ્યા. પછી એક દિવસ કંથકોટના દરબાર આવ્યા. તેને શ્રીજી મહારાજે કહ્યું જે, અમે એમ સાંભળ્યું છે જે તમારા ગામમાં ગૌભંગ થાય છે અને તમે હિન્દુ રાજા છો માટે તમારે તો ગાય-બ્રાહ્મણની રક્ષા કરવી જોઇએ. અને પાપ ન થાય તો ઘણું સારું. ત્યારે દરબારે કહ્યું જે, ચોરી કરે છે અને પાપ કરે છે પણ મારા ગામનું રક્ષણ કરે છે. મારી પાસે કોરી નથી જે એને હું પગાર આપું. તે નોકરી કરે. અને તમે જો આઠ હજાર કોરી આપો તો હું એને પગાર આપું, તો એ પાપ ન કરે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અમે તો સાધુ છીએ, તે અમારી પાસે કોરીઓ ક્યાંથી હોય ? પણ તમે કહ્યું જે, મિયાણા ચોરી કરે છે અને પાપ પણ કરે છે, પણ ગામ તો સાચવે છે, તે કાંઇ પાપ કરે કોઇનું ગામ રહ્યું છે ? અને પાપ કરે તો ગામ જાય તો ખરું. માટે પાપ કરશો તો ગામ જાશે, અને પાપ નહીં કરો તો ગામ રહેશે. એવી રીતે શ્રીજીમહારાજે કહ્યું પણ દરબારથી મનાણું નહીં. પછી તે ડોસોજી દરબાર ઊઠી ગયા.

પછી શ્રીજી મહારાજે સર્વ સત્સંગીને બોલાવીને કહ્યું જે, ભુજનગરથી દરબારનું લશ્કર આવશે, તે ગામને મારીને લૂંટી લેશે. માટે તમે સર્વ સત્સંગી છો તે અહીંથી ઉચાળા લઇને બીજા ગામમાં જ્યાં જેને ફાવે ત્યાં જઇને રહેજો. અને અહીં જે રહેશે તે જરૂર લૂંટાઇ જશે અને તેને અન્ન વસ્ત્ર પણ નહીં મળે. માટે અહીં કોઇ પણ રહેશો નહીં. એમ કહીને શ્રીજી મહારાજ ત્યાંથી ચોબારી ગયા. ગામમાં પરજીઆ બ્રાહ્મણની ધર્મશાળામાં ઊતર્યા અને લુવાણા રામજી તથા ત્રીકમજી તથા વશરામ તેણે રસોઇ કરાવીને પાર્ષદે સહિત જમાડ્યા. અને ત્યાંથી મહારાજ ભચાઉ પધાર્યા.

ત્યાં વાણીઆ વાઘાને ઘેર ઊતર્યા. અને થાળ જમીને ગામ ધમડકા પધાર્યા અને જાડેજા કલ્યાણસંઘજીના દરબારમાં ઊતર્યા અને કરણીબાએ થાળ કરીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત રૂડી રીતે જમાડ્યા. પાંચ દિવસ રહીને ગામ દુધઇમાં સુતાર વિશ્રામને ઘેર થાળ જમીને ગામ ચાંદ્રાણીમાં અબોટી બ્રાહ્મણ જેઠા તથા હરિ હતા તેને ઘેર ઊતર્યા. ત્યાં થાળ જમીને ગામ ખોખરે પધાર્યા. સુતાર વાલજીને ઘેર ઊતર્યા. ત્યાં થાળ જમીને ગામ ભુજનગર પધાર્યા. ત્યાં જેઠી ગંગારામને ઘેર મેડી ઉપર ઊતર્યા. જેઠી ગંગારામે પાર્ષદે સહિત શ્રીજીમહારાજને રૂડી રસોઇ કરાવીને જમાડ્યા. અને ફૂલ મંડળી ભરાવીને શ્રીજી મહારાજને ફૂલના શણગાર ધરાવ્યા અને જમાડ્યા. એવી રીતે આનંદ ઉત્સવ કરતા અને લીલા કરતા થકા શ્રીજી મહારાજે બે માસ સુધી હરિભક્તને રાજી કર્યા હતા.

શ્રીજીમહારાજ ભુજમાં હતા ત્યાં ગુજરાતથી મહાનુભાવાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી બન્ને દર્શન કરવા આવ્યા. તેમને જોઇને શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે વર્તમાન ફેરવ્યાનો કાગળ લખી મોકલ્યો છે તે તમે જાણ્યું છે કે નહીં ? ત્યારે તે બે સંતોએ કહ્યું જે, અમને તો એ વાતની માલૂમ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, આજ દિવસથી ઘૂંઘટાનાં વર્તમાન તમારે છે. માટે ગુફા તુલ્ય આ મેડો છે તે આંહી તમે બેઠા સુખેથી ભજન કરો. અને બીજા સાધુ છે તે તમને ભિક્ષા લાવીને આપશે. એમ કહીને શ્રીજી મહારાજ માનકૂવા પધાર્યા.

તે સમયે ભગુજી ભુજ આવ્યા અને મહાનુભાવાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું જે, મારે મહારાજ પાસે પાળા થઇને રહેવું છે તે મહારાજ ક્યાં છે ? પછી સાધુએ કહ્યું જે, મહારાજ તો ગામ માનકૂવામાં બિરાજે છે માટે તમે ત્યાં જાઓ. પછી ભગુજી મહારાજ પાસે ગયા. ત્યાં શ્રીજી મહારાજની સમીપે રહ્યા અને શ્રીજી મહારાજના પાર્ષદ થયા. શ્રીજીમહારાજ પાછા ભુજ પધાર્યા. અને ગંગારામની મેડીએ ઊતર્યા. ત્યાં શ્રીજી મહારાજને શરીરે કેસરી ચંદનનો અંગરાગ કર્યો હતો તથા અગણિત પુષ્પના હાર, તોરા, બાજુબંધ, ગજરા વિગેરે શ્રીજી મહારાજનાં અંગમાં પ્રેમી ભક્તોએ ધારણ કરાવ્યા હતા અને ફૂલમંડળી કરીને હિંડોળામાં શ્રીજી મહારાજને પધરાવીને ઝુલાવવા લાગ્યા. તે સમયમાં ગંગારામ આદિ ભક્તજનો વાજિંત્ર વગાડીને કીર્તન ગાવા લાગ્યા. આવી શોભાએ યુક્ત હિંડોળામાં શ્રીહરિ ઝૂલતા હતા અને આગળ ધામધૂમ થઇ રહી હતી.

પછી શ્રીજી મહારાજે કહ્યું જે, આપણા સત્સંગમાં જે તલવારોના કરનાર જે કસબી લોકો છે તેને કહો જે, તલવારો લઇ આવીને ખીંટીએ વળગાડી મૂકો અને આપણે ઓચ્છવ કરીએ. પછી તે જ દિવસે મહેતો જગજીવન શિવને દર્શને ગયો. ત્યાં શિવને ફૂલ ચડાવ્યાં ન દીઠાં તેથી મહેતાએ શિવના સેવકને પૂછ્યું જે, આજે શિવને ફૂલ કેમ ચડાવ્યાં નથી ? ત્યારે શિવના સેવકે કહ્યું જે, આજ સ્વામિનારાયણના સત્સંગીઓ સર્વે મળીને મનમાન્યા પૈસા આપીને ફૂલ લઇ ગયા છે. તે સાંભળીને મહેતા જગજીવનને રીસ ચડી અને ઘેર જઇને જેઠી ગંગારામને ઘેર પોતાનો ચાકર જોવા સારુ મોકલ્યો. તે ચાકર અતિ શોભાએ યુક્ત શ્રીજી મહારાજને ફૂલ મંડળીમાં ઝુલતા જોઇને તે પુરબીઓ ઘણું વાંકુંડ બોલ્યો. તે સાંભળીને જેઠી ગંગારામે કહ્યું જે, ઝાઝી બકબક કેમ કરે છે ? જા, તારા મહેતાને કહેજે તારાથી થાય તે કરી લે.

પછી તે પુરબીએ આવીને જગજીવન મહેતાને કહ્યું જે, સ્વામિનારાયણ તો પ્રભુ થઇને હિંડોળે ઝૂલે છે. તે વચન સાંભળીને જગજીવનને રીસ ચડી ને પોતાનું મનુષ્ય મેલીને કહેવરાવ્યું જે, તમારે આ ગામમાં રહેવું નહીં. પછી તે વચન સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, આ ગામમાં પાપ કર્મ કરનારા પણ રહે છે અને બીજા સર્વે લોક પણ રહે છે. અમે શું ભૂંડું કર્યું છે જે, જતા રહીએ ? માટે જા ? તારા મહેતાને કહેજે કે, સ્વામિનારાયણ તો નહીં જાય. તારા મહેતાથી થાય તે ઉપાય કરી લે. ત્યારે તે ચાકરે જગજીવન મહેતાને તે પ્રમાણે કહ્યું.

તેવી રીતનાં શ્રીજી મહારાજનાં વચન સાંભળીને મહેતો ક્રોધે કરીને વ્યાપ્ત થયો અને પોતે ગંગારામભાઇને ઘેર આરબની હલ્લા લઇને આવ્યો. તે આરબની હલ્લાને જોઇને ગંગારામ જેઠી તથા માનકૂવાના ગરાસીયા અદોભાઇ આદિક ક્ષત્રિયો હતા તે ઢાલ, તલવાર, આદિક હથિયાર લઇને ઊભા થયા, અને ગંગારામ મલ્લ સિંહનાદ કરીને બોલ્યા જે, કોણ છે ? મશાલ લાવો, એમનાં મોઢાં તો જોઉં. જો ખડકીની માંહ્યલી કોરે પગ દેશો તો કટકે કટકા કરી નાખશું અને કેની માએ શેર સૂંઠ ખાધી છે જે, માંહી પગ દેશે ? એવી રીતનાં ગંગારામ ભાઇનાં વચનો સાંભળીને જેમ શીયાળીયાં સિંહની ગર્જનાથી ભાગે એવી રીતે ભાગવા લાગ્યા અને બોલ્યા જે, મારશો નહીં... મારશો નહીં... એમ કહેતા કહેતા ચાલ્યા ગયા. તેમાંથી એક જણે કહ્યું જે, સ્વામિનારાયણને જગજીવન મહેતો બોલાવે છે. ત્યારે જેઠી ગંગારામે કહ્યું જે, આ ટાણે રાતના સ્વામિનારાયણ નહીં આવે. જા તારા મહેતાને કહેજે.

પછી જેઠી ગંગારામે જેઠી વાલજીને ફતેહમહમદ જમાદારની પાસે મોકલ્યા. તેણે જમાદાર ફતેહમહમદને કહ્યું જે, અમારા ધણી તમે છો કે જગજીવન મહેતો છે ? અને જો અમારા ધણી તમે હો, તો આ જગજીવન મહેતો અમારા ગુરુ સ્વામિનારાયણને શા માટે રંજાડે છે ? પછી જમાદાર ફતેહમહમદે જગજીવનને ઘણોક ઠપકો દીધો જે, એ ફકીર લોકને શા સારુ છેડે છે ? અને સ્વામિનારાયણ તો મોટા ફકીર છે તે માટે તેમને કચવાવતાં તારું સારું નહીં થાય. તે વચન સાંભળીને જગજીવન મહેતો કાંઇ પણ બોલ્યો નહીં. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે માનકૂવા જવું છે ત્યારે જેઠી ગંગારામે હાથ જોડીને કહ્યું જે, આજ રાત રહો દર્શન આપો અને સવારમાં વહેલી રસોઇ કરાવશું તે જમીને પધારજો. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, બહુ સારું. સવારમાં જમીને ચાલશું. પછી શ્રીજી મહારાજ રાત રહ્યા અને સવારમાં ઊઠીને સ્નાન કરવા પધાર્યા. પછી તે મેડી ઉપર બિરાજ્યા. ત્યારે ગંગારામને પૂછ્યું જે રસોઇ થઇ ? ત્યારે ગંગારામે કહ્યું જે, પધારો મહારાજ.

પછી મહારાજ પધાર્યા અને આથમણે બાર ઓસરીએ ધાબળી પાથરી હતી તે ઉપર વિરાજમાન થયા. પછી ગંગારામ ભાઇ થાળ લાવ્યા અને મહારાજને સારી પેઠે જમાડ્યા. પછી મહારાજ આચમન કરીને ઊઠ્યા ત્યારે જેઠી ગંગારામે કહ્યું જે, હે મહારાજ ! હવે સાધુ, પાળા, અને બહાર ગામના હરિભક્તો જે હોય તેમને આ ચોકમાં પંક્તિ કરાવીને તમે પીરસો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, પંક્તિ કરો. પછી પંક્તિ કરાવીને શ્રીજી મહારાજે સર્વ સંતોને અને સત્સંગીઓને સારી પેઠે જમાડ્યા.

પછી ગંગારામભાઇએ ચંદન, પુષ્પોના હાર તથા વસ્ત્રે કરીને શ્રીજી મહારાજની પૂજા કરી. પછી શ્રીજીમહારાજ વાજતે ગાજતે પધાર્યા તે મહેતા જગજીવનરામના ઘર પાસેથી ચાલ્યા અને જય સચ્ચિદાનંદ કહ્યા. તે સાંભળીને મહેતો જગજીવન ઘણો વિસ્મય પામ્યો. ત્યાંથી ફતેહમહમદના ઘર પાસેથી પધાર્યા. તેમને જોઇને ફતેહમહમદ ઘણો ખુશી થયો. ત્યાંથી આપણા જુના બાગમાં પધાર્યા અને જ્યાં છત્રી કરી છે ત્યાં બિરાજ્યા અને ત્યાંથી માનકૂવા પધાર્યા. ત્યાં ત્રણ ચાર દિવસ રહીને ગામ સામત્રામાં પટેલ રૂડાની વાડીએ ઓટો છે ત્યાં આવીને બેઠા. ત્યાં પટેલના ઘેરથી રોટલા આવ્યા. ત્યારે પટેલે શ્રીજીમહારાજને પૂછ્યું જે, હે મહારાજ ! રોટલા જમશો ? ત્યારે મહારાજે કહ્યું જે, તમારી ઇચ્છા. ત્યારે પટેલે શ્રીજીમહારાજને ઘી ચોપડીને બાજરાનો રોટલો અને લીંબુનું અથાણું અતિ હેતે, પ્રીતે કરીને આપ્યું તે શ્રીજીમહારાજ જમ્યા. પછી પાણી પીને સાંજ સુધી ત્યાં બેઠા.

પછી રૂડા ભક્તની વાડીથી દક્ષિણ બાજુ ખળું હતું તેમાં ઘઉંના ભર પડ્યા હતા તેમાં રાત્રિએ પોઢી ગયા. પછી ત્યાંથી પ્રાતઃકાળમાં ચાલ્યા તે પટેલ કલ્યાણ તથા સૂરો, તેમની સાત કોશી વાડીએ પધાર્યા અને ત્યાં રાત રહ્યા. અને તે વાડીમાં એક મુસલમાન સાંયો રહેતો હતો તે અતિ પાપી હતો પણ મહારાજની વાતો સાંભળીને તે સત્સંગી થયો. તેને શ્રીજી મહારાજે દિવ્ય દૃષ્ટિ આપી. તે સાત દિવસ સુધી જ્યાં જુવે ત્યાં શ્રીજી મહારાજની મૂર્તિ દેખાતી હતી તેથી તે આશ્ચર્ય પામ્યો ને જીવ્યો ત્યાં સુધી તેણે સત્સંગ રાખ્યો હતો. પછી પટેલ કલ્યાણે શ્રીજી મહારાજને રોટલો ઘીથી ચોપડીને ઉપર કેળાં મેલીને સારી પેઠે જમાડ્યા. પછી શ્રીજીમહારાજ ગામ તેરા પધાર્યા. ત્યાં પ્રાગજી દવેને તેડાવીને શ્રીમદ્‌ ભાગવતની કથાનો પ્રારંભ કરાવ્યો. તે વાત સાંભળીને ગામ ભચાઉમાં પ્રથમ પોતે મોકલેલા જે મહાનુભાવાનંદ સ્વામી આદિ સંતમંડળ તે શ્રીજી મહારાજનાં દર્શન કરવા ત્યાં આવ્યા. તે સમયે શ્રીજી મહારાજે તેમને કહ્યું જે, જ્યાં સુધી તમે અમારાં દર્શન કરો ત્યાં સુધી તમારે ઘૂંઘટનું નિયમ નહીં અને જ્યારે અમારાં દર્શન ન થાય ત્યારે ઘૂંઘટનું નિયમ યથાર્થ પાળવું, એમ કહીને પોતે મોટેરા પરમહંસોને ભિક્ષા માગવાની આજ્ઞા આપી. ત્યારે સંત ભિક્ષા માગવા ગયા. ભિક્ષાનું જે અન્ન મળ્યું તે લઇને આવ્યા.

પછી તે સર્વ અન્નના ગોળા કરીને સર્વેએ જમવાનો આરંભ કર્યો, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અમને ગોળો આપો. ત્યારે સંતોએ ગોળો ન આપ્યો. ત્યારે પોતે ઊઠીને એમાંથી એક ગોળો ઉપાડી લીધો અને પોતે જમવા લાગ્યા. જમતા જાય ને વખાણ કરતા જાય, તે સમયે એમ બોલ્યા જે, આ તો ચુરણ જેવા ઔષધરૂપ છે તે આ જે ગોળા જમે તેના વિકાર માત્રને ટાળી નાખે એવા છે. એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ હું તમને ભિક્ષા મંગાવું છું તે કાંઇ દુર્બળતાથી નથી મંગાવતો. હું તો એવો સમર્થ છું જે, તમે પર્વતના શિખર ઉપર બેઠા હો તો ત્યાં પણ લાડુનો વરસાદ વરસાવું એવો છું. એમ કહીને પછી મહાનુભાવાનંદ સ્વામી આદિ મંડળને નળીઆ-કોઠારા આદિ ગામો પ્રત્યે ફરવા મોકલ્યા ત્યાં અસુરાંશ વિતરાગીઓએ આવીને સાધુને માર્યા. ત્યારે તે સંત તો પાછા શ્રીજીમહારાજ પાસે આવ્યા અને તે સાધુને વાગેલ જોઇને શ્રીજી મહારાજે કહ્યું જે, અસુરનો થોડાક કાળમાં પરાભવ થઇ જશે. ત્યાર પછી મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું જે, વ્યાકરણ ભણો.

ત્યારે તેમણે કહ્યું જે, સારું મહારાજ ભણશું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, સારી રીતે દાખડો (મહેનત) કરીને ભણો અને હું તમારે માટે માળા-ભજન કરીશ, અને તમે ભણો. વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે ગુજરાતમાં જાઓ અને ત્યાંથી મુક્તાનંદ સ્વામી આદિક સાધુને અમારી પાસે મોકલજો. પછી મહાનુભાવાનંદ આદિક સંતો ચાલ્યા તે ગુજરાત ગયા. અને ત્યાં મુક્તાનંદ સ્વામીને સમાચાર કહ્યા જે, તમને મહારાજે તેડાવ્યા છે. પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો ચાલ્યા તે ગામ તેરા આવ્યા અને શ્રીજીમહારાજનાં દર્શન કર્યા. એવી રીતે તેરા ગામમાં બે માસ રહીને લીલા કરી, પછી ત્યાંથી સંતમંડળ સહિત ગામ કાળાતળાવ પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે જેતલપુરમાં યજ્ઞ કરવા સાહેબને પૂછ્યું તથા ગંગારામભાઇને ઘેર ફૂલમંડળીમાં ઝૂલ્યા અને ત્યાંથી ગામ માનકૂવા પધાર્યા અને ત્યાંથી કાળાતળાવ પધાર્યા એ નામે બાસઠમો અધ્યાય. ૬૨.